કોરોના વાઇરસ : ગુજરાતના ત્રીજી લહેરના પ્લાનિંગમાં ઓક્સિજનથી લઈ વૅન્ટિલેટર અને ડૉક્ટરથી લઈ નર્સિંગ સ્ટાફ સુધી ‘રોડમૅપ’ના સવાલો અનુત્તર

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોનાની બીજી લહેર માંડમાંડ ધીમી પડી છે ત્યાં ત્રીજી લહેરનો ફફડાટ વ્યાપી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે ત્રીજી લહેર આવી શકે છે.

રાજ્ય સરકારે પણ આ બાબતને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી છે. જોકે, મેડિકલ નિષ્ણાતો માને છે કે માત્ર સાધનસુવિધા ઊભી કરવાથી ત્રીજી લહેરને ખાળી નહીં શકાય, એના માટે પૂરતા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ જોઈશે. સરકાર એ ક્યાંથી લાવશે?

સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે સરકારે ત્રીજી લહેર માટે શું તૈયારી કરી છે.

મુખ્ય મંત્રી વિજય રૂપણીએ 14 જૂને પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બીજી લહેરમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર ન આવે. ત્રીજી લહેરમાં રોજના 25,000 કેસ આવે તો પણ પહોંચી વળવાનો સરકારનો એકશન પ્લાન છે. રાજ્ય સરકારે સંપૂર્ણ સજ્જતા કેળવવા મે મહિનાના બીજા સપ્તાહથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

રાજ્ય સરકારે જણાવ્યા મુજબ ત્રીજી લહેરને ખાળવા વ્યવસ્થા વધારવા માટે જે કાર્યયોજના નિર્ધારિત કરી છે તે આ મુજબ છે.

ઓક્સિજન ખાટલાની સંખ્યા 61,000 વધારી 1,10,000 કરવામાં આવશે. રાજ્યમાં આઈ.સી.યુ. બેડની સંખ્યા 15 હજારથી વધારીને બમણી એટલે કે 30 હજાર કરવામાં આવશે. વૅન્ટિલેટરની સંખ્યા 7 હજારથી વધારીને 15 હજાર એટલે કે બમણાથી વધુ કરવામાં આવશે. રાજ્યમાં કોવિડ ફૅસિલિટી 1800થી 2400 કરવામાં આવશે.

રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે તબીબો અને સ્ટાફની સંખ્યા વધારવામાં આવશે. સ્પેશિયાલિસ્ટ તબીબોની સંખ્યા 2350 વધારી 4000, એમ.બી.બી.એસ. તબીબની સંખ્યા 5200થી વધારી 10,000 થશે. નર્સની સંખ્યા 12 હજારથી વધારી 22 હજાર તેમજ વર્ગ-4ના કર્મચારીઓની સંખ્યા 8 હજારથી વધારે 15 હજાર કરવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે આરોગ્ય વિભાગમાં ખાલી તમામ જગ્યાઓને ભરવામાં આવશે. ચર્ચાનો મુદ્દો એ છે કે રાજ્ય સરકાર આટલા ડૉક્ટર્સ અને સ્ટાફ લાવશે ક્યાંથી?

આયોજન તો છે, પણ અમલ થઈ શકશે?

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના ડૉ. મુકેશ માહેશ્વરીએ બીબીસીને જણાવ્યું હતું કે "સ્પેશિયાલિસ્ટ તબીબોની સંખ્યા 2350 વધારીને 4000 કરવાની વાત કરી છે. મુદ્દો એ છે કે વધારાના 1650 સ્પેશિયાલિસ્ટ તબીબ સરકાર ક્યાંથી લાવશે? એ શક્ય નથી."

"નિષ્ણાત તબીબો પોતાની રીતે ગોઠવાઈ ગયેલા છે. કોઈએ પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી હોય. કોઈ કૉર્પોરેટ હૉસ્પિટલમાં કાર્યરત્ હોય તો સરકારને એ કેવી રીતે મળી શકશે? ઇન્ટર્ન તબીબોને તમે રાખશો તો એ સર્વેલન્સ માટે કામ આવશે. જેમ કે, ટેસ્ટ કરવા કે સંજીવની કે ધન્વંતરિ રથ ચલાવવા માટે ચાલે. એ ડૉક્ટર્સ સારવાર માટે ઉપયોગી ન થઈ શકે."

તેઓ કહે છે, "ગયા વખતે સરકારે એવી જાહેરાત કરી હતી કે એમ.ડી. ડૉક્ટરને સવા બે લાખ રૂપિયા આપવામાં આવશે. સામાન્ય રીતે કોઈ ડૉક્ટર મહિને બે લાખ કમાતો હોય તો કોરોના માટે સવા બે લાખમાં ત્રણેક મહિના માટે કેવી રીતે જશે અને એ પણ કોરોનામાં? તેથી સરકારે આવી બાબતોની સ્પષ્ટતા કરવી પડે."

"મુદ્દો એ છે કે સરકારે થીંગડાં ન મારવાં જોઈએ. તમારે ત્યાં સ્પેશિયાલિસ્ટ તબીબોની જરૂર છે તો સરકારી કૉલેજોમાં જે પંદરસો જેટલી જગ્યાઓ પ્રોફેસર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર્સની ખાલી પડી છે એ સરકાર શા માટે નથી ભરતી?"

અમદાવાદના વરિષ્ઠ કાર્ડિયાક સર્જન ડૉ. સુકુમાર મહેતાએ બીબીસીને કહ્યું કે સરકારે જે વિગતો દર્શાવી છે એ સૈદ્ધાંતિક નિર્ણય છે. આની અમલવારી કેવી રીતે થશે એ પણ જણાવવું પડે.

"ડૉક્ટર્સ અને સ્ટાફનું સંખ્યાબળ ક્યાંથી આવશે? શું ખાનગી ક્ષેત્રમાંથી ડોક્ટર – નર્સને સરકારી ક્ષેત્રે લાવવામાં આવશે? એની રૂપરેખા તેમજ એ કેટલું વાસ્તવિક છે એ દર્શાવવું પડે. સરકારે ટાર્ગેટ જાહેર કર્યો છે, આનો રોડમૅપ જાહેર કરવો જોઈએ. એ રોડમૅપ ત્યારે જ નક્કી થાય જ્યારે એક એક બાબતની સ્પષ્ટતા હોય. જેમ કે ધોળકાના મથકમાં આટલા ડૉક્ટર અને નર્સ રહેશે. જામખંભાળિયામાં આટલા ડૉક્ટર –નર્સ રહેશે. વગેરે."

સરકારે હૉસ્પિટલ અનુસાર વિગતો બહાર પાડવી જોઈએ

વાત માત્ર ડૉકટર્સની જ નથી, પણ પેરામેડિકલ સ્ટાફ અને નર્સની પણ છે.

ડૉ. મુકેશ મહેશ્વરી કહે છે કે, "નર્સની સંખ્યા 12 હજારથી વધારી 22 હજાર કરવાની વાત છે. આટલી મોટી સંખ્યામા ભરતી કઈ રીતે થઈ શકશે તે સવાલ છે. સામાન્ય દિવસોમાં નર્સ મહિને બારથી પંદર હજાર કમાતી હોય છે. એમાંથી કેટલી નર્સ બહેનો આના માટે તૈયાર થશે અને એ પણ કોરોનામાં. અગત્યની વાત એ પણ છે કે દશ હજાર નર્સની નવી ભરતી કરવામાં આવે તો પણ ગણતરીના મહિનાઓમાં તેમને તાલીમબદ્ધ કેવી રીતે કરશો?"

ડૉ. મહેતા કહે છે કે, "દરદી પાસે ચોવીસ કલાક મેડિકલ સ્ટાફ રાખવો પડતો હોય છે. એ રાતોરાત કે છ મહિનામાં બમણો કેવી રીતે થઈ શકશે? કારણ કે નર્સિંગ સ્ટાફની તાલીમ ઓછામાં ઓછી બે કે ત્રણ વર્ષની હોય છે. ડૉક્ટરો પણ ગુજરાતમાં જેટલા છે એટલા જ રહેશે. છ મહિનામાં વધી તો નથી જવાના."

"સરકારે જિલ્લા અને તાલુકા સ્તરે એક પિરામિડ તૈયાર કરીને એમાં ક્યાં કેટલાં આરોગ્યકેન્દ્ર તેમજ હૉસ્પિટલમાં ક્યા ડૉક્ટર અને સ્ટાફ હશે તેમજ કઈ કઈ સુવિધા હશે એ વિગતો રજૂ કરવી જોઈએ."

ડૉ. સુકુમાર મહેતા કહે છે કે, "સરકારે હૉસ્પિટલો તેમજ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફના આંકડા તો બહાર પાડ્યા છે પણ હૉસ્પિટલનું લિસ્ટ અને એની સાથે ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ, સાધનસામગ્રી વગેરેનું આખું લિસ્ટ બનાવવું જોઈએ. તો જ સ્પષ્ટતા આવે અને પારદર્શિતા વર્તાય."

"સરકારે જાહેર કરવું જોઈએ કે આ હૉસ્પિટલમાં આટલા બેડ છે. જેમાંના વૅન્ટિલેટર બેડ આટલા છે. ટીમના ઈન્ચાર્જ આ ડૉક્ટર રહેશે. તેમના હાથ નીચે આટલા આસિસ્ટન્ટ અને આટલાં નર્સ રહેશે. આનું એક કોષ્ટક તૈયાર થાય તો જ એક વ્યાવહારિક ચિત્ર સામે આવે. સરકારે સાધનસામગ્રી ખૂબ સારી એવી ભેગી કરી હશે પણ જો મેનપાવર નહીં હોય તો એ સાર્થક નહીં થાય."

તેઓ વધુમાં કહે છે, "ખંભાળિયાની હૉસ્પિટલમાં દરદી વધ્યા અને પછી પોરબંદરથી મેડિકલ સ્ટાફ મોકલવો પડે તો એ આયોજન ન કહેવાય. સરકારે આખો એક પિરામિડ બનાવવો જોઈએ અને સો ખાટલાને ધ્યાનમાં રાખીને એક નમૂનો તૈયાર કરીને આગળ વધવું જોઈએ. એ પિરામિડ પત્રકારો અને જનતાને બતાવવો જોઈએ."

નાનાં શહેરો અને ગામડાં માટે સ્પષ્ટતા શું?

જો ત્રીજી લહેર આવે તો નાનાં શહેરો અને ગામડાં માટે વધારે ચિંતાજનક રહેશે એવું નિષ્ણાતો માને છે.

વિવિધ જિલ્લાઓ પોતાની રીતે તૈયારી પણ કરી રહ્યા છે.

જૂનાગઢ અંતરિયાળ શહેર છે. ત્યાંના સુધરાઈના કમિશનર તુષાર સુમેરાએ બીબીસીને જણાવ્યું કે, "શહેર સુધરાઈમાં અમારી હેઠળ એક સામૂહિક આરોગ્યકેન્દ્ર અને પાંચ પ્રાથમિક આરોગ્યકેન્દ્ર છે. ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સામૂહિક આરોગ્યકેન્દ્રને કોવિડ માટે તૈયાર કરી રહ્યા છીએ. એના માટે પોણા બે કરોડ ફાળવી દીધા છે. ત્યાં જે પચાસ ખાટલા છે એને અમે ઓક્સિજન સુવિધા ધરાવતા ખાટલામાં ફેરવી દીધા છે. ઝડપી રસીકરણ પર પણ અમે ફોકસ કરી રહ્યા છીએ."

ત્યાં કેટલા એમબીબીએસ ડૉક્ટર્સ તેમજ વિશેષજ્ઞ તબીબો વધારી રહ્યા છો. એ વિશે પૂછતાં તેમણે કહ્યું કે "અમારે ત્યાં જે મેડિકલ કૉલેજ તેમજ સિવિલ હૉસ્પિટલ છે તે ગુજરાત મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સોસાયટી જોઈ રહી છે તેમના વતી હું નિવેદન નહીં આપી શકું."

ડૉ. મહેશ્વરી કહે છે કે, "ત્રીજી લહેર આવે તો સૌથી વધુ અસર ગામડાંને થઈ શકે. એનાં બે-ત્રણ કારણો છે. એક, ત્યાં માળખાગત સુવિધા અપૂરતી છે. પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાં ડૉક્ટરોની કમી છે. સરકાર ગામડામાં વૅન્ટિલેટર તો મૂકી દેશે, પણ એ ચલાવનારા ડૉક્ટર ક્યાંથી મળશે? તમે 15 હજાર વૅન્ટિલેટર મૂકશો તો એ ચલાવનારા સ્ટાફની વ્યવસ્થા કરવી પડે."

વ્યવસ્થા સારી વિકસાવવી હોય તો તળિયેથી ઉપર તરફ એટલે કે ગામડાંથી શહેરો તરફ માળખાગત સુવિધા વધારવી પડે. આરોગ્યકેન્દ્રોમાં ડૉક્ટર હોવા જોઈએ. ત્યાં નર્સ પૂરતી હોવી જોઈએ. સરકારે એકશન પ્લાનમાં ફોડ પાડવો જોઈએ કે ગામડામાં તમે કઈ રીતે સુવિધા આપવાના છો? શહેરોમાં તો ઘણા લોકોને કોરોના થઈ ચુક્યો છે. રસીકરણની સંખ્યા પણ ગામડાં કરતાં શહેરોમાં સારી છે.

ડૉ. મહેતા કહે છે કે, "બીજી વેવમાં આપણે જોયું કે ઓકસિજનના બાટલા અંતરિયાળ વિસ્તારોમાં મળી જતા હતા, તો બાટલાના મોઢા પર લગાડવાના રૅગ્યુલેટર નહોતાં મળતાં. તેથી સરકાર ઓક્સિજનની વ્યવસ્થા કરે તો એની સાથે સંકળાયેલા આવી નાનીનાની પણ પાયાની ચીજોના ઉત્પાદન પર પણ અંતરિયાળ વિસ્તારોમાં ધ્યાન આપવું પડે."

ત્રીજી લહેર માટે મેડિકલ ગાઇડલાઇન તૈયાર થઈ શકે?

કોરોનાના ઉપચાર માટેની દવાકીય ગાઇડલાઇન આઈસીએમઆર દ્વારા નિર્ધારિત થાય છે. સમયાંતરે તેમાં કેટલાક બદલાવ પણ થાય છે.

કોરોનાને દેશમાં એક વર્ષ કરતાં વધુ વખત થયો છે અને અન્ય દેશોમાં પણ કોરોના છે.

તેથી ડૉ. સુકુમાર મહેતા કહે છે કે, "અન્ય દેશો સાથે વાતચીત કરીને પણ એક ચોક્કસ પ્રોટોકૉલ ઘડી શકાય છે. બીજી લહેર વખતે લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નહોતાં. એનો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવો જોઈએ. અલગઅલગ સમયે ગાઇડલાઇન બદલાતી રહેતી હોવાથી રેમડેસિવિરને ઑફિશિયલ ગાઇડલાઇનમાંથી પડતા મૂકવામાં આવ્યાં હતાં. તેથી થર્ડ વેવ માટેની કેટલીક દવાકીય સ્પષ્ટતા અત્યારથી જ નક્કી થઈ જવી જોઈએ. અત્યારે પણ જો કોઈ દવાનો રોલ નક્કી કરવામાં મતભેદ હોય તો એ એક પ્રકારની કરુણતા કહેવાય."

રાજ્ય સરકારે કહ્યું છે કે, રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ વગેરે દવાઓના બીજા વેવમાં થયેલા વપરાશને આધારે ત્રીજા સંભવિત વેવ માટે પૂરતો જથ્થો એકઠો કરી રાખવામાં આવશે. પણ એ ક્યારે કરવામાં આવશે એનો કોઈ ફોડ સરકારે પાડ્યો નથી.

ઓક્સિજન પ્લાન્ટ આશીર્વાદરૂપ સાબિત થશે

કોરોનાની બીજી લહેર દરમિયાન તેમજ એ પછી સરકાર તેમજ ખાનગી પ્રયાસોથી વિવિધ જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ ઊભા થયા છે.

જો ત્રીજી લહેર આવે તો એ પ્લાન્ટ આશીર્વાદરૂપ સાબિત થશે એવું નિષ્ણાતો માને છે.

ડૉ. મહેતા કહે છે કે, "કોરોનામાં સૌથી પહેલી અને ખાસ જરૂર ઓક્સિજનની જ હોય છે. ઓક્સિજન જ મુખ્ય સારવાર છે. એનું ઉત્પાદન વધ્યું હશે તો ચોક્કસ ફાયદો થશે."

"અત્યાર સુધી કોરોનાની સારવારમાં કેટલીક દવા વગેરેની ગાઇડલાઇનમાં બદલાવ આવ્યા છે, પણ ઓક્સિજન મામલે એવો કોઈ બદલાવ નથી આવ્યો. ઓક્સિજન કોરોનાના દરદી માટે જરૂરી છે એ નિર્વિવાદ બાબત છે. તેથી એના પ્લાન્ટ તૈયાર થયા હશે તે ચોક્કસ ફાયદારૂપ રહેશે."

અમદાવાદમાં 'સુપર સ્પ્રેડર્સ' રસીકરણ ઝુંબેશ

શાકભાજી વિક્રેતા કે દુકાનદારોને સુપરસ્પ્રેડર્સ ગણવામાં આવે છે. તે લોકો રોજ અનેકના સંપર્કમાં આવતા હોય છે.

તેમને જો કોરોના થાય તો વધુ લોકોને ફેલાઈ શકે છે. અમદાવાદમાં આવા સુપર સ્પ્રેડર્સ માટે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે.

અમદાવાદ કૉર્પોરેશનના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ બીબીસીને જણાવ્યું કે, "ત્રીજી લહેર સામે રક્ષણાત્મક પગલાં અમે લઈ રહ્યા છીએ. જે અંતર્ગત જે દુકાનદારો, શાકભાજી વિક્રેતા વગેરે જે સુપર સ્પ્રેડર્સ હોય તેમનું રસીકરણ કરી રહ્યા છીએ. અમદાવાદમાં બે લાખ જેટલા સુપર સ્પ્રેડર્સ હશે."

"કેટલાકે રસી લીધેલી છે, કેટલાકની બાકી છે. અમારું લક્ષ્ય છે કે એક મહિનામાં તમામ સુપર સ્પ્રેડર્સને રસીનો કમસે કમ એક ડોઝ મળી ગયો હોવો જોઈએ."

કોરોનામાં જેમનું કામ વખણાયું હતું એ વિજય નેહરાનું કમબૅક

સંભવિત ત્રીજી લહેર માટે રાજ્યના વીસ સચિવોને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે.

હૉસ્પિટલોમાં ખાટલા વગેરેનું રિયલ ટાઇમ મૉનિટરિંગ સહિતની વ્યવસ્થા ત્રણ મહિનામાં ગોઠવવા મુખ્ય મંત્રીએ સંબંધિત સચિવોને સૂચના આપી છે. આ વીસ સચિવોમાં અમદાવાદના પૂર્વ કમિશનર વિજય નેહરાને પણ સામેલ કરવામાં આવ્યા છે.

તેમને સ્ટેટ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ રૂમ, ડૅશબોર્ડ તેમજ જીનોમ સિકવન્સિંગની જવાબદારી સોંપાઈ છે.

ઉલ્લેખનીય છે કે નેહરા જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે જ કોરોનાએ શહેરમાં દસ્તક દીધી હતી. એ સમયે તેમની કામગીરીને લોકોએ વખાણી હતી. કોરોનાકાળમાં જ તેમની ગ્રામીણ વિકાસસચિવ તરીકે બદલી કરવામાં આવી હતી. જેનો ખૂબ ઊહાપોહ થયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો