કોરોનાનો કેર : ઓક્સિજનના અભાવે અલંગનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ 'વૅન્ટિલેટર' પર

અલંગનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Nitin Gohil

ઇમેજ કૅપ્શન, અલંગનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેશમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે ઓક્સિજનની માગમાં જંગી ઉછાળો આવવા પામ્યો છે, જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા આગામી આદેશ ન થાય ત્યાં સુધી ઔદ્યોગિક વપરાશ માટેના ઓક્સિજનને તબીબી વપરાશ માટેફાળવવાનો આદેશ કર્યો છે.

આની સીધી અસર જહાજો માટે 'વિશ્વના સૌથી મોટા કબ્રસ્તાન' પર પણ પડી છે. જ્યાં જહાજ ભાંગવાની પ્રવૃત્તિ ઠપ થઈ ગઈ છે.

ફરી એક વખત લૉકડાઉન તથા કામ નહીં મળવાના કારણે અહીં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી છે.

લૉકડાઉન તથા ક્રૂઝ ઇન્ડસ્ટ્રીમાં આવેલી મંદીને કારણે અહીં જહાજ ભાંગવાના ધંધામાં તેજી આવી હતી, પરંતુ હવે તેની ઉપર નકારાત્મક અસર થઈ છે. જોકે સ્થાનિક ઉદ્યોગપતિઓ સમગ્ર ઘટનાક્રમ માટે અલગ દૃષ્ટિકોણ ધરાવે છે.

કેન્દ્ર સરકાર ગુજરાતમાં જહાજ ભાંગવાની પ્રવૃત્તિને વર્ષ 2024 સુધીમાં બમણી કરવા ધારે છે, પરંતુ કોરોનાના કારણે આ લક્ષ્યાંકમાં અવરોધ ઊભો થાય તેમ છે.

line

વૈશ્વિક અર્થતંત્રનું 'ઊલટું પ્રતિબિંબ'

વર્ષ 2019-'20 દરમિયાન અલંગ ખાતે 200 જેટલા જહાજ ભાંગવા માટે આવ્યા હતા.

ઇમેજ સ્રોત, SAM PANTHAKY

ઇમેજ કૅપ્શન, વર્ષ 2019-'20 દરમિયાન અલંગ ખાતે 200 જેટલા જહાજ ભાંગવા માટે આવ્યા હતા.

અલંગનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ એ વૈશ્વિક અર્થતંત્રનું 'ઊલટું પ્રતિબિંબ' ઝીલતા અરીસા સમાન છે. જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં તેજી હોય, ત્યારે નિકાસ વધુ હોય અને જહાજો તરતા રહે. જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી પ્રવર્તમાન હોય, ત્યારે જહાજોની જરૂરિયાત ઘટી જાય છે.

જે જહાજ પુરાણાં હોય તથા નિભાવનો ખર્ચ વધુ હોય તેને વેચી નાખવામાં આવે છે અથવા તો ભંગારમાં આપી દેવામાં આવે છે.

ગત વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં પૂર્ણ કે આંશિક લૉકડાઉન લાદવામાં આવ્યાં હતાં, જેની સીધી અસર પરિવહન અને ઇંધણના વપરાશ પર પડી હતી.

આથી એલએનજી, એલપીજી અને ક્રૂડનો વપરાશ ઘટી ગયો હતો, જેના કારણે ભારતમાં અનલૉકિંગ શરૂ થયું, ત્યારે એલપીજી કે એલએનજી કૅરિયર, ઑઇલ રિગ તથા ઑઇલ ટૅન્કર અલંગ ખાતે આવ્યા હતા.

વર્ષ 2014થી 2017 દરમિયાન આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રૂડઑઇલના ભાવ ગગડી ગયા હતા, ત્યારે પણ આવાં જહાજો મોટા પ્રમાણમાં અલગં પહોંચ્યાં હતાં.

આ સિવાય કૅમિકલ કૅરિયર તથા વ્હિકલ કૅરિયરની ટકાવારી નોંધપાત્ર રહેવા પામી હતી.

વીડિયો કૅપ્શન, સમગ્ર દેશમાં લૉકડાઉનની માગ કેમ કરી રહ્યા છે સરકારની કોરોના ટાસ્ક ફોર્સના નિષ્ણાતો

કોરોનાની અસર હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી પર પણ છે, જેમાંથી હોટલ અને ક્રૂઝ શિપિંગ પણ મુખ્ય છે. છેલ્લા લગભગ છ મહિનામાં છ જેટલી ક્રૂઝશિપ અલંગ પહોંચી છે, અગાઉ તેની સરેરાશ વર્ષે એક હતી.

વર્ષ 2019-'20 દરમિયાન અલંગ ખાતે 200 જેટલાં જહાજ ભાંગવા માટે આવ્યાં હતાં. ગત વર્ષે લૉકડાઉન તથા કોરોના જેવી વિપરીત પરિસ્થિતિ છતાં 190 જેટલાં જહાજ ભાંગવામાં આવ્યાં હતાં.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 200 આસપાસ જહાજ ભાંગવામાં આવશે એવું આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું અનુમાન છે.

તાજેતરમાં અલંગ 'અલદોરાદો' જહાજ ભાંગવામાં આવ્યું હતું, જે છેલ્લાં પાંચેક વર્ષમાં યાર્ડ ખાતે તોડવામાં આવેલું સૌથી મોટું જહાજ છે.

દર વર્ષે લગભગ એક હજાર જહાજને તોડી પાડવામાં આવતાં હોય છે. એક અનુમાન પ્રમાણે, ગત 38 વર્ષમાં કરતાં વધુ ગાળા દરમિયાન છ હજારથી વધુ જહાજોએ તેમની અંતિમ સફર અલંગ ખાતે ખેડી હતી.

વર્ષ 1997 તથા 2008ની વૈશ્વિક મંદી બાદ પણ આ પ્રકારે 'વિપરીત પરિદૃશ્ય' અલંગ ખાતે જોવા મળ્યું હતું.

line

શ્રમિક, લૉકડાઉન અને શંકા

શ્રમિક મજૂરનો ફાઇલ ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડથી શ્રમિકો કામની શોધમાં અહીં આવે છે.

અલંગ સોસિયા શિપ બ્રેકિંગ કામદાર સંઘના આગેવાન સુખદેવસિંહ ગોહિલના કહેવા પ્રમાણે, "અલંગમાં કામ કરતા શ્રમિકોમાંથી 80 ટકા જેટલા પરપ્રાંતીય છે. ગત વર્ષે લૉકડાઉન બાદ તેમણે વતન પરત ફરવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી."

"એટલે તાજેતરના રાત્રિ કર્ફ્યુ અને 'આંશિક લૉકડાઉન' જેવી સ્થિતિને પગલે ફફડાટ ફેલાયો છે અને તેઓ વતન પરત ફરી રહ્યા છે. આ સિવાય વતનમાં લગ્નની સિઝન ચાલી રહી છે, એટલે પણ તેઓ વતન જવાની ઉતાવળમાં હોય છે."

ગોહિલ ઉમેરે છે કે શ્રમિકોની ઘટેલી સંખ્યાની સીધી અસર અઠવાડિયાના અંતે ભરાતી 'રવિવારી બજાર'માં જોવા મળી હતી, જ્યાં શ્રમિકોની પાંખી હાજરી જોવા મળી.

બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડથી શ્રમિકો કામની શોધમાં અહીં આવે છે.

રાજ્ય સરકારના આંકડા પ્રમાણે, જહાજ ભાંગવાના ઉદ્યોગને કારણે લગભગ 20 હજાર લોકોને પ્રત્યક્ષ રીતે તથા પાંચ લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગાર મળે છે.

line

'ઓક્સિજન' પર ઉદ્યોગ

અલંગ શિપબ્રેકિંગ યાર્ડ

ઇમેજ સ્રોત, The India Today Group/Getty

ઇમેજ કૅપ્શન, જહાજની પ્લૅટને તોડવાની કામગીરીમાં એલપીજી ઉપરાંત ઓક્સિજન સિલિન્ડરની જરૂર

તાજેતરમાં દેશમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. કેન્દ્ર સરકારે ઉદ્યોગો માટે ઉત્પાદિત થતાં ઓક્સિજનના જથ્થાને આગામી આદેશ સુધી તબીબી વપરાશ માટે વાળવાના આદેશ કર્યાં છે, જેથી કરીને આ ક્ષેત્રે અછત ન સર્જાય.

અનેક રાજ્યોની હાઈકોર્ટે તથા સુપ્રીમ કોર્ટ પણ ગૅસના પુરવઠા ઉપર નજર રાખી રહી છે અને આ મુદ્દે નિયમિત સુનાવણી થઈ રહી છે. આરોગ્યક્ષેત્રે પ્રવર્તમાન સ્થિતિની સીધી અસર અલંગના જહાજ ઉદ્યોગ માટે આફતરૂપ બની છે.

અલંગ ખાતે જહાજની મોટી તથા જાડી લોખંડની પ્લૅટોને કાપવા માટે ગૅસકટરનો ઉપયોગ થાય છે. તે સામાન્ય વાતાવરણમાં વધુ સારી રીતે કામ કરી શકે તે માટે પ્રૉપેન, બ્યૂટેન કે એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ)ની સાથે તેને ઓક્સિજનનો પૂરક પુરવઠો આપવામાં આવે છે.

જેની મદદથી શ્રમિક લગભગ 10 ઇંચ જાડું લોખંડ પણ સરળતાથી કાપી શકે છે.

અહીંના ઉદ્યોગમાં ગૅસકટરનો વપરાશ કેટલો વ્યાપક અને જરૂરી છે એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે આ કામ કરતા શ્રમિકો માટે જીએમબી દ્વારા બે દિવસનો વિશેષ કોર્ષ ચલાવવામાં આવે છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જાણકારોના કહેવા પ્રમાણે, જહાજ ભાંગવાના કામમાં એલપીજીની સાથે અતિશુદ્ધ ઓક્સિજનની જરૂર પડે અને જો તેમાં અમુક માત્રામાં અશુદ્ધિ આવી જાય તો જહાજને ભાંગવાની ગતિ ધીમી પડી શકે છે તથા ઓક્સિજનના વપરાશમાં વૃદ્ધિ થઈ શકે છે.

શિપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રિઝ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના માનદ્ સચિવ હરેશ પરમારના કહેવા પ્રમાણે, "ઓક્સિજન વિના ઉદ્યોગને 100 ટકા તકલીફ પડી રહી છે. ઉદ્યોગસ્થગિત છે અને કોઈ પણ પ્લૉટમાં કામ નથી થઈ રહ્યું."

"લોકોના જીવ બચે તે માટે સરકારે આદેશ આપ્યા તે પહેલાં અમે સ્વેચ્છાએ જ ઓક્સિજનનો પુરવઠો સોંપી દીધો હતો. પરિસ્થિતિ સામાન્ય થશે એટલે ફરીથી વેપાર ધમધમવા લાગશે."

પરમારના અનુમાન મુજબ અત્યારે 120 પ્લૉટમાંથી 70-80 યાર્ડમાં જહાજ ભાંગવાનું કામ ચાલુ હતું, જે હાલ ખોરંભે પડી ગયું છે.

line

'નુકસાન તો થશે પણ...'

અલંગ શિપબ્રેકિંગ યાર્ડ

ઇમેજ સ્રોત, Education Images

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં તેમની કંપનીએ બહુપ્રતિષ્ઠિત 'આઈએનએસ વિરાટ' ખરીદ્યું હતું, જેને તોડવાની કામગીરી અટકી ગઈ છે.

અલંગમાં જહાજ ભાંગવાના કામ સાથે સંકળાયેલા મુકેશ પટેલના કહેવા પ્રમાણે, "ઓક્સિજન ડાયવર્ટ થવાથી અલંગના દરેક શિપબ્રેકરને તેની અસર પડી છે."

"દૈનિક 100થી 150 ટનની ક્ષમતા હોય તેવા જહાજ ભાંગનારાઓ પર લૉનનું વ્યાજ, ભાડું, ફિસ સહિતના સ્થિર ખર્ચા ચાલુ જ છે. ધંધાને નુકસાન તો થશે, પરંતુ અત્યારે દરેકની પ્રાથમિકતા માનવજીવ બચાવવાની છે."

તાજેતરમાં તેમની કંપનીએ બહુપ્રતિષ્ઠિત 'આઈએનએસ વિરાટ' ખરીદ્યું હતું, જેને તોડવાની કામગીરી અટકી ગઈ છે.

પટેલની અન્ય એક કંપની દ્વારા દૈનિક 100થી 108 ટન ઓક્સિજન ઉત્પાદિત કરવામાં આવે છે, જેનો ઉપયોગ અગાઉ અલંગમાં જ થઈ જતો, પરંતુ હવે તેને તબીબી વપરાશ માટે ફાળવવામાં આવ્યો છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તબીબી વપરાશના ઓક્સિજનમાંથી અન્ય વાયુઓની અશુદ્ધિઓને દૂર કરીને તેને માનવવપરાશ યોગ્ય બનાવવામાં આવે છે.

નાઇટ્રોજન તથા અર્ગનના સિલિન્ડરને પણ મેડિકલ ઓક્સિજન માટે વાપરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.

જોકે, આ પ્રક્રિયા લાંબી હોય છે અને તેને પૂર્ણ કર્યા બાદ તબીબી ગુણવત્તાનું સર્ટિફિકેટ લેવાનું રહે છે. આ બધું 'રાતોરાત' ન થઈ શકે, એમ જાણકારોનું માનવું છે.

ભાવનગર ઉપરાંત જામનગર, વડોદરા તથા અમદાવાદનાં ઔદ્યોગિક એકમો પાસેથી ઓક્સિજનનો ઘટતો પુરવઠો મેળવવામાં આવી રહ્યો છે.

line

ક્રૂઝ : ક્યા સે ક્યા હો ગયા

ક્રૂઝ પર યાત્રિકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રૂઝ પર યાત્રિકો

ગત વર્ષે કોરોના ફાટી નીકળ્યો એ પછી અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને જાપાને વિદેશી ક્રૂઝશિપને લાંગરવાની મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

એ સિવાય જે જહાજ તટ ઉપર હતા, તેમને વહેલી તકે રવાના થવાની સૂચના આપવામાં આવી હતી.

ધ ડાયમંડ પ્રિન્સેસ (જાપાન), એમએસસી મૅગ્નિફિસા (યુરોપ) અને ધ ગ્રાઉન્ડ પ્રિન્સેસ (યૂ.એસ.)માં ફસાઈ ગયાં હતાં.

આ સિવાય અનેક ક્રૂઝના હજારો મુસાફરો તથા કર્મચારીઓ અલગ-અલગ બંદરો પર ફસાઈ ગયા હતા અને તેમની સ્થિતિના અહેવાલ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં છવાયેલા રહ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

કેપીએમજીના જહાજી બાબતોના નિષ્ણાત પાર્ટનર મોનિક ગીઝના મતે,"કોરોના આવ્યું તે પહેલાં ટ્રાવેલ જગતમાં ક્રૂઝ સૅક્ટરનો વાર્ષિક 20.5 ટકાના દરે વિકાસ થઈ રહ્યો હતો."

"2019માં બે કરોડ 97 લાખ લોકોએ ક્રૂઝમાં સફર ખેડી હતી. 2020માં આ આંકડો ત્રણ કરોડ 20 લાખ ઉપર પહોંચશે એવું અનુમાન હતું."

વિશ્વભરમાં મોટા કદની 50 જેટલી ક્રૂઝલાઇન્સ છે, જે 270થી વધુ જહાજ ઑપરેટ કરે છે. 2018માં વૈશ્વિક ક્રૂઝ ઉદ્યોગ 150 અબજ ડૉલરનો હોવાનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. જેમાંથી 75 ટકા હિસ્સો ટોચની ત્રણ કંપની પાસે છે.

ક્રૂઝ પર મહામારી ફાટી નીકળવાને કારણે તેઓ દરિયામાં જ ફસાઈ ગયા હતા. જેના કારણે ક્રૂઝ પ્રત્યે લોકોમાં ભય પ્રવર્તી રહ્યો છે.

ક્રૂઝ લાઇનરો રસીકરણ ઉપર મીટ માંડીને બેઠા છે, તેમને લાગે છે કે યુરોપ તથા અમેરિકામાં વ્યાપક રસીકરણ બાદ ફરી એક વખત ઉદ્યોગ ધમધમતો થશે.

line

ક્રૂઝ : કાલ, આજ, કાલ

બ્રિટનમાં મધદરિયે લાંગરવામાં આવેલી ક્રૂઝશિપ

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, બ્રિટનમાં મધદરિયે લાંગરવામાં આવેલી ક્રૂઝશિપ

બ્રિટનમાં મધદરિયે લાંગરવામાં આવેલી ક્રૂઝશિપ, જે ક્રૂઝ લાઇનર સ્થિતિ સામાન્ય થશે તેની રાહ જોઈ શકે તેમ નથી તેઓ ક્રૂઝને અન્ય કંપનીઓને વેચી રહ્યા છે અથવા તો જૂના મૉડલના ક્રૂઝને ભંગારમાં આપી રહ્યા છે.

ક્રૂઝ સફર ખેડી રહી હોય ત્યારે તો તેની જાળવણી માટે મોટાપાયે લોકોને રોકવા પડે છે અને જંગી ખર્ચ કરવો પડે છે, પરંતુ તે કિનારે લાંગેરલું હોય ત્યારે પણ તેની જાળવણી પર અસામાન્ય ખર્ચ કરવો પડતો હોય છે. ક્રૂઝની જાળવણીનો ખર્ચ તેના કદ અને સવલતો ઉપર આધાર રાખે છે.

જો બંદર પર વીજપુરવઠાની સુવિધા ન હોય અથવા તો દેશની સીમામાં જ મધદરિયે ક્રૂઝને ઍન્કર કરવામાં આવ્યું હોય, તો તેનું એંજિનને ચાલુ રાખવું પડે જેથી કરીને જહાજ પર વીજપુરવઠો જળવાઈ રહે અને ઍરકન્ડિશન, ડિસેલિનેશન (ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવું) અને પ્રપલ્શન સિસ્ટમ સારી રીતે ચાલતા રહે.

એ ખરું કે જહાજ પર ગેસ્ટ હોય, તેની સરખામણીમાં લાંગેરલું હોય ત્યારે ઓછાં ઇંધણની ખપત થાય છે.

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

આ સિવાય લૉનના હપ્તા, વીમાની રકમ અને પગાર જેવા ખર્ચા ચાલુ જ રહે છે. જેની ચૂકવણી ચાલુ રાખવાના બદલે કેટલાક માલિક તેને વેંચી દેવાનું પસંદ કરી રહ્યા છે.

અમુક માલિકને આગામી મહિનાઓમાં સ્થિતિ સુધરવાની આશા છે, તેઓ વેચવાના બદલે રાહ જોવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે જો વેચી દેવામાં આવે તો તેમને જંગી નુકસાન થાય તેમ છે.

ટૅક્સમાં બચત કરવા માટે અને અમેરિકા-યુરોપના કડક શ્રમકાયદાથી બચવા માટે મોટાભાગની ક્રૂઝલાઇનર કંપનીઓ તેમના જહાજની પનામા, બહામાસ કે અન્ય કોઈ 'ટૅક્સ હેવન' દેશમાં નોંધણી કરાવે છે.

સસ્તાભાવે વિદેશી શ્રમિકો પાસે વધુ કલાકો સુધી કામ કરાવી શકાય એવી ક્રૂઝ લાઇનર કંપનીઓની ગણતરી હોય છે. જોકે આ બાબત જ તેમના માટે મુશ્કેલીરૂપ બની રહી છે.

ક્રૂઝ પરથી કોવિડ-19ના દરદીને લેવા પહોંચેલી ઍમ્બુલન્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રૂઝ પરથી કોવિડ-19ના દરદીને લેવા પહોંચેલી ઍમ્બુલન્સ

અમેરિકાની સરકાર દ્વારા જે બેલઆઉટ પૅકેજ જાહેર કરવામાં આવ્યા છે, તેનો લાભ ક્રૂઝ લાઇનરોને મળી શકે તેમ નથી. અને જો સરકાર મદદ કરવા ચાહે તો પણ કર ન ભરનારને રાહત આપવી તેના માટે મુશ્કેલ બની રહે.

એક અનુમાન પ્રમાણે, માત્ર યુરોપમાં જ ક્રૂઝના વ્યવસાય ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત બે લાખ લોકોએ પોતાનું કામ ગુમાવ્યું છે. હજારોની સંખ્યામાં અન્ય કર્મચારીઓના કામના કલાક ઘટાડી દેવામાં આવ્યા છે.

તો શું ફરી ક્યારેય ક્રૂઝશિપના ધંધામાં તેજી નહીં આવે, તેના વિશે બ્રિટનની પ્લાયમાઉથ યુનિવર્સિટીમાં ટુરિઝમ ઍન્ડ હૉસ્પિટાલિટીનાં પ્રાધ્યાપક પ્રો. શીલા અગ્રવાલ માને છે:

"પર્યટકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે. પેરિસ તથા બ્રસેલ્સમાં હુમલા બાદ બે-ત્રણ મહિના સુધી અસર જોવા મળી હતી, બાદમાં સ્થિતિ પૂર્વવત્ બની ગઈ હતી."

સામાન્ય રીતે ઉનાળુ કે ક્રિસમસના વૅકેશન દરમિયાન આ ક્રૂઝશિપો ભૂમધ્ય કે કૅરેબિયન દ્વિપસમૂહોની સફર ખેડતી હોય છે.

ક્રૂઝલાઇનરો પણ સ્થિતિ સામાન્ય થશે એટલે મોટાપાયે જાહેરાતો તથા ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

line

ક્રૂઝ, કબાડ અને 'કામ'નું

અલંગનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ

ઇમેજ સ્રોત, EMMANUEL DUNAND/Getty

ઇમેજ કૅપ્શન, અલંગના સેકન્ડ-હેન્ડ માર્કેટમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલી ક્રૉકરી

અગાઉ અલંગમાં વરસે સરેરાશ એક ક્રૂઝશિપ ભાંગવા માટે અલંગ આવતું હતું, પરંતુ કોરોનાકાળમાં તેની સંખ્યા વધી જવા પામી છે.

એપ્રિલ માસના બીજા સપ્તાહમાં 'એમવી (મર્ચન વૅસલ) કોલસ' નામની ક્રૂઝશિપ અલંગ પહોંચી હતી. આ ક્રૂઝ ખરીદનારા એનબીએમ આર્યન ઍન્ડ સ્ટિલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડના નઝીર કલીવાલાએ જણાવ્યું:

"સામાન્યતઃ ક્રૂઝમાં હૉસ્પિટલ, થિયેટર, હાઈ-ઍન્ડ રેસ્ટોરાં, દુકાનો, બાર, સ્પા, સ્વિમિંગ પુલ, જાકુઝી સહિતની ફાઇવ-સ્ટાર હોટલમાં જોવા મળતી તમામ સવલતો હોય છે."

"12મી એપ્રિલે એમવી કોલસ યાર્ડમાં પહોંચી ગયું છે અને તેના ઉપર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પહેલાં 'એમવી ઓશન ડ્રીમ' પણ અમે ખરીદ્યું હતું."

ક્રૂઝની ઉપર વૈભવી વસ્તુઓ હોય તેમાંથી અન્ય કોઈ જહાજ કરતાં વધુ નફો થાય એવું નથી અને તેમના માટે બધું 'સ્ક્રૅપ' જ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

ક્રૂઝમાંથી ટીવી, ફ્રીજ, ક્રૉકરી, કાર્પેટ અને ફર્નિચર જેવી વૈભવી સામગ્રી મોટાપાયે નીકળે છે. યાર્ડની બહાર લગભગ 800થી વધુ દુકાનો આ પ્રકારના વેપાર સાથે સંકળાયેલી છે. શિપને કારણે આ સેકન્ડ-હેન્ડ માર્કેટમાં તેજી આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ગત નવેમ્બર મહિનાથી ક્રૂઝ આવવાનું શરૂ થયું હતું. 14 માળનું 'એમવી કર્ણિકા' (નવેમ્બર-2020) પહોંચ્યું હતું. લૉકડાઉન પૂરું થયા બાદ પણ તે શરૂ થઈ શક્યું ન હતું.

'એમવી ઓશિયન ડ્રીમ' (જાન્યુઆરી-2021)માં અલંગ પહોંચ્યું હતું. તે લગભગ એક વર્ષ સુધી જાપાનના હિરોશિમા પાસે પ્રવાસીઓ વગર પડી રહ્યું હતું.

મૂળતઃ રશિયાનું 'એમવી માર્કૉપોલો' (જાન્યુઆરી-2021)માં અલંગ પહોંચ્યું હતું. તેના માલિક નાદાર થઈ ગયા હતા, એટલે તેને વેંચી દેવામાં આવ્યું હતું, પરંતુ તેની છેલ્લી સફર અલંગમાં જ પૂરી થઈ.

આ સિવાય 'એમવી ગ્રાન્ડ સૅલિબ્રેશન્સ' પણ અહીં પહોંચ્યું હતું.

ક્રૂઝની સરખામણીમાં ઑઇલટૅન્કર કે કન્ટેનરશિપમાંથી વધુ લોખંડ મળે છે, એટલે તેમાંથી લોખંડ વધુ નીકળે છે. વળી તે મરીન ગ્રૅડનું હોવાથી તેમાંથી વધુ આવક થાય છે.

એક અનુમાન મુજબ દર વર્ષે અલંગ ખાતે 25થી 30 લાખ ટન જેટલું સ્ટિલ રિસાઇકલિંગ માટે મળે છે. જે ભાવનગર ઉપરાંત મહારાષ્ટ્ર અને પંજાબ સુધી મોકલવામાં આવે છે.

line

...એટલે અલંગ અલગ

અલંગનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ

ઇમેજ સ્રોત, FARJANA KHAN GODHULY

ઇમેજ કૅપ્શન, 1982-83માં ગુજરાતમાં ભાવનગર જિલ્લા ખાતે 'અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ'ની સ્થાપના કરવામાં આવી હતી.

અલંગ વિશ્વનો જહાજ ભાંગવાનો પટ્ટો છે. 1982-83માં ગુજરાતમાં ભાવનગર જિલ્લા ખાતે 'અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ'ની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ વર્ષે પાંચ જહાજમાંથી 24 હજાર ટન જેટલું સ્ટીલ નીકળ્યું હતું.

83 હજાર 598 એલડીટીનું (લાઇટ ડિસ્પ્લેસમૅન્ટ) 'એસ.ટી. મૉન્ટ' અત્યાર સુધી અહીં ભાંગવામાં આવેલું સૌથી મોટું જહાજ છે.

તાજેતરમાં ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ 'આઈએનએસ વિરાટ' સેવાનિવૃત્ત થયા બાદ ભંગાર તરીકે વેંચી દેવામાં આવ્યું હતું. જેને અલંગની જ એક શિપ બ્રેકિંગ કંપનીએ ખરીદ્યું છે.

10 કિલોમિટરના દરિયાઈ પટ્ટા ઉપર ચાર લાખ વર્ગમીટર વિસ્તારમાં જહાજ ભાંગવાના પ્લૉટ ફાળવવામાં આવ્યા છે.

અલંગ-સોસિયામાં લહેર ઊંચી હોય છે અને તેનો કિનારો લગભગ 15 ડિગ્રી જેટલો ઢોળાવવાળો હોવાથી જહાજોને કિનારે લાવવામાં અનુકૂળતા રહે છે. રેતાળ પરંતુ સરકે નહીં એવા કિનારાને કારણે જહાજ ભાંગવાની પ્રવૃત્તિ માટે અનુકૂળ રહે છે.

જહાજોને કિનારા સુધી લાવવામાં મદદ મળે તે માટે મોટાભાગે પૂનમ કે અમાસ પસંદ કરવામાં આવે છે, તેમાં પણ વિશેષ કરીને પૂનમને પસંદ કરવામાં આવે છે, જેથી કામગીરીમાં સરળતા રહે.

અહીં સસ્તાભાવે પરપ્રાંતીય શ્રમિક મળી રહે છે. ગુજરાત મરીટાઇમ બોર્ડ દ્વારા અલંગ ખાતે 'સેફટી ટ્રેનિંગ ઍન્ડ લેબર ઇન્સ્ટિટ્યૂટ' ચલાવવામાં આવે છે.

જ્યાંથી દરેક શ્રમિકે છ દિવસની 'બેઝિક સેફ્ટી'ની ટ્રેનિંગ લેવાની હોય છે. આ સિવાય રેડક્રોસ દ્વારા એક હૉસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે.

દરેક યાર્ડ તથા અલંગના રસ્તાઓ ઉપર શ્રમિકોમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ લાવવાનું અભિયાન ચલાવે છે.

એક સમયે અલંગનો જહાજ ઉદ્યોગ શ્રમિકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા ઍસ્બેસ્ટોસ જેવાં હાનિકારક પદાર્થોના બેફામ નિકાલ તથા દુર્ઘટનાઓ માટે પંકાયેલો હતો, પરંતુ હવે સ્થિતિ સુધરી છે.

પરમારના કહેવા પ્રમાણે, અલંગ ખાતે 100થી 105 જેટલા યાર્ડે હૉંગકૉંગ ક્ન્વેન્શનું પાલન થતું હોય તે સંદર્ભના સર્ટિફિકેટ મેળવી લીધા છે. જેના કારણે અહીં આવતાં જહાજોની સંખ્યા વધશે એવી સ્થાનિકોને આશા છે.

આ સર્ટિફિકેશન જહાજ ભાંગવાની કામગીરી દરમિયાન શ્રમિકો તથા પર્યાવરણ માટે ઉચ્ચ ધોરણોના પાલનને સુનિશ્ચિત કરે છે.

line

ક્ષમતા, સમસ્યા અને સંચાલન

અલંગ શિપબ્રેકિંગ યાર્ડ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/Getty

ઇમેજ કૅપ્શન, અલંગના જહાજ ઉદ્યોગ ઉપર પર્યાવરણને લગતા નિયમોનું પાલન નહીં કરવાને કારણે આજુબાજુની જમીનને નુકસાન પહોંચતું હોવાના આરોપ લાગતા રહે છે

જહાજી બાબતોમાં જાપાનિઝ, યુરોપિયન તથા અમેરિકન કંપનીઓનો દબદબો છે. તેઓ જહાજ ભાંગવાની પ્રક્રિયામાં પર્યાવરણીય બાબતો તથા યાર્ડમાં શ્રમિકની સ્થિતિને ગંભીરતાથી લેતા હોય છે.

જહાજ પરના દરેક પ્રદૂષકો વિશે વ્યવસ્થિત નોંધ રાખીને તેનો પર્યાવરણને અનુકૂળ હોય એ રીતે નિકાલ કરવાની અપેક્ષા જહાજ ભાંગનારાઓ પાસેથી રાખવામાં આવે છે.

આથી, જહાજમાલિકોને ઊંચો ભાવ આપવાની તૈયારી દાખવવા છતાં નિયમોનું પાલન નહીં કરનારા જહાજ ભાંગનારાઓને પોતાના જહાજ આપવા તૈયાર નથી થતા.

નૉર્વે, નૅધરલૅન્ડ તથા તુર્કી ખાતે જહાજ ભાંગવાના યાર્ડ દ્વારા જહાજ ભાંગવા માટેના ઉચ્ચસ્તરનું પાલન થતું હોય, યુરોપિયન કંપનીઓ જહાજને ભાંગવા માટે ત્યાં મોકલવાનું પસંદ કરતા હોય છે.

ભાવનગરની બેઠક ઉપરથી લોકસભાનાં સંસદસભ્ય ડૉ. ભારતીબહેન શિયાળના કહેવા પ્રમાણે, "ભારતે હૉંગકૉંગ કન્વૅન્શનને કાયદાકીય સ્વરૂપ આપી દીધું છે, એટલે વિદેશ જતો વેપાર ભારત તરફ આકર્ષાશે એવી આશા છે."

"સ્થાનિક શિપબ્રેકિંગ યાર્ડ પણ નિર્ધારિત ધોરણ મુજબના સર્ટિફિકેશન પણ મેળવી રહ્યાં છે."

"કોરોનાની પરિસ્થિતિ થાળે પડે એટલે વિદેશી દેશોના ઍમ્બેસેડર તથા પ્રતિનિધિઓને અલંગની મુલાકાત કરાવવામાં આવશે, જેથી કરીને પર્યાવરણ તથા કચરાના નિકાલ સંબંધે કઈ રીતે પાલન થાય છે તેનું જાતનિરીક્ષણ કરીને ખાતરી કરી શકે."

"આ માટે મનસુખભાઈ (જહાજી બાબતોના કેન્દ્રીય મંત્રી) વિશેષ રસ લઈ રહ્યા છે. અહીં કૉન્ફરન્સ તથા ઍક્સ્પોનું આયોજન પણ કરવામાં આવશે."

અલગની સફરે આઈએનએસ વિરાટ

ઇમેજ સ્રોત, Punit Paranjay/Getty

ઇમેજ કૅપ્શન, અલગની સફરે આઈએનએસ વિરાટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021- '22નું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે વિશ્વના જહાજ ભાંગવાના કુલ વેપારના 50 ટકા હિસ્સો હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી હતી. હાલમાં ભારતનો હિસ્સો 30 ટકા જેટલો છે.

જેમાંથી ગ્રૉસ ટનૅજની દૃષ્ટિએ દરવર્ષે ભારતમાં 70 લાખ ટન, બાંગ્લાદેશમાં (68 લાખ ટન), પાકિસ્તાનમાં (37 લાખ ટન) તથા ચીનમાં (34 લાખ ટન)નું રિસાઇકલિંગ થાય છે. વર્ષ 2024 સુધીમાં આ ક્ષેત્રે દોઢ લાખ રોજગારનું સર્જન કરવાનું સરકારનું લક્ષ્યાંક છે.

શિપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રિઝ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના વડા વિષ્ણુકુમાર ગુપ્તાના કહેવા પ્રમાણે, "જો ધંધામાં એક વખત ખોટ જાય તો તેની ભવિષ્યમાં ભરપાઈ થઈ શકે, પરંતુ માનવજીવ એક વખત જતો રહે તો પાછો ન આવી શકે."

"હાલ સ્થિતિ બેકાબૂ છે, પરંતુ એક-બે મહિનામાં કાબૂમાં આવી જશે. પછી સ્થિતિ અનુકૂળ રહેશે તો વર્ષ 2024માં શિપ રિસાઇકલિંગનું કામ બમણું કરવાનું લક્ષ્યાંક પાર પાડી શકાશે."

જહાજના માલિકો, ઑપરેટર, લિઝિંગ કંપનીઓ, શિપિંગલાઇન્સ, મરીન ઇન્સ્યુરન્સ, શિપિંગ ફાઇનાન્સ, મરીન ઇન્ફર્મેશન ટેકનૉલૉજી તથા ક્રૂઝલાઇન્સને 'સોફ્ટ સર્વિસ' મળી રહે તે માટે રાજ્ય સરકાર ગાંધીનગર પાસે ગિફ્ટ (ગુજરાત ઇન્ટનેશનલ ફાઇનાન્સ-ટેક સિટી) વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
line

સચાણામાં શરૂઆત

સચાણા ખાતે નાના અને મધ્યમકદના જહાજને ભાગવાનો ઉદ્યોગ શરૂ થશે એવી ગુજરાત સરકારને આશા

ઇમેજ સ્રોત, EMMANUEL DUNAND/Getty

ઇમેજ કૅપ્શન, સચાણા ખાતે નાના અને મધ્યમકદના જહાજને ભાગવાનો ઉદ્યોગ શરૂ થશે એવી ગુજરાત સરકારને આશા

ગુજરાતને અંદાજે એક હજાર 600 કિલોમિટરનો દરિયાકિનારો મળેલો છે, જેમાં અલંગ ઉપરાંત જામનગરના સચાણા ખાતે જહાજ ભાંગવાની પ્રવૃત્તિ થઈ શકે તેમ છે.

નાણાકીય વર્ષ 2021- '22 માટે ગુજરાત સરકારનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નીતિન પટેલે જામનગરના સચાણા ખાતે જહાજ ભાંગવાની પ્રવૃત્તિને ફરી ધમધમતી કરવા માટે રૂ. 25 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી.

1977થી સચાણા ખાતે જહાજ દેશ-વિદેશના નાના અને મધ્યમકદના ભાંગવાની પ્રવૃત્તિ ચાલતી હતી હતી અને તેમાંથી નીકળતું પિત્તળ બ્રાસપાર્ટ ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડતું.

2012માં ગુજરાત મરીન બોર્ડ તથા મરીન પાર્કની હદ વિશે વિવાદ થતાં અહીં જહાજ તોડવાની પ્રવૃત્તિ બંધ કરાવી દેવામાં આવી હતી.

હાઈકોર્ટના આદેશ બાદ ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું, જેની ભલામણોના આધારે આ પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે.

આ ઉદ્યોગ પુનઃધમધમતો થશે એટલે રાજ્ય તથા કેન્દ્ર સરકારને જીએસટી સ્વરૂપે આવક મળતી થશે અને રોજગારની 10 હજાર જેટલી તકો ઊભી થશે. જે કોરોનાકાળમાં સ્થાનિક અર્થતંત્રને આધાર આપવાનું કામ કરશે.

'અલંગ મૉડલ' ઉપર તેનો વિકાસ કરવાની નેમ રાજ્ય સરકારે વ્યક્ત કરી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો