You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : ચીને આઠ મહિના બાદ કેમ સ્વીકારી સૈનિકોનાં મૃત્યુની વાત?
ચીને આઠ મહિના બાદ સ્વીકાર્યું છે કે ગલવાન ખીણમાં ગત વર્ષે જૂનમાં ભારતીય સૈનિકો સાથે થયેલા સંઘર્ષમાં તેના સૈનિકો પણ માર્યા ગયા હતા.
ચીનના સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મીએ કહ્યું છે કે ગલવાનમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા. આ સંઘર્ષમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા. જોકે, ચીને અત્યાર સુધી પોતાના સૈનિકોનાં મૃત્યુના સમાચાર જાહેર નહોતા કર્યા.
શુક્રવારે ચીન તરફથી ગલવાન ખીણમાં ગત વર્ષની 21 જૂને ભારત અને ચીનના સૈનિક વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ અંગેનાં વીડિયો ફૂટેજ જાહેર કરાયા હતા.
ત્યારે એવો સવાલ થવો સહજ છે કે જ્યારે બન્ને દેશના સૈનિકો વિવાદિત વિસ્તારોમાંથી પાછળ હઠી રહ્યા છે ત્યારે ચીને અચાનક પોતાના સૈનિકોનાં મૃત્યુની વાત કેમ જાહેર કરી?
શુક્રવારે ચીનના વિદેશમંત્રાલયની નિયમિત પત્રકારપરિષદમાં મંત્રાલયનાં પ્રવક્તા હુઅ ચુનયિંગેને આ જ સવાલ પુછાયો.
વિદેશમંત્રાલયે સવાલના જવાબમાં કહ્યું, "સંરક્ષણમંત્રાલયે સરહદ પર સંઘર્ષમાં ચાઇનિઝ ફ્રન્ટલાઇન અધિકારી અને સૈનિકોની વીરતા સાથે સંકળાયેલા સવાલોના જવાબ આપ્યા છે."
"ગલવાન ખીણમાં ગત વર્ષ જૂનમાં સંઘર્ષ થયો હતો અને તેમાં બન્ને તરફના લોકો હતાહત થયા હતા. આની સમગ્ર જવાબદારી ભારતની છે. સમગ્ર મામલે ચીને મોટા રાષ્ટ્ર તરીકે ધીરજથી કામ કર્યું છે."
"સીમા પર તણાવ ઓછો કરવા માટે અમે તમામ પ્રયાસ કર્યા. જોકે, ભારતે સમગ્ર મામલાને સનસનાટી સાથે રજૂ કર્યો અને તથ્યોની બહાર નીકળી આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોના વિચારને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હવે પીએલએએ સમગ્ર મામલે સત્યને જાહેર કરી દીધું છે. હવે લોકોને એ સમજવામાં મદદ મળશે કે સરહદ પર કોણે ભૂલ કરી હતી અને કોણ સાચું હતું. અમારા સૈનિકોએ દેશના રક્ષણમાં અનમોલ કુરબાની આપી છે."
'હવે લોકો સરળતાથી સાચુ કે ખોટું સમજી શકશે'
તેમણે ઉમેર્યું, "મને અમારા સૈનિકોની વીરતા પર ગર્વ છે. શહીદ સૈનિકો પ્રત્યે મન ભાવુક છે. ચેન હોન્ગજુન આગામી ચાર મહિનામાં પિતા બનવાના હતા અને શિયાઓ સિયુઅન પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવાના હતા. આ બધુ કહેતા મારું મન દુખી છે કારણ કે હવે આવું નહીં થઈ શકે. તેમણે દેશની રક્ષામાં પોતાના પ્રાણની પરવા નહોતી કરી."
હુઅ ચુનયિંગે કહ્યું, "હું એ વાત પર ભાર મૂકીને કહી રહી છું ખે ચીન સીમા પર વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે હંમેશાં સીમા પર શાંતિ અને સ્થિરતા ઇચ્છીએ છીએ અને વિવાદોનો સંવાદથી ઉકેલ લાવવાની ઇચ્છા ધરાવીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે બન્ને પક્ષ સંયુક્ત પ્રયાસ થકી વિવાદનો ઉકેલ લાવશે અને સ્થિર દ્વિપક્ષી સંબંધને મજબૂત કરવાના પ્રયાસમાં આગળ વધશે. આ જ લાઇન બન્ને દેશના લોકોના હિતમાં છે."
એક સવાલના જવાબમાં હુઅ ચુનયિંગે કહ્યું કે ચીન અને ભારતના સૈનિકો વાતચીત અનુસાર પાછળ હઠી રહ્યા છે. તેમણે કહ્યું, "મને આશા છે કે આ પ્રક્રિયા વગર કોઈ સમસ્યાએ પૂર્ણ થશે."
હુઅ ચુનયિંગને પ્રસાર ભારતીએ પૂછ્યું કે લોકોના મનમાં એ સવાલ થવો સહજ છે કે આખરે આઠ મહિના બાદ ચીને પોતાના સૈનિકોનાં નામ કેમ જણાવ્યાં અને એ પણ ત્યારે જ્યારે બન્ને દેશો વચ્ચે 10મા તબક્કાની સૈન્યવાતીચીત થવાની છે?
આ સવાલના જવાબમાં ચીનના વિદેશમંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું, "આ મામલે સંરક્ષણમંત્રાલયના પ્રવક્તાએ પોતાની વાત કરી દીધી છે. મેં પણ મારી વાત કરી. જૂનમાં ગલવાન ખીણમાં જે કંઈ પણ થયું તે દુખદ હતું અને આની જવાબદારી ભારત પર છે. કેટલાંક ભારતીય મીડિયા તરફથી આ મામલે ખોટી સૂચના ફેલાવાઈ રહી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાયને ભ્રમિત કરવામાં આવ્યો. એટલે અમે સત્યને સામે લાવવાનો નિર્ણય કર્યો. અમને આશા છે કે હવે લોકો સરળતાથી સાચું-ખોટું સમજી શકશે."
ચીને જાહેર કર્યો વીડિયો
આ પહેલા ચીનના સરકારી મીડિયા 'ગ્લોબલ ટાઇમ્સ'માં ગત વર્ષે જૂનમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલી અથડામણનાં વીડિયો ફૂટેજ જાહેર કરવામાં આવ્યાં.
ચીને જાહેર કરેલાં આ વીડિયોમાં આ ચાર સૈનિકોને સલામી અપાઈ રહી છે. આ વીડિયોમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચેના ઘર્ષણને દેખાડવામાં આવ્યું છે. વીડિયોમાં બંને તરફના સૈન્યઅધિકારી વાર્તા કરતા પણ જોઈ શકાય છે.
ચીન તરફથી જાહેર કરાયેલા વીડિયોમાં ભારત તરફ ઇશારો કરીને કહેવામાં આવ્યું છે, "એપ્રિલ પછી જ સંબંધિત વિદેશી સૈન્ય જૂના કરારોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. તેમણે પુલ અને રસ્તાઓ બનાવવા માટે સરહદોને પાર કરી અને ટોહી અભિયાન ચલાવ્યું."
વીડિયોમાં કહેવામાં આવ્યું છે, "વિદેશી સૈન્યે યથાસ્થિતિમાં પરિવર્તનના એકતરફી પ્રયાસ કર્યા જેના પરિણામે સરહદ પર તણાવની સ્થિતિ વધી."
ચીને કહ્યું, "કરારનું સમ્માન કરીને અમે વાતચીતથી સ્થિતિને ઉકેલવા માટેનો પ્રયાસ કર્યો."
ચીન તરફથી જાહેર કરાયેલા વીડિયોમાં ભારત અને ચીનના સૈનિકોને રાત્રીના અંધારામાં એકબીજા સાથે લડતા દેખાડવામાં આવ્યા છે. આમાં ચીનના સૈનિકો એક ઘાયલ સૈનિકને સંભાળતા હોય તેમ પણ બતાવાયું છે.
જાહેર કરાયેલા વીડિયોમાં ચીનના સૈનિકોને મૃત્યુ પામેલા સૈનિકોને સલામી આપતા જોઈ શકાય છે.
આ પહેલા 'ગ્લોબલ ટાઇમ્સે' ચીનના સૈન્યના અધિકૃત અખબાર 'પીએલએ ડેલી'ને ટાંકીને સમાચાર આપ્યા હતા 'કે ચીને પહેલી વખત પોતાની સંપ્રભુતાની રક્ષામાં કુરબાની આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમનાં નામ અને વર્ણન રજૂ કરાયાં હતાં.'
અખબારે શુક્રવારે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ચીનના સૅન્ટ્રલ મિલિટરી કમિશને કારાકોરમ પર્વતોમાં ચીનના પાંચ અધિકારીઓ અને સૈનિકોની ઓળખ કરી છે અને તેમને પદવીથી સમ્માનિત કર્યા છે.
રિપોર્ટમાં પહેલીવખત ચીનની સૈન્યએ ગલવાન સંઘર્ષનું વિસ્તૃત વર્ણન આપ્યું છે અને કહ્યું છે કે ભારતીય સૈન્યે ત્યાં મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા હતા જે છુપાયેલા હતા અને ચીનના સૈન્યને પીછેહઠ કરાવવા મજબૂર કરી રહ્યા હતા.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કેવી રીતે ચીનના સૈનિકોએ સ્ટીલના દંડા, અણીદાર દંડા અને પથ્થરોથી થયેલા હુમલાઓની વચ્ચે પોતાના દેશની સંપ્રભુતાની રક્ષા કરી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો