મેટ્રો મેન : ઈ.શ્રીધરન લગભગ અડવાણીની ઉંમરમાં ભાજપમાં જઈને શું કરશે?

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રાજકારણને લઈને દૃષ્ટિકોણ સમયની સાથે બદલાતો રહે છે અને એમાં નવું ઉદાહરણ 89 વર્ષના ઈ. શ્રીધરનનું છે, જેમણે ‘મેટ્રો મેન’ના નામે ઓળખવામાં આવે છે.

ટેકનૉલૉજીના વિદ્વાન તરીકે તેમણે છ દાયકાઓ સુધી પોતાની સેવાઓ આપી અને પોતાના કામ દ્વારા તેમણે રાજધાની દિલ્હીમાં બેસેલા શક્તિશાળી રાજકીય વર્ગને સંદેશ આપ્યો કે તેમને પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ હસ્તક્ષેપ કરે તે તેમને મંજૂર નથી.

તેમના માટે કામ સૌથી મહત્વપૂર્ણ હતું. દિલ્હી મેટ્રો રેલ યોજના દરમિયાન તેઓ પોતાના કર્મચારીઓ માટે એક ડેડલાઈન નક્કી કરી દેતા હતા અને તેમને વારંવાર તેની યાદ અપાવતા હતા.

તેમણે દરેક કામમાં શરૂઆતથી છેવટ સુધી મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને સંક્ષેપમાં કહીએ તો લખનઉથી લઈને કોચી સુધી દેશના અનેક શહેરોમાં મેટ્રો રેલના નેટવર્કનું માળખું તેમણે જ તૈયાર કર્યું છે.

તેમણે ઇજનેરી પ્રમુખ તરીકે કામ કરતા એવા ઇમાનદાર વ્યક્તિની ઓળખ બનાવી જે સમયસર કામ કરીને આપે છે. એવા પણ સમાચાર રહ્યા છે કે તેમણે પોતાની એ છબિ દ્વારા વડા પ્રધાન કાર્યાલયની સાથે પોતાનો તાલમેલ સારો બેસાડ્યો.

એક વરિષ્ઠ અમલદાર પોતાનું નામ ન જાહેર કરવાની શરતે બીબીસી હિંદીને કહે છે, “એમાં કોઈ શક નથી કે તેમણે કામ કરીને દેખાડ્યું છે પરંતુ તેઓ એવા વ્યક્તિ રહ્યા છે જે પોતાની આગળ કોઈનું નથી સાંભળતા.”

આજ કારણે તેમને શહેરી વિકાસ મંત્રાલયની મેટ્રો રેલ યોજનાઓની જવાબદારીઓ આપવામાં આવી હતી ન તો ભારતીય રેલવેની જ્યારે તેઓ ઇન્ડિયન રેલવે ઇજનેરી સર્વિસ (આઈઆરઈએસ)ના સભ્ય હતા.

રાજકીય વલણમાં પરિવર્તન

અંદાજે 18 મહિના પહેલાં તેઓ નવી દિલ્હીમાં બીબીસીની ઑફિસમાં આવ્યા હતા અને તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ રાજકારણમાં જોડાવા અંગે શું વિચારે છે?

આ સવાલ પર તેમણે બીબીસી હિંદીના ડિજિટલ એડિટર રાજેશ પ્રિયદર્શીને કહ્યું હતું કે રાજકારણ તેમના મતલબની વાત નથી.

કેરળમાં ભાજપમાં સામેલ થવાની જાહેરાત પછી શ્રીધરને બીબીસી હિંદીને કહ્યું, “તે સમયે એ વાત સાચી હતી કે હું રાજકારણમાં સામેલ થવા નહોતો માગતો. હું એક ટેકનૉલૉજી શાસ્ત્રી છું. મહત્ત્વપૂર્ણ યોજનાઓનો ઇન્ચાર્જ રહ્યો છું એટલે હું એવું નહોતો ઇચ્છતો હતો પરંતુ આજે હું પોતાની તમામ વ્યવસાયિક જવાબદારીઓને પૂર્ણ કરી ચૂક્યો છું એટલા માટે મેં રાજકારણમાં આવવાનું વિચાર્યું છે.”

રાજકારણને લઈને જે પ્રકારે શ્રીધરનના વિચાર બદલાયા છે, લાગે છે એ જ પ્રકારે ભાજપે પણ 75 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે પોતાના વિચારો બદલી નાખ્યા છે.

ભાજપ પોતાના નેતા એલ.કે અડવાણી, ડૉક્ટર મુરલી મનોહર જોષી અને અન્ય વરિષ્ઠ નેતાઓને માર્ગદર્શક મંડળના સભ્ય માને છે અને તે હવે હાલ ચૂંટણીના રાજકારણમાં સામેલ નથી. જોકે, શ્રીધરનની ઉંમર મુરલી મનોહર જોષીથી પણ વધારે છે.

કેરળ ભાજપના નેતા અને વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરનનું કહેવું છે, “તેમની ઉંમર વિશે અનેક લોકો જાણે છે અને અમને અમારા કેન્દ્રીય નેતૃત્વ તરફથી એવો કોઈ આદેશ નથી કે તેમને ચૂંટણીમાં ઉમેદવાર નહીં બનાવવામાં આવે. અમારા ઉમેદવાર ઓ. રાજગોપાલ ગત ચૂંટણીમાં વિધાનસભા માટે ચૂંટાયા હતા તેમની ઉંમર 85 વર્ષ છે.”

ભાજપના આ નિયમમાં એક બીજી વ્યક્તિ અપવાદરૂપ છે અને તે કર્ણાટકના મુખ્ય મંત્રી બીએસ યેદિયુરપ્પા છે જે આ મહિને 78 વર્ષના થયા છે.

મુરલીધરન કહે છે, “લોકો શ્રીધરનને અલગ રીતે અને યેદિયુરપ્પાને અલગ રીતે જુએ છે. જ્યારે શ્રીધરને દિલ્હી મેટ્રો પરિયોજના પૂર્ણ કરી ત્યારે તે 80 વર્ષના હતા પરંતુ હાલ પણ ખૂબ જ લાભકારી વ્યક્તિ છે.”

શ્રીધરણે બીબીસીને એમ પણ કહ્યું છે કે તે ભાજપમાં એટલે સામેલ થઈ રહ્યા છે કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા પ્રશંસક છે.

ઘણું ઓછું રાજકીય સમર્થન

એક મોટા ટેક્નૉલૉજિસ્ટ હોવાના કારણે તેમને દેશના બે શક્તિશાળી ટેક્નૉલૉજી નિષ્ણાતોની સમાન સમજવામાં આવે છે. પહેલાં સેમ પિત્રોડા જે દૂરસંચાર ક્રાંતિ લઈને આવ્યા અને બીજા ડૉક્ટર કૂરિયન વર્ગીસ જેમણે અમૂલ ડેરી દ્વારા શ્વેત ક્રાંતિની શરૂઆત કરી.

તમામની પાસે રાજનેતાઓનું સમર્થન હતું જે તેમની ક્ષમતાઓમાં દૃઢ વિશ્વાસ રાખતા હતા.

શ્રીધરન આ બે નિષ્ણાતોથી કેટલાંક અંશે અલગ છે. શ્રીધરન પોતાની સાથે રેલવેના અધિકારીઓ અને સાથે-સાથે આઈએએસ અધિકારીઓને પણ રાખતા હતા. સંયોગવશ એક વખતે ભાજપ અને તેના મોટા નેતાઓનો સામનો કરવો પડ્યો હતો.

શ્રીધરન આ મામલે સ્પષ્ટતા કરતા કહે છે, “ના, મેં એમને ક્યારેય એવું નથી કહ્યું કે તમે મારી ઑફિસે ન આવશે. મેં કહ્યું હતું કે હું રાજનેતાઓને મારા કામમાં હસ્તક્ષેપ કરવા નહીં દઉં. એ સમયે ઘણી બધી વસ્તુઓ હતી કે મેટ્રો ક્યાં બનશે, સ્ટેશન ક્યાં હશે અને કૉન્ટ્રાક્ટ કોને આપવામાં આવશે. વગેરે વગેરે”

એક અધિકારી કહે છે, “તેમણે અટલ બિહારી વાજપેયી અને મનમોહનસિંહ જેવા વડ પ્રધાન અને શીલા દિક્ષીત જેવા મુખ્ય મંત્રીઓનું સમર્થન હાંસલ હતું.”

જાણીતી કોંકણ રેલવે યોજનાનું કામ શરૂ કર્યાના કેટલાંક મહિનાઓ પછી તત્કાલીન રેલ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી બેંગલુરુ પહોંચ્યા હતા ત્યારે આ પત્રકારને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી પશ્ચિમી કાંઠે તમામ રાજ્યોને જોડવા માટે મોટાં મોટાં પહાડોને કાપવામાં આવ્યા હતા.

જ્યોર્જ ફર્નાન્ડિસે આ પત્રકારને કહ્યું, “આ તમામ વસ્તુ કેટલીક અસાધારણ વ્યક્તિના કારણે થઈ રહ્યું છે જેમનું નામ મિસ્ટર શ્રીધરન છે. તમામ રાજ્યના લોકો હવે રેલવેના સસ્તા દરે 760 કિલોમીટરની મુસાફરી કરી શકશે.”

તે સમયે ફર્નાન્ડિસ જ હતા જેમણે શ્રીધરનની નિમણૂકને કૉન્ટ્રૅક્ટના આધારે આગળ વધારી હતી. 58 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેઓ રેલવેથી રિટાયર થવાની તૈયારી કરી રહ્યા હતા અને સેવાનિવૃત થવા ઇચ્છતા હતા. રેલ મંત્રીના દબાણના કારણે રેલવે બૉર્ડે તેમને કૉન્ટ્રેક્ટ આપવો પડ્યો.

સાત વર્ષ પછી શ્રીધરન દરિયાકાંઠાની સાથે સાથે ટ્રેન ક્નેક્ટિવિટી આપી. આમાં કેરલ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર સુધી 179 મોટા પુલ બન્યા અને 190 સુરંગ સામેલ છે.

રેલવેએ આપી મોટી શીખ

કોંકણથી પહેલાં તેમણે અસામાન્ય કામ કરીને દેખાડ્યું હતું તેમણે પમ્બન બ્રિજ બનાવ્યો હતો જે પડી ગયો હતો. જોકે, તેમણે રામેશ્વરને તામિલનાડુના મુખ્ય ભૂ ભાગને 50થી પણ ઓછાં દિવસમાં જોડી દીધો અને તેમના માટે તેમને રેલવે મંત્રીના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

આ 60ના દાયકાની વાત હતી. આગામી દાયકામાં ભારતની પહેલી મેટ્રો યોજના અને તેને જમીની સ્તર પર ઊતારવાનું લક્ષ્ય તેમની સામે હતું.

90ના દાયકાના અંતમાં ભાજપના મુખ્ય મંત્રી સાહિબ સિંહ વર્માએ તેમને દિલ્હી મેટ્રોની પરિયોજના માટે સિલેક્ટ કર્યા. આ યોજનાને કૉંગ્રેસના મુખ્ય મંત્રીએ આગળ વધારી અને શ્રીધરનને વિપક્ષના નેતા મદન લાલ ખુરાનાના હુમલાથી બચાવ્યા.

દિલ્હી મેટ્રોના પહેલા તબક્કામાં તેમને ઘણા વિદેશી સલાહકારોનો સાથ મળ્યો કારણ કે તે સમયે આ ક્ષેત્રમાં નિષ્ણાત ભારતમાં કોઈ ન હતું.

કેટલાંક વિદેશી સલાહકારોએ શ્રીધરનને ‘સખત કર્મચારી’ કહ્યા હતા અને એક વ્યક્તિ તેમને ટીવી શો પર સકારાત્મક રીતે ‘ગૉડફાધર’ પણ કહ્યા હતા.

પત્રકાર શેખર ગુપ્તાને એક વખત આપેલા ટીવી ઇન્ટરવ્યૂમાં શ્રીધરને કહ્યું હતું કે તેમનો પગાર એક સમય કોઈ કર્મચારીને આપવામાં આવતા પગાર બરાબર હતો, જે 38 હજાર રૂપિયા હતો.

તેમણે કહ્યું હતું, “જો હું કોઈ ખાનગી કંપનીમાં કામ કરતો હોત તો આનાથી 50થી 60 ગણી કમાતો પરંતુ આ તમામ ફરિયાદ નથી કરી રહ્યો.”

મેટ્રોના પહેલા તબક્કા પછી શ્રીધરન મેટ્રો સ્ટેશન જતા હતા અને તેની સીડીઓને અડ્યા પછી કર્મચારીઓને કહેતા હતા કે ગત રાત્રે આ સાફ નથી થઈ.

પરંતુ આનાથી મોટી અચંબાની વાત દિલ્હી અને બહારના રાજ્યોના લોકોને એ લાગતી જ્યારે મેટ્રોની દિવાલ પર પાનની એક પિચકારી પણ મારેલી જોવા નહોતી મળતી.

આજ કારણોને કારણે જુલાઈ 2009માં જ્યારે બની રહેલો મેટ્રોનો પુલ તૂટી પડ્યો તો પછી લોકોએ તેમનું રાજીનામું નહોતું માંગ્યું.

ભાજપમાં સામેલ થવાથી શું મળશે

ભાજપના એક કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું, “આકરા શબ્દમાં કહું તો આટલા દાયકાઓ સુધી પોતાની અલગ છબિ બનાવ્યા પછી શ્રીધરને રાજકારણમાં સામેલ થવું જોઈતું ન હતું. તેમના અનુભવને જોઈએ તો તેમને રાજ્યસભામાં જવું જોઈએ અને દેશના મૂળ માળખાંની યોજનાઓ માટે તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવવા જોઈએ.”

આ ટિપ્પણી પર એક વરિષ્ઠ નેતાએ નામ ન છાપવાની શરત પર કહ્યું, “હવે જો આ ટિપ્પણી પર અમે શું બોલી શકીએ છીએ. આ તો વડા પ્રધાનનો વિશેષાધિકાર છે. જો તે વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છે તો આ સારું રહેશે.”

રાજકીય વિશ્લેષક અને એશિયાનેટ નેટવર્કના એડિટર ઇન ચીફ એમજી રાધાકૃષ્ણન કહે છે, “ભાજપ માટે શ્રીધરન એક સારો ચહેરો છે. એક ઇમાનદાર વ્યક્તિ તરીકે તેમનામાં એક આકર્ષણ છે અને તે દેખાડી ચૂક્યા છે કે લોકોને કાંઈક આપી પણ શકે છે. હવે ભાજપ કેરળમાં તેમનો કેવી રીતે ઉપયોગ કરશે એ એક અઘરો પ્રશ્ન છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો