નરેન્દ્ર મોદી સ્ટેડિયમ : મોટેરા સ્ટેડિયમનું નામ અત્યાર સુધીમાં કેટલી વાર બદલાયું?

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉની મૅચમાં ચિક્કાર મેદની બાદ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટી-20 મૅચ પ્રેક્ષકો વિના રમાઈ.

અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ વધતા ગુજરાત ક્રિકેટ એસોસિયેશને પ્રેક્ષકો વગર મૅચ યોજવાનો નિર્ણય કર્યો હતો.

સોમવારે 15 માર્ચે રાત્રે આ અંગે જાહેરાત કરાઈ અને કહેવાયું હતું કે જે લોકોએ મૅચ જોવા માટે ટિકિટ ખરીદી છે તેમને રિફન્ડ આપવામાં આવશે.

ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે "કોરોના કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે જીસીએ બીસીસીઆઈ સાથે પરામર્શ કરીને નિર્ણય લીધો છે કે મૅચો બંધ દરવાજે રમાડવામાં આવશે અને ટી -20 આંતરરાષ્ટ્રીય મૅચ દરમિયાન ગ્રાઉન્ડમાં દર્શકોને આવવા નહીં દેવાય."

મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયું

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટનો પ્રારંભ થયો સાથે જ આ સ્ટેડિયમનું નામ બદલીને ભારતના વડા પ્રધાનના નામથી 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' રાખવામાં આવ્યું હતું.

ઘણાને આ અંગે આશ્ચર્ય થયું હતું પરંતુ યજમાન ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન અને બીસીસીઆઈએ છેલ્લી ઘડી સુધી રહસ્ય જાળવી રાખ્યું હતું.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હસ્તે સ્ટેડિયમનું ઉદઘાટન થયું ત્યારે નવા નામની જાહેરાત કરાઈ હતી.

આ સાથે મોટેરા સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાવા લાગ્યું છે. સ્ટેડિયમ ખાતે જ નવા સરદાર પટેલ ઍન્કલેવનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

મોટેરા ખાતે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે સરદાર પટેલ સ્પોર્ટ્સ ઍન્કલેવની રચના કરાશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના વરદ હસ્તે સ્પોર્ટ્સ ઍન્કલેવનું ભૂમિપૂજન કરાયું તે પ્રસંગે કેન્દ્રના ગૃહમંત્રી અને ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ અમિત શાહ સહિત અનેક નેતાઓ અને મંત્રી હાજર રહ્યા હતા.

અમિતભાઈ શાહે આ પ્રસંગે મોટેરા સ્ટેડિયમની જૂની યાદોને વાગોળી હતી અને અહીં સર્જાયેલા વિવિધ વિક્રમોનો ઉલ્લેખ કરીને ભારત અને ઇંગ્લેન્ડની ટીમને આ મૅચમાં સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

છેલ્લાં પાંચ વર્ષથી મોટેરામાં મૅચ રમાઈ ન હતી

હકીકતમાં આ સ્ટેડિયમ પર છેલ્લા પાંચ વર્ષથી મૅચ રમાઈ ન હતી અને તેનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું.

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમે શરૂઆતથી જ ઇતિહાસ રચી દીધો છે. સવા લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમે સારું એવું આકર્ષણ જગાવ્યું છે.

વિવિધ વિક્રમો સર્જવા માટે જાણીતા મોટેરા સ્ટેડિયમનું બાંધકામ 1983માં કરવામાં આવ્યું હતું અને 2015થી તેને નવેસરથી બાંધવામાં આવ્યું હતું.

શું છે નામ સાથેનો ઇતિહાસ?

1983માં સ્ટેડિયમ બંધાયું અને પહેલી વાર આ મેદાન પર મેચ રમાઈ ત્યારે તેનું નામ માત્ર ગુજરાત સ્ટેડિયમ હતું.

ત્યારબાદ 1994-95ની આસપાસ તેમાં સરદાર વલ્લભભાઈનું નામ જોડવામાં આવ્યું હતું. એ વખતે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની સત્તા નરહરિ અમીન જૂથ પાસે હતી અને તેમણે સ્ટેડિયમના નામમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આમ એ વખતે આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ, મોટેરા કરવામાં આવ્યું હતું. આમ બે વાર નામ બદલાયા બાદ હવે 2021માં ફરી એક વાર સ્ટેડિયમનું નામ બદલાઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.

જોકે સરદાર પટેલનું નામ જાળવી રાખવામાં આવ્યું છે અને નવા સ્પોર્ટ્સ ઍન્કલેવને તે નામ અપાયું છે.

'અદાણી ઍન્ડ' અને 'અંબાણી ઍન્ડ'નો વિવાદ

સ્ટેડિયમમાં 'અદાણી ઍન્ડ' અને 'અંબાણી ઍન્ડ'ને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર સંબંધિત તસવીરો શૅર કરીને આ મામલે ટીકા કરી રહ્યા છે.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે ટીકા કરતાં ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું, "સત્ય કેટલી ખૂબીથી સામે આવે છે. અદાણી ઍન્ડ, રિલાયન્સ ઍન્ડ. જય શાહના વડપણ હેઠળ"

જોકે, હકીકત એ છે કે પૅવેલિયનના આ બન્ને 'ઍન્ડ' સ્પોન્સર કરાયેલા છે. રિલાયન્સે નોર્થ પૅવેલિયનને સ્પૉન્સર કર્યું છે, જ્યારે દક્ષિણ પૅવેલિયનને અદાણી જૂથે સ્પૉન્સર કર્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો