નરસિમ્હા રાવ : જ્યારે તેમણે 65 વર્ષની ઉંમરે કમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું

    • લેેખક, બલ્લા સતીશ
    • પદ, બીબીસી તેલુગુ સંવાદદાતા

1986ની વાત છે. રાજીવ ગાંધી ત્યારે વડા પ્રધાન હતા. પીવી નરસિમ્હા રાવ સંરક્ષણમંત્રી હતા.

રાજીવ ગાંધીની જેમ નરસિમ્હા રાવ પણ ટેકનોલૉજીમાં રુચિ ધરાવતા હતા. જોકે પીવીને હજી સુધી કમ્પ્યુટર વિશે બહુ ખ્યાલ નહોતો.

રાજીવ ગાંધી તેનાથી સારી રીતે પરિચિત હતા. એક મિત્ર સાથે રાજીવ ગાંધી વાત કરી રહ્યા હતા ત્યારે રૂમમાં નરસિમ્હા રાવ પણ હાજર હતા.

રાજીવ મિત્રને જણાવી રહ્યા હતા કે તેઓ ઇલેક્ટ્રૉનિક્સ, કમ્પ્યુટરોની આયાત માટે મંજૂરી આપવા તૈયાર છે.

રાજીવ ગાંધીએ મિત્રને જણાવ્યું કે, "પક્ષના પીઢ નેતાઓને આ કેવું લાગશે તે ખબર નથી. એ પેઢીને ટેકનોલૉજીની બહુ સમજ પડતી નથી."

નરસિમ્હા રાવ આ બધી વાતો સાંભળતા રહ્યા.

તે રાત્રે જ તેમણે હૈદરાબાદમાં રહેતા પોતાના પુત્ર પ્રભાકર રાવને ફોન કર્યો.

હજી 15 દિવસ પહેલાં જ પ્રભાકર રાવે પિતાને જણાવ્યું હતું કે તેમની કંપની કમ્પ્યુટરોના ઉપયોગ વિશે અભ્યાસ કરવા માગે છે.

પીવી નરસિમ્હાને તે યાદ હતું. તેમણે પુત્રને જણાવ્યું કે "તું કમ્પ્યુટર ટેકનોલૉજી વિશે વાત કરી રહ્યો હતો? તેનો કોઈ નમૂનો તારી પાસે હોય તો મને એક મોકલી આપ."

પ્રભાકર રાવ પોતાની હૈદરાબાદ ખાતેની કંપનીમાં ટીવી અને કમ્પ્યુટર બનાવવા માટેનો એકમ નાખવા માગતા હતા.

તેમણે ત્રણ પ્રકારના ડેસ્કટૉપના પ્રોટોટાઇપ પણ તૈયાર કરી લીધા હતા. ટીવીના બિઝનેસમાં તેમણે પાછળથી ઝંપલાવ્યું હતું.

પ્રભાકર રાવે કમ્પ્યુટરનું એક પ્રોટોટાઇપ દિલ્હી મોકલી આપ્યું અને એક જાણકારની પણ વ્યવસ્થા કરી આપી કે જેથી પીવીને તેનો ઉપયોગ કરવાનું શીખવી શકાય.

આ રીતે 65 વર્ષની ઉંમરે નરસિમ્હા રાવે કમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું હતું.

પ્રભાકર રાવે બીબીસીને જણાવ્યું કે "તે વખતે સ્પેરપાર્ટ્સની આયાત કરીને તેને ઍસેમ્બલ કરીને કામ થતું હતું. મને યાદ છે કે આઈબીએમનું ક્લોન કરેલું કમ્પ્યુટર હતું."

જોકે પીવી નરસિમ્હા રાવને કમ્પ્યુટર શીખવનાર સાથે ફાવ્યું નહીં. તેમણે પુત્રને કહ્યું કે મને મેન્યુઅલ અને બીજી બુક્સ મોકલી આપ. ટેકનોલૉજીમાં રસ ધરાવતા નરસિમ્હા રાવે આ પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું અને તે રીતે કમ્પ્યુટર વાપરતા શીખવા લાગ્યા.

છ મહિના સુધી રોજ સવારે અને સાંજે તેઓ કમ્પ્યુટર શીખતા રહ્યા અને પછી પુત્રને ફોન કરીને કહ્યું કે હવે તેમને બરાબર આવડી ગયું છે.

માત્ર સામાન્ય ઉપયોગ માટે કમ્પ્યુટર શીખવાની વાત નહોતી. તેમણે કોડિંગ અને પ્રોગ્રામિંગ પણ શીખી લીધું હતું.

તે વખતે પ્રચલિત પ્રોગ્રામિંગ લૅન્ગેવેજ - COBOL, BASIC વગેરે પણ તેઓ શીખ્યા. તેઓ UNIXમાં કોડિંગ કરવાનું શીખી ગયા હતા.

છ મહિના પછી હવે સ્થિતિ બદલાઈ ગઈ હતી

પ્રભાકર રાવ કહે છે "પછી જ્યારે પણ રાજીવ ગાંધી અને પીવી નરસિમ્હા રાવ વચ્ચે મોકળાશના સમયમાં વાતચીત થાય ત્યારે ટેકનોલૉજી વિશે થતી. બંનેને આમાં રુચિ હતી એટલે તેઓ કમ્પ્યુટર અને લૅટેસ્ટ ટ્રેન્ડ વિશે વાતો કરતા રહેતા."

પુત્રીને પણ પ્રેરણા આપી

પીવી નરસિમ્હા રાવનાં પુત્રી સુરભી વાણી દેવી (હાલમાં તેલંગણામાં એમએલસી છે) પણ પિતાના કમ્પ્યુટરપ્રેમ વિશે વાત કરતાં કહે છે, "હું એક વાર કામથી દિલ્હી ગઈ હતી. સંસદમાં જતા પહેલાં પિતાએ મને કમ્પ્યુટરમાં ચિત્ર દોરવાનું કહ્યું. તે વખતે બ્રશ સાથે (કદાચ એમએસ પેઇન્ટ) સામાન્ય ચિત્ર દોરી શકાતું હતું."

"મને તો કમ્પ્યુટરનો ક પણ ના આવડે, પણ પિતાએ મને કહ્યું કે ત્યાં મેન્યુઅલ પડ્યું છે તે વાંચીને તેમાંથી કેવી રીતે પૅઇન્ટિંગ કરવું તે જોઈ લે. તેમણે મને ફ્લૉપી આપી અને તેમાં સેવ કરી લેવા કહ્યું."

"મારા માટે આ બધું નવું હતું. મને કંઈ સમજાતું નહોતું. મને થયું કે મેન્યુઅલ વાંચીને આ બધું કેવી રીતે કરવું. એ ફ્લૉપીઝ આજે પણ મારી પાસે છે."

"મેં જેમતેમ કરીને થોડું પૅઇન્ટિંગ કર્યું અને ફ્લૉપીમાં તેને સેવ કરેલું. મને જોકે આનંદ થયેલો કે મને કમ્પ્યુટર વાપરવા દેવાયું હતું."

નરસિમ્હા રાવના પુત્ર પ્રભાકર કહે છે કે તે દિવસોમાં પિતાના કબાટમાં કમ્પ્યુટર વિશેનાં અનેક પુસ્તકો હતાં.

તેઓ કહે છે, "2002માં તેમના કમ્પ્યુટરમાં હાર્ડવેરની સમસ્યા આવી ત્યારે કોઈ ટેકનિશિયન મળે તેમ નહોતું એટલે તેમણે મેન્યુઅલ જોઈને જાતે રિપેર કરી લીધેલું."

હાફલાઇન પુસ્તકમાં પ્રોફેસર વિનય સિતાપતિએ લખ્યું છે કે પીવી કમ્પ્યુટરો વિશે કેટલું જ્ઞાન ધરાવતા હતા. આઈટી એશિયા કૉન્ફરન્સમાં બોલતી વખતે નરસિમ્હા રાવે પોતાના કમ્પ્યુટર નૉલેજ વિશે વાત કરી હતી.

આજે પણ કમ્પ્યુટર અને સ્માર્ટ ફોન વાપરનારા લોકોને અપડેટની સમસ્યા હોય છે.

તેમણે એ વખતે આ જ વિષય પર ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે કૉન્ફરન્સમાં પોતાનાં ભાષણમાં ફરિયાદ કરતાં કહેલું કે "હું વર્ડનું એક વર્ઝન વાપરું છું. તેની અપડેટ વર્ષે આવ્યા કરે છે. હું અપડેટ જોઉં ત્યારે ખબર પડે કે તેમાં ખાસ કોઈ ફરક નથી. આ અપડેટ માટે આપણે કાળજી રાખવી પડે. ચાર અપડેટ ના કરીએ અને પછી પાંચમી કરીએ તો કંઈક ફરક પડેલો લાગે."

પ્રણવ મુખરજીનો એ રસપ્રદ કિસ્સો

ડિસેમ્બર 2012માં હૈદરાબાદમાં એક ખાનગી મીડિયા કંપનીની બેઠક હતી, તેમાં તે વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ એક રસપ્રદ કિસ્સો કહ્યો હતો.

તેમણે કહ્યું કે પોતાને કમ્પ્યુટરમાં બહુ સમજ ના પડે એટલે નરસિમ્હા રાવ તેમને ચીડવતા. "પીવી નરસિમ્હા રાવ સરસ મુસદ્દો તૈયાર કરી શકતા. કૉંગ્રેસનો કોઈ દસ્તાવેજ તેમના વાંચ્યા વિના બહાર પડતો નહીં."

"1991માં ચૂંટણીઢંઢેરાનું પ્રાથમિક સ્વરૂપ હું તૈયાર કરતો અને તેઓ તેને આખરી રૂપ આપતા. તેમને ટેકનોલૉજીની ધૂન હતી. કમ્પ્યુટરોને સારી રીતે સમજતા હતા, પણ મને બહુ ફાવતું નહોતું."

"હું હાથે લખેલા દસ્તાવેજ લઈ જાઉં ત્યારે કહેતા કે ના, ટાઇપ કરાવીને ફ્લૉપીમાં લઈ આવો. આજે એ બધાનો જ આપણને ફાયદો મળી રહ્યો છે."

વિનય સિતાપતિએ પોતાના પુસ્તકમાં નરસિમ્હા રાવના કમ્પ્યુટરપ્રેમ વિશે ઘણું લખ્યું છે.

તેમના જણાવ્યા અનુસાર તેઓ જાહેરમાં ઓછું બોલતા, પરંતુ પોતાની લાગણીઓને કમ્પ્યુટરમાં ચૂપચાપ ટાઇપ કર્યા કરતા. 1991ના મે મહિનામાં પીવીએ દિલ્હી છોડી દેવાનું નક્કી કરેલું.

તેમણે પોતાનાં પુસ્તકો, કમ્પ્યુટર અને પ્રિન્ટરને સારી રીતે પેક કરાવેલાં. તેઓ પોતાની લાયબ્રેરીમાં લેપટૉપ પર ટાઇપ કરતાં.

વડા પ્રધાન હતા ત્યારે પણ તેમના બેડરૂમની બાજુના રૂમમાં જ કમ્પ્યુટર રૂમ રાખવામાં આવ્યો હતો. છાપાં ના આવી જાય ત્યાં સુધી તેઓ કમ્પ્યુટર પર કામ કરતા રહેતા.

નરસિંહ રાવે સુધારાઓ દાખલ કર્યા તેમાં સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીને પણ સમાવી લીધી હતી. તેમના ભાષણમાં પણ તેઓ વારંવાર આઈટી ઇન્ડસ્ટ્રી વિશે ઉલ્લેખ કરતા.

82 વર્ષની ઉંમરે ડીટીપી અને ફૉન્ટ્સ:

નરસિમ્હા રાવની આત્મકથાને તેલુગુમાં ટાઇપ કરવા માટે તેમના કમ્પ્યુટરમાં જરૂરી ફેરફાર કરવા માટે હૈદરાબાદની કંપનીએ પુરુષોત્તમ કુમારને દિલ્હી મોકલેલા.

તેમની પાસેથી ભારતીય ભાષાઓનો ઉપયોગ અને તેના જુદાજુદા ફૉન્ટ વિશે નરસિંહ રાવે જાણકારી મેળવી હતી.

તે વખતે લીપ ઑફિસ હતી, જેને ભારત સરકારના વિભાગ સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ ઑફ એડવાન્સ કમ્પ્યુટિંગે તૈયાર કરી હતી.

પુરુષોત્તમ કુમાર કહે છે, "તેની ઝીણામાં ઝીણી વિગતો તેમણે જાણી હતી. મને જે કામે દિલ્હી મોકલાયો હતો તે પૂરું કર્યા પછીય મારે દિલ્હી રહેવાનું થયું, જેથી હું તેમને ભારતીય ભાષાઓ દ્વારા ડીટીપી વર્ક વિશે સમજાવી શકું. "

"તેલુગુમાં ફાઇલ ઓપન કરી, કેવી રીતે ડાઉનલોડ કરવી, કેવી રીતે ફૉન્ટ બદલવા, લે આઉટ કરવો વગેરે સમજાવાનું હતું."

"આ બધું તેઓ શીખ્યા હતા. બાદમાં તેઓ અમેરિકા ગયા ત્યારે તેમણે પોતાના પુસ્તકનું ડીટીપી વર્ક જાતે કરેલું."

"બાદમાં તેઓ જ્યારે પણ હૈદરાબાદ આવે ત્યારે મને રાજભવન બોલાવતા અને લૅટેસ્ટ ટેકનોલૉજી વિશે જાણતા. તેઓ તેલુગુ ફૉન્ટમાં કેવી પ્રગતિ થઈ તેની વાતો પણ કરતા."

તેઓ પૂછતા કે, "આપણે સરળતાથી અંગ્રેજીમાં ટાઇપ કરીએ અને એડિટ કરીએ તે રીતે શા માટે તેલુગુ અને ભારતીય ભાષાઓમાં ના થઈ શકે? તેલુગુ અને ભારતીય ભાષામાં કેમ વધારે ફૉન્ટ્સ ના હોય?"

"તે વખતે તે શક્ય નહોતું, પણ આજે હવે આ બધું થઈ શકે છે," એમ પુરુષોત્તમ કુમાર કહે છે.

તેમણે ભારતીય ભાષાના પ્રથમ મલ્ટિકલર ફૉન્ટ તૈયાર કર્યા અને તેને નરસિમ્હા રાવની યાદમાં પીવી એવું નામ આપ્યું હતું.

નરસિમ્હા રાવનો વિજ્ઞાન પ્રેમ

પ્રભાકર રાવ યાદ કરતા કહે છે, "તેમને વિજ્ઞાન બહુ ગમતું. રસના કારણે જ ટેકનોલૉજી તરફ આકર્ષાયા. તેઓ નાના હતા ત્યારે ગામમાં વીજળી પણ નહોતી. તેઓ જાતે ઑઇલ એન્જિન રિપેર કરી નાખતા. ત્યારથી લઈને કમ્પ્યુટર સુધી તેઓ ટેકનોલૉજીને વળગેલા રહ્યા."

"2003માં બેંગ્લુરુના મારા કેટલાક મિત્રો મને દિલ્હીમાં મળવા આવ્યા હતા. તેઓ ટેલિકૉમ રિસર્ચમાં હતા અને મારા પિતાને મળવા માગતા હતા. મારા પિતાએ પૂછેલું કે શું કરો છો. તેમણે કહ્યું કે ટેલિકૉમમાં છીએ તે પછી તેમને એટલો રસ પડ્યો કે ટેલિકૉમ ટેકનોલૉજી, નવીન શોધ, પરિવર્તનો વિશે બે કલાક સુધી વાતો ચાલી."

"તેઓ જાતે જ બધું શીખી લેતા. તેઓ કહેતા કે કમ્પ્યુટરને શું ખબર પડે, આપણે પ્રોગ્રામ કરીએ એટલું કરી આપે. એ રીતે જ તેઓ પ્રોગ્રામિંગ લેન્ગવેજ શીખેલા. પુસ્તક પછી તેમનો બીજો પ્રેમ કમ્પ્યુટર હતો."

"ઇનસાઇડર નામની પોતાની આત્મકથા તેમણે જાતે જ લેપટૉપમાં લખી હતી. પોતાના લેખ, ભાષણો પણ લેપટૉપમાં જ તૈયાર કરતા. અવસાનના 15 દિવસ પહેલાં સુધી તેઓ લેપટૉપ પર કામ કરતા રહ્યા હતા," એમ વાણી દેવી કહે છે.

મ્યુઝિક - કી બોર્ડ

2002માં નરસિમ્હા રાવને આંગળીઓમાં દુખાવો થયો હતો. ડૉક્ટરોએ તેમને સૉફ્ટ બૉલ આપીને ઍક્સરસાઇઝ કરવા કહેલું.

બે દિવસ કોશિશ કરી, પણ તેમાં મજા ના આવી. તેથી એક મ્યુઝિક કી બોર્ડ લીધું અને તેના પર સંગીત વગાડવાની પ્રેક્ટિસ કરી. તેમને સંગીત પણ બહુ ગમતું હતું. નાનપણમાં તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધેલી.

આંગળીઓની કસરત માટે તેઓ ફરી સંગીત તરફ વળ્યા અને તેમાં પણ માસ્ટર બની ગયા હતા.

પ્રભાકર રાવ જણાવે છે કે, "તેમના અવસાનના છએક મહિના પહેલાં તેમણે કહેલું કે હું સંગીતનો કાર્યક્રમ આપવા માટે તૈયાર છું. તેમણે આ હદે સંગીતનો અભ્યાસ કર્યો હતો."

પીવી નરસિમ્હા રાવની આત્મકથા 'ધ ઇનસાઇડર'ના તેલુગુ સંસ્કરણ 'લોપાલી મનીષી'નો અનુવાદ કરનારા કલ્લુરી ભાસ્કરમ કહે છે, "જ્યાં સુધી મને ખ્યાલ છે કે કમ્પ્યુટરના ઉપયોગથી વધુ તેમનું મગજ પણ એક કમ્પ્યુટર જેવું હતું. કમ્પ્યુટરની જેમ જ તેઓ તેમના મગજમાં ફાઇલો યાદ રાખતા હતા. પોતાના મગજમાં તેઓ એ ચીજોને બરાબર સેવ કરી લેતા હતા. હજારો લોકો સાથે તેઓ વાતો કરતા હતા, પણ જ્યારે પણ તેમને બીજી વાર મળે તો ત્યાંથી શરૂઆત કરતા, જ્યાં છેલ્લી મુલાકાત ખતમ થઈ હતી. વર્ષો પછી પણ તેમને કહેલી વાતો યાદ રહેતી હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો