મેહુલી ઘોષ : એ ભારતીય નિશાનેબાજ જેમણે આંતરરાષ્ટ્રીય મેડલ પર નિશાન સાધ્યું

પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં રહેતાં મેહુલી ઘોષ જ્યારે નાનાં હતાં ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે શૂટિંગ એક પ્રોફેશનલ સ્પૉર્ટ્સ પણ હોઈ શકે છે.

શરૂઆતથી જ તેમને બંદૂક અને ગોળીઓ પસંદ હતી. મેળામાં લાગતા સ્ટૉલમાં ફુગ્ગાઓ પર નિશાન તાકતી વખતે તેઓ ઘણાં ઉત્સાહિત થઈ જતાં હતાં. એ વખતે લોકપ્રિય ટી.વી. સિરિયલ સીઆઈડીથી પણ તેઓ પ્રભાવિત હતાં.

પરંતુ તેમને ક્યાં ખબર હતી કે એક દિવસ તેઓ વૈશ્વિક ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ટીનએજર તરીકે આંતરાષ્ટ્રીય મેડલો જીતશે.

મેહુલી ઘોષ 16 વર્ષની ઉંમરે પ્રથમ વખત ચર્ચામાં આવ્યાં હતાં. પૂણેમાં યોજાયેલી નેશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં 9 મેડલ જીતીને તેમણે બધાને ચૌંકાવી દીધા.

ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે જુનિયર ઇન્ડિયન ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી.

2017માં જાપાનમાં યોજાયેલી એશિયન ઍરગન ચૅમ્પિયનશિપમાં તેમણે પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો.

આકસ્મિક શૉટ

શૂટિંગમાં જવા માટેની પ્રથમ પ્રેરણા મેહુલીને વિખ્યાત ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાથી મળી હતી.

પોતાના ઘરમાં નાના ટી.વી. પર અભિનવ બિન્દ્રાને 2008 બીજિંગ ઑલિમ્પિક્સ રમતા અને મેડલ મેળવતા જોતા એ હજી પણ તેમને યાદ છે.

એ પણ યાદ છે અભિનવ બિન્દ્રાને જોયા બાદ તેમને પણ આ રીતે સફળ થવા માટેની પ્રેરણા મળી હતી.

મેહુલીના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. તેમના પિતા એક મજૂર છે અને માતા ગૃહિણી છે.

પરિવારનાં મર્યાદિત સંસાધનો વચ્ચે ખેલાડી બનવા માટેની ટ્રેનિંગ લેવી એક સ્વપ્ન જેવું હતું.

પોતાની કારર્કિદી અને શૂટિંગની પ્રૅક્ટિસ માટે પરિવારને રાજી કરવામાં મેહુલીને એક વર્ષનો સમય લાગ્યો. પરિવારના સભ્યો માની ગયા બાદ મેહુલીએ પાછળ વળીને જોયું નથી.

માતા-પિતાએ બધી રીતે મેહુલીની મદદ કરી. એ દિવસોમાં કોઈ સારો રેન્જ અને ઇલેક્ટ્રોનિક ટાર્ગેટ ન હોવાથી મેહુલી ટાર્ગેટ બદલવા માટે હાથથી ચાલતાં પૈડાંનો ઉપયોગ કરતાં.

પરંતુ તેમના માટે વધુ એક પડકાર રાહ જોઈને ઊભો હતો.

વર્ષ 2014માં ભૂલથી એક વ્યક્તિ પર તેમને પૅલેટ ચલાવી દીધું હતું, જેના કારણે એ વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટનાના કારણે તેમના પર રમત રમવા પર હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધને કારણે તેઓ ડિપ્રેશનમાં ચાલ્યાં ગયાં હતાં.

માતા-પિતા મેહુલીના પડખે ઊભાં રહ્યાં અને પોતાની દીકરીને તેઓ વિખ્યાત શૂટર અને અર્જુન ઍવૉર્ડ વિજેતા જોયદીપ કર્મકાર પાસે લઈ ગયા.

જોયદીપ સાથેની મુલાકાત બાદ મેહુલીના જીવનમાં મહત્ત્વનો વળાંક આવ્યો.

ગોલ્ડ માટે શૂટિંગ કરતાં મેહુલી

મેહુલી પાસે કોઈ સારા કોચ નહોતા અને કર્મકારની એકૅડેમીમાં ટ્રેનિંગ લેવાથી તેમની અંદર આત્મવિશ્વાસનો સંચાર થયો અને રમતમાં પાછા આવવા માટેનું મનોબળ મળ્યું.

એકૅડેમી ટ્રેનિંગ લેવી એટલે દરરોજ ચાર કલાકની મુસાફરી કરવી અને ઘણી વખત તેમનો દિવસ મધરાતે પૂર્ણ થતો.

પરંતુ કઠિન પરિશ્રમનાં ફળ મળવાં લાગ્યાં અને 2017માં મેહુલીએ જાપાનમાં યોજાયેલી એશિયન ઍરગન ચૅમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો.

એ બાદ તેઓ સફળતાનાં નવાં શિખરો સર કરવાં લાગ્યાં. પછીના વર્ષે વિવિધ આંતરરાષ્ટ્રીય રમતમાં તેમણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જિત્યાં.

વર્ષ 2018માં તેમણે યૂથ ઑલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. આ વર્ષે વિશ્વકપમાં પણ તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

વર્ષ 2019માં યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ જિત્યા.

હવે તેઓ ઑલિમ્પિક અને વિશ્વકપમાં ગોલ્ડ મેડલ જીતવા માટેની તૈયારી કરી રહ્યાં છે.

મેહુલી કહે છે કે લોકપ્રિય રમતોમાં જ્યારે ખેલાડી સારું પ્રદર્શન કરે છે ત્યારે તેમની સફળતાની બધે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ લોકપ્રિય ન હોય એવી રમતમાં જ્યારે કોઈ ખેલાડી ઉત્કૃષ્ટ દેખાવ કરે છે તો કોઈ એ તરફ ધ્યાન આપતું નથી.

તેમને આશા છે કે નજીકના દિવસોમાં પરિસ્થિતિ બદલાશે, કારણ કે આવા ખેલાડીઓની સફળતા કોઈ પણ રીતે ઓછી નથી.

(આ પ્રોફાઇલ બીબીસી દ્વારા મેહુલી ઘોષને મોકલવામાં આવેલા સવાલોના આધારે તૈયાર કરવામાં આવી છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો