એ દેશ જેનું અર્થતંત્ર એક નદી સુકાવાને કારણે હચમચી ગયું

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, એન્તિયા કાસ્ટેડો
- પદ, બીબીસી મુંડો સંવાદદાતા
કૅપ્ટન રોબર્ટો ગૉન્ઝાલેઝ પાછલાં 25 વર્ષોથી જહાજ ચલાવી રહ્યા છે પરંતુ તેમણે પોતાના જીવનમાં આવો નજારો ક્યારેય નહોતો જોયો. રાત્રે તેમને પરાગ્વે નદી પાસે ‘ટમટમાતી લાલ બત્તીઓ’ દેખાઈ.
તેમણે જહાજમાં રહેલા પોતાના સાથીદારોને આ અંગે ચેતવ્યા કારણ કે તેઓ લંગર નાખવાની તૈયારી કરી રહ્યા હતા. નદીની પાસે ટમટમતી લાલ બત્તીઓ એ મગરની આંખો હતી જે રાત્રિના સમયે પ્રકાશ પડવાને કારણે લાલ રંગની દેખાઈ રહી હતી.
તેમણે બીબીસીને કહ્યું કે, “આ પહેલાં મેં આવું ક્યારેય જોયું નહોતું. પરંતુ હવે તેમના રહેવાનાં ઠેકાણાં સુકાઈ ગયાં છે અને હવે આ પ્રાણીઓ હવે પાણીની બહાર આવી ગયાં છે.”
કૅપ્ટન ગૉન્ઝાલેઝનો ઇશારો હાલ પડેલા ભયંકર દુષ્કાળ તરફ હતો જેનાથી પરાગ્વે નદી ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી.
આઠ મહિનાના દુષ્કાળ બાદ આ નદીના જળસ્તરમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. ઑક્ટોબરના અંત સુધીમાં નદીનું જળસ્તર એટલું બધું ઘટી ગયું હતું કે આટલો ઘટાડો નદીના રેકૉર્ડેડ ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા નથી મળ્યો.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા જારી કરાયેલી સૅટેલાઇટ તસવીરોમાં એ જોવા મળ્યું કે ત્રણ વર્ષ પહેલાંની સરખામણીએ પાટનગર અસુનસિયોનના નજીકથી પસાર થનાર પરાગ્વે નદીની આસપાસનો વિસ્તાર કેટલો બધો સુકાઈ ગયો છે.

આ સમાચાર પરાગ્વે માટે પરેશાન કરનારા હતા. આ નદી આ દેશ માટે કેટલી અગત્યની છે તેનો અંદાજ એ વાત પરથી આવી જાય છે કે દેશ અને નદીનું નામ સમાન છે. આ નદીને આ દેશની લાઇફલાઇન માનવામાં આવે છે.
પરાગ્વેના નૅશનલ ઍડમિનિસ્ટ્રેશન ઑફ નૅવિગેશન ઍન્ડ પોર્ટ્સ (ANPP) અનુસાર 25 ઑક્ટોબરના રોજ અસુનશિયોનમાં નદીનું જળસ્તર સામાન્ય કરતાં 54 સેન્ટિમિટર ઓછું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થોડા વરસાદ બાદ નવ નવેમ્બરના રોજ નદીનું જળસ્તર થોડું સુધર્યુ અને સામાન્ય કરતાં તે માત્ર 14 સેન્ટિમિટર ઓછું હતું.
પરંતુ ANPPના નિદેશક લુઈસ હારા આ સ્થિતિને ચિંતાજનક ગણાવે છે. તેઓ કહે છે કે હાલમાં નદીના જળસ્તરમાં જે વધારો નોંધાયો છે તે સ્થાયી નથી.
સ્થાનિક ટેલિવિઝન ચૅનલ ABCને અપાયેલ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, “જેટલો વરસાદ થયો છે ત્યાર બાદ વર્ષના અંતિમ મહિનામાં નદીમાં કેટલું પાણી રહેશે તેને લઈને અમને કેટલાક ખરાબ આંકડા જોવા મળી રહ્યા છે.”

ઇમેજ સ્રોત, EPA
આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે ચેતવણી આપી કે નદીના જળસ્તરમાં જલદી સુધારો નહીં આવે અને બની શકે છે કે આવતા વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં જ નદીનું જળસ્તર સામાન્ય થઈ જાય અને નદી જાહાજો માટે તૈયાર થઈ શકે.
હારા જણાવે છે કે, “પરંતુ તેનો અર્થ એ નથી કે નદીનું પાણી ફરીથી નહીં ઘટે. અમને વરસાદની તાતી જરૂરિયાત છે.”
પરાગ્વેના હવામાનવિભાગના નિદેશક રાઉલ રોડોસે બીબીસીને કહ્યું કે વર્ષના આ સમયે નદીનું જળસ્તર ઓછામાં ઓછું 2.5 મીટર હોવું જોઈએ.

પરાગ્વેની લાઇફલાઇન – પરાગ્વે નદી
પરાગ્વે ચારે તરફથી જમીનથી ઘેરાયેલો છે. તેની એક તરફ બોલિવિયા અને અર્જેન્ટીના છે. તેમજ બીજી તરફ બ્રાઝીલ અને નીચે ઉરુગ્વે છે.
પાણી માટે દક્ષિણ અમેરિકાનો આ દેશ સંપૂર્ણપણે પરાગ્વે નદી પર જ નિર્ભર છે. આ કારણે જ આ નદીને દેશની લાઇફલાઇફન ગણવામાં આવે છે.
પરાગ્વેના ડેપ્યુટી વાણિજ્યમંત્રી પેદ્રો માનસુલોએ બીબીસીને જણાવ્યું કે, “અમારા માટે પરાગ્વે એ એકમાત્ર સડક છે જે અમને સમુદ્ર સુધી પહોંચાડે છે અને દુષ્કાળને કારણે આ સડક અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહી છે.”

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે કે કેટલાંક સ્થળોએ આ નદી એટલી બધી સુકાઈ ગઈ છે કે તેમાં હવે મોટાં કૉમર્શિયલ જહાજો નથી ચલાવી શકાતાં.
દેશના લોકનિર્માણ અને સંચારમંત્રાલયમાં નિદેશકના પદ પર કામ કરનારા જૉર્જ વેર્ગારા જણાવે છે કે, “જો આ મુશ્કેલ પરિસ્થિતિનો કોઈ ઉપાય ન શોધવામાં આવ્યો તો આ નદીમાં જહાજો ચલાવવાનું કામ અશક્ય બની જશે. અમારા અંદાજ પ્રમાણે લગભગ એક મહિનામાં અમે વિકટ પરિસ્થિતિનો સામનો કરીશું.”
તેઓ કહે છે કે નદીનું પાણી સુકાવાની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડશે.
વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર વર્ષ 2019માં દેશમાં આયાત કરાયેલ સામાન પૈકી 52 ટકા નિકાસ કરાયેલ સામાનના 73 ટકા સામાન નદીના રસ્તે જ લાવવા, લઈ જવામાં આવ્યો છે.
પરાગ્વે વિશ્વના સૌથી મોટા કૃષિ પેદાશના નિકાસકર્તાઓમાં સામેલ છે. આ દેશ મબલખ પ્રમાણમાં સોયાબીનની નિકાસ કરે છે અને તેની પાસે નદી પર ચાલતો વિશ્વનો સૌથી મોટો જહાજી બેડો છે.

વેટલૅંડ્સમાં દુષ્કાળ
પરાગ્વેમાં જળસંકટની સમસ્યા પ્રત્યક્ષપણે હાલમાં પેન્ટાનલમાં થયેલા ઓછા વરસાદ સાથે સંબંધિત છે. પેન્ટાનલ વિશ્વની સૌથી મોટો ઉષ્ણકટિબંધીય વેટલૅડ છે જે બ્રાઝીલ, બોલિવિયા અને પરાગ્વના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે.
વરસાદ દરમિયાન પેન્ટાનલમાં જે પાણી એકત્ર થાય છે તે પરાગ્વે નદીમાં આવે છે. પાછલા કેટલાક મહિનાઓમાં પેન્ટાનલમાં ઓછો વરસાદ પડ્યો અને આ વિસ્તાર જંગલી આગના સકંજામાં આવી ગયો.

ઇમેજ સ્રોત, Reuters
વેટલૅન્ડ્સના વિસ્તારમાં દુષ્કાળ પડવાની વાત કાંઈ નવી નથી પરંતુ એવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે કે આવનારા સમયમાં ક્લાઇમેટ ચૅન્જ અને માણસની પ્રવૃત્તિઓને કારણે તેની તીવ્રતામાં વધારો થઈ શકે છે.
ચિંતાનું એક મોટું કારણે ઍમેઝોનનાં જંગલો કાપણી પણ છે. જેની અસર ઍમેઝોન બેસિનમાંથી થનાર બાષ્પીભવનની પ્રક્રિયા પર પણ પડે છે. અહીં થનારું બાષ્પીભવન દક્ષિણ અમેરિકાના દેશો સુધી પહોંચે છે.
આ વિસ્તાર પર સ્પેશિયલાઇઝેશન કરી ચૂકેલા ભૂગોળશાસ્ત્રી માર્કોસ રોઝાએ બીબીસીને જણાવ્યું કે, “ડર એ વાતનો છે કે ‘ન્યૂ નૉર્મલ’ છે એટલે કે આ હવે નવી વાત છે જે જલદી નહીં બદલાય. વર્ષોથી ચાલી રહેલી માનવપ્રવૃત્તિઓને કારણે વરસાદની સાઇકલમાં ફેરફાર થયો છે, દુષ્કાળ પડી રહ્યો છે અને પેન્ટાનલમાં પ્રાકૃતિક પૂર આવી રહ્યું છે.”
સાથે જ દક્ષિણ અમેરિકાના ક્લાઇમેટમાં એક અલગ પ્રકારનો મોસમી ફેરફાર પણ જોવા મળી રહ્યો છે જેને લા નીના કહે છે. જાણકાર માને છે કે આના કારણે સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે.
લા નીના એક પ્રક્રિયા છે જેમાં ભૂમધ્યરેખાની આસપાસ પ્રશાંત મહાસાગરનું પાણી સમયાંતરે ઠંડું થવા લાગે છે. તેના કારણે વાતાવરણ ઠંડું અને શુષ્ક થવા લાગે છે.

જ્યારે લંગર વગર રોકાઈ ગયાં જહાજ
પરાગ્વે નદીમાં પાણીનું સ્તર ઘટવાને કારણે ઘણાં જહાજોએ કામ શરૂ કરવાનો પોતાનો ઇરાદો બદલીને પોતાનાં લંગર નાખી દીધાં છે. અસુનશિયોનમાં રહેલા મુખ્ય બંદરમાંથી ઘણાં જહાજ હવે પહેલાં કરતાં ઓછો સામાન લઈને નીકળી રહ્યાં છે.
આયાત-નિકાસ જારી રાખવા માટે સરકારે નદીના રસ્તાના સ્થાને સડક માર્ગે સમુદ્ર સુધી પહોંચવાનું સમાધાન શોધ્યું છે. પરંતુ નદીની સરખામણીએ સડક માર્ગે સામાન લાવવા-લઈ જવાનો ખર્છ વધુ છે.

ઇમેજ સ્રોત, Reuters
થોડા સમય પહેલાં એવો પણ સમય આવ્યો જ્યારે જહાજો માટે આગળ વધવાનો કોઈ રસ્તો જ ન રહ્યો.
એક શિપિંગ કંપનીના નિદેશક ગુલેરમો એરેકે જણાવે છે કે ઑક્ટોબરના અંતિમ અઠવાડિયામાં તેમનાં એક ચતુર્થાંશ જહાજોએ લંગર નાખી દેવાં પડ્યાં હતાં. તેમની પાસે કુલ 80 જહાજોનો બેડો છે.
તેઓ કહે છે કે, “અમારાં આઠ જહાજ બોલિવિયામાં ફસાયેલાં હતાં, ત્રણ પરાગ્વના સૅન એન્ટોનિયોમાં અને 12 જહાજ આર્જેન્ટિનાના સૅન લોરેન્ઝોમાં હતાં. તકનીકીપણે તે ફસાયાં નહોતાં પરંતુ પાણી ઓછું હોવાના કારણે તેમને ચલાવવું અસંભવ હતું.”
ગુલેરમો જણાવે છે કે નદીમાં પાણી ઓછું થવાની અસર તેમની કંપનીની આવક પર પણ પડી છે. તેમની કંપનીને દર મહિને લગભગ 40 લાખ ડૉલરનું નુકસાન થયું છે.
સેન્ટર ફૉર રિવર ઍન્ડ મૅરિટાઇમ શિપ ઑનર્સ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર પરાગ્વેના ખાનગી સેક્ટરને આ કારણે 23 કરોડ ડૉલરનું નુકસાન થયું છે.
આ પરિસ્થિતિનો સામનો કરવા માટે નદીની ઊંડાઈ ઘણી જગ્યાએ વધારવાની જરૂરિયાત છે. પરંતુ આ દિશામાં હજુ સુધી કામ શરૂ થઈ શક્યું નથી.
જૉર્જ વેર્ગારા જણાવે છે કે આ કામ માટે પહેલા બજેટ ફાળવાયું હતું પરંતુ કોરોના મહામારીને કારણે સરકારે આ નાણાંનો ઉપયોગ મહામારીનો સામનો કરવા માટે કરવો પડ્યો.
તેમનું અનુમાન છે કે નદીની ઊંડાઈ વધારવાનું કામ આ વર્ષના ડિસેમ્બર માસથી શરૂ થશે. જોકે, તેઓ માને છે કે ત્યાં સુધીનો સમય “અત્યંત જટિલ મુશ્કેલીઓવાળો છે.”

પીવાના પાણીની અછત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પરાગ્વે નદીના સંકટના કારણે માત્ર જહાજ ચલાવવામાં જ નહીં પરંતુ પરાગ્વેના નાગરિકોનાં ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં પણ તકલીફ પડી રહી છે.
આ વર્ષની શરૂઆતમાં સરકારે નદીનું પાણી જળસંકટથી ગ્રસ્ત ચાકો વિસ્તારમાં લાવવાની યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજના અંતર્ગત નદીનું પાણી અસુનશિયોનથી 650 કિલોમિટર દૂર પ્યૂર્ટે કસાડોમાં લોકોનાં ઘર સુધી પહોંચાડાઈ રહ્યું હતું.
પરંતુ નદીના કૅચમેન્ટ એરિયામાં પાણી ન હોવાના કારણે ઑક્ટોબરમાં પાણી નથી પહોંચી રહ્યું. અહીં સુધી કે અસુનશિયોનમાં પાણીનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે.
બીબીસી સાથે થયેલી વાતચીતમાં ડિપ્ટી વાણિજ્યમંત્રી માનસુલોએ વારંવાર ક્લાઇમેટ, પ્રકૃતિ અને અર્થતંત્ર વચ્ચેના સંબંધ પર ભાર આપ્યો.
તેમણે કહ્યું, “આપણે પર્યાવરમ અને વિકાસ વચ્ચે જરૂરી સંતુલન બનાવવાની જરૂરિયાત છે. પ્રકૃતિ આપણને વારંવાર સંકેત આપી રહી છે.”
તેમજ પરાગ્વેના હવામાનવિભાગના નિદેશક રાઉલ રોડોસ જણાવે છે કે દુષ્કાળની નદી પર થઈ રહેલી અસરને સમજવા માટે ક્લાઇમેટ ચૅન્જની સંભવિત અસર વિશે સંશોધન કરવાની જરૂરિયાત છે.
તેઓ કહે છે કે, “આપણે એ વાતનું વિશ્લેષણ કરવાનું રહેશે કે શું દુષ્કાળ વારંવાર પડી રહ્યો છે અને જો આ વાત સાબિત થાય તો શું તેની ઝડપમાં વધારો થયો છે. આપણને એટલી તો ખબર છે કે હવે પૂર વારંવાર આવવાં લાગ્યાં છે.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2












