You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું વિશ્વનું સૌથી મોટું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' પહેલા 'સરદાર પટેલ સ્ટેડિયમ' હતું?
- લેેખક, જયદીપ વસંત
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
શેક્સપિયરે ભલે કહ્યું હોય કે 'નામમાં શું રાખ્યું છે? ગુલાબને અન્ય કોઈ નામથી બોલાવીએ તો પણ તેની ખુશબો મધુર જ રહેશે.' પરંતુ રાજ'કારણ' અને રાજ'નીતિ'માં એવું નથી હોતું અને નામનું ખૂબ જ મહત્ત્વ હોય છે.
અમદાવાદના મોટેરામાં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા નિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' એવું નામ આપવામાં આવ્યું છે.
સ્ટેડિયમના નવા નામકરણ સાથે જ વિવાદ ઊભો થયો છે. કૉંગ્રેસનું કહેવું છે કે સ્ટેડિયમ સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું હતું, તેને નરેન્દ્ર મોદીનું નામ આપીને દેશના પ્રથમ ગૃહ મંત્રીનું અપમાન કરવામાં આવ્યું છે.
બીજી બાજુ, નવા નામનું સમર્થન કરનારા લોકોનું કહેવું છે કે સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું, જેને નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું છે, જે સમગ્ર સંકુલના ભાગરુપ છે. આ સિવાય સરદાર પટેલ ખેલ સંકુલ સાથે લોહપુરુષનું નામ જોડાયેલું જ છે.
મોટેરા સ્ટેડિયમ ક્યાં આવેલું છે? શું તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે?
ગુજરાતના અમદાવાદમાં મોટેરા સ્ડેડિયમ આવેલું છે. તે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જેની દર્શક ક્ષમતા એક લાખ 10 હજારની છે.
'ધ ફાયનાનશીયલ એક્સ્પ્રેસ' અનુસાર 1982માં 50 ઍકર જગ્યામાં મોટેરા સ્ટેડિયમમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્ટેડિયમની બેઠક ક્ષમતા 54000 લોકોની હતી. આ સ્ટેડિયમ રૅકર્ડ નવ મહિનાના સમયમાં તૈયાર થઈ હતી.
બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિમ છે અને વિશ્વનો બીજો સૌથી મોટો સ્પોર્ટસ્ સ્ટેડિયમ છે. વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટસ્ સ્ટેડિયમ ઉત્તર કોરિયાના પૉન્ગયાન્ગમાં આવેલ રંગગ્રાડો મે ડે સ્ટેડિયમ છે. તેની બેઠક ક્ષમતા 114000 લોકોની છે.
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઉદ્ધાટનના દિવસે જ કેમ વિવાદમાં સપડાયું?
અમદાવાદમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિના હાથે ઉદ્ઘાટન થયું અને ત્યાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ મૅચ પણ રમાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આજે સમારોહમાં અમિત શાહે સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હોવાની જાહેરાત કરતા વિવાદ થયો છે.
કેટલાકનું કહેવું છે કે સ્ટેડિયમ સરદાર પટેલના નામે છે, અને તેનું નામ બદલી નરેન્દ્ર મોદી કરવું એ સરદાર પટેલનું અપમાન છે. તો બીજી તરફ કેટલાક કહી રહ્યા છે સ્ટેડિયમનું નામ મોટેરા છે અને સંકુલનું નામ સરદાર પટેલ છે. એટલે તેમાં કોઈ ફેરફાર થયો જ નથી એટલે વિવાદને અવકાશ નથી.
'અદાણી ઍન્ડ' અને 'અંબાણી ઍન્ડ'
સ્ટેડિયમમાં 'અદાણી ઍન્ડ' અને 'અંબાણી ઍન્ડ'ને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર સંબંધિત તસવીરો શૅર કરીને આ મામલે ટીકા કરી રહ્યા છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે ટીકા કરતાં ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું, "સત્ય કેટલી ખૂબીથી સામે આવે છે. અદાણી ઍન્ડ, રિલાયન્સ ઍન્ડ. જય શાહના વડપણ હેઠળ"
જોકે, હકીકત એ છે કે પૅવેલિયનના આ બન્ને 'ઍન્ડ' સ્પોન્સર કરાયેલા છે. રિલાયન્સે નોર્થ પૅવેલિયનને સ્પૉન્સર કર્યું છે, જ્યારે દક્ષિણ પૅવેલિયનને અદાણી જૂથે સ્પૉન્સર કર્યું છે.
હાર્દિક પટેલ અને અન્યોએ શું કહ્યું...
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટર ઉપર લખ્યું, "અમદાવાદસ્થિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કરી દેવાયું છે, તે સરદાર પટેલનું અપમાન નથી?"
"સરદાર પટેલના નામે મત માગતો ભાજપ સરદાર સાહેબનું અપમાન કરી રહ્યો છે. ગુજરાતની જનતા સરદાર પટેલનું અપમાન સહન નહીં કરે." વધુ એક ટ્વીટમાં હાર્દિક પટેલે લખ્યું:
"ભારતરત્ન લોહપુરુષ સરદાર પટેલે આર.એસ.એસ. ઉપર પ્રતિબંધ લાદ્યો હતો અને એટલે જ આર.એસ.એસ.ના ચેલા સરદાર પટેલનું નામ નાબૂદ કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ બહારથી સરદાર પટેલ પ્રત્યે મિત્રતા તથા અંદરથી વેર ધરાવે છે. એક વાત યાદ રાખજો હિંદુસ્તાન સરદાર પટેલનું અપમાન સહન નહીં કરે."
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વિટર પર લખ્યુ, "કૉંગ્રેસના સમયમાં અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમ સાથે સરદાર પટેલનું નામ જોડવામાં આવ્યું હતું, હવે તેને બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાની ગુસ્તાખીને ગુજરાત સહન નહીં કરે."
"આ માત્ર સરદારસાહેબ જ નહીં, ગુજરાતનું પણ અપમાન છે. સત્તાના અહંકારમાં ભાજપવાળા ઇતિહાસ ભૂંસવાનો પ્રયાસ કરી રહ્યા છે."
વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યું: "ગીધ તથા અન્ય પ્રાણીઓની માફી સાથે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરીશ કે (અમદાવાદના) કાંકરિયા ઝુને નરેન્દ્ર ઝુ નામ આપવામાં આવે."
વિવાદ ઉપર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય સચીવ વાય. સત્યકુમારે ટ્વીટ કર્યું, "
"28 ખેલ ટુર્નામેન્ટ, ઍવૉર્ડ અને ટ્રૉફી સાથે ગાંધી-નહેરુ પરિવારનું નામ જોડાયેલું છે. 19 સ્ટેડિયમને ગાંધી-નહેરુ પરિવારના નામ આપવામાં આવ્યા છે. એજ પાર્ટીના સભ્યો માત્ર '1' સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ અપાતા હચમચી ગયા છે. આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદીનું બ્રૅઇન ચાઇલ્ડ છે અને તેમની દૂરંદેશીનું પરિણામ છે.
નિવૃત્ત આઈ.એ.એસ. (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ઓફિસર સૂર્ય પ્રતાપસિંહે લખ્યું, "સંસદના ભૂમિપૂજનમાં રાષ્ટ્રપતિને બોલાવવામાં પણ આવ્યા ન હતા. રેલવેના પુલિયાનું ઉદ્ઘાટન પણ વડા પ્રધાન કરે છે. ત્યારે સરદાર પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ કરી રહ્યા છે, એ સાંભળીને મને આશ્ચર્ય થયું હતું. હવે ખબર પડી કે તેમનો હેતુ સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કરાવવાનો હતો. આત્મમુઘતાની હદ."
ભાજપના પ્રવક્તા ધવલ પટેલે ટ્વીટ કર્યું, 'કૃપા કરીને ધ્યાન આપો કે 236 એકર વિસ્તારમાં 'સરદાર પટેલ ખેલ સંકુલ'નું નિર્માણ થશે, જેના કારણે અમદાવાદ દેશનું ખેલ પાટનગર બનશે.ખેલ સંકુલમાં અલગ-અલગ 50 પ્રકારની રમતો રમાશે, જેમાંથી માત્ર ક્રિકેટ સ્ટેડિયમને વડા પ્રધાનનું નામ આપવામાં આવ્યું છે.'
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે લખ્યું, "નરેન્દ્ર મોદીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમને પોતાના નામે કરાવી નાખ્યું. સ્ટેડિયમના બે છેડાં સરકારપ્રિય ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીના નામે છે. વાહ ! મોદીજી શું સિક્સર મારી છે."
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટર ઉપર લખ્યું, "ખેલસંકુલનું નામ સરદર પટેલ સ્પૉર્ટ્સ ઍન્ક્લૅવ છે. તેની અંદરના માત્ર ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું છે. વક્રતા એ છે કે 'પરિવારે' મૃત્યુ પછી પણ સરદાર પટેલનું સન્માન ન કર્યું, પણ હવે રોકકળ કરી રહ્યો છે."
સરકારે શું ખુલાસો કર્યો?
કૉંગ્રેસનું કહેવું છે કે સ્ટેડિયમ સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું હતું, તેને નરેન્દ્ર મોદીનું નામ આપીને દેશના પ્રથમ ગૃહ મંત્રીનું અપમાન કરવામાં આવ્યું છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર વિવાદ વધતા બુધવારે કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો હતો કે માત્ર મોટેરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે અને સમગ્ર સંકુલ વલ્લભભાઇ પટેલના નામે ઓળખાશે.
રમતમંત્રી કિરેન રિજજુએ જણાવ્યું કે સમગ્ર સ્પોર્ટ્સ સંકુલ દેશના પ્રથમ ગૃહ પ્રધાનના નામે રહેશે.
"સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ છે. માત્ર આ સંકુલમાં આવેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ #નરેન્દ્રમોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.
કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ નેતાઓ પર કટાક્ષ કરતા જણાવ્યું કે શું આજ દિન સુધી કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અથવા રાહુલ ગાંધીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાના વખાણ કર્યા છે?
સરદાર પટેલ નામ બદલીને મોદી સ્ટેડિયમ કરાયું?
બુધવારે સ્ટેડિયમનું નામ બદલાયું તેના અમુક મિનિટો પછી ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમે સત્તાવાર ટ્વિટર હૅન્ડલ ઉપરથી ટ્વીટ કર્યું, 'અમે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છીએ.' જોકે બાદમાં અકળ કારણોસર એ ટ્વીટ તો ડિલીટ થઈ ગયું હતું, પરંતુ ઇંગ્લૅન્ડની ટીમનું જૂનું ટ્વીટ હજુ ઑનલાઇન છે. જેમાં લખ્યું છે, 'સરદાર પટેલ સ્ટેડિયમ. એક લાખ 10 હજારની બેઠકક્ષમતા. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ.'
ભારતમાં ક્રિકેટનું નિયમન કરતી સંસ્થા બી.સી.સી.આઈ. (બોર્ડ ઑફ કંટ્રૉલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા)ની સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે:
"અમદાવાદસ્થિત ક્રિડાંગણનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' છે. સાથે લખે છે કે અમદાવાદના બહારના વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે મોટેરામાં નિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમ દેશના ઉચ્ચ શ્રેણીના સ્ટેડિયમોમાંથી એક છે."
"1982માં તેની સ્થાપના થઈ અને નવેમ્બર-1983માં ત્યાં પ્રથમ મૅચ રમાઈ હતી."
ક્રિકેટવિષયક માહિતી એકત્રિત કરતી વૅબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગત પ્રમાણે :
"ભારતમાં અમદાવાદના મોટેરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમ આવેલું છે. જેનું અગાઉનું નામ 'ગુજરાત સ્ટેડિયમ' હતું અને 1982માં તેની સ્થાપના કરવામાં આવી હતી."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો