મંજુ રાની : એ બૉક્સર જેમની પાસે બૉક્સિંગ ગ્લવ્ઝનાં પૈસા નહોતા

બૉક્સર મંજુ રાનીએ સાબિત કરી બતાવ્યું કે શ્રેષ્ઠ લક્ષ્ય મેળવવાનું હોય ત્યારે ચોક્કસ સફળતા મળે છે.

એક બાળક તરીકે તેઓ એ કરવા માગતાં હતાં જે એક રમતના સમર્પણ માટે કરવાનું હોય છે. પછી એ મહત્ત્વનું નથી કે એ રમત કઈ છે.

હરિયાણાના રોહતક જિલ્લામાં તેમના વતન રિથલ ફોગાટમાં છોકરીઓ કબડ્ડીની તાલીમ લેતી હતી. તેઓએ પણ કબડ્ડી ખેલાડી બનવા માટે જોડાયાં હતાં.

તેમને લાગતું કે કબડ્ડીમાં સફળ થવા માટે તેમની પાસે ચપળતા છે. તેમણે કેટલાક દિવસ સુધી રમત રમી અને સારું પ્રદર્શન કર્યું હતું.

પણ નસીબે તેમના માટે અલગ યોજના ઘડી હતી.

એક સપનાનો જન્મ

રાનીએ કબડ્ડી ગ્રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં તેમના કોચ સાહેબ સિંહ નરવાલનું માનવું હતું કે એક ઊર્જાવાન યુવા માટે વ્યક્તિગત રમત વધુ યોગ્ય છે. જોકે તેમણે તેના માટે રસ્તો નહોતો પસંદ કર્યો.

2012માં લંડન ઑલિમ્પિકમાં ભારતીય બૉક્સિંગ લિજેન્ડ એમસી મેરી કૉમના બ્રોન્ઝ મેડલ મેળવ્યા બાદ રાનીએ બૉક્સિંગમાં જવાનું મન બનાવી લીધું હતું. મેરી કૉમની જીત બાદ આખા ભારતમાં જશ્ન મનાવાયો હતો.

મેરી કૉમની પ્રેરણા અને તેમના કબડ્ડી કોચની સલાહથી તેમને બૉક્સિંગમાં જવાની મદદ મળી.

બૉક્સિંગમાં તાલીમ લેવાનો નિર્ણય સરળ હતો, પણ તેના માટે જરૂરી સંસાધનો શોધવા મુશ્કેલ હતાં.

રાનીએ 2010માં તેમના પિતા ગુમાવ્યા હતા, જે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ)માં નોકરી કરતા હતા.

રાની અને તેનાં છ ભાઈ-બહેનોને તેમના પિતાના પેન્શન પર આધાર રાખવો પડ્યો.

તેમનાં માતાએ પરિવારનું પાલનપોષણ કરવા અને ઊભરતા બૉક્સિરની તાલીમ અને આહારની જરૂરિયાત માટે સંઘર્ષ કરવો પડ્યો.

તાલીમ માટે સુવિધાઓ અને સંતુલિત આહારને છોડો, એ દિવસોમાં રાની માટે ગુણવત્તાવાળાં બૉક્સિંગ ગ્લવ્ઝની જોડી ખરીદવું પણ મુશ્કેલ હતું.

તેમના કબડ્ડી કોચે ન માત્ર તેમને માનસિક રીતે મદદ કરી, પણ તેમના પહેલા બૉક્સિંગ કોચની ભૂમિકા પણ ભજવી હતી.

તેમના જ ગામના મેદાનમાં રાનીએ બૉક્સિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું.

એક સુવર્ણ શરૂઆત

રાનીના પરિવાર પાસે સંસાધનોનો અભાવ હતો, પરંતુ તેમને સહયોગ અને પ્રેરણાની કમી નહોતી.

ઓછામાં ઓછાં સંસાધનો અને પૂરતી પ્રેરણા સાથે રાનીએ વર્ષ 2019માં સિનિયર રાષ્ટ્રીય બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં પહેલી વાર ગોલ્ડ મેડલ જીત્યો.

પોતાની પહેલી નેશનલ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલની સફળતા આજે પણ તેમના મનમાં તાજી છે.

રાનીએ 2019માં રશિયામાં એઆઈબીએ વર્લ્ડ વુમન બૉક્સિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો, પણ તેમને અહીં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

એ જ વર્ષે તેમણે બલ્ગેરિયામાં 2019માં સ્ટ્રેંડજા મેમોરિયલ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જિત્યો.

પ્રભાવશાળી પ્રારંભિક પ્રદર્શન બાદ હવે હરિયાણાનાં બૉક્સરનું લક્ષ્ય ઊંચું છે અને 2024 પેરિસ ઑલિમ્પિક્સમાં તેમનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું છે.

રાનીનું માનવું છે કે જો ભારતમાં રમતગમતમાં મહિલાઓએ સફળ કારકિર્દી બનાવવી હોય તો, તેમને કુટુંબનો સંપૂર્ણ ટેકો જોઈએ.

પોતાના અનુભવને આધારે તેઓ કહે છે કે છોકરીને જે કરવું હોય તે કરવાથી કોઈ પણ પરિવારે રોકવી ન જોઈએ.

(આ પ્રોફાઇલ બીબીસીએ મંજુ રાનીને મોકલેલા સવાલોના જવાબો પર આધારિત છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો