નીરજ ચોપરાએ જ્યારે ગોલ્ડ જીતી એ 100 વર્ષનું મહેણું ભાંગ્યું જે મિલખાસિંહ અને પીટી ઊષા ચૂકી ગયાં હતાં

ઇમેજ સ્રોત, MATTHIAS HANGST/GETTY IMAGES
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિકમાં એ પરાક્રમ કરી બતાવ્યું છે જે ભારતીય ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું. તેઓ ઑલિમ્પિક રમતોની ઍથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારા પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે.
આધુનિક ઑલિમ્પિક રમતોનો ઇતિહાસ પણ 125 વર્ષ જૂનો છે. આ સવા સો વર્ષમાં અત્યાર સુધી ટ્રૅક ઍન્ડ ફિલ્ડ સ્પર્ધાઓમાં કોઈ ભારતીય મેડલ પ્રાપ્ત કરી શક્યો નથી.
ભારતે 1920 ની ઍન્ટવર્પ ઑલિમ્પિક રમતોથી પોતાના ખેલાડીઓને ઑલિમ્પિકમાં મોકલવાનું શરૂ કર્યું હતું. એટલે કહેવામાં આવી રહ્યું છે કે નીરજ ચોપરાએ 100 વર્ષથી મેડલની પ્રતીક્ષા કરી રહેલા ભારતનું સપનું પૂરું કર્યું છે.
નીરજે ટોક્યોમાં જે સફળતા પ્રાપ્ત કરી છે, તેની શરૂઆત વિશે ભારતીય ઍથ્લેટિક્સ સંઘના પૂર્વ સીઈઓ મનીષ કુમારે જણાવ્યું, "નીરજે ઐતિહાસિક સળફતા પ્રાપ્ત કરી છે. તેમની સફળતામાં તેમનું, તેમના પરિવારનું અને તેમના કોચનું તો યોગદાન છે જ અને ઍથ્લેટિક્સ ફૅડરેશન પણ તેમને દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું હતું."
મનીષ કુમાર હાલમાં ઍથ્લેટિક્સ ફૅડરેશન સાથે જોડાયેલા નથી પરંતુ તેઓ કહે છે કે લલિત ભનોતની આગેવાનીમાં 10 વર્ષ પહેલાં ફૅડરેશને જૅવલિન થ્રોના ઍથ્લીટ્સને તૈયાર કરવાની જે ઝુંબેશ શરૂ કરી હતી, તેનું પરિણામ અત્યારે મળ્યું છે.

નીરજ પોતાનું કૌશલ્ય સતત સુધારતા ગયા

ઇમેજ સ્રોત, CHRISTIAN PETERSEN/GETTY IMAGES
તેમને જણાવ્યું કે, "વર્ષ 2016માં નીરજ જ્યારે વર્લ્ડ જુનિયર ઇવેન્ટમાં ચૅમ્પિયન બન્યા હતા ત્યારે ફૅડરેશને ગૅરી કાલકર્ટની ટીમના કોચ તરીકે નિમણૂક કરી હતી. તેમણે ફક્ત બે વર્ષમાં નીરજને પૉલિશ કરી દીધા, ત્યાર બાદ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટમાં સતત સફળતા પ્રાપ્ત કરતા રહ્યા. તેમણે નીરજને એક રીતે પરફૅક્ટ બનાવી દીધા."
જોકે કાલકર્ટે એપ્રિલ, 2018માં ભારતીય ટીમના કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું અને 63 વર્ષની વયે તેમનું જુલાઈ, 2018માં નિધન થઈ ગયું હતું. પરંતુ નીરજ ચોપરાએ તેમની પાસેથી જે પાઠ મેળવ્યા તેનું તેઓ પાલન કરતા ગયા અને પોતાને સુધારતા ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીરજ ચોપરાના કાકા ભીમ ચોપરાએ જણાવ્યું કે, "નીરજે જેટલી મહેનત કરી છે તેનું પરિણામ મળ્યું છે. તે ઘર-પરિવાર બધુ જ ભૂલીને રમત પાછળ વળગી રહ્યા હતા. અમને લોકોને ખૂબ ખુશી છે કે તેમની મહેનતે એ કરી બતાવ્યું જે અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું. સમગ્ર દેશ તેમની પર ગર્વ કરી રહ્યો છે."
નીરજ ચોપરાની સૌથી મોટી વિશેષતા વિશે મનીષ કુમારે કહ્યું કે, ભાલાફેંકમાં ખેલાડીઓ ખભાને જલદી ઈજા થતી હોય છે પરંતુ નીરજે પોતાની જાતને ફિટ બનાવી રાખી છે અને તે જ તેમની સફળતાનું સૌથી મોટું રહસ્ય છે.
નીરજ ચોપરા પહેલા ઑલમ્પિક રમતોના ઇતિહાસ બે વખત બે ભારતીય ઍથ્લીટ ઑલિમ્પિક મેડલ પ્રાપ્ત કરવાની ખૂબ નજીક પહોંચ્યા હતા પણ સેકંડના સોમાં ભાગથી મેડલથી ચૂકી ગયા હતા.

શરૂઆતથી અંત સુધી ટૉપ પર રહ્યા નીરજ

ઇમેજ સ્રોત, JAVIER SORIANO/AFP VIA GETTY IMAGES
નીરજ સાથે એવું કોઈ જોખમ ન રહ્યું. તેઓ ક્વૉલિફાઇંગ રાઉન્ડથી જ પ્રથમ સ્થાન પર રહ્યા અને અંત સુધી ટોચના સ્થાન પર બનેલા રહ્યા હતા.
ઑલિમ્પિકમાં પ્રથમ વખત ભાગ લેવાની સાથે તેમણે ગોલ્ડ મેડલ પર નિશાન સાધીને પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવી દીધું છે.
તેમને એ વાતનો પણ ખ્યાલ હતો કે તેમની સફળતા અનેક ઍથ્લીટ્સના સપનાને પૂરા કરવા જેવી છે. જેથી નીરજે પોતાની જીત એ ખેલાડીઓને સમર્પિત કરી, જે નજીવા અંતરથી મેડલ જીતવાથી ચૂકી ગયા છે.
નીરજ ચોપરાએ પોતાની સફળતા ભારતના દિગ્ગજ ઍથ્લીટ્સને સમર્પિત કરી છે.
મિલ્ખા સિંહના પુત્ર જીવ મિલ્ખા સિંહે ટ્વીટ કરીને કહ્યું કે તેમના પિતા જેની રાહ જોઈ રહ્યા હતા તે પૂર્ણ થયું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

બ્રિટનમાં જન્મેલા નૉર્મને અપાવ્યા હતા બે સિલ્વર મેડલ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના રેકૉર્ડની દૃષ્ટિથી જોઈએ તો નીરજ ચોપરા પહેલા પણ ભારતને ફિલ્ડ ઍન્ડ ટ્રૅક ઇવેન્ટમાં ઑલિમ્પિક મેડલ મળી ચૂક્યો છે. આ મેડલ 1900ના પેરિસ ઑલિમ્પિકમાં નૉર્મન પ્રિચાર્ડે અપાવ્યો હતો.
નૉર્મન પ્રિચાર્ડ ભારતમાં જન્મેલા બ્રિટિશ હતા પરંતુ તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરી પેરિસમાં મેડલ જીત્યા હતા. પ્રિચાર્ડે પેરિસ ઑલિમ્પિકમાં દોડની પાંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 200 મીટર અને 200 મીટર હર્ડલમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો.
ઑલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કર્યા બાદ પ્રિચાર્ડ બે વર્ષ સુધી ભારતીય ફૂટબૉલ સંઘના સચિવ રહ્યા અને ત્યાર બાદ 1905માં બ્રિટન પરત ચાલ્યા ગયા.
તેઓ ત્યાં પણ વધારે સમય ટક્યા નહીં અને અમેરિકા જઈને ઍક્ટિંગ કરવા લાગ્યા હતા. નૉર્મન પ્રિચાર્ડ હૉલીવુડની ફિલ્મોમાં કામ કરનારા પહેલા ઑલિમ્પિયન હતા.
વર્લ્ડ ઍથ્લેટિક્સ ફૅડરેશનના આંકડા અનુસાર પેરિસ ઑલિમ્પિકમાં પ્રિચાર્ડે ગ્રેટ બ્રિટન તરફથી ભાગ લીધો હતો અને ભારતીય ઑલિમ્પિક સંઘની શરૂઆત પણ 1920માં માનવામાં આવે છે.
જોકે ત્યાર બાદ ફક્ત બે વખત એવા અવસર આવ્યા જ્યારે ટ્રૅક ઍન્ડ ફિલ્ડના ભારતીય ઍથ્લીટ મેડલ નજીક પહોંચ્યા.

આ રીતે ચૂકી ગયા હતા મિલખાસિંહ

પહેલી વખત વર્ષ 1960ના રોમ ઑલ્મિપિકમાં 'ફ્લાઇંગ શીખ'ના નામથી જાણીતા બનનાર મિલખાસિંહ સામે મેડલ જીતવાની તક હતી.
400 મીટર ફાઇનલમાં તેમને મેડલના દાવેદાર માનવામાં આવી રહ્યા હતા પરંતુ તેઓ સેકંડના દસમા ભાગથી મેડલ જીતવાથી ચૂકી ગયા હતા.
મિલખાસિંહે એમ તો ત્રણ ઑલિમ્પિક રમતોમાં ભાગ લીધો પરંતુ તેઓ રોમમાં જ મેડલની નજીક પહોંચ્યા હતા અને તે મેડલ તેમના હાથમાંથી ચૂકી ગયો હતો.
આ મેડલ માટે મિલખાસિંહે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. ફાઇનલ રાઉન્ડની રેસમાં તેઓ પહેલા 200 મીટર સુધી સૌથી આગળ હતા અને 250 મીટર બાદ તેમને પોતાની ગતિ થોડી ધીમી કરી અને તેમનો અફસોસ તેમને જીવનભર રહ્યો.
ભારતના પ્રસિદ્ધ ઑલિમ્પિક ખેલાડીઓના સંસ્મરણ પર આધારિત 'માય ઑલિમ્પિક જર્ની'માં મિલખાસિંહે લખ્યું હતું, "પાછળ ફરીને જોઉં છું તો લાગે છે કે જીતેલો ગોલ્ડ મેડલ હું હારી ગયો."
આ હરિફાઈમાં અમેરિકાના ઓટિસ ડેવિસે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને જર્મનીના કાર્લ કૉફમૅને સિલ્વર મેડલ અને આ બંનેએ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યા હતા. મિલખાસિંહ સાઉથ આફ્રિકાના મૅલકમ સ્પેન્સથી ફોટો ફિનિશમાં પાછળ રહી ગયા હતા. તેમણે 45.6 સેકંડનો સમય લીધો હતો જે 44 વર્ષ સુધી નેશનલ રેકૉર્ડ બનેલો રહ્યો હતો.

પી.ટી.ઊષા પણ થોડા જ અંતરથી ચૂક્યા હતા

ઇમેજ સ્રોત, JUNJI KUROKAWA/AFP VIA GETTY IMAGES
વર્ષ 1984માં લૉસ એન્જેલિસ ઑલિમ્પિક રમતોમાં પી.ટી.ઊષાએ મિલખાસિંહની યાદ અપાવી હતી. જોકે આ અગાઉ 1964માં ગુરુબચન સિંહ રંધાવા 110 મીટર હર્ડલમાં ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યા હતા પણ પાંચમા સ્થાન પર રહ્યા હતા.
પણ ત્યાર બાદ ભારતીય ઍથ્લીટ્સનું પ્રદર્શન લાંબા સમય સુધી અસરકારક રહ્યું ન હતું.
વર્ષ 1976માં શ્રીરામસિંહ મિડલ ડિસ્ટેન્સ રનર તરીકે મૉન્ટ્રિયલ ઑલિમ્પિકમાં ખાસો પ્રભાવ છોડવામાં સફળ રહ્યા હતા. તેમને 800 મીટર દોડના ફાઇનલ રાઉન્ડમાં જે સમય લીધો હતો તે 1994 સુધી એશિયન રેકૉર્ડ રહ્યો પરંતુ શ્રીરામસિંહ સાતમા સ્થાન પર રહ્યા હતા.
વર્ષ 1984માં લૉસ એન્જલિસ ઑલિમ્પિક રમતોત્સવમાં પી.ટી.ઊષા 400 મીટર હર્ડલમાં બ્રૉન્ઝ મેડલ સેકંડના સોમા ભાગથી ચૂકી ગયાં હતાં. ઊષા જે અંતરથી ચૂકી ગયા હતા તે ફોટો ફિનિશ જેવો મામલો હતો.
તમને એ જાણીને આશ્ચર્ય થઈ શકે છે કે પી.ટી.ઉષા આ ઑલિમ્પિક રમતો પહેલાં જ જાણીતાં બની ચૂક્યાં હતાં. 400 મીટર દોડની સ્પર્ધામાં 1983માં તેમણે નેશનલ રેકૉર્ડ બનાવ્યો હતો અને એ જ વર્ષે આયોજિત એશિયન ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પરંતુ 1984ની લૉસ એન્જલિસ ઑલિમ્પિક રમતોમાં તેમણે 400 મીટર હર્ડલ રેસમાં ભાગ લીધો હતો. આ હર્ડલ રેસમાં ભાગ લેવા માટેનો વધારે અનુભવ તેમની પાસે ન હતો. તેમ છતાં તેઓ ઇતિહાસ બનાવવાની નજીક પહોંચી ગયાં હતાં.
પી.ટી.ઊષાએ પાંચમી લેનથી શાનદાર અંદાજમાં દોડ શરૂ કરી હતી અને તેઓ જ મેડલ જીતી શકતાં હતાં પરંતુ ઑસ્ટ્રેલિયન ઍથ્લીટ ડૅબી ફ્લિંટૉફના વહેલા ટેક ઑફ કરવાના કારણે આ રેસ ફરીથી આયોજિત થઈ અને આ વખતે ઊષાનાં ધ્યાનમાં વિક્ષેપ ઊભો થયો હતો.
પહેલું હર્ડલ પાર કરવામાં તેમને 6.9 સેકંડનો સમય લાગ્યો હતો, જ્યારે તેઓ સામાન્ય રીતે તેને 6.2 સેકંડમાં પૂર્ણ કરી લેતાં હતાં. તેમ છતાં પી.ટી.ઊષાએ હિંમત હાર્યા વિના શાનદાર વાપસી કરી છતાં ફોટો ફિનિશમાં મેડલથી ચૂકી ગયાં.
આનો અફસોસ પી.ટી.ઊષાને લાંબા સમય સુધી રહ્યો અને નીરજ ચોપરાની સફળતા પર તેમનાં ટ્વીટને જોતા આ વાત સારી રીતે સમજી શકાય છે.

નીરજે પૂર્ણ કર્યું અધૂરું સપનું
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પી.ટી.ઊષાએ લખ્યું, "તમે મારું 37 વર્ષથી અધૂરું રહેલું સપનું પૂરું કરી દીધું. ધન્યવાદ મારા દીકરા, નીરજ ચોપરા."
અંજુ બૉબી જ્યોર્જ પણ એવાં ઍથ્લીટ્સમાં સામેલ રહ્યાં છે જેમણે મેડલની આશા જગાવી હતી.
વર્ષ 2004ના એથેન્સ ઑલિમ્પિકમાં લૉંગ જમ્પ સ્પર્ધામાં તેમણે 6.83 મીટરનો જમ્પ કરીને નેશનલ રેકૉર્ડ જરૂર બનાવ્યો હતો પરંતુ તે મેડલ અપાવવા માટે પૂરતું ન હતું. તેઓ પાંચમા સ્થાન પર રહ્યાં હતાં.
પરંતુ આ ઍથ્લીટ્સના સંઘર્ષે નીરજ ચોપરા માટે એ જમીન તૈયાર કરી હતી, જેમાં 100 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ ગોલ્ડ મેડલનું ફળ આવી ચૂક્યું છે.
નીરજની સફળતા એ રીતે પણ મહત્ત્વની છે કે તે વ્યક્તિગત ગૉલ્ડ મેડલ પ્રાપ્ત કરનારા ભારતના બીજા ખેલાડી છે.
આની પહેલા શૂટર અભિનવ બિંદ્રાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બંને સિવાય આઠ ગોલ્ડ મેડલ ભારતીય હૉકી ટીમના નામે છે. 10 ગોલ્ડ મેડલ સિવાય ભારતે ઑલિમ્પિકના ઇતિહાસમાં અત્યાર સુધી નવ સિલ્વર અને 16 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












