પાકિસ્તાન : 12 વર્ષની બાળકીને પરાણે મુસ્લિમ બનાવી લગ્ન કરવાની કહાણી

પાકિસ્તાનની ઇસાઇ કિશોરી ફરાહના અપહરણની કહાણી

ઇમેજ સ્રોત, AID TO CHURCH IN NEED

    • લેેખક, માઇક થૉમસન
    • પદ, બીબીસી ન્યૂઝ

પાકિસ્તાનનાં 12 વર્ષનાં ઇસાઈઇકિશોરી ફરાહનું કહેવું છે કે ગયા વર્ષે ઉનાળામાં તેમનું ઘરેથી અપહરણ કરાયું અને બળજબરીપૂર્વક મુસલમાન બનાવીને અપહરણકાર સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતાં.

પાકિસ્તાનમાં રહેતાં હજારો ઇસાઇ, હિંદુ અને શીખ મહિલાઓને આવી સ્થિતિનો સામનો કરવો પડે છે.

25 જૂને ફરાહ ફૈસલાબાદના તેમના ઘરમાં તેમના દાદા સાથે હતાં, ઘરમાં તેમના ત્રણ ભાઈ અને બે બહેનો હતાં. એ વખતે જ દરવાજે ટકોરા પડ્યા.

ફરાહને યાદ છે કે તેમના દાદા દરવાજો ખોલવા માટે ગયા હતા અને ત્રણ લોકો તેમને બળજબરીપૂર્વક ઉઠાવીને વૅનમાં લઈ ગયા હતા.

આ ઘટના વસતીની દૃષ્ટિએ પાકિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર ફૈસલાબાદમાં ઘટી હતી.

એ વખતે ફરાહના પિતા આસિફ કામે ગયા હતા.

આસિફ યાદ કરે છે, "એ લોકોએ ધમકી આપી હતી કે જો અમે તેને પરત મેળવવાની કોશિશ કરી તો અંજામ સારો નહીં હોય."

આસિફ નજીકના પોલીસસ્ટેશને ગયા અને આ ગુના અંગે જાણ કરી દીધી. તેમને એક અપહરકર્તાનું નામ પણ આપ્યું હતું, જેની ઓળખ ફરાહના દાદાએ આપી હતી.

આસિફનું કહેવું છે કે એ વખતે પોલીસ અધિકારીઓએ તેમના કેસમાં કોઈ રસ ન દાખવ્યો, "તેઓ બિલકુલ સહયોગ નહોતા કરતા. તેમણે કેસ દાખલ કરવાનો ઇનકાર કરી દીધો. મને ધક્કો માર્યો અને ગાળો દીધી."

ફરાહ

ઘટનાના ત્રણ મહિના બાદ અનેક ફરિયાદોના પરિણામે પોલીસે ફરિયાદ તો નોંધી પણ કાર્યવાહી ન કરી.

આ દરમિયાન 12 વર્ષનાં ફરાહને 110 કિલોમિટર દૂર હાફિઝાબાદ લઈ જવામાં આવ્યાં, ત્યાં તેમને એક ઘરમાં બાંધીને રાખવામાં આવ્યાં અને તેમની સાથે રેપ કરવામાં આવ્યો.

તેઓ કહે છે કે તેમને એક ગુલામની જેમ રાખવામાં આવ્યાં હતાં, "મને બાંધીને રાખવામાં આવી હતી. મારી પાસે ઘર સાફ કરાવતા હતા અને જાનવરોનું પણ ધ્યાન રખાવાતું હતું."

ફરાહ યાદ કરતાં કહે છે, "તેમણે મારા પગમાં સાંકળ બાંધી દીધી હતી અને મને દોરડાથી બાંધી હતી. મેં અનેક વાર દોરડા અને સાંકળ ખોળવાના પ્રયાસ કર્યા પણ હું નાકામ રહી. હું રાત્રે ઇશ્વરને મદદ માટે આજીજી કરતી રહેતી."

પાકિસ્તાનની અંતિમ વસતીગણતરી પ્રમાણે દેશમાં અંદાજે વીસ લાખ ઈસાઈ રહે છે, જેઓ કુલ વસતીના એક ટકા જેટલા છે.

માનવાધિકાર સંગઠનો પ્રમાણે પાકિસ્તાનમાં દર વર્ષે અંદાજે એક હજાર હિંદુ, ઇસાઇ અને શીખ મહિલાઓનાં અપહરણ થાય છે. જેમાંથી અનેકને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં મનાય છે કે છોકરો અને છોકરી 16 વર્ષથી ઓછી વયના હોય અને મુસલમાન હોય તો શરિયા કાનૂન અંતર્ગત તેમનાં લગ્ન શક્ય છે.

ફરાહના કેસમાં પણ આવું જ થયું, તેમને ઇસ્લામ અપનાવવા માટે મજબૂર કરવામાં આવ્યાં અને પછી અપહરણકર્તા સાથે લગ્ન કરાવી દેવાયાં.

નેશનલ કાઉન્સિલ ઑફ ચર્ચીસ ઇન પાકિસ્તાનના પ્રમાણે દેશમાં ઇસાઇ છોકરીઓનાં અપહરણના કેસ વધી રહ્યા છે.

બિશપ વિક્ટર અઝારિયાનું કહેવું છે, "સેંકડો છોકરીઓના અપહરણ કરવામાં આવે છે. ઘણા લોકો આવા ગુના કરે છે પણ તંત્ર તેમની પર કોઈ કાર્યવાહી કરતું નથી."

ફરાહના પિતા તેમને લઈને બહુ જ ચિંતિત હતા, તેમણે આખરે સ્થાનિક ચર્ચ પાસે મદદ માગી, જ્યાંથી તેમને કાનૂની મદદ ઉપલબ્ધ કરાવાઈ હતી.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આખરે પોલીસે કાર્યવાહી કરી, જેની માટે ચર્ચે પાંચ મહિના સુધી પ્રયાસો કર્યા હતા.

ફરાહ જણાવે છે કે "ચાર પોલીસકર્મીઓ અપહરણકર્તાના ઘરે આવ્યા હતા. તેમણે જણાવ્યું કે અદાલતે આદેશ આપ્યો છે કે હું તેમની સાથે પોલીસસ્ટેશન જઉં."

5 ડિસેમ્બરે તેમનો કેસ ફૈસલાબાદની જિલ્લા અદાલત સામે આવ્યો, જે બાદ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને મહિલા આશ્રય કેન્દ્ર પહોંચાળવામાં આવ્યા.

જોકે તેમની માટે હજી એક ખરાબ સમાચાર હતા.

પરિવાર અદાલતના અંતિમ ફેંસલાની રાહ જોતો હતો ત્યારે પોલીસે જણાવ્યું કે ફરાહે લગ્ન અને ધર્મપરિવર્તન સ્વીકારી લીધાં છે.

ફરાહે 23 જાન્યુઆરીએ અદાલત સમક્ષ આ જ નિવેદન આપ્યું. જોકે અદાલતને શંકા ગઈ કે તેમની પર નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું છે.

ફરાહનું કહેવું છે કે તેમને નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતાં.

"મેં એવું કહ્યું હતું કેમકે અપહરકર્તાઓ કહેતા હતા કે તેઓ પહેલાં મને મારશે અને પછી મારા પિતાને મારી નાખશે. એ પછી મારાં ભાઈ-બહેનોની હત્યા કરી દેશે."

"તેમણે મારા આખા પરિવારને મારી દેવાની ધમકી આપી હતી. હું ડરી ગઈ હતી એટલે મેં અદાલતમાં એ જ કહ્યું જે એણે મને કહ્યું હતું."

ફરાહના અપહરણના 8 મહિના બાદ 16 ફેબ્રુઆરીએ અદાલતે કહ્યું કે તેમનાં લગ્નની યોગ્ય રીતે નોંધ થઈ નથી અને એટલે તે ગેરકાયદેસર છે.

કાનૂની દાવપેચોએ ફરાહને બચાવી લીધાં અને તેઓ ફરી તેમના પરિવારને મળી શક્યાં હતાં.

અપહરણ કરાયેલાં મહિલાઓ માટે પરિવાર પાસે પરત ગયા બાદ પણ મુશ્કેલીઓનો અંત આવતો નથી.

કેટલાક કેસમાં ફરી અપહરણ કરવામાં આવે છે અને પરિવાર પર હુમલો કરવાની ધમકી આપવામાં આવે છે, આ શોષણ અને માનસિક ત્રાસ ચાલતા રહે છે.

14 વર્ષનાં ઇસાઇ છોકરી મારિયા શાહબાઝના કેસમાં આવું જ થયું હતું. તેઓ અપહરણ બાદ ભાગી નીકળવામાં સફળ થયાં હતાં.

જોકે એ બાદ તેમના પરિવારને જીવથી મારી નાખવાની ધમકી મળી રહી છે અને તેઓ છુપાઈને રહે છે.

મારિયાની મદદ માટે તાજેતરમાં જ બ્રિટનમાં ચલાવાયેલા એક અભિયાન અંતર્ગત 12 હજારથી વધારે લોકોએ સહી કરી હતી અને તેમની અરજીને સંસદ સમક્ષ રાખવામાં આવી છે.

આ પિટિશન એક રહાત સમૂહ એઇડ ટૂ ચર્ચ ઇન નીડ દ્વારા કરાઈ છે.

બહેનને ગળે મળતાં ફરાહ

આની પર ત્રીસ બ્રિટનના સાંસદ, પાદરી અને મુખ્ય લોકોએ સહી કરી છે. પિટિશનમાં મારિયાને બ્રિટનમાં શરણ આપવાની માગ કરાઈ છે.

એઇડ ટૂ ચર્ચ ઇન નીડના પ્રવક્તા જૉન પૉન્ટિફેક્સ કહે છે કે પાકિસ્તાનમાં અપહૃતા ઇસાઇ છોકરીઓ અને તેમના પરિવારોની સ્થિતિ મુશ્કેલ થઈ ગઈ છે.

તેઓ કહે છે, "પરિવારને મળતી ધમકીઓના લીધે અપહૃતા બાળકીઓને પીડા વધી જાય છે. અપહરણકર્તાઓના ચુંગલમાંથી છૂટ્યા બાદ પણ તેમની મુશ્કેલ ઘટતી નથી. મારિયા જેવી અનેક બાળકીઓ માટે બ્રિટનમાં શરણ મળે એ સુરક્ષાની એકમાત્ર આશા છે."

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારે દેશના લઘુમતિ સમુદાયની છોકરીઓનાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરવાના કેસમાં તપાસના આદેશ આપ્યા છે.

ધાર્મિક સદ્ભાવ માટે તેમના વિશેષ પ્રતિનિધિ તાહિર મહમૂદ અશરફીએ તાજેતરમાં જ કહ્યું હતું, 'બળજબરીથી વિવાહ, બળજબરીથી ધર્મપરિવર્તન અને ઓછી ઉંમરની બાળકીઓના અપહરણના કેસોને હવે સાંખી નહીં લેવાય.'

જોકે આસિફના પોલીસ સાથે થયેલા અનુભવ જણાવે છે કે હજી પાકિસ્તાને આ દિશામાં લાંબો રસ્તો કાપવાનો છે.

આસિફ કહે છે કે તેઓ તેમની દીકરીનું અપહરણ કરનાર ત્રણેયને સજા અપાવીને રહેશે.

ફરાહ હવે તેર વર્ષનાં છે અને તેમના ઘરે પરત આવીને ખુશ છે. તેઓ શોષણભર્યા એ વખતમાંથી ઊગરવાની કોશિશ કરી રહ્યાં છે. તેઓ મનોવૈજ્ઞાનિકની મદદ પણ લઈ રહ્યાં છે.

તેમને વિશ્વાસ છે કે સરકાર તેમના જેવી કિશોરીઓની જિંદગી બચાવવા માટે જરૂરી પગલાં ઉઠાવશે.

'હું દુઆ કરું છું કે ઈશ્વર પાકિસ્તાનનાં બાળકોની રક્ષા કરે, તેઓ તમામ બાળકોને તેમની નિગરાનીમાં રાખે.'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો