You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ કહ્યું, મોદી એમ ન સમજે કે ખેડૂતો ઘરે જતા રહેશે, ખેડૂતો પાછા નહીં પડે
દિલ્હી સરહદે વિવિધ રાજ્યોના ખેડૂતો નવા કૃષિકાયદાઓ સામે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને મહિનો થવા આવ્યો છે અને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે રાષ્ટ્રપતિ ભવન જઈ રહ્યા છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે રાષ્ટ્રપતિને મળીને તેમને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરવાના છે ત્યારે પોલીસે એમની કૂચને અટકાવી દીધી છે અને પ્રિયંકા ગાંધી સહિત કૉંગ્રેસ નેતાઓની અટકાયત કરી છે.
નરેન્દ્ર મોદી ક્રોની કૅપિટાલિસ્ટો માટે રૂપિયા બનાવે છે - રાહુલ ગાંધી
પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત દરમિયાન રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ રાષ્ટ્રપતિભવને રામનાથ કોવિંદની મુલાકાતે પહોંચ્યાં.
રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્રોની કૅપિટાલિસ્ટો માટે રૂપિયા બનાવે છે. એ ખેડૂત હોય, મજૂર હોય કે ખુદ મોહન ભાગવત હોય, જે પણ એમની વિરુદ્ધ બોલવાનો પ્રયાસ કરે એને આતંકવાદી કહેવામાં આવે છે.
એમણે કહ્યું કે, મોદી સરકાર જ્યાં સુધી કાળા કાયદાઓ પાછા નહીં લે ત્યાં સુધી ખેડૂતો પાછા ઘરે નહીં જાય. સરકારે સંસદનું સંયુકત સત્ર બોલાવી આ કાયદાઓ પાછા લેવા જોઈએ. વિપક્ષી દળો ખેડૂતોની અને મજૂરોની સાથે છે.
એમણે કહ્યું, મે રાષ્ટ્રપતિને કહ્યું કે આ કાયદાઓ ખેડૂતવિરોધી છે, ખેડૂતો એની વિરુદ્ધ છે એ આખો દેશ જોઈ રહ્યો છે.
પ્રિયંકા ગાંધીની અટકાયત
દિલ્હી પોલીસે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અનેકની અટકાયત કરી છે.
પ્રિયંકા ગાંધીએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે અમે આ કૂચ ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે તેના સમર્થન માટે કરી છે. સરકાર તેની સાથે અસહમતી દાખવનાર દરેકને આતંકવાદી તત્ત્વો તરીકે ચિતરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું, આપણે લોકશાહીમાં રહીએ છીએ અને આ ચૂંટાયેલા સાંસદો છે. એમને રાષ્ટ્રપતિને મળવાનો અધિકાર છે અને તેમને મળવા દેવા જોઈએ. એમાં શું સમસ્યા છે? સરકાર લાખો ખેડૂતોનો અવાજ સાંભળવા તૈયાર નથી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ સરકાર ખેડૂતો માટે જે પ્રકારના શબ્દો વાપરે છે એ પાપ છે.
રાહુલ ગાંધી પાર્ટી નેતાઓ સાથે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરવાના છે. તેઓ બે કરોડ સહીવાળું મેમોરેન્ડમ પણ રાષ્ટ્રપતિને આપશે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ કૉંગ્રેસ ભવન ખાતે અનેક નેતાઓ એકત્રિત થયા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથેની મુલાકાત અગાઉ રાહુલ ગાંધીએ કૉંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સાંસદો સાથે મિટિંગ કરી.
રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત અગાઉ કૉંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે સરકારે ખેડૂતો સાથે કોઈ ચર્ચા વગર કાયદો પાસ કર્યો એ વાત સ્વીકારવી જોઈએ. સરકારને પ્રેરિત કરવામાં રાષ્ટ્રપતિની મોટી ભૂમિકા હોય છે.
દિલ્હી પોલીસના એડિશનલ એસીપી દીપક યાદવે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ભવનની કૉંગ્રેસ કૂચને કોઈ પરવાનગી નથી આપવામાં આવી. જે નેતાઓ પાસે રાષ્ટ્રપતિભવનની મુલાકાતની ઍપોઇન્ટમેન્ટ હશે તેમને જવા દેવામાં આવશે.
દરમિયાન ખેડૂત નેતાઓનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી શરતોની પુનઃસમીક્ષા નહીં કરશે ત્યાં સુધી તેઓ વાતચીત માટેની તારીખ નક્કી નહીં કરે.
બુધવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંઘ તોમરે કહ્યું હતું કે ખેડૂતોએ સરકાર સાથે વાતચીત કરવી જોઈએ અને કડકડતી ઠંડીમાં સંખ્યાબંધ ખેડૂતો બહાર સૂઈ રહ્યાં છે જેનાથી સરકારને ઘણી ચિંતા છે.
બોરિસ જોન્સન મોદી આગળ ખેડૂતોનો મુદ્દો ઉઠાવે - બ્રિટિશ સાંસદો
ખેડૂત નેતાઓએ એમની માગણીઓનો ઉકેલ ન આવે તો ભારતની મુલાકાત રદ કરવા માટે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનને વિનંતી કરી છે ત્યારે હવે બ્રિટનના વિપક્ષી સાંસદોએ પણ પત્ર લખ્યો છે.
બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ કહ્યું છે કે બોરિસ જોન્સનના ભારત પ્રવાસને લઈને તૈયારીઓ પૂરી થઈ ગઈ છે એથી જલદી જ તેમને વિપક્ષી પાર્ટીઓ તરફથી એક પત્ર મોકલવામાં આવશે. જેમાં તેઓ ભારતના ખેડૂતોના આંદોલનને લઈને પોતાનો મત સ્પષ્ટ કરે અને ભારતના વડા પ્રધાન સમક્ષ ઉકેલ લાવવા માટે આ મુદ્દો ઉઠાવે એની અપીલ કરવામાં આવશે.
તનમનજીત સિંહે અંગ્રેજી અને પંજાબીમાં એક વીડિયો ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો