પૅરાલિમ્પિકમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો, પ્રમોદ ભગતે ઇતિહાસ રચ્યો - BBC TOP NEWS

ચાર વખત વર્લ્ડ પૅરાબૅડમિન્ટન ચૅમ્પિયન રહેલા પ્રમોદ ભગતે ટોક્યો પૅરાલિમ્પિક્સમાં શનિવારે ઇતિહાસ રચી દીધો.

તેમણે ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો.

ટૉપ સીડ પૅરાબૅડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે એસએલ3 કૅટગરીમાં પુરુષ સિંગલ્સમાં દ્વિતીય સીડ ખેલાડી ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 21-17થી હરાવ્યા હતા.

એ સિવાય ભારતના મનોજ સરકારે એસએલ3 કૅટગરીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

મમતા બેનરજી પાસે મુખ્ય મંત્રીની ખુરશી બચાવવાની છેલ્લી તક

મમતા બેનરજીએ જો મુખ્ય મંત્રીનું પદ બચાવવું હોય તો ભબાનીપુર બેઠકથી પેટાચૂંટણી જીતવી તેમની માટે જરૂરી છે. પશ્ચિમ બંગાળની ભબાનીપુર વિધાનસભા બેઠક પર 30 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાશે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી આ બેઠક પર ચૂંટણી લડશે અને મુખ્ય મંત્રીના પદ પર રહેવા માટે તેમણે આ ચૂંટણી જીતવી જરૂરી છે.

ત્રીજી ઑક્ટોબરે આ બેઠક પર મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીપંચે આની સાથે પશ્ચિમ બંગાળની બે અન્ય બેઠકો સમશેરગંજ અને જંગીપુર તથા ઓડિશાની પીપલી બેઠક પર પણ પેટાચૂંટણીની જાહેરાત કરી છે.

જોકે મહારાષ્ટ્ર, તેલંગણા અને પૂર્વોત્તરનાનાં અમુક રાજ્યોની 31 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીને કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે.

ચૂંટણીપંચે કહ્યું કે, "બંધારણીય અનિવાર્યતા અને વિશેષ વિનંતીને ધ્યાને લઈને પશ્ચિમ બંગાળમાં ભબાનીપુર બેઠક પર પેટાચૂંટણી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે."

"કોવિડ 19ને જોતાં સુરક્ષા માટે પંચ દ્વારા કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે."

ઉમેદવારી નોંધણીની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બરે છે અને 16 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.

મમતા બેનરજી નંદીગ્રામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારીની સામે વિધાનસભા ચૂંટણીમાં હારી ગયાં હતાં.

આધાર સાથે લિંક ન કરનાર રોકાણકારોના PAN રદ કરાશે, કઈ છે છેલ્લી તારીખ?

દેશમાં નાણાબજારની નિયામક એજન્સી સેબીએ શુક્રવારે કહ્યું છે કે રોકાણકારોએ નાણાકીય લેવડદેવડ ચાલુ રાખવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં પૅનને આધાર સાથે લિંક કરાવી લેવું જરૂરી છે.

ઇકૉનૉમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર સેબીએ કહ્યું છે કે જે લોકો આવું નહીં કરે, તેમનું પૅન બંધ થઈ જશે અને આનો અર્થ છે કે ગ્રાહકોના KYC અધૂરું માનવામાં આવશે.

આની પહેલાં ગત ફેબ્રુઆરીમાં CBDT એટલે કે સૅન્ટ્રલ બોર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સીસે કહ્યું હતું કે એક જુલાઈ, 2017 પહેલાં આપવામાં આવેલા PANને જો 30 સપ્ટેમ્બર 2021 સુધી આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે.

જોકે નાણાકીય બજારમાં પૅનનંબર જ રોકાણકારોની ઓળખ માટેનું એકમાત્ર સાધન છે, એટલે સીબીડીટીની અધિસૂચનાના પગલે સેબીએ તેનું પાલન કરાવવા કહ્યું છે.

સેબીએ કહ્યું છે કે માત્ર એ જ PAN મારફતે નાણાંની લેવડ-દેવડ કરી શકાશે, જેને આધાર સાથે લિંક કરેલા હશે.

ભારતને ટોક્યો પૅરાલિમ્કિમાં વધુ એક ગોલ્ડ મેડલ

ટોક્યો પૅરાલિમ્પિક્સમાં શનિવારે ભારતના ખાતામાં બે વધુ મેડલ જોડાઈ ગયા છે.

19 વર્ષના શૂટર મનીષ નરવાલે મિક્સ્ડ 50 એમ પિસ્ટર એસએચ1 ઇવેન્ટમાં ગોલ્ડ અને સિંઘરાજ સિંહે સિલ્વર મેડલ જીત્યો હતો.

આ ટોક્યો પૅરાલિમ્પિકમાં ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. 19 વર્ષના નરવાલે 218.2 પૉઇન્ટ્સ સાથે પૅરાલિમ્પિકમાં રેકર્ડ રચ્યો હતો.

અમદાવાદમાં ફાયર-સૅફ્ટી મામલે નવ હૉસ્પિટલો બંધ કરવા નોટિસ

અમદાવાદમાં ફાયર-સેફ્ટી એનઓસી રિન્યૂ ન કરાવવા બદલ નવ હૉસ્પિટલોને બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે.

આ હૉસ્પિટલોનાં ફાયર-સેફ્ટીનાં નો ઑબજેક્શન સર્ટિફિકેટની છેલ્લી તારીખ 31 ઑગસ્ટે પૂર્ણ થતી હતી અને વારંવાર રિન્યૂ કરાવવાની વિનંતી છતાં હૉસ્પિટલોએ યોગ્ય પ્રક્રિયા કરી ન હતી, તેથી તેમનાં એનઓસી અમાન્ય થઈ ગયાં હતાં.

આ હૉસ્પિટલોમાં સ્નેહ ચિલ્ડ્રન હૉસ્પિટલ, સિનર્જી હૉસ્પિટલ, સંઘવી હૉસ્પિટલ, અપોલો પ્રાઇમ આઈ હૉસ્પિટલ, દેવમ હૉસ્પિટલ ઍન્ડ ડાયાબિટીઝ કૅર, માધવ મૅટરનિટી ઍન્ડ નર્સિંગ હોમ, મેડિક્યૉર હૉસ્પિટલ, નવોદય હૉસ્પિટલ નિયોનેટ્સ ઍન્ડ ચિલ્ડ્રન હૉસ્પિટલ તથા ઑરેન્જ નિયોનેટલ ઍન્ડ પીડિયાટ્રિક ICU સામેલ છે.

કોરોનાકાળમાં 6 ઑગસ્ટ 2020ના અમદાવાદના નવરંગપુરામાં સ્થિત શ્રેય હૉસ્પિટલમાં આગ લાગતાં આઠ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, "ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે શહેરના 160 રહેણાક અને કૉમર્સિયલ એકમોનાં ફાયર-સેફ્ટીનાં એનઓસીની સમયમર્યાદા 31 ઑગસ્ટે ખતમ થઈ રહી હતી; રિન્યૂ કરવા માટે વારંવાર વિનંતી કરી હતી, પણ તેમાંથી નવ હૉસ્પિટલોએ 31 ઑગસ્ટ સુધી ફાયર-સેફ્ટી એનઓસી રિન્યૂ કરાવ્યાં નહોતાં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો