દિલીપકુમાર : બોલીવૂડના 'ટ્રૅજેડી કિંગ' જ્યારે અંગ્રેજો વિરુદ્ધ ભાષણ આપવા બદલ જેલમાં ગયા

    • લેેખક, વંદના
    • પદ, ભારતીય ભાષાઓનાં ટીવી એડિટર, બીબીસી ન્યૂઝ

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું છે.

એક અભિનેતા તરીકે દિલીપ કુમાર સાથે જોડાયેલા કિસ્સા અને ઘટનાઓની ભરમાર છે, પણ ઍક્ટિંગ સાથેના પણ તેમની જિંદગીના રસપ્રદ કિસ્સા છે.

40ના દશકમાં ફિલ્મોમાં આવતાં પહેલાં દિલીપ કુમાર પૈસા કમાવવાની રીત શોધતા હતા.

એક વાર તેઓ ઘરે ઝઘડો કરીને બૉમ્બેથી પુણે ભાગી ગયા અને બ્રિટિશ આર્મી કૅન્ટીનમાં કામ કરવા લાગ્યા. કૅન્ટીનમાં તેમની બનાવેલી સેન્ડવિચ ઘણી ફેમસ હતી.

આ આઝાદી પહેલાંનો સમય હતો અને દેશમાં અંગ્રેજોનું રાજ હતું. દિલીપ કુમારે પુણેમાં એક ભાષણ આપ્યું કે આઝાદી માટે ભારતની લડાઈ બિલકુલ યોગ્ય છે અને બ્રિટિશ શાસક ખોટા છે.

પોતાના પુસ્તક, 'દિલીપ કુમાર- ધ સબ્સટાન્સ ઍન્ડ ધ શૅડો'માં તેઓ લખે છે, "પછી શું, બ્રિટનવિરોધી ભાષણ બદલ મને યરવડા જેલમાં મોકલી દીધો, જ્યાં ઘણા સત્યાગ્રહી બંધ હતા."

"ત્યારે સત્યાગ્રહીઓને ગાંધીવાળા કહેવાતા હતા. અન્ય કેદીઓના સમર્થનમાં હું પણ ભૂખહડતાળ પર બેસી ગયો. સવારે મારા ઓળખીતા એક મેજર આવ્યા ત્યારે હું જેલમાંથી છૂટ્યો. હું પણ ગાંધીવાળો બની ગયો હતો."

જ્યારે હેલેનના ગીત પર ડાન્સ કરતાં...

આમ તો દિલીપ કુમારને ટ્રૅજેડી કિંગ કહેવાય છે, પણ અસલી જિંદગીમાં તેઓ ટીખળખોર સ્વભાવના છે.

તેમની ઑટોબાયોગ્રાફીના ફૉરવર્ડમાં સાયરા બાનો કહે છે, "સાહેબ ક્યારેક-ક્યારેક હેલેનના ગીત 'મોનિકા ઓ માય ડાર્લિંગ' પર તેમની હૂબહૂ નકલ કરીને ડાન્સ કરતાં... એવાં જ કપડાં પહેરીને, એવી જ અદાઓ, હું તો દંગ રહી ગઈ હતી."

"તેઓ કથક ડાન્સર ગોપી કૃષ્ણની પણ નકલ કરતા હતા, એ પણ મુશ્કેલ નૃત્યુની. એક વાર તો સિતારા દેવી અને ગોપીજી પણ એ સમયે હાજર હતાં અને તેઓ ખૂબ હસ્યાં હતાં."

શરમાળ દિલીપકુમાર અને છોકરીઓ

બાળપણમાં દિલીપ કુમાર ઘણા શરમાળ હતા. એ સમયે દિલીપ કુમાર અને રાજ કપૂર, બંને બૉમ્બેમાં ખાલસા કૉલેજમાં ભણતા હતા.

દિલીપ કુમાર લખે છે કે રાજ કપૂર દેખાવમાં ખૂબસૂરત હતા, કૉલેજમાં પણ ઘણા ફેમસ હતા, ખાસ કરીને છોકરીઓમાં, જ્યારે પોતાને તેઓ સામાન્ય અને શરમાળ માનતા.

એક કિસ્સાનો દિલીપ કુમારે કંઈક આમ ઉલ્લેખ કર્યો છે: "રાજ કપૂરે નક્કી કર્યું હતું કે તેઓ મારી શરમાળ વૃત્તિ દૂર કરીને જ રહેશે. એક વાર તેઓ મને કોલાબામાં ફરવાના બહાને લઈ ગયા. અમે ઘોડાગાડીમાં બેઠા. અચાનક રાજે ઘોડાગાડીવાળાને રોક્યો. ત્યાં બે પારસી છોકરી ઊભી હતી."

"રાજે તેમની સાથે ગુજરાતીમાં વાત કરી અને કહ્યું કે શું અમે તમને ક્યાંક છોડી શકીએ. તે છોકરીઓ ઘોડાગાડીમાં ચડી ગઈ. મારા તો શ્વાસ અધ્ધર થઈ ગયા હતા."

"રાજ અને એ છોકરીઓ હસહસીને વાતો કરતાં હતાં. એક છોકરી મારી પાસે બેસી ગઈ. હું તો ગુમસૂમ થઈ ગયો હતો. હકીકતમાં આ રાજની તરકીબ હતી કે હું કેવી રીતે મહિલાઓ સામે અસહજ અનુભવવાનું બંધ કરી દઉં. આવા તો ઘણા કિસ્સા છે, પણ રાજ ક્યારેય અભદ્રતા નહોતા કરતા. બસ, તેઓ તોફાની હતા."

સૂટ, ટાઈ અને પુસ્તકોના શોખીન

ફિલ્મી દુનિયાથી અલગ દિલીપ કુમારને પુસ્તકનો બહુ શોખ છે. ઉર્દૂ, પારસી, અંગ્રેજી સાહિત્યથી તેમની લાઇબ્રેરી ભરેલી છે. કુરાન અને ગીતા, બંનેથી તેઓ પરિચિત છે.

આમ તો તેઓ સુતરાઉ કૂર્તામાં રહેતા, પણ ઉત્તમ ટાઈ, સૂટ અને સ્ટાઇલીશ જૂતાંના શોખીન પણ રહ્યા છે.

કપડાંને લઈને તેઓ હંમેશાં કહેતા કે- 'વાઇટ ઇઝ વાઇટ' અને 'ઑફ વાઇટ ઇઝ ઑફ વાઇટ'.

તેમનાં કપડાંને રંગોના હિસાબે અલગઅલગ રીતે સંભાળીને રાખવા પડતા છે.

જ્યારે લગ્નમાં ઘૂંટણભેર પહોંચ્યા રાજ

રાજ કપૂર સામાન્ય રીતે કહેતા કે જો દિલીપ કુમાર લગ્ન કરશે તો તેઓ ઘૂંટણભેર તેમના ઘરે જશે.

જ્યારે અસલમાં દિલીપ કુમારનાં લગ્ન થયાં ત્યારે પોતાનો વાયદો નિભાવતા રાજ કપૂર ખરેખર ઘૂંટણભેર દિલીપ કુમારને ઘરે ગયા હતા.

લગ્નમાં ઘોડી લઈને આવનારાઓમાં પૃથ્વીરાજ કપૂર, શશિ કપૂર અને નાસિર (દિલીપ કુમારના ભાઈ) હતા.

નેહરુ અને દિલીપ કુમાર

પંડિત જવાહરલાલ નેહરુને દિલીપ કુમાર પોતાના આદર્શ માનતા હતા.

1962માં નેહરુના કહેવા પર તેમણે નૉર્થ બૉમ્બેથી વીકે કૃષ્ણ મેનન માટે ચૂંટણીપ્રચારમાં ભાગ લીધો હતો.

1979માં તેઓ બૉમ્બેના શેરિફ બન્યા અને 2000થી 2006 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો