પંજાબના સીએમ પદેથી અમરિંદરસિંહનું રાજીનામું : શું કૅપ્ટન અને નવજોતસિંહ સિદ્ધુની અદાવત ચૂંટણીમાં કૉંગ્રેસની મુશ્કેલી બનશે?
પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહે શનિવારે રાજીનામું આપ્યા પછી પોતાના ઘોર વિરોધી નવજોતસિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું.
પંજાબ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ તેમના ઘોર વિરોધી રહ્યા છે અને તેમને પદ પરથી હઠાવવા માટે સિદ્ધુ સક્રિય હતા.
ફેબ્રુઆરી 2022 ની પંજાબ વિઘાનસભાની ચૂંટણીમાં સિદ્ધુને ચહેરો બનાવવાની અટકળો વચ્ચે અમરિંદરસિંહે કહ્યું કે " મારા દેશના હિત માટે આવનારી ચૂંટણીમાં તેમને મુખ્ય મંત્રીનો ચહેરો બનાવવાના નિર્ણયનો હું વિરોધ કરીશ. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સિદ્ધુના મિત્ર છે. પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે નવજોતસિંહ સિદ્ધનો સીધો સંબંધ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પાકિસ્તાનના વડા પ્રધાનપદ માટે ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સિદ્ધુને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એ વખતે અમરિંદરસિંહે કહ્યું હતું કે તેમણે પાકિસ્તાનન જવું જોઈએ.
જોકે સિદ્ધુએ તેમની સલાહ નહોતી માની અને તેઓ પાકિસ્તાન ગયા હતા.
ત્યાર બાદ તેઓ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ભેટ્યા હતા અને અમરિંદરસિંહે તેમની આકરી ટીકા કરી હતી.
અમરિંદરસિંહે શનિવારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને પોતાનું રાજીનામું આપી દીધું છે. કૅપ્ટન અમરિન્દરસિંહના પુત્ર રનિન્દરસિંહે ટ્વિટર પર તેની જાણકારી આપી હતી.
કૅપ્ટન અમરિન્દરસિંહની સાથે કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ એટલે કે કૅબિનેટે પણ રાજ્પાલને રાજીનામું આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોનિયા ગાંધી કરશે નવા મુખ્ય મંત્રીનું નામ નક્કી

ઇમેજ સ્રોત, TWITTER
પંજાબ કૉંગ્રેસના ધારાસભ્યોની મહત્ત્વપૂર્ણ બેઠક પછી હરીશ રાવતે કહ્યું કે બેઠકમાં બે ઠરાવ સ્વીકાર કરવામાં આવ્યા.
હરીશ રાવતે કહ્યું કે કૅપ્ટન અમરિંદરસિંહે પંજાબમાં સારું કામ કર્યું અને પાર્ટીને આશા છે કે તેમનું માર્ગદર્શન પાર્ટીને મળતું રહેશે.
હરીશ રાવતે કહ્યું કે નવા મુખ્ય મંત્રી કોણ હશે એનો નિર્ણય સોનિયા ગાંધી કરશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્યો ચંડીગઢમાં રહેશે અને પંજાબના નવા મુખ્ય મંત્રીનું નામ આજે અથવા રવિવારે નક્કી થઈ જશે, સુનીલ જાખર મુખ્ય મંત્રી પદની દોડમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા અંબિકા સોની તથા વિજયઇન્દર સાંગલાનું નામ પણ આ દોડમાં સામેલ છે. પરંતુ કૉંગ્રેસ આવનારી વિધાનસભા ચૂંટણી નવા મુખ્ય મંત્રી હેઠળ નહીં લડે.
અમરિંદરસિંહે રાજભવનથી બહાર નીકળ્યા બાદ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે "આવું ત્રીજી વાર થયું છે, જ્યારે મારા નેતૃત્વ પર શંકા કરવામાં આવી હોય. મને લાગે છે કે મારું અપમાન થયું છે અને તેના કારણે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો."
"મેં રાજીનામું આપી દીધું છે, હવે હાઇકમાન ઇચ્છે તેને પ્રદેશનું નેતૃત્વ આપે."
કૉંગ્રેસ પાર્ટી છોડવા કે ભાજપમાં સામેલ થવાના સવાલ પર કૅપ્ટન અમરિંદરસિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "હું કૉંગ્રેસ પાર્ટીમાં છું અને મારી પાર્ટીના કાર્યકરો અને સાથીઓ સાથે વાત કરીશ અને પછી આગળનો નિર્ણય લઈશ."

મોદી વૅવમાં પણ અજેય હતા કૉંગ્રેસના દિગ્ગજ નેતા કૅપ્ટન અમરિંદરસિંહ

ઇમેજ સ્રોત, Ani
2014માં જ્યારે કૉંગ્રેસના મોટા નેતાઓ લોકસભા ચૂંટણી લડવાથી બચી રહ્યા હતા એવી ધારણા હતી ત્યારે કૅપ્ટન અમરિન્દરસિંહે અરુણ જેટલી સામે અમૃતસર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીતી પણ હતી. એ વખતે કૅપ્ટન ધારાસભ્ય હતા.
2017માં પણ કૅપ્ટનની આગેવાનીમાં કૉંગ્રેસે પંજાબમાં 117 બેઠકોમાંથી 77 બેઠકો કબજે કરી અને દસ વર્ષ પછી સત્તા ફરીથી મેળવી હતી.
આ જીતનું મહત્ત્વ ખૂબ હતું, કારણ કે 2014માં નરેન્દ્ર મોદીની કેન્દ્રમાં સરકાર બની એ પછી ભાજપ સતત અનેક રાજ્યમાં જીત મેળવી રહ્યો હતો.
2014માં ભાજપે હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, આસામ, ગુજરાત, હિમાચલ પ્રદેશમાં જીત મેળવી હતી. જોકે, પંજાબમાં સત્તા ફરી મેળવીને કૅપ્ટન ભાજપનો વિજયરથ રોકનાર નેતામાં સામેલ થયા.
2019માં જ્યારે ચારેતરફ મોદીની લહેરની વાત હતી ત્યારે કૉંગ્રેસે પંજાબમાં 13 લોકસભા બેઠકોમાં 8 બેઠકો જીતી હતી અને કૉંગ્રેસમાં એમનું કદ વધ્યું હતું.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, TWITTER
નવજોતસિંહ સિદ્ધુ અને પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહ વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
માનવામાં આવે છે કે સિદ્ધુ જ્યારે ભાજપ છોડીને કૉંગ્રેસમાં સામેલ થયા ત્યારથી તેની શરૂઆત થઈ હતી.
જોકે તેમને કૅપ્ટનની સરકારમાં મંત્રીપદ પણ અપાયું હતું, પણ બંને વચ્ચે સંબંધો વણસતા ગયા અને પછી તેમણે મંત્રીપદથી રાજીનામું ધરી દીધું હતું.
બાદમાં કૅપ્ટનની નારાજગી છતાં કૉંગ્રેસે સિદ્ધુને આ વર્ષે જુલાઈમાં પ્રદેશ અધ્યક્ષનું પદ આપ્યું હતું, બાદમાં ફરી વાર બંને વચ્ચે ટક્કર જોવા મળી હતી.
બંને એકબીજા પર નિવેદનબાજી પણ કરતા રહ્યા હતા.
એક સમયે સિદ્ધુએ કૅપ્ટન વિરુદ્ધ કેટલાંક ટ્વીટ કર્યાં હતાં, બાદમાં કૅપ્ટને કહ્યું કે તેઓ સિદ્ધુને ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તેઓ માફી નહીં માગે.
બાદમાં બંને નેતાઓ અલગઅલગ સમયે દિલ્હીમાં કૉંગ્રેસ હાઇકમાનને મળવા આવવા લાગ્યા હતા.
આ સ્થિતિ એવા સમયે સર્જાઈ છે કે હવે પંજાબમાં આગામી વર્ષે શરૂઆતમાં જ વિધાનસભા ચૂંટણી થવાની છે અને પોતાની સરકાર પણ બરકરાર રાખવાની છે.
કૉંગ્રેસે જોખમ લીધું કે જોખમ ટાળ્યું?

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
બીબીસીની પંજાબી ભાષાના ઍડિટર અતુલ સંગરનું વિશ્લેષણ:
પંજાબમાં કૉંગ્રેસ પોતે જ રચેલી જાળમાં ફસાઈ ગઈ છે અને હવે પાર્ટી આ જાળમાં પડેલી ગાંઠો ખૂલવા લાગી છે.
આ દરમિયાન પાર્ટીએ ઘણો સમય ગુમાવી દીધો છે અને પાર્ટીની છબિને પણ નુકસાન થયું છે અને ફેબ્રુઆરી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીએ રિસ્ક લીધું છે.
કૉંગ્રેસ હાઇકમાને ટ્વીટ કરીને ધારાસભ્યોની બેઠક બોલાવી ત્યાર બાદ કૅપ્ટન અમરિંદરસિંહને અપમાનજનક રીતે સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું.
નવ વર્ષ સુધી મુખ્ય મંત્રી રહેલા અમરિંદરસિંહ કૉંગ્રેસના દિગ્ગજ નેતા ગણાય છે.
કૉંગ્રેસ પાર્ટીમાં જે રીતે અમરિંદરસિંહનું અપમાન થયું છે તેને જોતાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને નુકસાન થઈ શકે છે.
કૉંગ્રેસના નેતાઓ સાથે વાત કરીએ તો સમજી શકાય કે પાર્ટીનો ગેઇમપ્લાન એકદમ સરળ છે. કૅપ્ટનની સરકાર સામે ઍન્ટિ-ઇન્કમ્બન્સી વધી રહી હતી, કૉંગ્રેસમાં કેટલાક નેતાઓ માને છે કે આ જ કારણે જો અમરિંદરસિંહને હઠાવી દેવાય તો ચૂંટણી પહેલાં પાંચ મહિનામાં કંઈક સુરક્ષિત રસ્તો કાઢી શકાશે.
એક વર્ષ પહેલાં કૉંગ્રેસ અને કૅપ્ટન અમરિંદરસિંહ માટે પરિસ્થિતિ આટલી ખરાબ નહોતી દેખાતી પરંતુ કામ ન થવા, સરકારી હોદ્દા પર બેસેલા લોકો સાથ સંપર્ક ન થવા, ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂર્ણ ન થવાની ચર્ચાઓ થવા લાગી હતી.
પરંતુ ત્યારે અસંતોષનો જુવાળ જોવા નહોતો મળતો.

ઇમેજ સ્રોત, Getty Images
હવે અસંતોષના જે જુવાળને કારણે અમરિંદરસિંહે રાજીનામું આપવું પડ્યું તેનું શ્રેય પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બનેલા નવજોતસિંહ સિદ્ધુને જાય છે.
કૅપ્ટન અમરિંદરસિંહ દ્વારા પાકિસ્તાનના જનરલ બાજવાને ભેટવા માટે નવજોતસિંહ સિદ્ધુની ટીકા કરવામાં આવી હતી. કરતારપુર સાહિબ શીખોનું પવિત્ર ધાર્મિક સ્થળ છે અને શીખોના પ્રથમ ગુરુ નાનક કેટલાંક વર્ષો અહીં રહ્યા હતા, હવે કરતારપુર પાકિસ્તાનનો હિસ્સો છે.
બે વર્ષ સુધી અમરિંદરસિંહની કૅબિનેટમાં મંત્રી રહ્યા પછી વિવાદ અને મતભેદને કારણે સિદ્ધુએ કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
પોતાની યૂટ્યૂબ ચૅનલ પર તેમણે છેલ્લા એક વર્ષથી કૅપ્ટન અમરિંદરસિંહની સરકારની આકરી ટીકા કરી હતી અને તેમણે વાયદા પૂરા ન કરવાના આરોપ અમરિંદરસિંહની સરકાર પર લગાવ્યા હતા જેને કારણે ઍન્ટિ-ઇન્કમ્બન્સી વધવા પામી હતી તેવું તેમનું કહેવું હતું.
એટલે કહી શકાય કે અકાલીદળના સુખબીરસિંહ બાદલ આમ આદમી પાર્ટીના ભગવંત માન જે ન કરી શક્યા એ એકલે હાથે નવજોતસિંહ સિદ્ધુએ કરી બતાવ્યું.
એવું નથી કે ચાર વર્ષમાં અમરિંદરસિંહ સરકાર ઘેરાઈ નહોતી.
ડ્રગના ધંધા પર લગામ, રોજગારી સર્જન અને ખેડૂતોના દેવા માફ કરવા તથા શીખોના ધાર્મિક ગ્રંથ ગુરુ ગ્રંથસાહિબની બેઅદબીના મામલામાં સજા કરાવવાના વાયદો પૂરા ન થતા તેમની સરકાર સામે રોષ વધી રહ્યો હતો.
સિદ્ધુએ આ અસંતોષને એક મજબૂત અવાજ આપ્યો અને ગાંધી પરિવારના આશીર્વાદથી કૉંગ્રેસના આંતરિક વિખવાદને ઘરઘરમાં ચર્ચાનો વિષય બનાવી દીધો. આના પુરસ્કારના સ્વરૂપમાં તેમને પંજાબ કૉંગ્રેસનું નેતૃત્વ સોંપી દેવામાં આવ્યું હતું.

કૉંગ્રેસ માટે આગળ મુશ્કેલી વધશે?

ઇમેજ સ્રોત, STRINGER/Getty
પંજાબમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે, આવી પરિસ્થિતિમાં કૉંગ્રેસ માટે આવનારો સમય મુશ્કેલીભર્યો છે.
નવા મુખ્ય મંત્રીના ચહેરા અને નિષ્ફળ માનવામાં આવતા મંત્રીઓ અને ધારાસભ્યો સાથે ચૂંટણીમાં ઊતરનારી કૉંગ્રેસ માટે મતદારોને એ વિશ્વાસ અપાવવો સરળ નહીં હોય કે તેમણે ફેરફારો કર્યા છે અને તેને નવી તક મળવી જોઈએ.
કૉંગ્રેસના નેતાઓમાં સિદ્ધુને મુખ્ય મંત્રી બનાવવાની અને તેમને ચૂંટણીમાં નવા મુખ્ય મંત્રી તરીકે રજૂ કરવાની ચર્ચા છે. જેથી તેમને અકાલી દળના સુખબીરસિંહ બાદલની સામે વિકલ્પના રૂપમાં રજૂ કરી શકાય.
આવનારા ચાર મહિનામાં જોવાનું રહેશે કે કૉંગ્રેસ એવું શું હાંસલ કરે છે જે તેમણે છેલ્લાં ચાર વર્ષમાં ન કર્યું જેનાથી પંજાબના મતદારોનો ભરોસો જીતી શકાય.
ચાર મહિના માટે વચગાળાના મુખ્ય મંત્રી તરીકે પૂર્વ પજાંબ પ્રદેશ પ્રમુખ સુનીલ જાખર રહી શકે છે અને ચૂંટણીમાં પંજાબ કૉંગ્રેસના ચહેરા તરીકે નવજોતસિંહ સિદ્ધુને આગળ કરવામાં આવશે.
આમ તેઓ આવનારી ચૂંટણી પછી જો કૉંગ્રેસને બહુમતી મળે તો મુખ્ય મંત્રી બની શકે છે.
જોકે અમરિંદરસિંહે હજુ પોતાનાં પત્તાં ખોલ્યાં નથી અને તેમણે કહ્યું કે તેઓ સહયોગીઓ સાથે ચર્ચાવિચારણા કરશે અને રાજકારણમાં પોતાના ભવિષ્ય વિશે નિર્ણય કરશે.
તેમણે કહ્યું, " જ્યારે સમય આવશે ત્યારે હું નિર્ણય લઈશ."
તેનો અર્થ છે કે નવ વર્ષ સુધી મુખ્ય મંત્રી તરીકે અનુભવ ધરાવતા અમરિંદરસિંહનું કદ ઘણું ઊંચું છે. તેમનું રાજકીય પ્રભુત્વ વધુ છે અને તેઓ શાંત નહીં બેસે. ચૂંટણી થવામાં માત્ર ચાર-પાંચ મહિના છે તેને જોતાં કૉંગ્રેસ માટે રસ્તો સરળ નહીં રહે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












