ગુજરાતમાં કોરોનાની બીજી લહેર, દર્દીઓને ઓક્સિજન બેડ કેમ નથી મળી રહ્યા?

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં હાલના સમયમાં કોરોના વાઇરસથી પરિસ્થિતિ ગંભીર થતી જણાઈ રહી છે, હૉસ્પિટલો અને સ્મશાનોમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસ અને મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
જોકે કોવિડથી થતાં મૃત્યુના આંક અંગે મોટા ભાગના લોકોનું માનવું છે કે લોકોને પડતી શ્વાસની તકલીફ મુખ્ય છે અને શ્વાસની તકલીફમાં સૌથી મહત્ત્વનું છે. ઓક્સિજન અને હૉસ્પિટલ્સમાં એવા ખાટલા કે જ્યાં દર્દીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપી શકાય.
બીબીસી ગુજરાતીના આ સંવાદદાતાના એક મિત્રનાં માતાની તબિયત ખરાબ થતા તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં 1200 બેડની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
બીજે જ દિવસે તેમને શ્વાસની તકલીફ વધી ગઈ અને ઓક્સિજનવાળા ICUમાં દાખલ કરવાની જરૂર પડી.
સિવિલ હૉસ્પિટલના સ્ટાફે સગાને કહી દીધું કે અમારી પાસે ICUમાં જગ્યા નથી, તમે એમને કોઈ પ્રાઇવેટ હૉસ્પિટલના ICUમાં લઈ જાઓ.
તે મિત્રનો જ્યારે મારા ઉપર ફોન આવ્યો તો મેં અમદાવાદની પાંચ જેટલી અલગ-અલગ નાનીમોટી હૉસ્પિટલ્સમાં ફોન કરીને ઓક્સિજનવાળા ICU બેડ વિશે તપાસ કરી તો દરેક સ્થળેથી એક જ જવાબ હતો - ના. ઓક્સિજન બેડ નથી.
તે મિત્રે પણ અનેક દવાખાનાઓમાં રૂબરૂ મુલાકાતો લીધી અને ઓક્સિજન બેડ માટે બુકિંગ કરવા, પહેલાંથી ઍડ્વાન્સ પૈસા આપવા સુધીની વાત કરી પણ તેમને બેડ ન મળ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં ગુજરાતમાં અનેક લોકો છે, જેઓ ઓક્સિજન વિના અને ઓક્સિજન બેડ માટે વલખાં મારી રહ્યા છે. આવાં અનેક ઉદાહરણો છે, અનેક મીડિયામાં પણ અહેવાલો આવી રહ્યા છે કે કેવી રીતે ગુજરાતમાં ઓક્સિજન બેડની કમી વર્તાઈ રહી છે.

ઉપલબ્ધ બેડમાંથી ઓક્સિજનવાળા કેટલા?

ઇમેજ સ્રોત, Getty Images
જો સરકારની જાહેરાતો અને કામગીરીની વાત કરવામાં આવે, તો આ બીજી લહેર પછી સરકારે અનેક જાહેરાતો કરી, જેમાં ખાટલાઓ વધારવા, 70 ટકા ઓક્સિજન મેડિકલ માટે રિઝર્વ રાખવું, મેડિકલ સ્ટાફ વધારવો, ટેસ્ટિંગ વધારવા વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારના ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ ખૂબ સારી છે અને સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.
તેમણે કહ્યું હતું કે સરકારે હાલમાં રાજ્યમાં 71,021 જેટલા ખાટલા ઉપલબ્ધ છે, જોકે તેમણે મુખ્ય ન્યાયાધીશને એ નહોતું કહ્યું કે આ 71,021માંથી ઓક્સિજન બેડ કેટલા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હાલમાં ગુજરાતમાં 70,000થી વધુ ખાટલા ઉપલબ્ધ છે. જોકે તેમણે પણ આવી કોઈ સ્પષ્ટતા નહોતી કરી કે તેમાંથી ઓક્સિજન બેડ કેટલા છે.
બીબીસી ગુજરાતીએ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની હાલમાં કરેલી પ્રેસ કૉન્ફરન્સ અને સોશિયલ મીડિયા કાર્ડ્સ પર એક નજર નાખી.

ઇમેજ સ્રોત, Twitter/@vijayrupanibjp
આ જાહેરાતોમાં બેડ વધારવાની વાત છે, પરંતુ કોઈ જગ્યાએ આ બન્ને ટોચના નેતાઓએ રાજ્યમાં ઓક્સિજન બેડ કેટલા છે, તેની સ્પષ્ટતા નથી કરી.
તેમની જાહેરાતોમાં રેમડિસિવિયર ઇન્જેક્શન લોકોને મળી રહેશે, ખાટલા વધારવામાં આવી રહ્યાં છે તેની વાત છે પણ ક્યાંય તેઓ સ્પષ્ટ રીતે ઓક્સિજન બેડની વાત નથી કરતા.

રાજ્યમાં ઓક્સિજનની માગ વધી રહી છે

પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ થકી કોવિડ માટે કરેલી કામગીરીની વાત કરતાં 12મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે. નવેમ્બર મહિનામાં જ્યાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ 250 ટન હતી તે વધીને અત્યારે 600 ટન થઈ ચૂકી છે.
તેમણે કહ્યું હતું કે આ ડિમાન્ડ એમ ને એમ ન વધે, આ માટે સરકારે કામ કર્યું છે, સરકારે ઓક્સિજન બેડ વધાર્યા છે, એટલા માટે આ ડિમાન્ડ વધી છે.
જોકે અહીં પણ તેમણે એવી કોઈ સ્પષ્ટતા નહોતી કરી કે રાજ્યમાં હાલમાં ઓક્સિજન બેડની સ્થિતિ શું છે, કેટલા બેડ છે, તેમાંથી કેટલા ભરાયા છે વગેરે વગેરે.
ગુજરાતમાં ઓક્સિજન બેડ કેટલા છે, અને બેડની અત્યાર સુધીમાં શું પરિસ્થિતિ છે. તેવા સામાન્ય સવાલો બીબીસી ગુજરાતીએ રાજ્યનાં સ્વાસ્થ્ય વિભાગના મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પૂછ્યા.
અધિક મુખ્ય સચિવ જયંતી રવિ અને હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરે તરફથી આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધીમાં બીબીસી ગુજરાતીને કોઈ જવાબ મળ્યા નથી.
જોકે આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે વાત થતાં તેમણે કહ્યું કે ઓક્સિજન બેડનો કોઈ એક આંકડો ન હોય, તેની સંખ્યા ઉપર-નીચે થતી રહે છે.
જ્યારે બીબીસી ગુજરાતીએ તેમને પૂછ્યું કે ઓક્સિજન બેડમાં છેલ્લા અમુક દિવસોમાં કેટલા ટકાનો વધારો થયો છે, તો તેનો પણ તેમણે કોઈ ચોક્કસ જવાબ આપ્યો નહોતો.

કેમ જરૂર પડી રહી છે ઓક્સિજન બેડની?

ઇમેજ સ્રોત, AFP
કોવિડ-19ની બીમારી દર્દીના શ્વાસ લેવાના માર્ગે ફેફસાં પર સીધી અસર કરે છે.
કોવિડનું સ્વરૂપ જ્યારે ગંભીર થઈ જાય ત્યારે દર્દીના શરીરમાં ઓક્સિજનની કમી સર્જાય છે, કારણકે કોવિડને કારણે ખરાબ થઈ ચૂકેલાં ફેફસાં પૂરતા પ્રમાણમાં શરીરને ઓક્સિજન નથી પહોંચાડી શકતા.
તેવામાં દર્દીને બહારથી ઓક્સિજન આપવાની જરૂર પડે છે, અને તેટલા માટે જ ઓક્સિજન બેડની જરૂરિયાત ઊભી થાય છે.
સામાન્ય રીતે લોકો ઘરે પણ ઓક્સિજન કિટ મેળવીને દર્દીને ઓક્સિજન આપી શકે છે, પરંતુ ઘણા દર્દીઓને હૉસ્પિટલ સુધી જવું પડે છે.
રાજ્ય સરકારે હજી સુધી તેવા કોઈ આંકડા જાહેર કર્યા નથી, જેનાથી કહી શકાય કે આવા ગંભીર દર્દીઓને સરકાર તરફથી કેટલી મદદ મળશે કે મળી રહી છે.

અમદાવાદનાં દવાખાનાંમાં ઓક્સિજનની શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એકથી વધુ વખત કહ્યું છે કે ગુજરાતની જનતાને કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી અને લોકોને ઓક્સિજન મળતું રહે તે માટે સરકારે તમામ પ્રયત્નો કર્યા છે.
તેવામાં અમદાવાદ મેડિકલ ઍસોસિયેશને એક પત્ર લખીને કહ્યું છે કે અમદાવાદ શહેરમાં ઓક્સિજનની ખૂબ તંગી છે, હાલમાં અનેક લોકોનાં મૃત્યુ ઓક્સિજનની કમીને કારણે થઈ રહ્યાં છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવી સાથે વાત કરી.
તેમણે કહ્યું કે "હાલમાં અમદાવાદમાં મેડિકલ ઓક્સિજનની ખૂબ તંગી સર્જાઈ છે. છેલ્લા અમુક દિવસોથી અમદાવાદમાં ઓક્સિજનની માગ, ખાસ તો નાની કોવિડ હૉસ્પિટલ્સમાં વધી ગઈ છે."
"આ સિવાય જે ઍમ્બ્યુલન્સ હૉસ્પિટલ્સની બહાર કલાકો સુધી ઊભી રહે છે, તેમાં પણ ઓક્સિજન ખૂટી પડે છે, અને તેમાં પણ વપરાશ વધી રહ્યો છે."
"આવામાં અમે સરકારને રજૂઆત કરી છે કે શહેરમાં જેટલો ઓક્સિજન ઉપલબ્ધ હોય તે તમામ ઓક્સિજન માત્ર મેડિકલના ઉપયોગ માટે આપવો જોઈએ."
ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે કુલ ઉત્પાદનનું 70 ટકા ઉત્પાદન મેડિકલ માટે અનામત રાખવામાંઆવી રહ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













