IND vs ENG: ચોથી ટેસ્ટમાં ધબડકા બાદ ભારતનું પુનરાગમન, વિરાટ કોહલી સંઘર્ષ વચ્ચે સફળતા અપાવી શકશે?

    • લેેખક, આદેશકુમાર ગુપ્ત
    • પદ, રમતગમત પત્રકાર, બીબીસી

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મૅચનો પહેલો દિવસ રોમાંચપૂર્ણ બની રહ્યો હતો. જેમાં પ્રારંભિક તબક્કે ભારતનો રકાસ થયો હતો, પરંતુ બાદમાં રમતમાં પુનરાગમન કર્યું હતું.

માત્ર 191 રનમાં ભારતની ટીમ ઑલ-આઉટ થઈ ગઈ હતી, બાદમાં દાવ લેવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમ ત્રણ વિકેટ ગુમાવીને 53 રન બનાવ્યા હતા. તેઓ હજુ પણ 138 રનથી પાછળ છે.

ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરનારી ઇંગ્લૅન્ડની ટીમને અપેક્ષા મુજબ જ બૉલિંગ લેવાનો ફાયદો મળ્યો હતો. ક્રિસ વૉક્સે 55 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

જ્યારે ઓલી રૉબિન્સને ત્રણ વિકેટ લઈને આંતરરાષ્ટ્રીય કૅરિયરની શરૂઆત કરી હતી.

વિરાટ કોહલીના પ્રદર્શન પર છેલ્લા કેટલાક સમયથી સવાલ ઊઠી રહ્યા છે. જેનો જવાબ તેમણે બૅટથી આપવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે 27મી અરધી સદી ફટકારી હતી, આમ છતાં ભારત સાત વિકેટ માત્ર 127 રન પર પહોંચી શક્યું હતું.

આ તબક્કે શાર્દૂલ ઠાકુરનું આગમન થયું હતું, જેમણે 31 બૉલમાં તાબડતોબ અરધી સદી ફટકારી હતી, જે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટની સૌથી ઝડપી હાફ-સૅન્ચુરી છે. ભારતે તેની છેલ્લી ત્રણ વિકેટ માત્ર ચાર દડામાં ગુમાવી દીધી હતી.

જવાબમાં દાવ લેવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે ભારતીય બૉલર બુમરાહ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. ગુજરાતી બૉલરે માત્ર છ રનમાં રોરી બર્ન્સ અને હાસીબ હમીદને શૂન્યમાં પૅવેલિયન ભેગા કર્યા હતા.

જો રૂટ તથા ડેવિડ મલાન સ્થિતિ સંભાળી રહ્યા હતા કે ઉમેશ યાદવ ત્રાટક્યા હતા. તેમણે રુટની વિકેટ ખેરવીને સ્થિતિને ભારતની તરફેણમાં ઢાળવાનો પ્રયાસ કર્યો હતો.

નાઇટ વૉચમૅન તરીકે આવેલા ક્રૅગ ઑવરટોન એક રન સાથે ક્રિઝ પર હતા અને 26 રન પર મલાન તેમનો સાથ આપી રહ્યા હતા.

ટેસ્ટમાં 27મી અરધી સદી ફટકારનારા કૅપ્ટન વિરાટ કોહલીના કાંડાનું કૌવત ઘણા સમય પછી જોવા મળ્યું હતું.

બીબીસીના સંવાદદાતા આદેશકુમાર ગુપ્તે કોહલીના તાજેતરના સમયના પ્રદર્શન વિશે છણાવટ કરી હતી અને જાણકારો સાથે વાત કરી હતી.

વિરાટ કોહલીની બેટિંગમાં શું વાંધો છે?

વિઝડન ઇન્ડિયા આલ્મેનેકના સંસ્થાપક સંપાદક સુરેશ મેનન મુજબ સ્વિંગ બૉલર્સની સામે રમતા વિરાટ કોહલી સંઘર્ષ કરતા નજરે પડે છે.

તેઓ એવા બૉલ પણ રમે છે જે તેમણે છોડી દેવા જોઈએ. બૉલર તેમના અહંકારને લલકારે છે અને એની સામે વિરાટ કોહલી ભૂલ કરી બેસે છે.

અગાઉ રમાયેલી ટેસ્ટ મૅચમાં ભારતીય ટીમનો જે હાલ થયો એ જોઈને ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીને સચિન તેંડુલકર સાથે વાત કરવાની સલાહ આપી દીધી હતી.

બેટિંગ ઑર્ડરમાં વિરાટ કોહલીની આગળ-પાછળ આવતા બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણી આમ તો ધૈર્ય સાથે રમવા માટે જાણીતા છે પણ તેઓ પણ જે રીતે ઇંગ્લૅન્ડ સામે આઉટ થયા છે, એ જોતાં ભારતીય ક્રિકેટ ટીમ માટે મિડલ ઑર્ડરમાં સંકટ ઊભું થયું છે.

સુરેશ મેનન લખે છે કે "હાલની સિરીઝમાં ઇંગ્લૅન્ડના સર્વશ્રેષ્ઠ બૉલરોમાંથી એક જેમ્સ ઍન્ડરસન સામે વિરાટ કોહલી જાણે બિલકુલ ચાલી નથી રહ્યા. 2018માં ઇંગ્લૅન્ડની ટૂરમાં વિરાટ કોહલી આ જ જેમ્સ ઍન્ડરસન સામે એક વખત પણ આઉટ થયા નહોતા અને તેમણે બે સદી ફટકારી હતી તથા એક ઇનિંગમાં 97 રન બનાવ્યા હતા. "

"પરંતુ આ વખતે તેઓ આઉટસ્વિંગ નથી રમી રહ્યા. કોહલી ખેલાડી તરીકે માનસિક અને શારીરિક બંને રીતે આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે સક્ષમ છે. "

"પરંતુ એક પછી એક ટેસ્ટમેચને પગલે તેમના પર પોતાની બૅટિંગ સિવાય ટીમની પસંદગી અને રણનીતિ અંગે સાચા અને સારા નિર્ણયનું પણ દબાણ હોય છે."

સુરેશ મેનન જણાવે છે કે ઇંગ્લૅન્ડના માઇક બ્રેરરલી અને ભારતના પૂર્વ કૅપ્ટન ટાઇગર પટૌડી જેવા જૂજ કપ્તાન જ પોતે ખરાબ બેટિંગ ફૉર્મમાં હોવા છતાં ટીમને જીત અપાવી શક્યા છે.

વિરાટ કોહલી સામે પણ હવે આ જ પરિસ્થિતિ ઊભી છે.

આની પહેલાંની ટેસ્ટ મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમ ખરાબ રીતે ઇંગ્લૅન્ડ સામે હારી હતી. વિરાટ કોહલી સહિત અન્ય બૅટ્સમૅન પણ કંઈ કમાલ નહોતા કરી શક્યા.

વાદળછાયા આકાશ નીચે 17 ડિગ્રી તાપમાનમાં ભેજભરી વિકેટ છતાં ઇંગ્લૅન્ડના ટેસ્ટમેચના કૅપ્ટન જૉ રૂટના બૉલરોએ ભારતીય ખેલાડીઓને ઓછા રનમાં પૅવેલિયન ભેગા કરી દીધા હતા.

ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં પૂરી પચાસ ઑવર પણ રમી નહોતી શકી અને માત્ર 78 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી, એટલું જ નહીં, નવ બૅટ્સમૅન તો પૂરા દસ રન પણ નહોતા કરી શક્યા.

રોહિત શર્માએ 19 અને અજિંક્ય રહાણેએ 18 રન કર્યા; તો કૅપ્ટન વિરાટ કોહલી માત્ર સાત રને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સાતમી વાર ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર જેમ્સ ઍન્ડરસનનો શિકાર બન્યા હતા.

સતત એક જ પ્રકારે પોતાની વિકેટ ગુમાવી રહેલા કોહલીને જોઈને ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન અને કૉમેન્ટેટર સુનીલ ગાવસ્કરે કહ્યું હતું, વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને ફોન કરવો જોઈએ.

2019માં કોલકાતામાં યોજાયેલી મૅચમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ સામે 136 રન કરીને વિરાટ કોહલીએ પોતાની છેલ્લી સદી નોંધાવી હતી; એ પરથી જ તેના ફૉર્મનો અંદાજ લગાવી શકાય છે.

હવે તો ક્રિકેટનાં ટી-20, એકદિવસીય મૅચ અને ટેસ્ટમેચ એ ત્રણેય સ્વરૂપોની અંદાજે 50 ઇનિંગ રમાઈ ગઈ છે, તેમ છતાં કોહલીએ સદી નથી નોંધાવી.

દેખાતી નથી પોતાની ભૂલો?

બીબીસીના સહયોગી ખેલ પત્રકાર આદેશકુમાર ગુપ્ત મુજબ વિરાટ કોહલીએ સચિન તેંડુલકર પાસેથી સલાહ લેવી જોઈએ એવી સુનીલ ગાવસ્કરે કહેલી વાતના મુદ્દે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઑલ-રાઉન્ડર, પસંદગી સમિતિના સભ્ય અને કોચ રહી ચૂકેલા મદનલાલે કહ્યું, "ઘણી વાર બૅટ્સમૅનને પોતાની નબળાઈ અથવા ભૂલોની અનુભૂતિ નથી થતી, પરંતુ બીજાને ખબર પડી જાય છે. એ સચિન તેંડુલકર પાસેથી સલાહ લઈ શકે; જોકે આ સમસ્યાનો ઉકેલ એમણે જાતે જ શોધવો પડશે કારણ કે મેદાનમાં તો એમણે જ રમવાનું છે."

મદનલાલે તો એ મુદ્દે પણ આશ્ચર્ય અનુભવેલું કે ટૉસ જીત્યા પછી શું વિચારીને વિરાટ કોહલીએ પહેલાં બૅટિંગ કરવાનું નક્કી કર્યું!

કદાચ એમનાથી પિચને સમજવામાં ભૂલ થઈ ગઈ અથવા એમને પોતાની બેટિંગ પર પૂરો ભરોસો હતો કે પહેલી બેટિંગ કરીને અઢીસો-ત્રણસો રન ખડકી દઈશું જેથી ઇંગ્લૅન્ડની ટીમ દબાણમાં આવી જાય. જોકે એવું થયું નહીં.

અગાઉની મૅચમાં આપણે જોયું છે કે લીડ્સમાં ટૉસ જીતનારી ટીમ પહેલી ઇનિંગ માટે ફિલ્ડિંગ પસંદ કરતી હોય છે.

એ તો વિરાટ કોહલી પર નિર્ભર છે કે હાલની પરિસ્થિતિમાં એ કઈ ગોઠવણ કરે છે.

એક મહત્ત્વપૂર્ણ વાત એ પણ છે કે કોહલી ખૂબ સારી બૉલિંગ કરી રહ્યા છે. એમની બૉલિંગથી કોઈ પણ બૅટ્સમૅન આઉટ થઈ શકે એમ છે.

ઍન્ડરસન દુનિયાના સારામાં સારા બૉલર છે; અને એમની તથા કોહલીની શ્રેષ્ઠતાની સ્પર્ધામાં હાલ તો ઍન્ડરસન જ જીત્યા છે.

માનસિકતા પર અસર

'સચિનને ફોન કરવો જોઈએ' એ મુદ્દે ભારતના પૂર્વ બૅટ્સમૅન અને પસંદગી સમિતિના પૂર્વ સભ્ય અશોક મલ્હોત્રાએ કહ્યું કે, "વિરાટ કોહલી સંબંધિત જે ચિંતા પ્રગટ થઈ રહી છે એનાથી પણ મોટી વાત એ છે કે એમની માનસિકતા બદલાઈ છે."

"ખરેખર તો એમને ઝડપી સદી નોંધાવવાની ટેવ છે, પણ આજકાલ તો બરાબર રન કરી શકતા નથી. એમણે પોતાની છાપ જ એવી ઊભી કરી છે ને એ કારણે જ એમના પર રન કરવાનું દબાણ આવે છે. પ્રેશરને લીધે તેઓ ઝડપી રમવા પ્રયત્ન કરે છે પણ ઇંગ્લૅન્ડમાં એવું શક્ય નથી."

અશોક મલ્હોત્રાને સાચા માની લઈએ તો પણ, એ ઇચ્છે તો સચિન પાસેથી સલાહ લે કે રવિ શાસ્ત્રી પાસેથી, છેવટે રમવાનું તો કોહલીએ જ છે અને એમણે જ પોતાની માનસિક સ્થિતિ પર કાબૂ મેળવવો પડશે.

વધારે ગુસ્સાથી કે જુસ્સાથી રમવાથી અંતે તો નુકસાન જ થાય છે.

વર્લ્ડ ટેસ્ટ મૅચ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ હાર્યા પછી વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારત જીતી તો રહ્યું જ છે તો એમના પર દબાણ શેનું છે?

એના જવાબમાં અશોક મલ્હોત્રાએ કહ્યું કે, "બે વર્ષથી એમણે સદી નથી નોંધાવી. એમનો રન-રેટ ઘટી રહ્યો છે. દર ત્રીજી-ચોથી મૅચમાં આપણે એમને સદી નોંધાવતા જોયા છે, હવે રન જ નથી કરી શકતા, એટલે એમના પર દબાણ આવ્યું છે."

વિરાટ કોહલીની ટેકનિકની અણઆવડતને જોતાં અશોક મલ્હોત્રા કહે છે, "એમણે પિચ પર ટકી રહેવું પડે. તેઓ જે રીતે વારંવાર સ્લિપમાં કૅચ આપીને આઉટ થઈ રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે દડાને સમજીને એ નથી રમતા. તેઓ પોતાના પર કાબૂ રાખી શકે છે. ઉતાવળે રમવાના પ્રયત્નમાં જ એમનું બૅટ શરીરથી દૂર જતું રહે છે. એમણે થોડી ધીરજથી રમવું પડે."

કોહલીની મર્યાદા

તો શું આખી દુનિયાએ એની મર્યાદા પકડી પાડી છે કે શા કારણે કોહલી સદી નથી ફટકારતા?

આ બાબતે અશોક મલ્હોત્રાએ કહ્યું, "આખી દુનિયાએ એમની નબળાઈ નથી પકડી. એમનાથી બસ ઇંગ્લૅન્ડમાં રન નથી થઈ રહ્યા. ઇંગ્લૅન્ડના ઠંડા વાતાવરણને કારણે બૉલ સ્વિંગ થાય છે જેને આંખથી સમજીને રમવો પડે છે, બૅટ ઉછાળીને ન રમી શકીએ."

મદનલાલ અને અશોક મલ્હોત્રા ઉપરાંત ક્રિકેટ સમીક્ષક અયાઝ મેમણ પણ આ મામલે માને છે કે વિરાટ કોહલીને સુનીલ ગાવસ્કરે સાચી સલાહ આપી છે કે એ સચિન તેંડુલકર સાથે ટેલિફોનિક વાત કરે.

એમણે જણાવ્યું કે, "વિરાટ કોહલી એકાદ વાર નહીં, સળંગ એક જ પ્રકારની ભૂલ કરવાથી આઉટ થઈ રહ્યા છે. એવું લાગે છે કે એમની એકાગ્રતા અથવા ટેકનિકમાં ઓછપ આવી છે."

"મોટા-મોટા ખેલાડીઓને આવું થઈ શકે છે. સચિનનું જ ઉદાહરણ લો, તેઓ જ્યારે ઑસ્ટ્રેલિયામાં ઑફ સ્ટમ્પની બહાર આઉટ થઈ રહ્યા હતા તો એમણે વિચારી લીધું કે છેલ્લી મૅચમાં કવર ડ્રાઇવ નથી રમવું, બલકે, એ બાજુ રમવું જ નહીં. એ પછી એમણે બેવડી સદી ફટકારી."

જ્યારે એક જોરદાર બૅટ્સમૅન, અને એ પણ વિરાટ કોહલી જેવા, એકની એક રીતે વારંવાર આઉટ થતા હોય ત્યારે એમણે જરૂર એવા લોકોની સલાહ લેવી જોઈએ જેને એ પોતાના શુભચિંતક સમજતા હોય.

જેનાથી તેઓ પોતાની બેટિંગ સુધારી શકે અને ટીમનો મધ્યમ ક્રમ સારો દેખાવ કરી શકે, પણ શું ઇંગ્લૅન્ડમાં કવર ડ્રાઇવ વગર રમી શકાય ખરું?

આ વાતે અયાઝ મેમણ માને છે, "કવર ડ્રાઇવ ફટકારવામાં કશો વાંધો ન હોય, પણ એ કયા બૉલ પર મારવામાં આવે છે તેનું મહત્ત્વ છે. જો પગ ના ચાલતા હોય, ફૉર્મ બરાબર ન હોય જે મોટા-મોટા ખેલાડીઓનું નથી હોતું, નબળો તબક્કો આવી જાય તો સારામાં સારો ખેલાડી પણ જલદી આઉટ થઈ જતો હોય છે."

અયાઝ મેમણે કહ્યું કે, "જેમ કોહલી આઉટ થઈ રહ્યા છે એમ જ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પણ આઉટ થઈ રહ્યા છે. રોહિત શર્મા હૂક કે પૂલ કરતાં આઉટ થઈ રહ્યા છે. ઋષભ પંત સ્લિપ કે ગલીમાં કૅચ આપી રહ્યા છે. એટલે, બૅટિંગ કોચ વિક્રમ રાઠોડ અને ચીફ કોચ રવિ શાસ્ત્રીની ફરજ બને છે કે તેઓ ટીમને વ્યવસ્થિત બનાવવા પર કામ કરે."

સર્વ શ્રેષ્ઠ ખેલાડી પર પણ હોય છે દબાણ

વિરાટ કોહલી દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક છે અને તેઓ કૅપ્ટન છે એટલા માટે જ શું સુનીલ ગાવસ્કરને કોહલીની ચિંતા છે?

આ પ્રશ્નના જવાબમાં અયાઝ મેમણે કહ્યું કે, "શંકા જ નથી. એક કૅપ્ટનના રૂપમાં વિરાટ કોહલી ભૂલોમાંથી પ્રેરણા મેળવીને આગળનો માર્ગ પ્રશસ્ત નહીં કરે તો ટીમનું મનોબળ ઘટવા લાગશે. એ કારણે જ સુનીલ ગાવસ્કરે કોહલીને સારી ને સાચી સલાહ આપી."

અયાઝ નથી માનતા કે કોહલી પર જે દબાણ છે તેને માટે ચોક્કસ કોઈ કારણ છે. પરંતુ એમણે કહ્યું કે, "સારા દેખાવ માટેની ઍંગ્ઝાયટી કે તણાવ દરેક અનુભવે છે. નોવાક જોકોવિચ રિયો ઑલમ્પિકમાં ગયા પણ ગોલ્ડન સ્લેમ ન બનાવી શક્યા. જોકોવિચ ટેનિસમાં પહેલા નંબરે છે છતાં હારી ગયા. તો જે સર્વશ્રેષ્ઠ હોય છે એમના પર દબાણ તો હોય જ છે; પણ આ દબાણને વિરાટ હકારાત્મક રૂપમાં લે અને એની રમતને સુધારે. આવું એ 2018માં કરી ચૂક્યા છે."

અયાઝે જણાવ્યું કે, "એ બરાબર કે છેલ્લાં બે વર્ષમાં કોઈ પણ મૅચમાં એમણે એક પણ સદી નથી ફટકારી, પણ એમનું ફૉર્મ 2014 જેવું નથી જ્યારે તે સંઘર્ષ કરતા હતા. આ પહેલાંની મૅચમાં એ પહેલી ઇનિંગમાં 42 રન નોંધાવી ચૂક્યા છે."

"એવું નથી કે કોહલીનું ફૉર્મ બિલકુલ નબળું થઈ ગયું છે પણ કદાચ એમની એકાગ્રતા તૂટી છે. ઘણી વાર ટેકનિકમાં નાનકડો એક જ સુધારો કરવા માત્રથી ઘણો બધો ફરક પડી જતો હોય છે, અને એટલે જ ગાવસ્કરે વિરાટ કોહલીને સલાહ લેવાનું કહ્યું હતું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો