You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં હુમલો, 100 લોકોનાં મૃત્યુ TOP NEWS
બુર્કિના ફાસોના સોલહાન શહેરના એક ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ 100 લોકોનો જીવ લઈ લીધો છે. રાષ્ટ્રપતિ રોકે કાબોરે આ અંગે જાણકારી આપી છે.
સમાચાર સંસ્થા રૉયટર્સે સરકારી નિવેદનને ટાંકીને જણાવ્યું છે કે હુમલો રાતે થયો હતો. હુમલાખોરોએ ઘરો અને બજારોને આગ લગાવી દીધી હતી.
હજુ સુધી આ હુમલાની કોઈએ પણ જવાબદારી નથી લીધી. જોકે, ઇસ્લામિક સંગઠનના હુમલા આ દેશમાં હવે સામાન્ય વાત બનતા જઈ રહ્યા છે, ખાસ કરીને નાઇજર અને માલીને અડીને આવેલા વિસ્તારોમાં.
રાષ્ટ્રપતિ કાબોરેએ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટર પર એક સંદેશો લખીને જણાવ્યું, "આપણે ખરાબ શક્તિઓ વિરુદ્ધ એકજૂથ થવું પડશે."
સુરક્ષાદળો હુમલાખોરોની તપાસ કરી રહ્યા હોવાનું પણ રાષ્ટ્રપતિએ જણાવ્યું છે.
આ પહેલાં સોલહાન શહેરથી 150 કિલોમીટરના અંતરે આવેલા તદરયાત ગામમાં શુક્રવારે એક હુમલો થયો હતો, જેમાં 14 લોકો માર્યા ગયા હતા.
બુર્કિના ફાસોના પૂર્વ વિસ્તારમાં ગત મહિને થયેલા અન્ય એક હુમલામાં 30 લોકો માર્યા ગયા હતા.
PMએ બીજી લહેર જલદી કાબૂમાં લીધી, અમિત શાહના નિવેદન પર કૉંગ્રેસનો પ્રહાર
દેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે અને એના માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરાહના કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, અમિત શાહે કહ્યું કે "ભારતમાં અમે યોજના અને સાહસ સાથે લડાઈ લડી. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 135 કરોડ ભારતીય સરકાર સાથે લડી રહ્યા હતા."
ગુરુવારે અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વની સફળતાએ "બહુ ઓછા સમયમાં" કોરોના વાઇરસની બીજી લહેરને "કાબૂ"માં લીધી છે.
ગુજરાતમાં એક સંગઠન દ્વારા નવ ઓક્સિજન પ્લાન્ટના ઉદઘાટન સમયે અમિત શાહે આ વાત કરી હતી.
તો મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ કહ્યું કે ભારતે મહામારીની પહેલી લહેરને સફળતાપૂર્વક મુકાલબો કર્યો છે, હવે બીજી લહેરને નિયંત્રિત કરી લીધી અને રાજ્યે ત્રીજી લહેરની તૈયારી શરૂ કરી દીધી છે.
તો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે અમિત શાહના આ નિવેદન પર ચાબખા માર્યા છે.
તેમણે ટ્વીટ કરીને સરકારની દૂરદર્શિતા, યોજના, તત્પરતા અને નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે લખ્યું કે આ ભારતના લોકોની જિંદગીઓ બિનજરૂરી રીતે ગુમાવવા બદલ "સૉરી" કહેવાનો સમય હતો.
ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 15 જૂનથી લાગુ થશે
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં કહ્યું કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સંશોધિત) અધિનિયમ 2021 (જે વિવાહ દ્વારા બળજબરી ધર્મપરિવર્તન પર રોક લગાવે છે) 15 જૂનથી અમલમાં આવશે.
કૉંગ્રેસના સભ્યોના જોરદાર વિરોધ વચ્ચે એક મેરાથોન ચર્ચા બાદ એક એપ્રિલે વિધાનસભામાં બહુમતથી આ કાયદો પસાર કરાયો હતો. કૉંગ્રેસે આ વિધેયકને "રાજકીય એજન્ડા" ગણાવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિધેયકને મંજૂરી આપ્યા બાદ સીએમ વિજય રૂપાણીએ 15 જૂનથી સંશોધિત અધિનિયમને લાગુ કરવાની જાહેરાત કરી હતી.
ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સંધોધન કરાયું છે, જેમાં વિવાદ દ્વારા જબરજસ્તી ધર્મપરિવર્તન કરનારી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સામે કડક જોગવાઈ કરેલી છે. તેમાં વધુમાં વધુ 10 વર્ષ સુધીની કેદ અને પાંચ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.
ટ્રમ્પનું ફેસબુક એકાઉન્ટ બે વર્ષ માટે સસ્પેન્ડ
ફેસબુક ઇન્કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અગાઉ જાન્યુઆરી મહિનામાં અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ લાદ્યો હતો.
આ વર્ષે જાન્યુઆરીમાં યુએસ કૅપિટલમાં તોફાન બાદ તેમનાં એકાઉન્ટ બંધ કરાયાં હતાં. ટ્રમ્પ પર યુએસ કૅપિટલમાં તોફાન ભડકાવવાનો આરોપ હતો.
યુએસ કૅપિટલમાં જાન્યુઆરીમાં થયેલાં તોફાનોને લઈને ફેસબુકે કહ્યું હતું કે ટ્રમ્પની હરકતોથી નિયમોનું ગંભીર ઉલ્લંઘન થયું હતું. ફેસબુક એ નીતિને પણ ખતમ કરી રહી છે, જેના હેઠળ નેતાઓને કૉન્ટેન્ટની દેખરેખથી છૂટ મળતી હતી. હવે આ છૂટ નહીં મળે.
ફેસબુકે કહ્યું કે હવે નેતાઓની પોસ્ટને પણ કોઈ સુરક્ષાક્વચ નહીં મળે. ટ્રમ્પ પર પ્રતિબંધ સાત જાન્યુઆરીથી ગણાશે અને સાત જાન્યુઆરી 2023 સુધી રહેશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો