You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માલવિકા બંસોડ : બેડમિન્ટન કોર્ટમાં ભલભલાને હરાવી દેતા ખેલાડી
શિક્ષણ પર ભાર મૂકવાને કારણે ઘણી ખેલપ્રતિભાઓ ખોવાઈ જતી હોય છે, પણ યંગ ઇન્ડિયન બેડમિન્ટન પ્લેયર માલવિકા બંસોડની કહાણી કંઈક અલગ છે.
તેમનાં ડેન્ટિસ્ટ માતાપિતા પણ તેમને સહયોગ કરતાં હતાં અને માતાએ તો સ્પૉર્ટ્સ સાયન્સમાં માસ્ટર્સ પ્રોગ્રામ પૂરો કર્યો હતો, જેથી તેમની દીકરીને તેઓ મદદ કરી શકે.
મહારાષ્ટ્રના નાગપુરનાં વતની બંસોડ નાનપણથી જ વિવિધ રમતોમાં રસ લેતાં હતાં.
તેમનાં માતાપિતાએ તેમની તંદુરસ્તી સુધારવા અને આંતરિક વિકાસ માટે રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યાં. અને આઠ વર્ષનાં બંસોડે બેડમિન્ટન પસંદ કર્યું.
તેમનાં માતાપિતા દૃઢતાથી તેમની સાથે રહ્યાં, તેમજ તાલીમની જરૂરિયાતો અને માનસિક રીતે સહયોગ કરતાં હતાં.
શટલર રમત માટે તેમના શિક્ષણનું બલિદાન આપવા માગતાં નહોતાં. તેના માટે તેમણે સખત મહેનત કરી. જોકે પરિણામ સંતોષકારક મળી રહ્યાં હતાં.
બંસોડે દસમા અને બારમાની બોર્ડની પરીક્ષામાં 90 ટકાથી વધુ ગુણ મેળવ્યા અને પરીક્ષા દરમિયાન યોજાયેલી ઇવેન્ટમાં તેઓ સાત ઇન્ટરનેશનલ મેડલ પણ મેળવવામાં પણ સફળ રહ્યાં.
બેવડા પડકારનો સામનો
સફળ વ્યાવસાયિક પરિવાર હોવા છતાં સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે બંસોડને કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલીમ માટે બહુ ઓછા સિન્થેટિક કોર્ટ હતાં અને જે હતાં તેમાં પૂરતો પ્રકાશ નહોતો.
સમયના અભાવને કારણે તેમની તાલીમ પ્રભાવિત થતી હતી.
સબ-જુનિયર અને જુનિયર સ્તરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યા પછી તેમના પરિવારને સમજાયું કે આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ ખર્ચાળ હોય છે અને સ્પૉન્શરશિપ મળવી પણ સરળ નથી.
આખરે સફળતા તરફ...
રાજ્યસ્તરે અન્ડર-13 અને અન્ડર 17 આયુવર્ગમાં ખિતાબ સાથે શરૂઆત કરી હતી.
અને બાદમાં બંસોડે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની ઇવેન્ટમાં ત્રણ ગોલ્ડ મેડલ અને રાષ્ટ્રીયસ્તરે જુનિયર અને સિનિયર ટુર્નામેન્ટમાં નવ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
તેમણે 2019માં માલદીવ ઇન્ટરનેશનલ ફ્યુચર સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં જીત મેળવીને સિનિયર ઇન્ટરનેશનલ લેવલનું સપનું સેવ્યું હતું.
ડાબા હાથના ખેલાડીએ નેપાળમાં પણ અન્નાપૂર્ણા પોસ્ટ ઇન્ટરનેશનલ સિરીઝ જીતી હતી.
સિનિયર ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન પહેલાં બંસોડે જુનિયર કે યૂથ લેવલે સફળતાનો સ્વાદ ચાખ્યો હતો.
તેમણે એશિયન સ્કૂલ બેડમિન્ટન ચૅમ્પિયનશિપ અને દક્ષિણ એશિયન અન્ડર-21 ક્ષેત્રીય બેડમિન્ટન ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જિત્યા હતા.
બંસોડે તેમના ઉત્તમ પ્રદર્શનને કારણે ભારત સરકાર અને વિભિન્ન ખેલએકમોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
અત્યાર સુધીમાં તેઓ નાગ ભૂષણ ઍવૉર્ડ, ખેલો ઇન્ડિયા ટૅલેન્ટ ડેલવપમૅન્ટ ઍથ્લીટ અને ટાર્ગેટ ઑલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) ઍથ્લીટ સન્માન સહિત અનેક ખેલસન્માન જીતી ચૂક્યાં છે.
શિક્ષણ અને રમતના તેમના અનુભવને આધારે તેઓ કહે છે કે રમતને શિક્ષણ સાથે જોડવાની વધુ જરૂર છે.
તેઓ કહે છે કે જે ખેલાડી દેશ માટે ખિતાબ જીતે છે તેમનું ભણતર ન બગડે એ માટે શિક્ષણ-વ્યવસ્થાએ તેમને યોગ્ય સહકાર આપવો જોઈએ.
તેમણે કહ્યું કે અભ્યાસ અને રમત બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડે એવી સ્થિતિ ન સર્જાવી જોઈએ.
(આ પ્રોફાઇલ બીબીસીએ માલવિકા બંસોડને મોકલેલા સવાલોના જવાબને આધારે તૈયાર કરવામાં આવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો