#FarmerProtest : કેન્દ્ર કૃષિકાયદા રદ નહીં કરે, સુધારો કરી શકે : હરિયાણાના સીએમ - BBC TOP NEWS

કેન્દ્ર સરાકારે લાવેલા નવા કૃષિકાયદા સામે ખેડૂતો છેલ્લા દોઢ મહિનાથી આંદોલન કરી રહ્યા છે. તેમની માગ છે કે આ કાયદા તેમના હિતમાં નથી આથી તેને રદ કરવામાં આવે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેમની એક સભામાં કહ્યું કે કેન્દ્ર સરકાર કાયદા રદ નહીં કરે.

ખેડૂતોને કૃષિકાયદાના લાભ સમજાવવા એક કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ ખેડૂતોએ તેમાં ધસી જઈને વિરોધ નોંધાવ્યો હતો.

આથી તેમણે કાર્યક્રમ અધવચ્ચેથી જ પડતો મૂકવો પડ્યો હતો. બાદમાં તેમણે કહ્યું કે સરકાર કાયદામાં સુધારો કરી શકે છે પણ તેને પાછા લેશે નહીં.

આજથી ગુજરાતમાં શાળાઓ ફરી ખૂલશે

ગુજરાત સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ધોરણ 10 અને 12ના વર્ગો માટે શાળાઓ ખોલી દેવાશે. કોરોના વાઇરસની મહામારીને પગલે દેશભરમાં લૉકડાઉન થયા પછી ગુજરાતમાં આ પહેલી વખત શાળાઓ ખૂલી રહી છે.

અગાઉ સરકારોએ સ્કૂલો ખોલવાની જાહેરાત કરી હતી પણ પછી તેને સ્થગિત રાખવામાં આવી હતી.

હવે આજથી સ્કૂલો શરૂ થશે. સ્કૂલોને સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રૉસિજરની માર્ગદર્શિકા પણ મોકલી દેવાઈ છે.

સરકારે કહ્યું છે કે સ્નાતક અને અનુસ્તાકના છેલ્લા વર્ષના વર્ગો પણ શરૂ કરી દેવાશે. તમામ સ્કૂલ-કૉલેજોએ કોરોના સંદર્ભની માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.

મધ્યપ્રદેશમાં વૅક્સિન ટ્રાયના સહભાગીના મોત પર વિવાદ

મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસની વૅક્સિનની ટ્રાયલ દરમિયાન એક સહભાગી (પાર્ટિસિપન્ટ) દીપક મરાવીનું મોત થઈ ગયું હતું. માત્ર એક જ દિવસની અંદર તેમના મોતની તપાસ પૂરી કરી દેવામાં આવી હોવાથી વિવાદ થયો છે.

'એનડીટીવી'ના રિપોર્ટ મુજબ દીપક મરાવી નામની વ્યક્તિએ મઘ્યપ્રદેશના ભોપાલમાં રસીની ટ્રાયલમાં ભાગ લીધો હતો. તેમનું મોત કેવી રીતે થયું તેની તપાસ માટે સરકારે પીપલ્સ હૉસ્પિટલના છ તબીબોની ટીમ રચી હતી.

તેમણે ક્લિનિકલ ટ્રાયલના સ્થળે જઈ માત્ર કેટલાક કલાકોમાં જ તપાસ કરીને રિપોર્ટ આપી દેતા વિવાદ થયો છે. તેમણે મૃતકના પરિવારના સભ્યો સાથે પણ વાતચીત નથી કરી.

જોકે બીજી તરફ તપાસ સમિતિનું કહેવું છે તેમણે માત્ર એ તપાસ કરવાની હતી કે હૉસ્પિટલે ટ્રાયલના પ્રૉટોકોલનું પાલન કર્યું છે કે નહીં.

ગેરકાયદે બાંધકામ મામલેની નોટિસ પર સોનુ સૂદ હાઈકોર્ટ પહોંચ્યા

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ લૉકડાઉન સમયે શ્રમિકોને તેમના વતન મોકલવા માટે મદદરૂપ થયા પછી ઘણા ચર્ચામાં રહ્યા છે. જોકે હવે તેઓ તેમના નિવાસસ્થાને ગેરકાયદે બાંધકામ કરાવવા મામલે મળેલી નોટિસથી ચર્ચામાં આવ્યા છે.

'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ મુજબ જૂહુના બંગલામાં કથિત ગેરકાયદેસર બાંધકામ મામલે તેમને મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હતી.

નોટિસ વિરુદ્ધ તેઓ મુંબઈ હાઈકોર્ટ પહોંચ્યા છે. સર્વોચ્ચ ન્યાયાલના ન્યાયાધિશ પૃથ્વીરાજ ચવ્હાણની પીઠ તેમની અરજી પર સુનાવણી કરશે.

આધાર કાર્ડની બંધારણીય યોગ્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકાર

આધાર કાર્ડની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીની પુનર્સમીક્ષા કરવામાં આવશે. પાંચ જજોની બંધારણીય પીઠ આ મામલે વિચારણા કરશે.

વળી રાજ્યસભા સાંસદ જયરામ રમેશે કરેલી અરજી સહિતની સાત અરજીઓ પર વિચારણા કરવામાં આવશે.

અરજીમાં આધાર કાર્ડને બહુમતીના નિર્ણયના રૂપમાં યથાવત્ રાખીને સરકારના કાનૂની ઉદ્દેશો પૂરા કરવા માટે વ્યક્તિની પ્રાઇવસી પર એક યોગ્ય પ્રતિબંધ ગણવાના અદાલતના નિર્ણય પર ફેરવિચારણાની માગ કરાઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો