You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં શું કોરોના વાઇરસની પીક આવી ગઈ?
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોના વાઇરસના કેસમાં ઘટાડો થવાની શરૂઆત થઈ છે. આજે 9 મેના રોજ છેલ્લા 24 કલાકમાં 11,084 કોરોના કેસ નોંધાયા છે તો 14,770 દરદીઓ સાજા થયાં છે.
ગુજરાતમાં 30 એપ્રિલે એક દિવસમાં 14,605 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ હતા.
જોકે 9 મે આવતાં આવતાં દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
9 મેના રોજ 11,084 કોરોના કેસ નોંધાયા છે. 8મે એ ગુજરાતમાં 11,892 કેસ નોંધાયા હતા, જ્યારે 14,737 લોકો સાજા થયા હતા અને 119 દરદી મૃત્યુ પામ્યાં હતાં.
છેલ્લા અઠવાડિયામાં તબક્કા વાર રીતે ગુજરાતમાં દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 30 એપ્રિલે 14,605 કેસ નોંધાયા હતા, જે 8 મેએ ઘટીને 11,892 થયા હતા.
ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં નોંધાયેલા કોરોના વાઇરસના કેસ પર ધ્યાન આપીએ તો ગુજરાતમાં 24 એપ્રિલથી 30 એપ્રિલના એક અઠવાડિયાના ગાળામાં કુલ 1,00,137 કેસ નોંધાયા હતા અને 1164 દરદીઓ મૃત્યુ પામ્યાં હતાં.
1 મેથી શરૂ કરીને 7 મે સુધીના અઠવાડિયામાં ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 90,259 કેસ નોંધાયા હતા. જ્યારે ગુજરાતમાં 971 લોકો મૃત્યુ પામ્યાં હતાં. આમ એક અઠવાડિયામાં દસેક હજાર કેસ ઘટ્યા છે.
શું ગુજરાતમાં કોરોના વાઇરસની પીક આવી ગઈ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ઘટતા કોરોના વાઇરસના કેસને લઈને એક ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાતમાં કોરોના વાઇરસની પીક જતી રહી. બીબીસીએ આ અંગે નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી.
ગુજરાત સરકારની કોરોના વાઇરસની ટાસ્ક ફોર્સના સભ્ય અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક દિલીપ માવળંકરે કહ્યું, "ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો નોંધાયો છે. પીક આવીને જતી રહી એવું કહેવા માટે ટેસ્ટિંગની સંખ્યા, મૃત્યુ પામનારની સંખ્યા, પૉઝિટિવિટી રેટ, હૉસ્પિટલમાં દરદીઓને દાખલ કરવાની સંખ્યામાં ઘટાડો વગેરે માપદંડોને ધ્યાનમાં લેવા પડે."
તેઓ આગળ કહે છે, "ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઘટી છે, પૉઝિટિવિટી રેટ ઘટ્યો છે. હૉસ્પિટલમાં ઓક્સિજન બેડ 90 ટકા ભરાયેલાં હતા તે ઘટીને 80 ટકા થયા છે. કોરોના વાઇરસના કેસ ઘટી રહ્યા હોય એવું થોડું લાગે છે."
અમદાવાદના જાણીતા ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે, "ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ ઘટ્યા છે પરંતુ તે માત્ર શહેરોમાં જે મોટાં મહાનગરોમાં વધારે કેસ નોંધાયા હતા તે ઘટ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ કેસ નોંધાઈ રહ્યા છે."
ડૉ. પ્રવીણ ગર્ગનું દવાખાનું અમદાવાદમાં છે. તેઓ કહે છે, "મારા ક્લિનિકમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા છેલ્લા પાંચેક દિવસથી ઘટી છે."
અમદાવાદના ફેમિલી ફિઝિશિયન ડૉ. સૌમેન્દ્ર દેસાઈ કહે છે, "છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદમાં કોરોના વાઇરસના દરદીઓના કન્સલ્ટેશન માટે આવતા ફોનમાં ઘટાડો થયો છે. લૅબોરેટરીમાં ટેસ્ટિંગ ઘટ્યું છે, લોકોને બેડ જલદી મળી રહ્યા છે."
આ ત્રણેય ડૉક્ટર ગુજરાતમાં પીક આવીને જતી રહી તે અંગે સ્પષ્ટ કહેવામાં ખચકાટ અનુભવે છે, કારણ કે તેમને ચિંતા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સામે આવી રહેલા કેસ અને સરકારે લાગુ કરેલા પ્રતિબંધો બાદ કેસ વધે નહીં તેની છે.
ગ્રામીણ વિસ્તારોમાં પૉઝિટિવિટી રેટ ઊંચો
કોરોના વાઇરસની પીક આવી અને ગઈ તેને સમજવા માટે ટેસ્ટ પૉઝિટિવિટી રેટને ટાંકવામાં આવે છે.
ટેસ્ટ પૉઝિટિવીટી રેટનો અર્થ થાય છે કે કેટલા ટેસ્ટે કેટલા લોકો પૉઝિટિવ આવ્યા.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર, જો પૉઝિટિવિટી રેટ ઊંચો હોય તો તે દર્શાવે છે કે કૉમ્યુનિટીના અનેક લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે પરંતુ તેને શોધી શકાયા નથી.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ઘટ્યો છે પરંતુ ગ્રામીણ ગુજરાતમાં હજુ પણ ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ઊંચો જોવા મળે છે.
ગુજરાતનો ટીપીઆર (ટેસ્ટ પૉઝિટિવિટી રેટ) 8.8 છે. જ્યારે મહેસાણાનો ટીપીઆર 20 ટકા, પંચમહાલનો 11 ટકા છે.
ડૉ. દિલીપ માવળંકર વધુમાં કહે છે, "ગુજરાતનાં ચાર મહાનગરોમાં કેસ ઘટ્યા છે. જ્યારે ગામડાંમાંથી લોકોનાં મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. ગામડાંઓમાં પણ કેસ તો જોવા મળી રહ્યા છે."
ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે, "ગામડાંમાં બીમારી સરખી રીતે ડાયગ્નોસ થતી નથી. લોકો ટેસ્ટિંગ કરાવવા પણ જતા નથી માટે કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય અને મોટા પ્રમાણમાં કેસ આવી શકે છે."
કેસ ઘટવા પાછળ ઓછું ટેસ્ટિંગ કારણભૂત?
કોરોના વાઇરસના કેસ ઘટવા પાછળ ગુજરાતમાં ઘટી રહેલા ટેસ્ટિંગને પણ જવાબદાર માનવામાં આવે છે.
ગુજરાતમાં 24 એપ્રિલથી 30 એપ્રિલના સમયગાળા દરમિયાન કુલ 11,79,814 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે 1 મેથી 7 મેના દરમિયાન કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા ઘટીને 9,83,968 પર પહોંચી હતી.
દેશમાં નોંધાતા કોરોના વાઇરસના કેસની બાબતમાં પણ ટેસ્ટ ઘટ્યા તો કેસની સંખ્યા ઘટી હોવાની વિગત જોવા મળી હતી.
ભારતમાં 30 એપ્રિલના રોજ 4 લાખથી પણ વધારે કેસ નોંધાયા હતા. જ્યારે ત્રણ દિવસ પછી 3 મેએ 3,60,000 કેસ નોંધાયા હતા. આમ એકદમ જ કોરોના વાઇરસના કેસ ઘટી ગયા હતા.
જોકે ત્યારબાદ ફરી 6 મેના રોજ એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાવાનો રેકૉર્ડ બન્યો હતો. 4,14,000 કેસ 6 મેના રોજ નોંધાયા હતા. તે દિવસે દેશમાં 19,23,131 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
9 મેના રોજ દેશમાં કોરોના વાઇરસના 4,03,738 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 4,092 દરદીઓનાં મૃત્યુ થયાં હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની વેબસાઇટ અનુસાર શનિવારે દેશમાં 18,65,428 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
વર્લ્ડ હેલ્થ ઑગ્રેનાઇઝેશનના કન્સલટન્ટ અને અર્થશાસ્ત્રી ડૉ. રીજો જોને બીબીસીને જણાવ્યું હતું કે ગત સપ્ટેમ્બરમાં જ્યારે પીક આવી ત્યારે આવું જ જોવા મળ્યું હતું.
તેઓ વધુમાં કહે છે, "જ્યારે ભારતમાં રોજના એક લાખ કોરોના વાઇરસના કેસ આવી રહ્યા હતા, ટેસ્ટિંગ ઘટી રહ્યું હતું."
ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, દિલ્હીમાં પણ આજ પ્રકારે જોવા મળે છે. ટેસ્ટ ઘટે અને કોરોના વાઇરસના કેસ ઘટી રહ્યા છે.
ડૉ. જોન કહે છે, "ટેસ્ટિંગ કરતી જગ્યાઓ ભારે દબાણમાં છે, મોટા પ્રમાણમાં લોકો ટેસ્ટિંગ કરાવતા હોવાથી અનેક લોકોને ટેસ્ટિંગ કરવા મળતું નથી."
ડૉ. પ્રવીણ ગર્ગ ટેસ્ટિંગ અંગે કહે છે, "શહેરોમાં હાલ એવો સમય છે કે પહેલાં લોકોને ટેસ્ટિંગ કરાવવા માટે ફોર્સ કરવો પડતો હતો, જ્યારે હવે લોકો સહેજ લક્ષણ હોય અને ટેસ્ટ કરાવવા દોડી જાય છે."
તેઓ આગળ કહે છે, "ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગને લઈને ખૂબ મોટી સમસ્યા છે. ટેસ્ટિંગની સુવિધાઓ શહેર જેટલી નથી. ગ્રામીણ વિસ્તારોમાં લોકો જલદી ટેસ્ટ કરાવવા જતા નથી માટે કાંઈ કહેવું અઘરું છે. હા હજુ એક મહિનો સાચવવાની જરૂર છે."
ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ અંગે વિગતે ચર્ચા કરતા ડૉ. દિલીપ માવળંકર કહે છે, "કોઈ પણ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કેટલા ટેસ્ટ થાય તેના આંકડા આપવા પડે, આ ઉપરાંત ટેસ્ટ ઘટી રહ્યા છે પરંતુ ગ્રામીણ વિસ્તારો અને શહેરોમાં કેટલા ટેસ્ટ થાય તે પણ જોવું જોઈએ. ગુજરાતમાં 18 હજાર ગામડાં છે. જો રાજ્યના 60 ટકા કેસ શહેરમાંથી આવે તો એવું ન બની શકે કે માત્ર ત્રણથી ચાર હજાર કેસ 18 હજાર ગામમાં નોંધાતા હોય."
ગામડાંમાં ટેસ્ટિંગ વધારવાની વાત કરતા ડૉ. માવળંકર કહે છે, "ગામડાંમાં સરખી રીતે ડાયગ્નોસિસ થતું નથી. દરદીઓ મૃત્યુ પામે છે ત્યારબાદ પણ ડાયગ્નોસ કરવું જોઈએ અને મૃતકના પરિવારના તમામ લોકોના કોરોના વાઇરસના ટેસ્ટ કરવા જોઈએ. જેથી કોઈ પૉઝિટિવ આવે તો ખ્યાલ આવે કે માણસ કોરોના વાઇરસથી મૃત્યુ પામ્યો હતો કે નહીં"
'પ્રતિબંધોને કારણે કેસ ઘટ્યા'
ગુજરાત સરકારે 28 એપ્રિલથી રાજ્યમાં કેટલાક પ્રતિબંધો લાગુ કર્યા છે. આ પ્રતિબંધો પ્રમાણે રાજ્યનાં 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુ ઉપરાંત દિવસે આવશ્યક વસ્તુઓ સિવાયની તમામ વસ્તુઓની વેચાણ કરતી દુકાનો પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ ઉપરાંત આ કર્ફ્યુને પાંચ મેએ લંબાવીને 12 મે સુધી લાગુ કરવામાં આવ્યો હતો.
ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે, "શહેરોમાં લૉકડાઉનના કારણે પણ કેસ ઘટ્યા છે. રાત્રી લૉકડાઉન અને દિવસના પ્રતિબંધને કારણે લોકોની એકબીજા સાથેની મુલાકાત ઘટી છે, માટે કેસ ઘટ્યા છે."
ડૉ. દિલીપ માવળંકર કહે છે, "ગુજરાતમાં હાલ વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. લોકો બહાર નીકળતા નથી. તેના કારણે કેસ ઘટી રહ્યા હોય એમ લાગે છે. જેમ જાન્યુઆરીમાં લોકોએ વાઇરસ પાછો આવવાનો નથી એમ કરીને છૂટછાટ લીધી હતી તેવી છૂટછાટ ન લે તો સારું."
તેઓ વધુમાં કહે છે, "ગુજરાતમાં હજુ ઘણા લોકોનું રસીકરણ કરવાનું બાકી છે. ઇમ્યુનિટી પણ ખાસ આવી નથી માટે લોકોએ ખૂબ ચેતતા રહેવાની જરૂર છે."
ડૉ. સૌમેન્દ્ર દેસાઈ કહે છે, "કોરોના વાઇરસના કેસને ઘટાડવા માટે લૉકડાઉન જરૂરી છે. સમજુ છું કે લૉકડાઉનની લોકો પર ખૂબ ખરાબ અસર થાય છે પરંતુ આજની સ્થિતિમાં લૉકડાઉન ખૂબ જ જરૂરી બને છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો