સૅન્ટ્રલ વિસ્ટા : રાહુલ ગાંધીએ કોરોનાના કેર વચ્ચે મોદી સરકારના પ્રોજેક્ટ પર સવાલ કર્યા - BBC TOP NEWS

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને સવાલ કર્યા છે. રાહુલે આ પ્રોજેક્ટને 'ગુનાહિત બગાડ' ગણાવ્યો છે.

રાહુલે ટ્વિટર લખ્યું છે કે 'વડા પ્રધાન પોતાના માટે નવા ઘરનો અહંકાર સંતોષવાને બદલે આ સમયે લોકોનાં જીવન પર ધ્યાન આપે.'

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી આ પરિયોજનાના પર સવાલ ઉઠાવી ચૂક્યાં છે.

યેચુરીએ આ નિર્માણકાર્યને તત્કાલ રોકવાની માગ કરી હતી. જ્યારે મમતાએ કહ્યું હતું કે હજારો-કરોડો ખર્ચવામાં આવી રહ્યા છે પણ રસી મફત નથી અપાઈ રહી.

તેમણે તમામ રાજ્યોને મફતમાં રસી મળે એવી માગ કરી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે ભારતમાં કોરોનાના કેર વચ્ચે નવી દિલ્હીનો ચહેરો બદલી નાખનારા મહત્વાકાંક્ષી સૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ ચાલુ છે.

દિલ્હીના દિલમાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી આ સરકારી પરિયોજનાને 'આવશ્યક સેવા' જાહેર કરાઈ છે અને એ નક્કી કરાયું છે કે દિલ્હીમાં લૉકડાઉન હોવા છતાં આ પરિયોજના પર મજૂરો કામ કરતા રહે.

સૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવું સંસદભવન અને નવા કેન્દ્રીય સચિવાલયની સાથે રાજપથના આખા વિસ્તારનું રી-ડેવલપમૅન્ટ થવાનું છે.

રાયસીના હિલ પર જૂની ઇમારતોને સુધારવા, સામાન્ય સચિવાલય-ભવનોને સારાં બનાવવાં, જૂની સંસદભવનના નવીનીકરણ માટે અને સાંસદોની આવશ્યકતા અનુસાર નવી જગ્યા બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારે સૅન્ટ્રલ વિસ્ટા પરિયોજના શરૂ કરી છે.

આ પરિયોજના પર લગભગ 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે.

સૅન્ટ્રલ વિસ્ટાનું કામ નવેમ્બર 2021 સુધી, નવા સંસદભવનનું કામ માર્ચ 2022 સુધી અને કૉમન કેન્દ્રીય સચિવાલયનું કામ માર્ચ 2024 સુધી પૂરું કરવાનું આયોજન છે.

સંપૂર્ણ લૉકડાઉન તરફ દેશને ધકેલવામાં આવી રહ્યો છે : રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે કહ્યું છે કે દેશને ફરી એક વાર સંપૂર્ણ લૉકડાઉનની તરફ ધકેલવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે આ સ્થિતિને જોતાં આર્થિક રીતે કમજોર લોકોને સહાય આપવી જરૂરી છે.

ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ કહ્યું, "ગઈવખતનું બિન-આયોજિત લૉકડાઉન જનતા પર ઘાતક વાર હતો. તેથી હું સંપૂર્ણ લૉકડાઉનની વિરુદ્ધ છું."

"પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નિષ્ફળતા અને કેન્દ્ર સરકારની ઝીરો રણનીતિ દેશને સંપૂર્ણ લૉકડાઉન તરફ ધકેલી રહી છે. આવી પરિસ્થિતિમાં ગરીબ જનતાને આર્થિક પૅકેજ અને તરત દરેક પ્રકારની રાહત આપવાની જરૂર છે."

કોરોના : ગુજરાતના આ જિલ્લામાં 36 કલાકમાં 42 મૃત્યુ થયાં?

ડાઉન ટુ અર્થના એક વિશેષ અહેવાલમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની દયનીય પરિસ્થિતિ વિશે વાત કરાઈ છે.

આ અહેવાલમાં કહેવાયું છે કે સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત દરેક સ્થળેથી ડૉક્ટરો અને સાધનો ન હોવાની ફરિયાદો આવી રહી છે.

લોકોને લાગી રહ્યું છે કે તેમને મરવા માટે રઝળતા મૂકી દેવાયા છે. પહેલી લહેરમાં જ્યાં સુધી કોરોના નહોતો પહોંચ્યો એવા અંતરિયાળ આદિવાસી ગામડાંમાં પણ હવે કોરોના કેર બનીને ત્રાટક્યો છે.

અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના એક એક ગામ, મથકમાં પાછલા 20 દિવસોમાં 23 મૃત્યુ થયાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

તેનાથી ભયાનક ચિત્ર તો સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લા ગીર-સોમનાથનું હોવાનું કહેવાય છે. એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ જિલ્લામાં પાછલા માત્ર 36 કલાકમાં જ 42 મૃત્યુ થયાં છે.

તેમજ આ તમામ મોતો ચોપડે ન નોંધાયાંની વાત પણ ધ્યાને આવી છે.

ગુજરાતમાં કોરોના : સંકટગ્રસ્ત બાળકો અને સીમાંત જૂથોને પ્રાથમિકતા આપવા HCમાં અરજી

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે ચાઇલ્ડ રાઇટ્સ કલેક્ટિવ, ગુજરાત (CRCG) દ્વારા કોરોના અને તેના સંચાલન બાબતે ચાલી રહેલી સુઓમોટો સુનાવણીમાં એક પક્ષકાર તરીકે સામેલ થવા માટે અરજી કરી છે.

આ જૂથે પોતાની અરજીમાં વિશેષ જરૂરિયાત ધરાવતાં બાળકો, જુવેનાઇલ હોમમાંનાં બાળકો અને ગર્ભવતી મહિલાઓને ધ્યાને રાખીને વિશેષ દિશાનિર્દેશ જારી કરવાની માગ કરી છે.

નોંધનીય છે કે આ સંસ્થા વિકલાંગ બાળકો અને પ્રવાસી મજૂરોનાં બાળકો જેવાં અન્ય જૂથોના રક્ષણ માટે કામ કરે છે.

આ સંસ્થા વતી રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, "રાજ્યમાં ઘણાં જુવેનાઇલ હોમમાં બાળકોને કોરોનાનો ચેપ લાગ્યાના અહેવાલો જોવા મળ્યા છે. પરંતુ તેમની સારસંભાળ અંગે ઘણા પ્રશ્નો રહેલા છે."

"આ સિવાય વિકલાંગ બાળકો અને વિશેષ જરૂરિયાત ધરાવતાં બાળકોને પણ સારવારમાં પ્રાથમિકતા મળે તે જરૂરી છે. આ સાથે જ આ અરજીમાં મધ્યાહ્ન ભોજન યોજના ફરીથી શરૂ કરવા માટે કહેવાયું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો