અર્ચના કામથ : ટેબલ ટેનિસમાં ચૅમ્પિયન-આક્રમક શૉટ્સના માસ્ટર

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી અર્ચના ગિરીશ કામથ હાલ મહિલા ડબલ્સમાં વૈશ્વિક રેન્કિંગમાં 24મા અને મિક્સ ડબલ્સમાં 36મા ક્રમે છે, તેમણે નવ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું.

બેંગલુરુસ્થિત કામથનાં માતાપિતા નેત્ર ચિકિત્સક છે. તેઓ તેમના પ્રથમ પ્લેયર પાર્ટનર હતાં.

આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યાં પછી પણ અર્ચના માટે તેમનાં માતાપિતા તેમની શક્તિનો આધારસ્તંભ છે.

હકીકતમાં તેમનાં માતાએ પુત્રીને પ્રૅક્ટિસ અને ટુર્નામેન્ટ દરમિયાન સાથ આપવા માટે પોતાનું કામ છોડી દીધું હતું.

તેમનાં માતાપિતાએ તેણીને રમત રમવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કામથના મોટા ભાઈએ તેમની વિશેષ પ્રતિભા જોઈને તેમને રમતને વધુ ગંભીરતાથી લેવા કહ્યું હતું.

અર્ચના કામથે પહેલાં રમતને ફક્ત એક શોખ તરીકે શરૂ કરી હતી પણ બાદમાં એક ઉદ્દેશ્ય સાથે રમવાનું શરૂ કર્યું.

મજબૂત હરીફની ઓળખ

શરૂઆતથી જ કામથે એક આક્રમક રમત વિકસાવી જે તેમની ઓળખ બની ગઈ. આક્રમક રમતથી તેમણે રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાની વય જૂથ ટુર્નામેન્ટ્સ પર આધિપત્ય જમાવવાનું શરૂ કર્યું.

2013ની સબ-જુનિયર રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં તેમની જીત એક વળાંક હતો. તેઓ કહે છે કે એ જીતે તેમનામાં આત્મવિશ્વાસ ભર્યો હતો.

કામથના આક્રમક શૉટ્સનો સામનો અનેક પ્રબળ અને ઉચ્ચ ક્રમના ખેલાડીઓએ કર્યો છે.

તાજેતરનાં વર્ષોમાં તેમણે 2018 કૉમનવેલ્થ ગેમ્સનાં ગોલ્ડ મેડલ વિજેતા અને ભારતનાં નંબર વન મોનિકા બત્રાને બે વાર હરાવ્યાં.

બત્રા સામેની બે જીતમાંથી એક 2019માં સિનિયર નેશનલ ગેમ્સમાં તેઓએ 18 વર્ષની વયે ચૅમ્પિયન બન્યાં.

સખત મહેનત અને સફળતા

કામથે 2014માં આયુ વર્ગની ટુર્નામેન્ટમાં પોતાની આંતરરાષ્ટ્રીય શરૂઆત કરી હતી.

2016માં તેઓ મોરોક્કો જુનિયર અને કૅડેટ ઓપન ટુર્નામેન્ટમાં જુનિયર ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ જિત્યાં અને 2016માં સ્પેનિશ જુનિયર અને કૅડેટ ઓપનમાં સેમિ-ફાઇનાલિસ્ટ રહ્યાં.

2018માં બેયુનોસ એયર્સમાં યૂથ ઑલિમ્પિકના સિનિયર વર્ગના પ્રદર્શનને તેઓ તેમના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં સૌથી ઉત્તમ ગણે છે, જોકે તેમાં તેઓ ચોથા સ્થાને રહ્યાં હતાં.

તેમનું કહેવું છે કે આ પ્રદર્શનથી તેમને ઘણું શીખવા મળ્યું હતું.

મિક્સ ડબલમાં કામથે 2019માં કટકમાં કૉમનવેલ્થ ટેબલ ટેનિસમાં જ્ઞાનાસેકરણ સાથિયાન સાથે જોડી બનાવીને ગોલ્ડ મેડલ જિત્યો હતો.

તેમનું કહેવું છે કે ટોચની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં ભાગ લેવા માટે આ મજબૂત જોડી છે.

આગામી લક્ષ્ય અને સપનાં

હુમલો કરવાની રીતથી કામથને ઘણા હરીફ ખેલાડીઓ સામે મદદ મળી છે, પણ તેનાથી ઈજાનું પણ જોખમ છે.

તેઓ કહે છે કે હરીફાઈ એટલી વધી ગઈ છે કે તેની સાથે તાલ મિલાવવો અને ઈજામુક્ત રહેવું જરૂરી છે. તેના માટે તેઓ સખત તાલીમ લઈ રહ્યાં છે.

કામથ હાલમાં વૈશ્વિક રેન્કિંગ (સિંગલ્સ)માં 135મા સ્થાને છે. રેન્કિંગમાં આગળ વધવા માટે તેમનું 2024માં પેરિસ ઑલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું સપનું છે.

કામથને 2014નો એકલવ્ય ઍવૉર્ડ, કર્ણાટક રાજ્યનું સર્વોચ્ચ ખેલ સન્માન મળેલું છે. અને તેઓ ભવિષ્યમાં પણ વધુ મેડલ અને ઍવૉર્ડ જીતવાની આશા રાખે છે.

(આ પ્રોફાઇલ બીબીસીએ કામથને મોકલેલા સવાલના જવાબો પર આધારિત છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો