પાકિસ્તાનમાં 'ફ્લાઇંગ શીખ' બનનારા મિલ્ખા સિંહની પ્રેમકહાણી જ્યારે અધૂરી રહી ગઈ

ભારતના પ્રખ્યાત ઍથ્લીટ મિલ્ખા સિંહનું ચંડીગઢની હૉસ્પિટલમાં નિધન થયું છે. કેટલાક દિવસો પહેલાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
કોરોનાનો ચેપ લાગ્યા બાદ 91 વર્ષના મિલ્ખા સિંહને ચંડીગઢના પીજીઆઈએમઈઆરમાં દાખલ કરાવાયા હતા. જ્યાં શુક્રવાર સાંજે તેમની તબિયત કથળી ગઈ હતી અને ઘણા પ્રયાસો બાદ પણ તેમને બચાવી શકાયા નહોતા.
ચંડીગઢમાં બીબીસીના સહયોગી પત્રકાર રવિંદરસિંહ રૉબિનને હૉસ્પિટલના પ્રવક્તા અશોક કુમારે જણાવ્યું હતું કે મિલ્ખા સિંહનું નિધન રાતે 11.30 વાગ્યે થયું છે.
મિલ્ખા સિંહને કોરોનાના સંક્રમણને પગલે ત્રીજી જૂને પીજીઆઈએમઈઆરના આઈસીયુમાં દાખલ કરાવાયા હતા. તેઓ 13 જૂન સુધી આઈસીયુમાં દાખલ હતા અને દરમિયાન તેમણે કોરોનાને હરાવી દીધો હતો.
13 જૂને ટેસ્ટ નૅગેટિવ આવ્યા બાદ કોવિડ સંબંધિત મુશ્કેલીઓને પગલે તેમને ફરીથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તમામ પ્રયાસો બાદ પણ તબીબોની ટીમ તેમને બચાવી શકી નહોતી.

મિલ્ખાને મળી રડ્યા મેજર ખાલિક

ઇમેજ સ્રોત, Getty Images
1960ના દશકમાં પાકિસ્તાની સેનાના મેજર અબ્દુલ ખાલિક તથા મિલ્ખા સિંહને એકબીજાના કટ્ટર સ્પર્ધક માનવામાં આવતા. 1965ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતનો હાથ ઉપર રહ્યો હતો.
એ સમયે પાકિસ્તાનના કેટલાક સૈનિકો તથા અધિકારીઓને યુદ્ધબંધી તરીકે કેદ કરવામાં આવ્યા હતા અને તેમને ઉત્તર પ્રદેશના મેરઠ લાવવામાં આવ્યા હતા. જેમાંથી એક હતા મેજર અબ્દુલ ખાલિક.
જેલમાં ભારતીય સેનાના ખેલાડીઓને દોડતાં-રમતાં જોઈને મેજર અબ્દુલ ખાલિકે મિલ્ખા સિંહને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિલ્ખા સિંહ મેજર ખાલિકને મળવા માટે મેરઠ પહોંચ્યા. હજુ પાંચ વર્ષ પહેલાં લાહોરના સ્ટેડિયમમાં મિલ્ખા સિંહે લગભગ 60 હજાર દર્શકોના 'પાકિસ્તાન જિંદાબાદ' અને 'મેજર અબ્દુલ ખાલિક જિંદાબાદ'ના નારા વચ્ચે 200 મીટરની દોડમાં મેજર ખાલિકને પરાજય આપીને 'ફ્લાઇંગ શીખ'ની ઉપમા મેળવી હતી.
એ જૂની હારની કડવાશ હવે બાજુએ રહી ગઈ હતી.
મેરઠની જેલમાં બંને એકબીજાને મળ્યા તો તરત જ ભેટી પડ્યા. પાંચ વર્ષ પહેલાં મેદાન ઉપર હાર બાદ રડી રહેલા મેજર ખાલિકને સંભાળતાં તેમણે કહ્યું હતું, 'હારજીત ચાલ્યા કરે. તેને હૃદય ઉપર ન લેવી જોઈએ.' પરંતુ એ દિવસે બંનેની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં.
આસપાસના સૈનિકો પણ આ દૃશ્ય જોઈને ભાવુક થઈ ગયા હતા. એ ઘટના પછી મેજર ખાલિકની મુક્તિ થઈ અને તેઓ વતન પરત ફર્યા.

દેશભરમાં રજા

કાર્ડિફ કૉમનવેલ્થ ગૅમ્સમાં તત્કાલીન વર્લ્ડ વિક્રમધારક માલ્કમ સ્પેન્સને હરાવીને સુવર્ણપદક જીતી મિલ્ખા સિંહે પોતાના નામની નોંધ લેવડાવી હતી.
મિલ્ખા સિંહે પોતાના અમેરિકન કોચ હાવર્ડના સૂચન મુજબ ચારસો મીટરની દોડમાં પહેલાંથી જ ઝડપ પકડી હતી. જ્યારે વિજયરેખાથી માત્ર 50 ફૂટનું અંતર હતું, ત્યારે મિલ્ખા સિંહે તેમની તાકાત લગાવી દીધી અને ઝડપ વધારી દીધી.
જ્યારે મિલ્ખા સિંહે વિજયરેખા પાર કરી ત્યારે સ્પેન્સ તેમનાથી માત્ર અડધો ફૂટ દૂર હતા. ટેપને સ્પર્શતાં જ મિલ્ખા સિંહ મેદાન ઉપર જ ફસડાઈ પડ્યા હતા.
મિલ્ખા સિંહને સ્ટ્રેચર મારફત ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા, તેમને ઑક્સિજન આપવામાં આવ્યો. જ્યારે ભાન આવ્યું, ત્યારે તેમને જાણ થઈ કે તેમણે કેટલું મોટું પરાક્રમ કર્યું છે.
સાથી ખેલાડીઓએ તેમને ખભા ઉપર ઉઠાવી લીધા. મિલ્ખા સિંહે પોતાના ખભા ઉપર તિરંગો લીધો અને સમગ્ર સ્ટૅડિયમનું ચક્કર માર્યું. પ્રથમ વખત કોઈ ભારતીયે કૉમનવેલ્થ ગૅમ્સમાં સુવર્ણપદક જિત્યો હતો.
રાણી ઍલિઝાબેથે મિલ્ખા સિંહને પદક પહેરાવ્યું, જ્યારે ભારતીય ઝંડો ઊંચે જઈ રહ્યો હતો, ત્યારે તેમની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં.
એ વખતે વીઆઇપી ઍન્ક્લોઝરમાંથી સાડી પહેરેલાં ટૂંકા વાળ સાથે એક મહિલા મિલ્ખા સિંહની પાસે દોડતાં આવ્યાં.
ભારતીય ટીમના વડા અશ્વિની કુમારે એ મહિલાનો પરિચય આપ્યો, તેઓ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનાં નાનાં બહેન વિજ્યાલક્ષ્મી પંડિત હતાં. એ ઘટનાક્રમ અંગે મિલ્ખા સિંહ કહે છે :
"તેઓ મને ભેટી પડ્યાં અને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું પંડિત જવાહરલાલ નહેરુએ સંદેશ મોકલાવ્યો છે. આ વિજયના બદલામાં તમે ઇનામમાં શું લેવા ચાહશો? એ સમયે મને કંઈ સમજમાં ન આવ્યું. મેં તેમને કહ્યું કે આ વિજયની ખુશીમાં દેશમાં રજા જાહેર કરી દેવામાં આવે."
"હું જે દિવસે ભારત પહોંચ્યો, તે દિવસે પંડિત નહેરુએ પોતાનો વાયદો પાળ્યો અને સમગ્ર દેશમાં રજા જાહેર કરી દેવામાં આવી."

એક અધૂરી પ્રેમકહાણી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મિલ્ખા સિંહ 1956માં ઑસ્ટ્રેલિયાના મૅલબૉર્ન ખાતે ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
અહીં, તેઓ ખુલ્લા પગે દોડતા, જ્યારે અન્ય ખેલાડીઓ પાસે વિશેષ પ્રકારનાં જૂતાં હતાં. અપેક્ષા મુજબ જ તેઓ હારી ગયા. છતાં મિલ્ખા સિંહ અમેરિકાના ખેલાડી ચાર્લ્સ જૅનકિનથી ભારે પ્રભાવિત થયા હતા.
મિલ્ખા તથા સાથી દોડવીર જગદેવ સિંહ તેમની પાછળ પડી ગયા હતા. શરૂઆતમાં તો ચાર્લ્સે તેમને ટાળ્યા, પરંતુ બે દિવસ પછી તેમણે પોતાનું રૂટિન ડાયટ મિલ્ખાને લખી આપ્યું. જેની ઉપર મિલ્ખા સિંહે અમલ કર્યો અને તેમનું નામ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચમકવા લાગ્યું હતું.
એ ઑલિમ્પિકમાં અન્ય એક ઘટના પણ ઘટી હતી, જેણે આજીવન મિલ્ખા સિંહના જીવન ઉપર છાપ છોડી હતી. ઑસ્ટ્રેલિયાનાં મહિલા દોડવીર બૅટ્ટી કટબર્થ સાથે મિલ્ખા સિંહની મુલાકાત થઈ હતી.
18 વર્ષીય બૅટ્ટી મિલ્ખાની પાઘડી અને દાઢી ઉપર ફિદા થઈ ગયાં હતાં. એ સમયે ઑસ્ટ્રેલિયામાં કેટલાક શીખ રહેતા હતા, પરંતુ બૅટ્ટીએ તેમને જોયા ન હતા. એક દિવસ ટ્રેનિંગના સેશન દરમિયાન બૅટ્ટી તેમની પાસે આવ્યાં.
બૅટ્ટીએ પોતાના માથા ઉપર પાઘડી બાંધી દેવા મિલ્ખાને વિનંતી કરી. મિલ્ખાએ તેમને સ્ટેડિયમની પાસે પોતાના રૂમે લઈ ગયા અને બૅટ્ટીના માથા ઉપર બ્લૂ રંગની પાઘડી બાંધી, બંને વચ્ચે નિકટતા વધી.
એ ઑલિમ્પિક બૅટ્ટી માટે યાદગાર રહ્યો, તેમને 100, 200 અને 400 એમ ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડમેડલ મળ્યા.
એ પછી અન્ય આંતરરાષ્ટ્રીય રમતોત્સવોમાં તેમની મુલાકાત થતી રહી. 1960ની રોમ ઑલિમ્પિક દરમિયાન બૅટ્ટી ઈજાગ્રસ્ત થયાં અને તેમણે રેસ ટ્રૅકને હંમેશાં માટે અલવિદા કહી દીધું.

મિલ્ખાનું 'નિર્મલ' મેડલ

મિલ્ખા સિંહ નજીકના લોકોને ઘણી વખત કહેતા કે 'રોમની ઑલિમ્પિક પહેલાં મેં લગભગ 80 રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી લગભગ 77 જીતી હતી. રોમમાં ભલે મને ઑલિમ્પિક પદક ન મળ્યું, પરંતુ બીજું એક પદક મળ્યું, જે અસલી હતું.'
મિલ્ખા સિંહની આ વાત તેમનાં પત્ની નિર્મલના સંદર્ભમાં છે, બંનેએ રોમ ઑલિમ્પિક પછી લગ્ન કર્યું હતું. મિલ્ખા સિંહ તેમનાં પત્ની નિર્મલને 'મામા' કહીને બોલાવે, જ્યારે નિર્મલ તેમને 'સરદારજી' કહીને બોલાવે.
નિર્મલ ભારતીય વૉલિબૉલ ટીમનાં કૅપ્ટન હતાં, એટલે ઍથ્લિટ હોવાને કારણે બંનેની મુલાકાત થતી. પરંતુ, ઇન્ડો-સિલૉન (હાલનું શ્રીલંકા) રમતોત્સવ દરમિયાન બંને વચ્ચેના પ્રેમે પાંગર્યો.
મિલ્ખા સિંહ એ સમયે ખૂબ જ પૉપ્યુલર હતા, એટલે અન્ય ખેલાડીઓની જેમ નિર્મલ પણ તેમનો ઑટોગ્રાફ લેવા પહોંચી જતાં. લાગણીઓનું ઘોડાપુર બંને તરફ ઊમટી રહ્યું હતું અને તેમણે લગ્ન કરી લીધું. તેમના પુત્ર જીવ વિખ્યાત ગૉલ્ફર છે.
મિલ્ખા સિંહને 'ભારતરત્ન' નહીં મળવાનો વસવસો નિર્મલ નજીકના લોકો સમક્ષ વ્યક્ત કરતાં.
વર્ષો પહેલાં તેમને રાજ્યસભામાં મોકલવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. પરંતુ એક અધિકારીએ ફાઇલ ઉપર નોટ મારી હતી કે ખેલાડીઓને રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે નામાંકિત કરી શકવાની જોગવાઈ નથી, એટલે તેમની નિમણૂક ન થઈ શકી.
વર્ષો બાદ સચીન તેંડુલકર તથા હૉકીના ખેલાડી દિલીપ ટર્કી રાજ્યસભા માટે નામાંકિત થયા હતા.
મિલ્ખા સિંહ કહેતા, "એક પુરુષનું જીવન સ્ત્રી વગર અધૂરું છું."
પાંચ દિવસ પહેલાં નિર્મલ મિલ્ખા સિંહનું કોરોનાના સંક્રમણને લીધે 85 વર્ષની વયે નિધન થયું હતું.
નિર્મલ મિલ્ખા સિંહના મૃત્યુના પાંચ દિવસ બાદ મિલ્ખા સિંહે પણ દુનિયાને અલવિદા કહી દીધી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












