અમદાવાદમાં કોરોના વધ્યો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર રમાશે ટી20 મૅચ, અનેક વિસ્તારોમાં મૉલ અને રેસ્ટોરાં પણ રાત્રે બંધ રહેશે

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝમાં બે મૅચ રમાઈ છે અને ત્રણ મૅચ 16, 18 અને 20 માર્ચના રોજ રમાશે.
પરતું કોરોના વાઇરસના કેસો ગુજરાતમાં વધી રહ્યા છે ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી છે કે બાકીના મૅચોમાં પ્રક્ષકો નહીં હોય.
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે "કોરોના કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે જીસીએ બીસીસીઆઈ સાથે પરામર્શ કરીને નિર્ણય લીધો છે કે મૅચો બંધ દરવાજે રમવાડવામાં આવશે અને ટી -20 આંતરરાષ્ટ્રીય મૅચ દરમિયાન ગ્રાઉન્ડમાં દર્શકોને આવવા નહીં દેવાય."
ગુજરાત ક્રિકેટ એસોસિએશને જણાવ્યું કે "જેમણે આ ત્રણ ટી-20 ની ટિકિટ પહેલેથી જ ખરીદી લીધી છે તેમને પૈસા પાછા આપવાની અમે નીતિ બનાવીશું. જેમને પ્રશંસાત્મક ટિકિટ મળી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા વિનંતી છે."

અમદાવાદ : કોરોના વધતાં ક્યાં રાત્રે દસ વાગ્યા પછી બંધ રહેશે મૉલ, શોરૂમ અને રેસ્ટરાં?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં સતત કોરોના સંક્રમણ વધતાં કેટલાક વિસ્તારોમાં રાત્રે દસ વાગ્યા પછી ધંધાકીય એકમોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
શહેરના આઠ વૉર્ડમાં કોરોના સંક્રમણના કેસ વધતાં રેસ્ટોરાં, મૉલ, શોરૂમ, ટી-સ્ટૉલ, ફરસાણની દુકાનો તેમજ અન્ય દુકાનોને રાત્રે 10 વાગ્યા પછી બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિમ, ક્લબ, હૅયર સલૂન અને સ્પા વગેરે બંધ રાખવાનું સૂચન કરાયું છે. જે આઠ વિસ્તાર માટે નિષેધાત્મક આદેશ આપવામાં આવ્યા છે, તેમાં જોધપુર ચાર રસ્તા, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરના ખાડિયા વિસ્તારમાં ભરાતી રાત્રીબજાર, માણેકચોક અને રાયપુર દરવાજા પાસે આવેલી ખાણીપીણીની બજારને પણ રાત્રે 10 વાગ્યા પછી બંધ રાખવાના આદેશ આપ્યાં છે.

મુકેશ અંબાણીના ઘર બહારથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી કારના કેસમાં API સચીન વાઝે સસ્પેન્ડ

અમુક દિવસો પહેલાં મુંબઈના પોશ વિસ્તાર પેડર રોડ પર સ્થિત ભારતના ખ્યાતનામ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા સામેથી જિલેટિન (વિસ્ફોટક પદાર્થ) સ્ટિક ધરાવતી સ્કૉર્પિયો કાર મળી આવતા
મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી કારના કેસમાં મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન વાઝેને ફરજમોકૂફ કરી દેવાયા છે.
સમાચાર એજન્સી ANI દ્વારા મળતી માહિતી અનુસાર, "એડિશનલ કમિશનર ઑફ પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચના હુકમથી પોલીસ અધિકારી સચીન વાઝેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નોંધનીય છે કે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચમાં આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પદ પર રહેલા સચીન વાઝે પર મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી કારના મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સીએ (NIA) શનિવારે ધરપકડ કરી હતી.
મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી સ્કૉર્પિયો કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ પણ ઠાણે પાસેથી મળી આવ્યો હતો. આ મામલે થયેલી ફરિયાદમાં પણ સચીન વાઝેની ભૂમિકા હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
નોંધનીય છે કે રવિવારે NIAની સ્પેશિયલ કોર્ટે સચીન વાઝેને 25 માર્ચ સુધી NIAની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. સચીન વાઝેને અગાઉ પણ 16 વર્ષ સુધી સસ્પેન્ડ થવાને કારણે પોલીસ બેડામાંથી બહાર રહેવું પડ્યું હતું. મુંબઈ પોલીસમાં સચીન વાઝેની ઓળખ એક 'એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' તરીકેની છે.

બૅન્કોની હડતાલ : આજથી ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓનો બંધ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારના બે જાહેરક્ષેત્રની બૅંકોનું ખાનગીકરણ કરવાના નિર્ણયના વિરોધમાં દેશની વિવિધ સરકારી બૅંકોના કર્મચારીઓ 15 અને 16 માર્ચે હડતાલ યોજશે.
નોંધનીય છે કે બૅંકો બીજા શનિવાર અને રવિવારના કારણે બે દિવસ અગાઉ બંધ રહી હતી. આમ હડતાલને પગલે સળંગ ચાર દિવસ સુધી સરકારી બૅંકોના ગ્રાહકો પોતાની બૅંકોની પ્રત્યક્ષ સેવાનો લાભ લઈ નહીં શકે.
ઇન્ડિયન એક્સેપ્રેસ ડોટકૉમના અહેવાલ પ્રમાણે આ હડતાલના દિવસો અને રજાઓ એકસાથે આવવાને કારણે બૅંકની શાખાઓમાં જઈને નાણાંની લેવડદેવડ, લોન મંજૂરી અને ચેક ક્લીયરન્સની પ્રક્રિયા પર વિપરીત અસર પડશે.
જોકે, ATMની સુવિધા પર આ હડતાલની કોઈ અસર નહીં પડે તેવું કહેવાઈ રહ્યું છે.
નવ બૅંક યુનિયનોની અમ્બ્રેલા બૉડી યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી દ્વારા બે સરકારી બૅંકોના ખાનગીકરણની કરાયેલી જાહેરાત સામે આ હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે અગાઉથી જ કેન્દ્ર સરકાર જાહેરક્ષેત્રની બૅંક IDBI બૅંકના ખાનગીકરણની જાહેરાત કરી ચૂકી છે. સરકાર પોતાની ડિસઇન્વેસ્ટમેન્ટ ડ્રાઇવ અંતર્ગત આ ખાનગીકરણના નિર્ણય લઈ રહી હોવાનું મનાઈ રહ્યુ છે.

ગુજરાતમાં કોરોનાનો ફરી કેર, 810 નવા દર્દી મળી આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડોટકૉમના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં રવિવાર કોરોનાના નવા 810 દર્દીઓ મળી આવ્યા હતા.
જ્યારે 586 દર્દીઓ કોરોનાની માંદગીમાંથી બેઠા થયા હતા. તેમજ કોરોનાના કારણે બે લોકોનાં મૃત્યુ નીપજવાના સમાચાર પણ મળ્યા હતા.
નવા 810 કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,78,207 હતી. જ્યારે અત્યાર સુધી કોરોનાની માંદગીમાંથી કુલ 2,69,361 લોકો બેઠા થઈ ચૂક્યા હતા.જે કુલ કેસના 96.82 ટકા હતા. રાજ્યમાં હાલ કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા 4,422 હતી. જે પૈકી 54 લોકો વૅન્ટિલેટર પર હતા.
એક અધિકારીએ અખબારને જણાવ્યું કે, “કોરોનાના કારણે જે બે લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે તે પૈકી એક અમદાવાદ અને એક ખેડાની વ્યક્તિ હતી."
"રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 241, અમદાવાદમાં 165, વડોદરામાં 117, રાજકોટમાં 70, ભાવનગરમાં 29, મહેસાણામાં 18 ખેડા અને પંચમહાલ બંનેમાં 17-17, ગાંધીનગરમાં 16, આણંદ અને મોરબી બંનેમાં 13-13 નવા કેસ મળી આવ્યા છે.”
આરોગ્યવિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર રવિવારે રાજ્યમાં કુલ 57,914 લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવામાં આવી હતી.

મમતા બેનરજી પર હુમલો : ચૂંટણીપંચની સુરક્ષા માટે જવાબદાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ભારતના ચૂંટણીપંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં નંદિગ્રામ ખાતે રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પર થયેલા કથિત હુમલા મામલે તેમની સુરક્ષા માટે જવાબદાર બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ફરજમોકૂફ કર્યા છે.
ચૂંટણીપંચે પોતાના નિવેદનમાં કહ્યું કે, “વિવેક સહાય જેઓ ડાયરેક્ટર સિક્યૉરિટી પોસ્ટ પર તહેનાત હતા તેમને તાત્કાલિક ધોરણે ફરજમોકૂફ કરવામાં આવે."
"તેમની સામે એક અઠવાડિયામાં પોતાની પ્રાથમિક ફરજ બજાવવામાં નિષ્ફળ થવા અંગેના આરોપો નક્કી કરવામાં આવે.”
આ સિવાય ચૂંટણીપંચ પૂર્બા મેદિનીપુરના એસ. પી. પ્રવીણ પ્રકાશને પણ ફરજમોકૂફ કરી તેમની સામે બંદોબસ્ત અંગેની તેમની ફરજમાં ચૂક કર્યાના આરોપો નક્કી કરવામાં આવે, તેવી સૂચના આપી હતી.
ચૂંટણીપંચના નિવેદનમાં પૂર્બા મેદિનીપુરના એસ. પી. તરીકે સુનિલ કુમાર યાદવને મૂકવાનું જણાવાયું છે.
નોંધનીય છે કે મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે નંદિગ્રામ ખાતે પોતાના ચૂંટણીપ્રચાર સમયે તેમના પર ચાર-પાંચ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેમના પર હુમલો થયો ત્યારે સ્થળ પર કોઈ પોલીસ અધિકારી હાજર નહોતા.

અંબાણીનો કવચની જેમ ઉપયોગ કરાઈ રહ્યો છે? : શિવસેના MP સંજય રાઉત

ઇમેજ સ્રોત, Getty Images
શિવસેનાના નેતા સંજય રાઉતે તાજેતરમાં જ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં પોતાના વિચારો રજૂ કરતાં લખ્યું હતું કે તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓને કારણે મહારાષ્ટ્રના ‘ગૌરવ’ પર વિપરીત અસર પડી છે.
તેમણે તાજેતરમાં બનેલી ઘટનાઓ જેમ કે પૂજા ચવાણની આત્મહત્યા, સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા, બિઝનેસમૅન મનસુખ હિરેનની હત્યા અને અંતે પોલીસ અધિકારી સચીન વાઝેની ધરપકડના સંદર્ભમાં આ વાત કહી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના અહેવાલ અનુસાર શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે આ વાત પાર્ટીના મુખપત્ર ‘સામના’માં, ‘શું કોઈ અંબાણીનો કવચની માફક ઉપયોગ કરી રહ્યો છે?’, એવા મથાણા હેઠળ લખી હતી.
તેમનો ઇશારો એ તરફ હતો કે આ તમામ કાર્યવાહી રાજ્ય સરકારને બદનામ કરવા માટે થઈ રહી છે.
નોંધનીય છે કે રવિવારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પણ તેમણે બિઝનેસમૅન મનસુખ હિરેનની હત્યા અને અંબાણીના ઘરની બહાર મળી આવેલ વિસ્ફોટકભરેલી કારની તપાસ નૅશનલ તપાસ એજન્સીએ પોતાના હાથમાં લીધી, તે કાર્યવાહીની ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે, “આવાં પગલાંના કારણે મુંબઈ પોલીસનુ મનોબળ તૂટી શકે છે અને મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતાનું વાતાવરણ સર્જાઈ શકે છે.’
રાઉતે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, “મુંબઈ પોલીસ પ્રોફેશનલ અને સક્ષમ છે. તેમના પર કોઈ દબાવી ન શકે.”
આ સાથે જ તેમણે પોલીસ અધિકારી સચીન વાઝેને પણ પ્રામાણિક ગણાવ્યા હતા.

ભાદર ડેમના 29 દરવાજા બદલવાની કામગીરી પૂરી કરાશે
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના એક અહેવાલ અનુસાર સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ડૅમ ભાદરના ત્રણ દરવાજા, વર્ષ 2015ના પૂરમાં નુકસાનગ્રસ્ત થયા હતા, તેની સાથે ડૅમના કુલ 29 દરવાજા બદલવાની કામગીરી રાજ્યના સિંચાઈ વિભાગે શરૂ કરી દીધી છે, જે એપ્રિલ માસના અંત સુધીમાં પૂરી કરી લેવાશે.
સિંચાઈ વિભાગના રાજકોટ ઇરિગેશન પ્રોજેક્ટ સર્કલ(RIPC)ના ઇજનેરોએ આ વિશે કીધું કે, “ડૅમના તમામ ફ્લડગૅટ બદલવાની કામગીરી જાન્યુઆરી માસમાં શરૂ થઈ હતી, જે આવતા મહિનાના અંત સુધીમાં પૂરી થઈ જશે.”
RIPCના ઍક્ઝિક્યુટિવ ઇજનેર શૈલેષ પટેલે કહ્યું કે, “અત્યારની પરિસ્થિતિ પ્રમાણે 14 ફ્લડગેટ તો અત્યાર સુધી બદલી પણ દેવાયા છે. અમારું લક્ષ્ય છે કે અમે આ કામ માર્ચ માસના અંત સુધીમાં પૂરું કરી દઈએ.”
પટેલે આગળ જણાવ્યું હતું કે, “ગુજરાત ઇંજિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI), વડોદરા દ્વારા તાજેતરમાં કરાયેલ ઇન્સ્પેક્શનમાં ભલામણ કરવામાં આવી હતી કે ફ્લડગેટ બદલવા જોઈએ. કંઈક આવી જ ભલામણ ડૅમ સેફ્ટી ઑર્ગેનાઇઝેશન ઑફ સેન્ટ્રલ વૉટર કમિશને પણ કરી હતી.”
રાજકોટના ગોંડલ તાલુકાના લીલાખા ગામે આવેલ ભાદર ડૅમની કુલ સંગ્રહક્ષમતા 184.14 મિલિયન ક્યુબિક મીટર છે. શેત્રુંજી ડૅમ બાદ આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડૅમ છે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













