શું ગુજરાતના ખેડૂતોની કુલ આવક 1 લાખ 40 હજાર કરોડ રૂપિયા છે? - રિયાલિટી ચેક

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

સરકારના સત્તાવાર આંકડા મુજબ દેશમાં ખેડૂતો પર કુલ લગભગ 17 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને ગુજરાતના ખેડૂતો પર લગભગ 90 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

જોકે, નાયબ મુખ્ય મંત્રીપદની સત્તા ગઈ તેના ચોવીસેક કલાક અગાઉ નીતિન પટેલે ગુજરાતમાં ખેડૂતોની કુલ આવક 1.40 લાખ કરોડ થઈ ગઈ હોવાનું કહ્યું હતું.

નીતિન પટલે હવે નાયબ મુખ્ય મંત્રીપદે નથી રહ્યા પણ તેમનું ખેડૂતોની આવકનું નિવેદન ચર્ચાનો વિષય છે.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ

ઇમેજ સ્રોત, NITIN PATEL/FB

ઇમેજ કૅપ્શન, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ

નીતિન પટેલે આ વાત 9 સપ્ટેમ્બરે કરી હતી અને બે દિવસમાં જ ગુજરાતની રાજનીતિમાં અચાનક ભૂકંપ આવ્યો અને એ અઠવાડિયામાં ભાજપે પોતે જ પોતાની આખેઆખી સરકાર બદલી નાખી.

નીતિન પટેલે કહ્યું હતું કે, "ગત વર્ષે ગુજરાતના ખેડૂતોની આવક વધીને 1.40 લાખ કરોડ રૂપિયા થઈ છે."

નીતિન પટેલનો દાવો અને તેવી હકીકતો તપાસવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો.

વીરમગામમાં એપીએમસીમાં એક ઉદ્ઘાટનની સભાને સંબોધન કરતા નીતિન પટેલે કહ્યું હતું, "કૉંગ્રેસની સરકાર હતી. તમે બધા ખેડૂતો આખા ગુજરાતના ગમે તે પાક વાવો... કોઈ પણ પાક હોય અને તમે એને વેચો એની આખા ગુજરાતના ખેડૂતોની આવક કૉંગ્રેસ સરકાર વખતે 7થી 8 હજાર કરોડ હતી."

"પછી આપણે નર્મદા કરી, લાખો તળાવો ઊંડા કર્યાં, લાખો ચૅકડેમ બનાવ્યા, નદીઓમાં પાણી નાખ્યાં, સૌની યોજના કરી. કૉંગ્રેસ વખતે આખા ગુજરાતના ખેડૂતોની આવક 7થી આઠ હજાર કરોડ હતી."

નીતિન પટેલે વધુમાં કહ્યું કે "ગયા વર્ષે ગુજરાતના ખેડૂતોની આવક વધી અને સાત-આઠ હજાર કરોડને બદલે લગભગ એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના ઘરમાં આવ્યા, કેટલા? એક લાખ ચાલીસ હજાર કરોડ. વિચારો તમે."

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે આ અંગે અહેવાલ પ્રગટ કર્યો હતો.

જોકે તેમાં આ આંકડો કયા રિપોર્ટ કે સર્વેમાં બહાર આવ્યો છે તેના સ્રોત વિશે જાણકારી નહોતી આપી.

દરમિયાન રાજ્યમાં ખેડૂતોની સંખ્યાની વાત કરીએ તો સરકારે વર્ષ 2015-16માં કરેલી છેલ્લી કૃષિ વસતીગણતરી અનુસાર રાજ્યમાં કુલ 53.20 લાખ ખેડૂતો નોંધાયેલા છે.

રાજ્યમાં છેલ્લે વર્ષ 2015-16માં કૃષિ આધારિત વસતીગણતરી થઈ હતી.

તથા ઍગ્રિકલ્ચર સ્ટૅટસ્ટિક્સ પૉકેટબુક 2017 પ્રમાણે રાજ્યના ખેડૂતની માસિક સરેરાશ આવક 3573 રૂપિયા હતી.

કૃષિનિષ્ણાતો અનુસાર 2017ની સરેરાશ માસિક આવકને જ માનક માનીને ચાલીએ અને છેલ્લી કૃષિ વસતીગણતરીમાં નોંધાયેલા ખેડૂતોની સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 53.20 લાખ ખેડૂતોની કુલ વાર્ષિક આવક લગભગ 25 હજાર કરોડ રૂપિયા થાય છે.

વળી જો વર્ષ 2018, 2019, 2020 એમ ત્રણ વર્ષમાં ખેડૂતોની કુલ આવક બમણી થઈ છે તેવું માની લઈએ તો પણ તે આંકડો 50 હજાર કરોડ રૂપિયા થઈ શકે છે.

છતાં 1.40 લાખ કરોડ રૂપિયાની આવક કેવી રીતે થઈ એ એક સવાલ છે.

એટલું જ નહીં ઍગ્રિકલ્ચર સ્ટેટસ્ટિક્સ પૉકેટબુક 2016 પ્રમાણે ખેડૂતની સરેરાશ માસિક આવક 7,926 રૂપિયા હતી તે 2017ની પૉકેટબુક અનુસાર ઘટીને વર્ષ 3573 થઈ હતી એટલે કે 50 ટકાનો ઘટાડો થયો હતો.

line

રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઉપરાંત સરકારના આંકડા અનુસાર રાજ્યમાં વર્ષ 2013થી વર્ષ 2018 વચ્ચે કુલ 26 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તેમણે મુખ્યત્વે પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરી હતી.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 2016માં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડાઓ મામલે વિસંગતતાઓ પ્રવર્તતી પણ જોવા મળી હતી.

આ અહેવાલમાં કહેવાયું હતું કે 'પીએમઓ (વડા પ્રધાન કાર્યાલય)ના આંકડા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2003થી 2012 દરમિયાન માત્ર એક ખેડૂતે આત્મહત્યા કરી હતી. જ્યારે રાજ્યના ગૃહ વિભાગના આંકડા મુજબ 2005થી 2014 વચ્ચે 413 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આનાથી તદ્દન વિપરીત રાજ્યસભામાં રાજ્યકક્ષાના કૃષિમંત્રીએ રજૂ કરેલા આંકડાઓ અનુસાર 2013-2014માં રાજ્યમાં 600 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આથી આંકડામાં વિસંગતતાઓ જોવા મળે છે.'

line

જીડીપી-બજેટ અને કૃષિનું યોગદાન-ફાળવણી

વીડિયો કૅપ્શન, રાજકોટમાં લોધિકામાં ખેતરની હાલત જોઈ ખેડૂતોની આંખમાં આંસુ

આમ ઉપરોક્ત સમગ્ર બાબત તત્કાલીન નાયબ મુખ્ય મંત્રીએ ઉલ્લેખ કરેલા 1.40 લાખ કરોડના આંકડાની વિશ્વસનીયતા સામે સવાલ સર્જે છે.

એ શક્યતા છે કે કેટલાક ખેડૂતની આવકમાં વધારો થયો હોય, પરંતુ તમામની આવક બમણી થઈ ગઈ અથવા કુલ આવક 1.40 લાખ કરોડ થઈ ગઈ એ વાત પ્રાથમિક દૃષ્ટિએ શંકા પણ ઉપજાવે છે.

આ મામલે બીબીસીએ સરકારનો પક્ષ જાણવાની કોશિશ કરી હતી, પરંતુ સવાલના જવાબો માટે કોઈ નેતા કે અધિકારીનો સંપર્ક થઈ શક્યો નહોતો.

ગુજરાતના જીડીપીની વાત કરીએ તો લગભગ 16.59 લાખ કરોડનો રાજ્યનો જીડીપી છે. વર્ષ 2021-22નું રાજ્ય સરકારનું બજેટ 2.27 લાખ કરોડ રૂપિયાનું છે.

નીતિન પટેલ નાયબ મુખ્ય મંત્રી અને નાણામંત્રી તરીકેનો પણ ચાર્જ સંભાળતા હતા, તેમણે વિધાનસભામાં 2021-22નું બજેટ રજૂ કર્યું હતું.

જેમાં કૃષિ મામલે કુલ 7,231 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તથા પાણી પુરવઠા મામલે 3 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

કુલ બજેટના સંદર્ભે 3-4 ટકા રકમ કૃષિ માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક યોજનાઓ માટે પણ નાણાંની ફાળવણી કરાઈ છે.

જીડીપીની વાત કરીએ તો જીડીપીમાં કૃષિનું 19 ટકા જેટલું યોગદાન છે.

દરમિયાન રૂપાણી સરકારે બજેટ 2021-22માં સૌથી વધુ ફાળવણી શહેરી વિકાસ પાછળ 13,493 કરોડ રૂપિયા અને 13,034 કરોડ રૂપિયા ઍનર્જી-પૅટ્રોકૅમિકલ્સ વિભાગમાં ફાળવ્યા હતા.

તથા રાજ્ય સરકારે કૃષિ કરતાં વધારે ફાળવણી રોડ્ઝ ઍન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમૅન્ટ મામલે કરી છે. જે 11,185 કરોડ રૂપિયા થાય છે.

હવે સવાલ એ પણ છે કે, જો રાજ્ય સરકારનું કુલ બજેટ 2.27 લાખ કરોડનું હોય, તો ગુજરાતમાં ખેડૂતોની વાર્ષિક આવક 1.40 લાખ કરોડ રૂપિયા કેવી રીતે હોઈ શકે?

અને જો 16 લાખ કરોડના જીડીપી સામે ખેડૂતોની આવકનો આંકડો 1.40 લાખ કરોડ રૂપિયા છે, તો કૃષિ મામલે લગભગ 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી શું સૂચવે છે?

line

'આંકડો વધુ પડતો હોય એવું લાગે છે...'

વીડિયો કૅપ્શન, ખેડૂત આંદોલન : ગુજરાતના ખેડૂતોને એમએસપીથી ફરક કેમ નથી પડતો?

આ મામલે કૃષિ અર્થવ્યવસ્થા અને તકનીકી બાબતોના નિષ્ણાત મધુભાઈ ધોરાજિયા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "1.40 લાખ કરોડનો આંકડો વધુ પડતો લાગે છે અને તેમાં ખેડૂતો જ નહીં પણ કૃષિની અન્ય આવકો પણ સામેલ હોઈ શકે છે."

મધુભાઈ કૃષિ ક્ષેત્રમાં સરકારીપદે લાંબી સેવા આપી ચૂક્યા છે અને હવે તેઓ કૃષિ ઉત્પાદન અને કૃષિ તકનીકી મામલે કાર્ય કરે છે.

તેમનું માનવું છે કે તેઓ ખુદ છેલ્લાં પાંચ વર્ષના આંકડાઓ મેળવી કૃષિ ઉત્પાદનની આવક મામલે વિશ્લેષણ કરી રહ્યા છે.

કૃષિનિષ્ણાત મધુભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "કપાસ અને મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. અને તેના ભાવ પણ નથી મળ્યા એટલે સૌરાષ્ટ્રમાં નાના-સીમાંત ખેડૂતોની આવકને ફટકો પડ્યો છે."

"વળી સરકારે હૅક્ટર દીઠ ઉત્પાદનના આધારે કિંમત ગણી છે કે પછી મગફળી અને મગફળીના તેલની પણ આવક ગણી છે તે જાણવું જરૂરી છે."

"કેમ કે, કપાસ અને મગફળીના ઉત્પાદનમાં 20થી 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે અગાઉનાં વર્ષોમાં વરસાદની અછત રહી હતી."

"બીજી તરફ ટેકાના ભાવોની જગ્યાએ સરેરાશ બજાર કિંમતના આધારે ઉત્પાદનની ગણતરી કરીએ તો એક આંકડો મળી શકે છે, કેમ કે બજારભાવની કિંમત મોટા ભાગે ખેડૂતની આવક રહેતી હોય છે."

"ટેકાના ભાવ મામલે મર્યાદિત ખરીદી થાય છે. વળી સરકારે તેની ટેકાના ભાવની ખરીદીની નીતિમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.”

"આથી 1.40 લાખ કરોડના આંકડાની વાત કરીએ, તો તેનો તાળો મળતો નથી. તેનો સ્રોત કે આધાર જાણવો જરૂરી છે."

line

રાજ્યમાં કૃષિ ઉત્પાદનની સ્થિતિ કેવી રહી છે?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2018-19માં રાજ્યમાં કુલ 36.44 મિલિયન ટન કૃષિ ઉત્પાદન થયું હતું. જેમાં ખરીફ સિઝનમાં 15.68 મિલિયન ટન તથા રવી સિઝનમાં 19.84 મિલિયન ટન તથા ઉનાળાની સિઝનમાં 0.091 મિલિયન ટન કૃષિ ઉત્પાદન થયું હતું.

વર્ષ 2018-19માં ગુજરાતમાં કુલ 31.95 લાખ હૅક્ટર જમીનમાં અનાજની વાવણી થઈ હતી અને તેમાં કુલ 6.81 મિલિયન ટન કૃષિ ઉત્પાદન થયું હતું. જે વર્ષ 2017-18 કરતા 0.96 મિલિયન ટન ઓછું રહ્યું હતું.

તથા કઠોળ (દાળ)ની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2018-19માં કુલ 6.79 લાખ ટન ઉત્પાદન થયું હતું. જે તેના અગાઉના વર્ષ કરતાં 2.64 લાખ ટન ઓછું રહ્યું હતું.

વળી બીજી તરફ કપાસના ઉત્પાદનમાં પણ વર્ષ 2018-19માં તેના અગાઉના વર્ષના ઉત્પાદન કરતાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષનો કૃષિચિતાર જોવામાં આવે તો જોવા મળે છે કે કપાસ અને મગફળી, ચોખા, ઘઉંની વાવણી મોટા પ્રમાણમાં થાય છે.

વર્ષ 2018-19માં રાજ્યમાં કુલ 36.44 મિલિયન ટન કૃષિ ઉત્પાદન થયું હતું. જેમાં ખરીફ સિઝનમાં 15.68 મિલિયન ટન તથા રવી સિઝનમાં 19.84 મિલિયન ટન તથા ઉનાળાની સિઝનમાં 0.091 મિલિયન ટન કૃષિ ઉત્પાદન થયું હતું.

અત્રે નોંધવું કે 2019-20નું વર્ષ છોડી દઈએ તો વર્ષ 2020-21માં કોરોનાની મહામારી ફેલાઈ હતી, જેથી કૃષિ ગતિવિધિઓને પણ અસર થઈ હતી. તેથી રાજ્યમાં ઉત્પાદનમાં કેટલોક ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.

વીડિયો કૅપ્શન, કૃષિ સુધારા બિલમાં વિવાદિત બનેલ MSP શું છે?
line

ખેડૂત પરિવારોનું દેવું

ખેડૂત મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ધ સિચ્યુઍશન ઍસેસમૅન્ટ ઑફ ઍગ્રિકલ્ચર હાઉસહોલ્ડ્સ ઍન્ડ લૅન્ડ હૉલ્ડિંગ્ઝ ઑફ હાઉઝહૉલ્ડ્ઝ ઇન રૂરલ ઇન્ડિયા – 2019 (ગ્રામ્ય ભારતમાં રહેતા કૃષિ પરિવારોની સ્થિતિનું મૂલ્યાંકન- 2019) રિપોર્ટ/સરવેને તાજેતરમાં જ મિનિસ્ટ્રી ઑફ પ્રૉગ્રામ ઇમ્પ્લિમૅન્ટેશન ઍન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરાયો છે.

સરકારના આ અહેવાલ અનુસાર પાંચ વર્ષના સમયગાળા (2018 સુધી) ખેડૂત પરિવારોના સરેરાશ દેવામાં 57 ટકાનો વધારો થયો છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર વર્ષ 2013માં દેશમાં પ્રતિ કૃષિ પરિવાર પર સરેરાશ 47,000 રૂપિયાનું દેવું હતું, જે વધીને હવે 74,121 રૂપિયા થઈ ગયું છે.

જોકે અહેવાલમાં દેશમાં રાષ્ટ્રીય સ્તરે ખેડૂતની સરેરાશ માસિક આવકમાં 50 ટકાથી વધુનો વધારો થયો હોવાનું કહેવામાં આવ્યું છે.

વિવિધ સ્રોતમાંથી થતી આવક 59 ટકા વધી છે. જે ‘પેઇડ આઉટ એક્સપેન્સિસ’ના ધોરણે ગણવામાં આવી છે. તે વર્ષ 2018-19માં 10,218 રૂપિયા થઈ છે, જે વર્ષ 2012-13માં 6,426 રૂપિયા હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કૃષિ વર્ષ જુલાઈમાં શરૂ થયા છે અને જૂનમાં પૂર્ણ થાય છે. આમ તે જુલાઈથી જુનની સાઇકલમાં રહેતું હોય છે.

સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે વર્ષ 2018ના જુલાઈથી ડિસેમ્બર દરમિયાન દેશમાં દેવા તળે ડૂબેલા કૃષિ પરિવારોની સંખ્યા 4.67 કરોડ નોંધાઈ હતી. વર્ષ 2018-19માં દેશમાં કુલ 9.30 કરોડ કૃષિ પરિવારો હોવાનો અંદાજ આંકવામાં આવ્યો હતો.

સર્વેમાં કૃષિ પરિવારને એક એવા પરિવાર તરીકે વ્યાખ્યાયિત કરાયા છે જેને કૃષિ પ્રવૃત્તિઓ દ્વારા થતી ઉત્પાદનની કિંમત તરીકે 4 હજાર રૂપિયાથી વધુ પ્રાપ્ત થયા છે.

કૃષિ પ્રવૃત્તિમાં પાકનું વાવેતર, બાગાયતી પાક, ઘાસચારો, વાવણી, પશુપાલન, પૉલ્ટ્રી, માછીમારી, મધ ઉત્પાદન સહિતની બાબતોનો સમાવેશ થાય છે. તથા તેનો એકંદરે એક પરિવાર સભ્ય કૃષિમાં જોતરાયેલો હોય અથવા જે 365 દિવસ આવો દરજ્જો પ્રાપ્ત કરનારો હોય.

પ્રતિ કૃષિ પરિવારની લૉનના દેવા મામલે આંધ્ર પ્રદેશ ટોચ પર છે તથા નાગાલૅન્ડ છેલ્લે ક્રમે છે.

વળી આ યાદીમાં આંધ્ર પ્રદેશ, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તામિલનાડુ અને હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ દેવા મામલે મોખરે રહ્યા છે. એટલે કે આ રાજ્યના ખેડૂત પરિવાર પર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે દેવું છે.

આંધ્ર પ્રદેશમાં કૃષિ પરિવારનું સરેરાશ દેવું 2.45 લાખ છે. ત્યારપછી કેરળ 2.42 લાખ રૂપિયા અને પછી પંજાબ 2.02 લાખ રૂપિયા.

અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે દેશમાં કૃષિ પરિવારના પાક ઉત્પાદનનું સરેરાશ મૂલ્ય 50 હજાર રૂપિયાની આસપાસ છે.

line

દેશમાં કૃષિ પરિવારની સરેરાશ આવક કેટલી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વળી દેશના કૃષિ પરિવારની સરેરાશ માસિક આવક વર્ષ 2018-19 માટે 10,218 રૂપિયા છે. એટલે ગુજરાતમાં કૃષિ પરિવારોની વાર્ષિક આવકની પ્રાથમિક ધોરણે ગણીએ તો રાજ્યમાં તેમની કુલ આવક 1 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે, પરંતુ આ રાષ્ટ્રીય સરેરાશ આવકની દૃષ્ટિએ પ્રાપ્ત થતો આંકડો છે. અને તે પણ નીતિન પટેલના 1.40 લાખ કરોડ રૂપિયા કરતાં ઓછો છે.

દરમિયાન તેમાં ગુજરાતના કૃષિ પરિવારની વર્ષ 2018-19માં વિવિધ સ્રોત થકી થયેલી સરેરાશ માસિક આવક 12,631 રૂપિયા નોંધવામાં આવી છે.

હવે જો આ નવા રિપોર્ટ અનુસાર કૃષિ પરિવારની સરેરાશ માસિક આવક ધ્યાને લઈએ તો વાર્ષિક સરેરાશ આવક 1,51,572 રૂપિયા થાય.

ખેડૂતોની વસતીના આધારે, ખેડૂતોની સંખ્યા 53.20 લાખ સાથે આ વાર્ષિક આવકની ગણતરી કરીએ તો આંકડો લગભગ 80 હજાર કરોડ રૂપિયા થઈ શકે છે. જે 1.40 લાખ કરોડ રૂપિયા કરતાં ઘણો ઓછો છે.

line

'1.40 લાખ કરોડનો આંકડો ભ્રામક છે'

ખેડૂત મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

આ મામલે ખેડૂત નેતા પાલ આંબલિયાનું કહેવું છે કે ભાજપ હંમેશાં પરંપરા મુજબ ભ્રામક આંકડાઓ રજૂ કરતો હોય છે. તે વાસ્તવિક નથી હોતા.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ આંકડો સાચો હોય એવું નથી લાગતું. ટર્નઑવર પણ આટલું હોય તે મામલે પણ મને તો શંકા છે. ભાજપની આ પ્રથા છે કે તે આવા મોટા આંકડાઓ રજૂ કરતું હોય છે. પણ તેનો કોઈ આધાર પુરાવો નથી આપતું."

"કૃષિનિષ્ણાતો અનુસાર દેશમાં કુલ કૃષિવેપાર લગભગ 30 લાખ કરોડ રૂપિયાનો છે. એટલે 1.40 લાખ કરોડનો આંકડો ગળે નથી ઊતરતો."

"વળી ખેડૂતોની આવક વધી હોવાનું જો કહેતા હોય તો, પહેલાં ખેડૂતની કઈ આવકને બૅઝ ગણવામાં આવ્યો તે પહેલાં નક્કી કરી જણાવવું જોઈએ. પહેલાં ખેડૂતની આવક દોઢ ગણી વધારવાની વાત હતી પછી બેગણી કરવાની વાત લાવ્યા."

"પણ એક પણ વાર સ્પષ્ટ નથી કહ્યું કે આખરે તેના માટે બૅઝ શું રહેશે? શું 2014 પહેલા કપાસ કે મગફળીનો જે ભાવ મળતો તેને બૅઝ ગણવામાં આવશે? કે પછી ખેડૂતની માથાદીઠ આવકને બૅઝ ગણવામાં આવશે? આ નક્કી કર્યા વગર તમે કઈ રીતે કહી શકો કે આવક વધી છે."

"ગત વર્ષે કોરોના આવ્યા ત્યારે ખેડૂતોને પાક બજારમાં મુકાવાનો હતો એટલે મહામારીને લીધે તકલીફ પડી. ભાવ ન મળ્યા. પછી અતિવૃષ્ટિ સહિતનાં પરિબળો અસર કરી ગયાં."

"એટલે 3700 કરોડ રૂપિયા વિજય રૂપાણીની સરકારે સહાયપેટે જાહેર કર્યાં હતા. એ સિવાય પણ કૃષિસહાય પૅકેજો જાહેર કરવાં પડ્યાં હતાં."

"જો છેલ્લા દોઢ વર્ષથી આવી સ્થિતિ છે તો પછી જે આવકમાં વધારો કઈ રીતે થયો હોય? ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળ્યા, બજાર ભાવ નીચા મળે છે. બીજી તરફ દેવું છે. આવી સ્થિતિમાં આવકમાં મોટો વધારો કેવી રીતે શક્ય બને?"

line

ગુજરાતના ખેડૂતો અને ખેતીકામ કરતાં પરિવારોની સ્થિતિ કેવી છે?

ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં 43 ટકા (વર્ષ 2018માં) કૃષિ પરિવારો દેવામાં ડૂબેલા છે. તેમાં તમામ પ્રકારની લૉન સામેલ છે. અહેવાલ અનુસાર ગુજરાતમાં 2018માં 58.72 લાખ ગ્રામ્ય પરિવારો હતા. અને તેમાંથી 67 ટકા ખેતીકામમાં જોતરાયેલા હતા.

એટલે કે 39.31 લાખ ગ્રામ્ય પરિવારો ખેતીકામ કરે છે. જેમાંથી 16.74 લાખ પરિવારો દેવા હેઠળ હતા.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આરબીઆઈ દ્વારા ગ્રામીણ ભારતમાં કૃષિ, બિન-કૃષિ ક્ષેત્રમાં કામ કરતા કામદોરોનાં સરેરાશ વેતન-મજૂરીભથ્થાં મામલે એક રિપોર્ટ પ્રકાશિત કરાયો હતો.

એટલે કે 39.31 લાખ ગ્રામ્ય પરિવારો ખેતીકામ કરે છે. જેમાંથી 16.74 લાખ પરિવારો દેવા હેઠળ હતા.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આરબીઆઈ દ્વારા ગ્રામીણ ભારતમાં કૃષિ, બિન-કૃષિ ક્ષેત્રમાં કામ કરતા કામદોરોનાં સરેરાશ વેતન-મજૂરીભથ્થાં મામલે એક રિપોર્ટ પ્રકાશિત કરાયો હતો.

રિપોર્ટ અનુસાર ગ્રામીણ ભારતમાં કૃષિ, બિન-કૃષિ, બાંધકામ ક્ષેત્રમાં કામ કરતાં કામદારોના સરેરાશ વેતન મામલે ગુજરાત સૌથી તળિયે છે.

ગુજરાતમાં કૃષિક્ષેત્રમાં કાર્ય કરતાં કામદારને સરેરાશ દૈનિક વેતન 208 રૂપિયા જ્યારે બિન-કૃષિક્ષેત્રમાં સરેરાશ વેતન રૂપિયા 233 અને કન્સ્ટ્રક્શન (બાંધકામ) ક્ષેત્રમાં સરેરાશ વેતન 268 રૂપિયા મળે છે.

સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં કૃષિક્ષેત્રમાં જોતરાયેલા કામદારોને ચૂકવાયેલું સરેરાશ વેતન રાષ્ટ્રીય સરેરાશ વેતન 286 રૂપિયા કરતાં પણ ઓછું છે. જ્યારે બાંધકામના ક્ષેત્ર મામલે તે રાષ્ટ્રીય સરેરાશ 341 રૂપિયા કરતાં પણ ઓછું છે.

બિન-કૃષિ અને બાંધકામ ક્ષેત્રના કામદારોને સરેરાશ વેતન-ચુકવણી મામલે ત્રિપુરા-મેઘાલય પણ ગુજરાતથી આગળ છે.

અત્રે નોંધવું કે વર્ષ 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે વર્ષ 2022 સુધીમાં તેમની સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેને હવે વર્ષ 2024 પર ઠેલવી દેવાયું હોવાનું કહેવાય છે.

આ સમગ્ર મામલે બીબીસીએ ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા મેળવવા કોશિશ કરી, પરંતુ પ્રતિક્રિયા મળી શકી નથી. પ્રતિક્રિયા પ્રાપ્ત થતા તેને સામેલ કરી લેવાશે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો