અમૂલ દૂધના ભાવમાં GCMF દ્વારા લિટરે બે રૂપિયાનો વધારો

ઇમેજ સ્રોત, Nasir Kachroo/NurPhoto via Getty Images
કોરોનાકાળમાં મોંઘવારી વધી રહી છે ત્યારે અમૂલ દૂધનો ભાવ પણ વધ્યો છે. પહેલી જુલાઈથી અમૂલ દૂધના ગ્રાહકોએ પ્રતિલિટર બે રૂપિયા વધારે ચૂકવવા પડશે.
ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએફ) દ્વારા અમૂલ દૂધમાં ભાવવધારાની જાણકારી આપવામાં આવી છે.
જીસીએમએફઆઈના માર્કેટિંગ ડાયરેક્ટર આરએસ સોઢીએ કહ્યું કે, 19 મહિના બાદ દૂધનો ભાવ વધારવામાં આવ્યો છે કેમ કે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે.
એમણે સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું કે, ભાવ વધારો અમૂલ દૂધની તમામ બ્રાન્ડ્સ જેમ કે ગોલ્ડ, તાજા, શક્તિ, ટી-સ્પેશિયલ પર અને ગાય અને ભેંસના દૂધ પર પણ લાગુ પડશે.
આરએસ સોઢીનું કહેવું છે કે દૂધના પૅકેજિંગનો ખર્ચ 30થી 40 ટકા વધી ગયો છે અને પરિવહન ખર્ચ પણ 30 ટકા વધ્યો છે અને ફુગાવાની પણ અસર છે જેને કારણે કુલ ઉત્પાદન ખર્ચ વધી ગયો છે.

કોરોના મૃતકોના પરિવારને વળતર આપો - સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, REUTERS/ADNAN ABIDI
આજે સુપ્રીમ કોર્ટે તેના એક નિર્ણયમાં કેન્દ્ર સરકારને કોવિડ મૃતકોને વળતર ચૂકવવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા નિર્દેશ કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની પીઠે આ નિર્દેશ કર્યો છે. જેમાં જસ્ટિસ અશોક ભૂષણ તેના વડા છે. તેમણે નેશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીને નિર્દેશ કર્યો છે કે છ સપ્તાહની અંદર વળતર મામલે ગાઇડલાઇન બનાવે.
ચુકાદામાં કોર્ટે કહ્યું કે એનડીએમએ કોવિડ મૃતકોને ન્યૂનતમ સહાય અથવા વળતર ચૂકવવા માટેની સંસ્થા છે. તેના બંધારણ અનુસાર આ તેની જવાબદારી છે. જો સંસ્થા આવું કરવામાં નિષ્ફળ જાય છે, તો તેનો અર્થ છે કે તે તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટે ગૌરવ બંસલ અને રીપક કન્સલની પિટિશિન પર સુનાવણી બાદ આ ચુકાદો આપ્યો હતો. પિટિશનમાં કોવિડથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાની માગણી કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટે વળતરની રકમ નિયત નથી પણ તે નક્કી કરવા સરકારને કહ્યું છે. કેન્દ્ર સરકાર અગાઉ વળતર આપવાનો ઇનકાર કરી ચૂકી છે.

ભારત બાયોટેક : બ્રાઝિલ કોવૅક્સિન ખરીદીનો 324 મિલિયન ડૉલરનો સોદો રદ કરશે

ઇમેજ સ્રોત, REUTERS
કોવૅક્સિનની એક ડિલ મામલે ભારત બાયોટેકને મોટો ફટકો પડવાની સ્થિતિ સર્જાઈ છે. જેમાં બ્રાઝિલ એક મોટો સોદો રદ કરવાની તૈયારીમાં છે.
બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રીએ નિવેદનમાં કહ્યું કે દેશમાં આ ડિલ મામલે ગેરરીતિનો મુદ્દો ઊઠ્યો છે આથી તેને રદ કરવામાં આવશે અને આરોપોની તપાસ પણ કરવામાં આવશે.
બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ જાએર બોલસોનારો પર આ ડિલમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને ત્યાંની ઑડિટ એજન્સીએ ડિલ રદ કરવાની ભલામણ કરી છે. જોકે, રાષ્ટ્રપતિ બોલસોનારો આરોપનો ઇનકાર કરે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં કહેવાયું છે કે ભારત બાયોટેક સાથે બ્રાઝિલે કોવૅક્સિનના 2 કરોડ ડોઝ ખરીદવા માટે 324 મિલિયન ડૉલરની ડિલ કરી હતી.

કેરળમાં પરિવાર કોરોના મૃતકનું શબ ઘરે લઈ જઈ શકશે

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસને કારણે થયેલી બીમારી કોવિડ-19ને પગલે મૃત્યુ પામેલી વ્યક્તિનો મૃતદેહ પરિવારને ઘરે લઈ જવા નથી અપાતો પણ હવે કેરળે આની મંજૂરી આપી છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર કોવિડ-19 મામલે ગાઇડલાઇન મુજબ કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિનો મૃતદેહ પરિવારને અંતિમવિધિ માટે નથી આપવામાં આવતો. તેને પ્રોટોકોલ મુજબ સીધો અંતિમક્રિયા માટે હૉસ્પિટલથી જ સ્મશાનમાં મોકલી આપવામાં આવે છે.
જોકે, કેરળ સરકારે મૃતકોના પરિવારને અંતિમવિધિ માટે શબ ઘરે લઈ જવા છુટ આપી છે.
એક સમીક્ષા બેઠક પછી કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને મીડિયાને કહ્યું કે સૌથી મોટી સમસ્યા એ હતી કે પરિવારો તેમના સ્વજનને અંતિમ સમયે જોઈ નહોતા શકતા અને અંતિમવિધિ માટેના રિવાજો પણ નહોતા કરી શકતા.
તેમણે કહ્યું, "હવે નક્કી કરવામાં આવ્યું છે કે પરિવારજનોને મૃતદેહ અંતિમવિધિ માટેના રિવાજો પૂર્ણ કરવા માટે ઘરે લઈ જવાની છુટ આપવામાં આવશે. તેમને એક કલાક માટે મૃતદેહ ઘરે લઈ જવા દેવામાં આવશે."

'હૉંગકૉંગમાં માનવાધિકાર સંકટ' - એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ

ઇમેજ સ્રોત, ISAAC LAWRENCE/AFP
હૉંગકૉંગમાં ચીને લાવેલા નવા સુરક્ષા કાયદાને પગલે એક માનવાધિકાર સંકટ સર્જાયું હોવાનું એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું કહેવું છે.
એમ્નેસ્ટીએ કહ્યું કે નવા સુરક્ષા કાયદાથી હૉંગકૉંગ શહેરની સ્વતંત્રતા ઘટી ગઈ છે અને ત્યાં માનવાધિકારનું સંકટ સર્જાયું છે. ચીને નવો કાયદો લાગુ કર્યો તેના વર્ષ પછી અહીં માનવઅધિકારોનું રક્ષણ નથી થઈ રહ્યું.
સંસ્થાએ નવા રિપોર્ટમાં કહ્યું, "કાયદો લાવ્યાના એક વર્ષમાં નાગરિકો સામે ગેરકાનૂની રીતે કાર્યવાહીઓ થઈ છે. આ ખરેખર એક માનવાધિકાર સંકટ છે."

ગુજરાતમાં '40 સરકારી કંપનીઓમાં 46 નિવૃત્ત બ્યૂરોક્રેટ્સ ડાયરેક્ટરે પદે કામ કરે છે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે કરેલી તપાસમાં વિગતો બહાર આવી છે કે સહકારી બૅન્કોમાં રાજકીય પક્ષોના સહયોગીઓ બાદ હવે સરકારી કંપનીઓમાં નિવૃત્ત બ્યૂરોક્રેટ્સનું ચલણ છે.
માહિતી અધિકાર કાયદા દ્વારા મળેલી વિગતો અને 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે 40 સરકારી કંપનીઓ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ)માં 46 નિવૃત્ત અમલદારો ડાયરેક્ટરપદનો સ્વતંત્ર પદભાર સંભાળી રહ્યા છે.
વળી પીએસયુમાં ભાજપની સાથે સંકળાયેલા કેટલાક રાજનેતાઓ પણ ડાયરેક્ટર પદે છે.
અહેવાલમાં કહેવાયું છે કે 98 પીએસયુમાં 172 સ્વતંત્ર ડાયરેક્ટર છે. અને તેમાં 86માંથી 67 બોર્ડ સીધા ભાજપ સાથે સંકળાયેલા છે.
જે સરકારી અમલદારોએ મંત્રાલયોમાં વરિષ્ઠ પદો પર કામ કર્યું છે, તેઓ આવા પદો પર નિવૃત્તિ બાદ કામ કરતા હોઈ 'હિતોના ટકરાવ'નો મામલો પણ બને છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












