અર્થતંત્રમાં મંદી છતાં ભારતના શૅરબજારમાં ઐતિહાસિક ઉછાળો કેમ આવ્યો?

ઇમેજ સ્રોત, PTI
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
તા. 21 જાન્યુઆરી, 2021. આ દિવસ બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાશે.
145 વર્ષના ઇતિહાસમાં આ દિવસે પ્રથમ વખત એક્સચેન્જના 30 શૅરના સંવેદી સૂચકાંક સેન્સેક્સે 50 હજારની મનોવૈજ્ઞાનિક સપાટી પાર કરી હતી.
આ સ્તરે બજાર ઉપર નફારૂપી વેચવાલીનું દબાણ આવ્યું હતું અને સેન્સેક્સ 49 હજાર 624.76 ઉપર બંધ થયો હતો.
આને એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવે છે. આ માઇલસ્ટૉન કેટલો મહત્ત્વપૂર્ણ છે, એ વાતનો અંદાજ એ બાબત પરથી મૂકી શકાય છે કે માર્ચ મહિનાના અંતભાગમાં દેશભરમાં લૉકડાઉન લાગ્યું હતું, ત્યારે સેન્સેક્સ ગગડીને 25 હજાર 638ની સપાટીને સ્પર્શી ગયો હતો.
આજે 10 મહિનામાં સૂચકાંક આકાશ આંબી રહ્યો છે અને તેમાં બમણી વૃદ્ધિ થઈ છે. આ જબરદસ્ત ઉછાળનું કારણ શું છે તથા શું આ 'ફિલગૂડ' સમય હજુ પણ ચાલુ રહેશે?

આવક, અસમાનતા અને અસમંજસ

ઇમેજ સ્રોત, SOPA IMAGES
એક અનુમાન મુજબ, વર્ષ 2020માં શૅરબજારમાં રોકાણ કરનારાઓને 15 ટકાનો લાભ થયો છે. બીજા કોઈ ક્ષેત્રમાં આટલા ઓછા સમયમાં આટલો જોરદાર નફો થવો અશક્ય હતો.
જો કોરોનાની મહામારીને કારણે ભારતનુ અર્થતંત્ર ડગમગી ગયું હતું તો આટલો ઉછાળ કેમ આવ્યો?
મુંબઈની દલાલ સ્ટ્રીટ (અહીં બૉમ્બે સ્ટોક એક્સચેન્જ આવેલું હોય તે પર્યાયવાચી શબ્દ જેવા બની ગયા છે.) ઉપર ખુશીની લહેર ફરી વળી છે, પરંતુ સામાન્ય લોકોના મનમાં સવાલ ઊઠી રહ્યો છે કે અર્થતંત્ર તથા શૅરબજારની વચ્ચે સીધો સંબંધ કેમ જોવા નળી મળતો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલ ભારત જ નહીં, અમેરિકા, દક્ષિણ કોરિયા તથા વિશ્વનાં અન્ય અર્થતંત્રોમાં પણ આવું જ વલણ જોવા મળી રહ્યું છે. આથી, તેને 'વૈશ્વિક વલણ' જણાય છે.
મુંબઈસ્થિત અર્થશાસ્ત્રી વિવેક કૌલના કહેવા પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના અર્થતંત્રનું કદ ઘટશે,પરંતુ શૅરબજારમાં ઉછાળ જોવા મળી રહ્યો છે.
આની પાછળનું મુખ્ય કારણ બજારમાં મોટા પાયે ઠલવાયેલું નાણું છે.

ઉછાળનાં ત્રણ કારણ

ઇમેજ સ્રોત, INDRANIL MUKHARJEE /Getty Images
અમેરિકાની વિખ્યાત વ્હૉર્ટન બિઝનેસ સ્કૂલના ડેઈલી રેડિયો શૉમાં સંસ્થાના નાણાકીય બાબતોના પ્રાધ્યાપક ઇતે ગોલ્ડસ્ટિને (Itay Goldstein) અર્થતંત્ર તથા શૅરબજાર વચ્ચેના વૈશ્વિક વિપરીત વલણ માટે ત્રણ કારણ ગણાવ્યા હતા.
પહેલું કારણ, જે અગાઉ પણ સત્ય હતું અને અત્યારે પણ સત્ય છે. એ કે શૅરબજારમાં રોકાણકાર આવનારા સમયને ધ્યાને રાખે છે. જ્યારે આપણે વર્તમાન સમયમાં જે કંઈ ઘટી રહ્યું હોય તેને ધ્યાને લેતા હોઈએ છીએ. જેમ કે, હાલમાં દેશના અર્થતંત્ર, રોજગાર, ઉત્પદાન જેવા પરિબળોમાં શું થઈ રહ્યું છે.
પ્રો. ગોલ્ડસ્ટિનના કહેવા પ્રમાણે, વિશ્વના તમામ મહાકાય અર્થતંત્રોની મધ્યસ્થ બૅન્કોએ ઉદાર નાણાકીય પૅકેજની જાહેરાત કરી છે. જેના કારણે બજારમાં મોટાપાયે નાણું ઠલવાયું છે.
પ્રો. ગોલ્ડસ્ટિન ત્રીજું કારણ આપતા કહે છે કે શૅરબજારમાં નોંધાયેલી કંપનીઓ સમગ્ર અર્થતંત્રનું પ્રતિનિધિત્વ કરતી હોય, તે જરૂરી નથી. પોતાના તર્કની તરફેણ માટે તેઓ ફેસબુક, ગૂગલ, એમેઝોન તથા નેટફ્લિક્સ જેવી કંપનીઓનું ઉદાહરણ આપે છે.
પ્રો. ગોલ્ડસ્ટિનના કહેવા પ્રમાણે, આ કંપની ઉપર કોરોનાની મહામારી દરમિયાન કોઈ નકારાત્મક અસર નથી થઈ અને તેમના શૅરના ભાવ વધ્યા છે. છતાં આ કંપનીઓ સંપૂર્ણપણે અર્થતંત્રનું નેતૃત્વ નથી કરતી.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ પણ નાણાકીય સ્થિરતા ઉપર ભાર આપે છે. તેમના કહેવા પ્રમાણે, હાલમાં દેશના અર્થતંત્ર તથા બજાર વચ્ચે સીધો સંબંધ નથી રહ્યો, જે તેમના માટે ચિંતાજનક બાબત છે અને આ વલણ ઉપર નજર રાખવી જરૂરી છે.

દેશમાં BULL RUN કેમ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સિક્યૉરિટીઝના પ્રતીક કપૂરના કહેવા પ્રમાણે, અમેરિકામાં મહામારીને પહોંચી વળવા માટે અલગ-અલગ પૅકેજની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે બજારમાં મોટાપાયે નાણાકીય તરલતા વધી છે.
કપૂરના કહેવા પ્રમાણે : "ભારત વિશ્વનું વિકસતું બજાર છે. તે સલામત તથા નફો રળી આપનારું બજાર છે. આથી વિદેશી રોકાણ સંસ્થાઓ (FII) ભારતમાં મોટા પાયે રોકાણ કરી રહી છે.
જાન્યુઆરી મહિનાના શરૂઆતના અમુક દિવસો દરમિયાન તેમણે ભારતની બજારમાંથી પૈસા કાઢ્યા હતા, જેના કારણે બજારમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ગત બે-ત્રણ દિવસથી તેઓ ભારે રોકાણ કરી રહ્યા છે."
પ્રતીક કપૂરના કહેવા પ્રમાણે, આની પાછળનું વધુ એક કારણ વ્યાજદરમાં ઘટાડો છે. તેઓ ઉમેરે છે કે અમેરિકામાં ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. બુધવારે બાઇડને શપથગ્રહણ કરી લીધા અને તેમણે પદભાર સંભાળતા જ જે મહત્ત્વપૂર્ણ પગલાં લીધા, તેનો અમેરિકાની બજારો ઉપર સકારાત્મક પ્રભાવ પડ્યો છે. જેની અસર ભારતના શૅરબજારો ઉપર પણ જોવા મળી રહી છે.
વર્ષ 2020માં વિદેશી રોકાણકારોએ ભારતીય શૅરબજારોમાં 32 અબજ ડૉલરના સોદા કર્યા હતા, જે કોઈ એક વર્ષ માટેનો કિર્તિમાન છે. 2019માં પણ FIIમાં ભારત પ્રત્યે રુચિ જોવા મળી હતી, જે 2021માં પણ જળવાઈ રહેશે, તેવી શક્યતા જોવાઈ રહી છે.
એક અંદાજ મુજબ, વર્ષ 2021 દરમિયાન ભારતમાં 25થી 30 અબજ ડૉલરનું રોકાણ જોવા મળે તેવી શક્યતા છે. વિવેક કૌલ પણ માને છે કે બજારમાં ઉપલબ્ધ સરળ નાણાકીય તરલતાને કારણે ઉછાળ આવી રહ્યો છે.

ઇમેજ સ્રોત, SOPA IMAGES/GETTY IMAGES
કૌલ કહે છે કે વ્યાજના દરોમાં ઘટાડા બાદ અનેક સ્થાનિક રોકાણકારોએ શૅર તરફ નજર દોડાવી છે.
ભારતની મધ્યસ્થ બૅન્ક આર.બી.આઈ. (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા)એ ભારતની આર્થિક વ્યવસ્થામાં મોટા પાયે નાણું ઠાલવ્યું છે. આને કારણે ચાલુ વર્ષ દરમિયાન અર્થતંત્રમાં ઘટાડો થવાની શક્યતા હોવા છતાં, બજાર ઉપર જઈ રહ્યું છે.
આ સિવાયનું એક કારણ એ છે કે દેશમાં પણ શૅરબજારમાં રોકાણ કરવા તરફણું આકર્ષણ વધ્યું છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2020 દરમિયાન રિટેલ રોકાણકારોની શ્રેણીમાં લગભગ એક કરોડ નવા રોકાણકાર ઉમેરાયા હતા.
લાંબાગાળા માટે રોકાણ કરવા માગતા ધનિકો હવે બૅન્ક કે રિયલ ઍસ્ટેટમાં પૈસા રોકવાને બદલે સ્ટોક તથા શૅર પસંદ કરે છે.
શૅરબજારમાં રૂઢ શબ્દ પ્રમાણે, જ્યારે બજારમાં ઉછાળ જોવા મળે ત્યારે તેને BULL RUN સાથે સરખાવવામાં આવે છે. સાંઠ સામેવાળાને ઉછાળી દે છે, તે ખાસિયતને જોતા ઉછાળને બૂલ સાથે સરખાવવામાં આવે છે.

BULLને BEAR ક્યારે?

ઇમેજ સ્રોત, INDRANIL MUKHARJEE
BULLના કબજામાં રહેલું બજાર ક્યારે BEARના હાથમાં આવશે અને આ ફૂલગુલાબી તેજી ક્યાર સુધી ચાલુ રહેશે, તે વિશે ચર્ચા થતી રહે છે, પરંતુ નિષ્ણાતોમાં આ અંગે વિરોધાભાસ પ્રવર્તે છે.
પ્રતીક કપૂરના કહેવા પ્રમાણે બજાર હજુ પણ ઉપર જશે. તેઓ કહે છે, "વિદેશી રોકાણકારો ભારત તરફ નજર કરતા જ રહેશે. જો બાઇડન દ્વારા જાહેર કરવામાં આવેલું આર્થિક પૅકેજ રંગ લાવશે. એ પહેલાં ટૂંકાગાળાનો સુધાર આવી શકે છે."
મતલબ કે આગામી દિવસો કે અઠવાડિયા દરમિયાન બજારમાં ઉત્તાર-ચઢાવ જોવા મળી શકે છે. કેટલીક કંપનીઓના શૅરના ભાવ ગગડશે. જોકે આ સુધાર એ નકારાત્મક ઘટાડો નહીં હોય. હાલમાં બજાર જરૂર કરતાં વધારે ઉછાળ પર છે એટલે એક કરૅક્શન જરૂરી છે.
જ્યારે બજારમાં ઘટાડો આવે અને મંદી ચાલી રહી હોય ત્યારે તેને બોલચાલની ભાષામાં BEAR RUN કહેવામાં આવે છે. ભાલુ સામેવાળાને પટકી-પટકીને મારતો હોવાથી આ શબ્દ રૂઢ થયો છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












