You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ ટેસ્ટ : ઇંગ્લૅન્ડની અડધી ટીમને બે વખત પેવેલિયન ભેગી કરી દેનારા ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ કોણ છે?
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
અક્ષર પટેલ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શૃંખલામાં પ્રભાવક પરફૉર્મ કરી રહ્યા છે. તેમણે બીજી અને ત્રીજી ટેસ્ટમાં બંને વખત 5-5 વિકેટો લીધી છે. વળી ત્રીજી ટેસ્ટમાં તો બંને ઇનિંગમાં તેમણે તરખાટ મચાવ્યો છે. ત્યારે તેમની ક્રિકેટ સફર વિશે જાણવું રસપ્રદ છે. વળી તેમની શાનદાર બૉલિંગના યોગદાન સાથે ભારત ટેસ્ટ શૃંખલામાં 2-1થી આગળ થઈ ગયું છે.
એ સમયની વાત કરીએ તો 2012નો ડિસેમ્બર મહિનો અને અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું બી ગ્રાઉન્ડ હતું. જેના પર ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમ રેલવે સામે રમવાની તૈયારી કરતી હતી. મૅચના આગલા દિવસે અમ્પાયર્સ અને મૅચ રેફરીએ ટીમના કૅપ્ટન અને અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. આમ તો આ વાત સામાન્ય હતી. મિટિંગ દર વખતે થતી હોય છે પણ આ વખતે અમ્પાયર હતા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને મેદાન પર સૌથી વધારે ચંચળ અને ચબરાક એવા સદાનંદ વિશ્વનાથ.
સ્વાભાવિક છે કે મોટેરા બી ગ્રાઉન્ડ પર અંડર-19ની મૅચ હોય એટલે અમ્પાયર કે રેફરી ઇન્ટરનેશનલ મૅચ જેવા ગંભીર હોય નહીં. એવામાં ગુજરાતના કૅપ્ટન થોડી થોડી વારે અકળાઈ ઉઠતા હતા કે હજી મિટિંગ શરૂ થતી નથી. તેનું કહેવું હતું કે આ મિટિંગમાં સમય બગાડવા કરતાં થોડી બેટિંગ કરવા મળી જાય, પ્રૅક્ટિસ કરવા મળી જાય તો સારું.
એક અધિકારીએ તો એમ પણ કહી દીધું કે ભાઈ શાંતિ રાખને, રમવાનું તો તારે કાલે મૅચમાં પણ છે જ ને, તો અત્યારે મિટિંગની ચિંતા કર ને ભાઈ. પણ માને તો કૅપ્ટન શેનો?
જેમ તેમ કરીને મિટિંગ પતાવીને એ ભાઈ નેટ્સમાં ચાલ્યો ગયો. બીજે દિવસે એ કૅપ્ટને મેદાન પર પોતાનું હુન્નર દેખાડી દીધું. આમ તો તેને એ દિવસે બૉલિંગ કરવાની હતી પણ જસપ્રિત બુમરાહ બૉલિંગ કરતો હોવાથી તેને ખાસ કાંઈ કરવાનું હતું નહીં પણ બેટિંગમાં તેણે કમાલ કરી અને શાનદાર બેવડી સદી ફટકારી દીધી.
પેવેલિયનમાં પરત આવીને તેણે પેલા અધિકારીને કહ્યું પણ ખરું જોયું મેદાન પર રમી લીધું ને? આ યુવાન ખેલાડી એટલે આજે જેની ભારતીય ક્રિકેટમાં બોલબાલા છે તે અક્ષર પટેલ.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટની સિરીઝની બીજી અને ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલી કે બુમરાહ નહીં પણ અશ્વિન અને અક્ષર પટેલ હીરો બની ગયા છે. તેમાંય મોટેરા ખાતે નવા નિર્માણ પામેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર તો પહેલા દિવસે જ અક્ષર પટેલ છવાઈ ગયા.
2012માં ગુજરાતની ટીમમાં રમતો 19 વર્ષનો એ છોકરો આજે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહ્યો છે. આમ તો અમેરિકા હોય કે બ્રિટન કે કૅનેડા ચારેતરફ પટેલની બોલબાલા હોય છે. બીજી તરફ નડિયાદનો આ પટેલ ભારત માટે રમીને દેશનું નામ રોશન કરી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નડિયાદનો સનત જયસૂર્યા
ગુજરાતે આમ તો આંગળીને વેઢે ગણાય તેટલા જ ક્રિકેટર ભારતને આપ્યા છે પરંતુ આજે સ્થિતિ એ છે ભારતની ટીમમાં ત્રણથી ચાર ગુજરાતી રમતા હોય છે. બુમરાહ, પૂજારા, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યાની સાથે હવે નવું નામ ઉમેરાયું છે અક્ષર પટેલનું.
અગાઉ અક્ષરને માત્ર લિમિટેડ ઑવરની ટીમમાં લેવાતા હતા. ટેસ્ટ ટીમમાં આવ્યા તે અગાઉ તે ભારત માટે 38 વન-ડે રમી ચૂક્યા હતા પરંતુ એ 38 વન-ડેમાં તેણે જે સિદ્ધિ હાંસલ કરી ન હતી તે માત્ર બે જ ટેસ્ટમાં કરી નાખી.
ચેન્નાઈ ખાતેની પહેલી ટેસ્ટમાં તેમણે બીજા દાવમાં પાંચ વિકેટ લીધી હતી અને ભારતને વિજય અપાવવાની સાથે સાથે સિરીઝનો સ્કોર સરભર કરવાની તક પણ અપાવી. ત્યાર બાદ મોટેરામાં તો તેઓ પોતાના હોમગ્રાઉન્ડમાં રમ્યો અને પહેલા જ દિવસે ઇંગ્લેન્ડની છ વિકેટ ખેરવવાની સાથે પ્રવાસી ટીમને પૂરા સવાસો રન પણ કરવા દીધા નહીં.
મોટેરા આમ જોવા જઈએ તો અક્ષરનું હોમગ્રાઉન્ડ કહેવાય નહીં કેમ કે તે મૂળ નડિયાદના છે.
બાળપણથી અક્ષરને ક્રિકેટનો શોખ. તેના પિતા રાજેશભાઈ પણ ઇચ્છતા કે અક્ષર મોટો થઈને ક્રિકેટર બને પણ માતાની ઇચ્છા ઓછી હતી.
કેમ કે તેમને એક માતા તરીકે અન્ય તમામ જનેતાને હોય છે તેવો ડર હતો કે ક્યાંક મારો દિકરો ઘાયલ થઈ જાય નહીં. આમ છતાં તેમણે હિંમત કરીને પુત્રને ક્રિકેટ રમતો કરી દીધો.
સામાન્ય રીતે કોચિંગમાં જઈને દિવસે પ્રૅક્ટિસ કરનારા અક્ષર રાત્રીના સમયે ટેનિસ બૉલથી ફ્લડલાઈટ ક્રિકેટમાં રમવા જાય અને જોરદાર ફટકાબાજી કરે.
એ અરસામાં (અને આજે પણ) ટેનિસ બોલ ક્રિકેટમાં રાત્રે ટુર્નામેન્ટ યોજાય અને તેમાં સારા એવા પુરસ્કારની જાહેરાતો થાય. નાનકડો અક્ષર તેનાથી અંજાઈ જાય અને એવી ફટકાબાજી કરે કે એકાદ ઇનામ તો ઘરે લઈને આવે.
પણ આ પ્રયાસમાં તે ક્યારે આક્રમક બૅટ્સમૅન બની ગયો તેની તેને ખબર રહી નહીં. નડિયાદમાં તો તેમને નડિયાદનો જયસૂર્યા એવી રીતે ઓળખવામાં આવે.
કેમ કે તેમની બેટિંગ જ શ્રીલંકાના મહાન બૅટ્સમૅન જયસૂર્યા જેવી હતી. તે પણ શ્રીલંકન ફટકાબાજની માફક ડાબોડી બેટિંગ કરતા હતા.
આજે સ્થિતિ એ છે કે નડિયાદમાં સૌથી જાણીતી કિડની હોસ્પિટલથી સામેના માર્ગ પર તમે આગળ વધો ત્યાર બાદ કોઈ પણ સ્થાનિક વ્યક્તિને પૂછો એટલે તેઓ તમને અક્ષર પટેલનું ઘર બતાવી દે.
નડિયાદના જુનિયર ક્રિકેટરમાં તો તેઓ એટલા લોકપ્રિય છે કે એ છોકરડઓ તો તેનું ઘર નહીં એસયુવી ગાડીનો નંબર પણ તમને કહી દેશે.
બૅટ્સમૅનમાંથી ઑલરાઉન્ડર બની ગયા
આમ તો અક્ષર પટેલ માત્ર બૅટ્સમૅન જ હતા પરંતુ અંડર-19ના દિવસોમાં તે નેશનલ ક્રિકેટ અકાદમીમાં ગયા જ્યાં ભારતના ભૂતપૂર્વ સ્પિનર એમ. વેંકટરામન્ના અને હાલના ટીમ સિલેક્ટર સુનીલ જોશીએ તેમનામાં રહેલી બૉલિંગની આવડત પારખીને તેમને લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરવા પ્રેરણા આપી.
વર્તમાન ક્રિકેટમાં લિમિટેડ ઑવરનું પ્રમાણ વધારે છે અને આ સંજોગોમાં સ્પિનર રન રોકવા માટે બૉલિંગ કરતા જોવા મળે છે.
બિશનસિંઘ બેદી કે વેંકટપથી રાજુની માફક તેઓ બૅટ્સમૅનને લલચાવીને સિક્સર ફટકારવા ઉશ્કેરવાનું જોખમ લઈ શકતા નથી. આથી બૉલર તેના બોલને ફ્લાઇટ કે લુપ આપવાનું પસંદ કરે નહીં. અક્ષર પણ આમ જ કરતા હતા.
આ ઉપરાંત તે બોલને ફ્લાઇટ આપવા જાય તો ફુલટોસ બની જતો હતો. આવા સંજોગોમાં તે વધારે ફ્લેટ બૉલિંગ કરવા લાગ્યા પણ સમય જતાં તેણે રિયલ સ્પિનરની આવડત કેળવી લીધી.
વિદેશમાં પણ રમતા
થોડા સમય અગાઉ અક્ષર પટેલના પિતાને એક ગંભીર માર્ગ અકસ્માત નડ્યો હતો. સામાન્ય ગુજરાતીઓમાં રાત્રે ચા પીવા જવાની આદત હોય છે તેવી જ રીતે રાજેશભાઈ એક વાર મિત્રો સાથે રાત્રે ચા પીવા નીકળ્યા અને તેમનો અકસ્માત થઈ ગયો હતો. તેમના માથામાં ગંભીર ઇજા થઈ હતી. તેઓ બચી શકે તેમ જ ન હતા.
એક સમયે તો એમ લાગ્યું કે તેઓ કોમામાં સરી પડશે અથવા તો યાદશક્તિ ગુમાવી દેશે. આ સમયે અક્ષરે તેમને જરૂર પડે તો વિદેશમાં જઈને સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો. દેશમાં જવું અક્ષર માટે નવી બાબત ન હતી કેમ કે તે લગભગ સમગ્ર દુનિયાનો પ્રવાસ ખેડી ચૂકયો છે.
2023-14માં તેમને ગુજરાતની રણજી ટીમમાં રમવાની તક મળી અને એ જ અરસામાં આઇપીએલમાં તેઓ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ માટે રમતા થઈ ગયા. ત્યાર બાદ 2018માં તો તેઓ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં રમતા થઈ ગયા. ઇંગ્લેન્ડના વર્તમાન બૅટ્સમૅન સામે અક્ષર સરળતાથી બૉલિંગ કરી શકે છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે આમાંના કેટલાક ખેલાડી સામે તે કાઉન્ટીમાં રમી ચૂકયા છે.
પડકારનો સામનો કરવો ગમે છે
ઘણી વાર વિવેચકો લખતા હતા કે અક્ષર પટેલ માત્ર વન-ડેના જ ખેલાડી છે અને તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખાસ સફળ રહી શકતા નથી. આ પ્રકારની ટીકાથી પરેશાન અક્ષરે એક વાર દેખાડી દીધું કે તે બૉલિંગમાં કેવો પાવરધો છે. ગુજરાતની ટીમ તેના હોમગ્રાઉન્ડ નડિયાદમાં આંધ્ર સામે રમી રહી હતી. બરાબર એક વર્ષ અગાઉ 2020ના ફેબ્રુઆરી મહિનામાં આ મૅચ રમાઈ હતી.
ગુજરાતને આ મૅચ જીતવી જરૂરી હતી અને કૅપ્ટન પાર્થિવ પટેલ પાસે બે લેફ્ટ આર્મ સ્પિનર હતા. અક્ષર ઉપરાંત ટીમમાં નવોદિત સિદ્ધાર્થ દેસાઈ હતો.
પ્રથમ દાવમાં અક્ષરે ત્રણ વિકેટ લીધી અને બીજા દાવમાં તો તે વધારે ઘાતક બની ગયો. બીજા દાવમાં તેણે સાત વિકેટ ઝડપીને ગુજરાતને શાનદાર વિજય અપાવી દીધો. આમ તેણે મૅચમાં દસ વિકેટ ખેરવીને પુરવાર કરી દીધું કે તે માત્ર વન-ડેનો જ બોલર નથી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લગભગ દોઢસો વિકેટ ખેરવી ચૂકેલો અક્ષર પટેલ આજે ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરની હરોળમાં આવવા થનગની રહ્યો છે. 27 વર્ષના આ ખેલાડીને ટીમમાં નિયમિત સ્થાન મળી ગયું છે ત્યારે એમ કહી શકાય કે અક્ષર પટેલ રમતની દુનિયામાં પણ દેશનું નામ રોશન કરશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો