ઈશાન કિશન : મોટેરામાં પ્રથમ મૅચમાં અર્ધસદી ફટકારી વિરાટ કોહલીનો સાથ આપનાર 22 વર્ષના ખેલાડી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટી20 મૅચમાં નબળા પ્રદર્શન બાદ બીજી ટી20 મૅચમાં ભારતીય ટીમ બમણા જોરે પાછી આવી હોય એવું પ્રદર્શન રહ્યું હતું.

ભારતીય ટીમની ઇંગ્લૅન્ડ સામે સાત વિકેટથી જીત થઈ હતી, આ મૅચમાં બે ભારતીય બૅટ્સમૅનોના પ્રદર્શને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ અણનમ રહીને 73 રન ફટકાર્યા અને એ સાથે ટી20 ફોર્મેટમાં તેમના 3000 રન પણ પૂરા કરી દીધા.

ચર્ચામાં રહેલા અન્ય બૅટ્સમૅન એટલે ઈશાન કિશન, જેઓ ભારતીય ટીમ માટે પહેલી ટી20 મૅચ રમી રહ્યા હતા.

ઈશાન કિશને ડેબ્યુ મૅચમાં 32 બૉલમા આક્રમક 56 રન ફટકાર્યા અને સાથે કેટલાક વિક્રમો પણ સર્જી દીધા.

આ બંને ખેલાડીઓને મોટેરાની બીજી ટી20 મૅચની જીતના દાવેદાર માનવામાં આવે છે.

ઈશાન કિશન - પ્રથમ ટી20માં વિક્રમ

રવિવારની મૅચમાં ઈશાન કિશન શરૂથી જ આક્રમક બેટિંગ કરતા જોવા મળ્યા હતા.

વિરાટ કોહલીએ મૅચ બાદ તેમના વખાણ કરતાં કહ્યું હતું કે 'તેઓ બેખોફ બૅટ્સમૅન છે અને તેમની સાથેની પાર્ટનરશિપ નિર્ણાયક સાબિત થઈ'.

ઉલ્લેખનીય છે કે મૅચ શરૂ થઈ એ પૂર્વે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઈશાન કિશન અને સૂર્યાકુમાર યાદવને કૅપ આપીને ટીમે તેમના ટી20 ડેબ્યુ બદલ વધાવી લીધા હતા.

ત્યારે કદાચ જ કોઈએ કલ્પના કરી હશે કે પહેલી જ મૅચમાં ઈશાન કિશન આક્રમક ઇનિંગ રમીને મૅન ઑફ ધ મૅચનો ખિતાબ પોતાને નામે કરી લેશે.

ઈશાન કિશને 175ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી, જેમાં તેમને પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ડેબ્યુ ટી20 મૅચમાં ઈશાન કિશન અર્ધસદી ફટકારનાર બીજા ભારતીય ખેલાડી છે.

તેમના અગાઉ અજિંક્ય રહાણેએ ટી20 ડેબ્યુમાં 61 રન ફટકાર્યા હતા.

આ સાથે જ તેઓ ડેબ્યુ ટી20 મૅચમા ચાર છગ્ગા ફટકારનાર પ્રથમ બૅટ્સમૅન બની ગયા છે.

ઈશાન કિશનની કારકિર્દી કેવી છે?

આ મૅચથી ડેબ્યુ કરનારા ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ક્રિકેટના ચાહકો 2020ની આઈપીએલથી જ ઓળખવા લાગ્યા છે, બંને ખેલાડીઓ તેમના પ્રદર્શનના કારણે ચમક્યા હતા.

ઈશાન કિશન મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ એક લાંબા અરસાથી રહ્યા છે, છેલ્લી સિઝનમાં તેમણે 14 મૅચમાં 516 રન ફટકાર્યા હતા.

જ્યારે સૂર્યાકુમાર યાદવે 16 મૅચમાં 480 રન ફટકાર્યા હતા.

22 વર્ષીય ઈશાન કિશન મૂળે ઝારખંડના ખેલાડી છે, તેઓ 2016માં ઢાકામાં રમાયેલા અંડર-19 વિશ્વકપમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.

ઈશાન કિશન આક્રમક બૅટ્સમૅનની સાથે-સાથે વિકેટકીપર પણ છે.

ઈશાન કિશન અત્યાર સુધીમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 44 મૅચ રમી ચૂક્યા છે, તેમણે પાંચ સદી અને પંદર અર્ધસદી સહિત 2665 રન ફટકાર્યા છે. જેમાં સર્વાધિક સ્કોર 273 રન છે, જે જણાવે છે કે તેઓ લાંબી ઇનિંગ રમી શકવા સક્ષમ છે.

વિકેટકીપર તરીકે તેઓ 90 કૅચ અને 11 સ્ટમ્પિંગ કરી ચૂક્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો