રાજકોટ-જામનગર સમેત સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ, ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં રાજકોટ-જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે.

આ દરમિયાન સોમવારે શપથ લેનાર ગુજરાતના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિ મંત્રી આર.સી. ફળદુ સાથે જામનગરની મુલાકાત લીધી છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી અને અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે, કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહીં રહે.

રાજકોટ-જામનગરમાં સ્થિતિ કપરી બની

સૌરાષ્ટ્ર પંથકમાં એક જ દિવસમાં જ મેઘરાજાએ વીજળીના કડાકા અને તીવ્ર પવન સાથે ધોધમાર જળવર્ષા કરી છે. હજુ પણ વરસાદ સતત ચાલુ જ છે.

હવામાનવિભાગ અનુસાર રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં 4થી 23 ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસ્યો છે તો અન્ય જિલ્લાઓમાં પણ 1થી 4 ઇંચ વરસાદ થયો છે. સોમવારે સાંજે પણ સતત વરસાદ રહ્યો હતો. વરસાદના પગલે સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર માર્ગ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, એસ.ટી.-રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે.

રાજકોટ-જામનગર સહિતના સ્થળોએ વરસાદના પાણીએ પૂરની સ્થિતિ સર્જી છે અને પશુઓ-વાહનો પાણીમાં તણાયા છે. કેટલાક લોકો લાપતા હોવાનું પણ પ્રાથમિક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે.

સંખ્યાબંધ લોકો પૂરમાં ફસાતા ફાયરબ્રિગેડ, એન.ડી.આર.એફ., ઍરફૉર્સ દ્વારા બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વળી ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.

જિલ્લા વહીવટી તંત્ર બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે. અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડી રહ્યું છે.

વળી પોરબંદરના કલેક્ટર અનુસાર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તથા કેટ6લાક ગામોને હાઈ-ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

જૂનાગઢ-અમરેલી-રાજકોટના ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પાણી ઘૂસી જતા પાકને પણ નુકસાન થયું છે.

વરસાદના પગલે રાજકોટ, જામનગર, જેતપુર સહિતના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

જિલ્લા પ્રશાસન અનુસાર રાજકોટ અને ગોંડલમાં હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે.

જામનગર શહેરમાં 6 ઇંચ, કાલાવડમાં સૌથી વધુ 15 ઇંચ, ધ્રોલમાં 8 ઇંચ, જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાના કેટલાક ગામોમાં ઍરફોર્સે વરસતા ધોધમાર વરસાદ વચ્ચે જઈને હૅલિકોપ્ટરથી 40થી વધુ લોકોનાં જીવ બચાવ્યા છે.

વળી જામનગરનો રણજીતસાગર ડેમ ઑવરફ્લો થતા તેનું પાણી તથા વરસાદી પાણી અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં ઘૂસી ગયું છે.

બીજી તરફ રાજકોટનો ન્યારી-1 ઉપરાંત પડધરી પાસેનો આજી-3, ડૅમ ઑવરફ્લો થયા છે. જિલ્લા તંત્ર દ્વારા અલંગથી પાંચ બોટ અને 15 તરવૈયાઓની ટીમ રાજકોટ શહેર અને ધોરાજીમાં મોકલાઈ છે.

જ્યારે વિસાવદર 17 ઇંચ, જુનાગઢમાં 7 ઇંચ, કેશોદમાં 4 ઇંચ વરસાદથી પૂરની હાલત છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ ગીર-સોમનાથમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વળી ગીરગઢડા, કોડીનાર, મોરબી, ખંભાળીયા, પોરબંદરમાં પણ વરસાદ વરસ્યો છે.

દ. ગુજરાતમાં પણ મેઘમહેર

સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે ત્યારે તળ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 10 ઇંચ વરસાદના કારણે ચારેબાજુએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ઉકાઈ ડૅમની સપાટી ભયજનક સપાટીથી ચાર ફૂટ ઓછી એટલે કે 342 ફૂટની નજીક પહોંચી ગઈ છે. ઉકાઇ ડૅમના કુલ 8 દરવાજા ખોલીને 85000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સુરત, તાપી અને નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ પડયો છે. જેથી નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં ઍલર્ટ જારી કરાયું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો