અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાનો એક મહિનો, કેવું છે ‘ઇસ્લામિક અમીરાત’નું જીવન?

    • લેેખક, સિકન્દર કરમાણી
    • પદ, બીબીસી ન્યૂઝ, મઝાર-એ-શરીફ

ઉઝબેકિસ્તાન સાથેની અફઘાનિસ્તાનની સરહદે પુલ પરથી પસાર થઈને માલગાડી નવા રચાયેલા "ઇસ્લામિક અમિરાત" પ્રવેશે છે.

ઉઝબેકના ધ્વજની સાથે જ તાલિબાનનો શ્વેત-શ્યામ ઝંડો પર ફરકી રહ્યો છે. કેટલાક વેપારીઓ તાલિબાન સત્તાધીશ બન્યા તેની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

હૈરાત ખાતે લડવૈયા
ઇમેજ કૅપ્શન, હૈરાત ખાતે તાલિબાની લડવૈયા

માલગાડીમાં ઘઉં આવ્યા છે અને તે ભરવા માટે ટ્રક લઈને આવેલા ડ્રાઇવરે મને જણાવ્યું કે ભૂતકાળમાં અહીં જે પોલીસચોકી હતી તેને પસાર કરવા માટે લાંચ આપવી પડતી હતી.

ડ્રાઇવર કહે છે, "હવે એવું રહ્યું નથી. કાબુલ સુધી હું જાઉં છું ને મારે ક્યાંય લાંચ આપવી પડતી નથી."

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થઈ ગયો તેને એક મહિનો થઈ ગયો છે. લોકોના હાથમાં રોકડની તંગી ઊભી થઈ છે અને દેશમાં આર્થિક સ્થિતિ તંગ બની રહી છે.

line

કેવો છે વેપાર-ધંધો?

મઝાર-એ-શરીફ ખાતેની બ્લૂ મસ્જિદ
ઇમેજ કૅપ્શન, મઝાર-એ-શરીફ ખાતેની બ્લૂ મસ્જિદ

વેપારીઓના એક સ્રોતે મને જણાવ્યું કે કામકાજ બહુ ઘટી ગયું છે. નવો માલ ખરીદવા માટે અફઘાન આયાતકારો પાસે પૈસા ના હોવાથી આયાત થઈ રહી નથી.

હૈરાત ખાતેના કસ્ટમ્સ વિભાગના અધિકારી મૌલવી સઇદે જણાવ્યું કે આયાત-નિકાસ વધે તે માટે જકાતના દર ઓછા કરવામાં આવી રહ્યા છે. ધનિક વેપારીઓ દેશમાં પરત ફરે અને વેપાર કરતા થાય તેમ અમે ઇચ્છીએ છીએ.

તેમણે કહ્યું, "વેપારથી લોકોને રોજગારી મળશે અને વેપારીઓને પણ સારું ફળ મળશે."

આ આયાતચોકીથી દેશનું સૌથી મોટું ચોથું શહેર મઝાર-એ-શરીફ એક કલાકના રસ્તે આવેલું છે.

ઉપરથી જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું હોય એવું લાગે છે, પણ ઘણા લોકો માટે આર્થિક તંગી વધી રહી છે.

શહેરના કેન્દ્રમાં આવેલી આકર્ષક કોતરકામ કરેલી બ્લૂ મસ્જિદમાં હું પહોંચ્યો. હું છેલ્લે તાલિબાનનો કબજો થયો તે પહેલાં ઑગસ્ટમાં અહીં આવ્યો હતો. તે વખતે મસ્જિદમાં યુવાન નરનારીઓ મેદાનમાં મહાલતાં અને સેલ્ફી લેતાં દેખાતાં હતાં.

હવે તાલિબાને મસ્જિદમાં પ્રવેશ માટે મહિલાઓ અને પુરુષો માટે અલગઅલગ સમય ફાળવી દીધો છે.

મહિલાઓ સવારે મસ્જિદમાં આવી શકે છે અને ત્યાર બાદ સમગ્ર દિવસ દરમિયાન પુરુષો આવી શકે છે.

અમે મસ્જિદમાં ગયા ત્યારે ઘણી બધી મહિલાઓ ત્યાં હતી, પરંતુ અગાઉ કરતાં સંખ્યા ઓછી દેખાતી હતી.

એક મહિલાએ સંકોચ સાથે વાતચીત કરતાં કહ્યું કે "આમ તો બધું બરાબર છે, પણ નવી સરકાર આવી છે એટલે લોકોને ટેવાતા થોડો સમય લાગશે."

તાલિબાનના સ્થાનિક નેતા હાજી હેકમતને હું મળ્યો. મેં તેમને સવાલ પૂછ્યો કે "તમે લોકોએ સુરક્ષાની સ્થિતિ લાવી છે, પણ ટીકાકારો કહે છે કે અહીંની સંસ્કૃતિને તમે ખતમ કરી રહ્યા છો."

તેમણે ભારપૂર્વક જવાબ આપતાં કહ્યું, "બિલકુલ નહીં. છેલ્લાં 20 વર્ષથી પશ્ચિમની અસર આવી ગઈ હતી. છેલ્લાં 40 વર્ષોથી અફઘાનિસ્તાન પર એક પછી એક વિદેશી તાકાતોનો કબજો થતો રહ્યો હતો. તેના કારણે આપણે આપણી પરંપરા, આપણાં મૂલ્યો ભૂલી ગયા. અમે સંસ્કૃતિને ફરીથી જીવંત કરી રહ્યા છીએ."

તેમણે જણાવ્યું કે પોતાની ઇસ્લામની સમજ પ્રમાણે સ્ત્રીઓ-પુરુષોનું હળવુંમળવું પ્રતિબંધિત છે.

લોકોનું સમર્થન તાલિબાનોને છે એવું ખરેખર હાજી હેકમત માનતા હોય તેવું લાગ્યું.

જોકે તેઓ સાંભળી ના શકે તે રીતે અમારી એક મહિલા સાથીએ કાનમાં કહ્યું, "આ લોકો સારા નથી."

line

કેવું છે સમાજજીવન?

અફઘાનના શહેરોમાં ઘણા લોકોને હજી તાલિબાન પર ભરોસો નથી
ઇમેજ કૅપ્શન, અફઘાનના શહેરોમાં ઘણા લોકોને હજી તાલિબાન પર ભરોસો નથી

ગામડાંના રૂઢિચૂસ્ત વિસ્તારોમાં તાલિબાન ઇસ્લામનું અર્થઘટન કરે તેની સામે બહુ વાંધો પડે તેવો નથી, પરંતુ અફઘાન શહેરોમાં ઘણા લોકોને હજી તાલિબાન પર ભરોસો નથી.

હાજી હેકમત કહે છે કે આવા અવિશ્વાસનું કારણ વર્ષોથી ચાલતો પ્રચાર છે. જોકે શહેરોમાં વારંવાર હુમલા થયા હતા, બોમ્બવિસ્ફોટ અને હત્યાઓ થતી રહી હતી તેના કારણે પણ અવિશ્વાસ જાગ્યો છે.

બ્લૂ મસ્જિદ છોડીને અમે બહાર નીકળ્યા ત્યારે મુખ્ય માર્ગ પર અમે લોકોનું ટોળું જોયું.

અમે ત્યાં જઈને જોયું તો વચ્ચે ચાર મૃતદેહ પડ્યા હતા અને તેમના પર ગોળીઓનાં નિશાન હતાં.

એક મૃતદેહની માથે કાગળ પડ્યો હતો, જેમાં લખાયેલું હતું કે આ માણસ કિડનેપર હતો. તેમાં ચેતવણી અપાઈ હતી કે ગુનો કરનારાની આવી જ વલે થશે.

ગરમીને કારણે મૃતદેહો સડવા લાગ્યા હતા અને ગંધ આવતી હતી, છતાં લોકો ફોટો પાડી રહ્યા હતા. લોકો મૃતદેહોને જોવા માટે ધક્કામુક્કી પણ કરી રહ્યા હતા.

અફઘાનિસ્તાનનાં શહેરોમાં હિંસા પ્રથમથી જ મોટી સમસ્યા રહી છે. આ બાબતમાં તાલિબાનના ટીકાકારો પણ કહે છે કે તાલિબાની શાસનમાં સુરક્ષા વધી છે. ટોળામાંથી એક જણે કહ્યું, "આ લોકો કિડનેપર હોય તો ભલેને માર્યા ગયા. બીજાને તેમાંથી સબક મળશે."

જોકે શહેરમાં રહેતા દરેક સુરક્ષાની લાગણી અનુભવતા નથી.

કાયદાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થિની ફરઝાના કહે છે, "હું મારા ઘરની બહાર નીકળું અને કોઈ તાલિબાનને જોવું ત્યારે હું ડરથી ધ્રૂજવા લાગું છું."

ફરઝાના જ્યાં અભ્યાસ કરે છે તેવી ખાનગી કૉલેજો હવે ખૂલવા લાગી છે, પણ સરકારી કૉલેજો હજીય બંધ છે. તાલિબાનના નવાં ફરમાનો મુજબ છોકરા-છોકરીઓ ભેગા ભણતાં હોય ત્યાં ક્લાસમાં વચ્ચે પડદો રાખવો જરૂરી છે.

ફરઝાનાને જોકે તેનો કોઈ વાંધો નથી. તેને વધારે ચિંતા એ છે કે તાલિબાન મહિલાઓને કામ નહીં કરવા દે.

જોકે તાલિબાન કહે છે કે મહિલાઓને કામ કરવાની છૂટ અપાશે. અત્યારે જોકે પોતાની સલામતી ખાતર મહિલાઓને ઘરની અંદર જ રહેવા માટે લોકો સલાહ આપે છે. માત્ર શિક્ષિકાઓ અને મહિલા આરોગ્યકર્મચારીઓને બહાર જવાની છૂટ છે.

યુનિવર્સિટીમાં ભણતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચે પડદા લગાવાયા છે
ઇમેજ કૅપ્શન, યુનિવર્સિટીમાં ભણતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચે પડદા લગાવાયા છે

ફરઝાના કહે છે, "હું બહુ હતાશ થઈ ગઈ છું પણ હું ભવિષ્યની આશા રાખીને બેઠી છું."

છેલ્લે જ્યારે તાલિબાનના હાથમાં સત્તા આવેલી ત્યારે અત્યાર કરતાં વધારે કડક પ્રતિબંધો લાગુ કર્યા હતા. તે વખતે કુટુંબના પુરુષ સભ્યની સાથે જ મહિલાને બહાર નીકળવાની છૂટ હતી.

જોકે અફઘાનિસ્તાનાં ઘણાં શહેરોમાં એવો ભય છે કે આગળ જતાં એવા કડક પ્રતિબંધો આવે પણ ખરા.

તાલિબાને અત્યારે સમગ્ર દેશમાં કબજો જમાવી દીધો છે, પણ હજી સુધી લોકોનાં દિલ તેઓ જીતી શક્યા નથી.

હાજી હેકમત તે વાત સાથે સહમત થતાં કહે છે, "લશ્કરી રીતે દેશનો કબજો કરી લેવાનું મુશ્કેલ હતું, પણ હવે કાયદો અને વ્યવસ્થા લાગુ કરવાની વાત વધારે અઘરી છે."

-મલિક મુદસીર અને શમ્સ અહમદઝાઇના અહેવાલો સાથે

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો