કોરોના વાઇરસ : મોદી સરકારે 20 લાખ કરોડના પૅકેજમાંથી ફક્ત 10 ટકાનું વિતરણ કર્યું

કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મે મહિનામાં કોરોના વાઇરસ મહામારીના સમયમાં રૂપિયા 20 લાખ કરોડના આર્થિક પૅકેજની જાહેરાત કરવામાં આવી હતી જોકે એમાંથી ફકત 10 ટકા જ રકમ કેન્દ્ર સરકારે વિતરિત કરી છે.

ધ ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે આ 20 લાખ કરોડના પૅકેજમાંથી માંડ 10 ટકા જ રકમ વિતરણ થઈ શકી છે.

20 લાખ કરોડના ઐતિહાસિક નાણાકીય પૅકેજનો ફાયદો કેટલો થયો એ અંગે પૂનાના એક ઉદ્યોગપતિ પ્રફુલ્લ સરદાએ આરટીઆઈ અંતર્ગત માહિતી માગી હતી અને કેન્દ્ર સરકાર તરફથી જે જવાબો મળ્યા એ ચોંકાવનારા હતા.

આરટીઆઈમાં તેઓએ ક્ષેત્ર પ્રમાણે અને રાજ્ય વાર પૅકેજનું વિતરણ અને કેન્દ્ર સરકાર પાસે હાલ બાકીની રકમ અંગે માહિતી માગી હતી.

સરદાએ જણાવ્યું હતું કે "રૂપિયા 20 લાખ કરોડના અભૂતપૂર્વ સહાય પૅકેજમાંથી ફક્ત ત્રણ લાખ કરોડ રૂપિયા ઈસીએલજીએસ હેઠળ મંજૂર કરવામાં આવ્યા હતા અને તેમાંથી દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માંડ રૂપિયા 1.20 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે "છેલ્લા 10 મહિનાથી સમગ્ર દેશ કોરોના વાઇરસ મહામારી અને લૉકડાઉન પછીની અસરો હેઠળ છે. કરોડો લોકો, તેમના પરિવારો અને ધંધાદારીઓ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, પરંતુ કેન્દ્રે હજુ સુધી પૂરતાં નાણાંની મંજૂરી આપી નથી."

આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે સૌથી વધારે નાણાં મેળવનાર રાજ્ય મહારાષ્ટ્ર છે અને એ પછી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ઇન્ટર્ન ડૉક્ટરોનું વિવિધ માગો સાથે વિરોધપ્રદર્શન

ગુજરાતમાં આજે ઇન્ટર્ન ડૉક્ટરો દ્વારા તેમની વિવિધ માગણીઓને લઈને હડતાળ પાડવામાં આવી હતી.

અમદાવાદમાં બી. જે. મેડિકલમાં કોવિડ ડ્યૂટી બજાવનારા ઇન્ટર્ન તબીબોએ સ્ટાઇપૅન્ડ વધારવા માટે દેખાવો કર્યા હતા.

બીબીસી સંવાદદાતા સાગર પટેલ સાથે વાત કરતાં બી.જે. મેડિકલ કૉલેજના ઇન્ટર્ન તબીબે કહ્યું કે "અમને મહિને 12,800 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જે અન્ય રાજ્યો કરતાં બહુ ઓછું છે."

"આથી અમારી સરકારને માગણી છે કે અમને મહિને 20,000 રૂપિયાનું સ્ટાઇપૅન્ડ આપવામાં આવે, અને એ પણ એપ્રિલ મહિનાથી એરિયર્સ સાથે."

અન્ય એક ડૉક્ટરે કહ્યું કે "અમારી મુખ્ય ત્રણ માગ છે- ઇન્સેન્ટિવ રોજનું એક હજાર રૂપિયા આપવામાં આવે, સ્ટાઇપૅન્ડ 20 હજાર કરવામાં આવે અને એપ્રિલ પછી તેમને બૉન્ડમુક્ત કરવામાં આવે."

ઇન્ટર્ન ડૉક્ટરોએ કહ્યું કે જ્યાં સુધી તેમની લેખિતમાં માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખશે.

તેમના કહેવા પ્રમાણે, ગુજરાતમાં આવી 14 મેડિકલ કૉલેજ છે, જેના 2000થી વધુ ઇન્ટર્ન આ હડતાળમાં જોડાયા છે.

ઇન્ટર્ન ડૉક્ટરોએ તેમની માગણી પૂરી કરવા માટે અહીં નારા પણ પોકાર્યા હતા.

તેમનું કહેવું છે કે કોવિડ ડ્યૂટી પૂરી થયા પછી તેમને નૉન-કોવિડ ડ્યૂટી પણ કરવી પડે છે.

ખેડૂત આંદોલન : સૌરાષ્ટ્રમાં 90 ટકા ખેતી કૉન્ટ્રેક્ટથી થાય છે?

હાલમાં દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂત આંદોલન અને કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદા સંદર્ભે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પત્રકારપરિષદ યોજીને સરકારનો પક્ષ મૂક્યો હતો.

તેઓએ કહ્યું કે આ ત્રણેય કાયદા ખેડૂતોના હિત માટે લાવવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે આ કાયદાથી ખેડૂતોના જોખમને ઓછું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

"યુપીએ-2માં જે પાંચ વર્ષમાં ખરીદી થઈ હતી, ત્યારપછી 2014થી 2019 વચ્ચે 75 ગણી વૃદ્ધિ ખરીદીમાં થઈ છે."

"આ બિલોને ધરતી પર ઊતરવા દો, તેને અમલ થવા દો અને અમલને અંતે જો ખેડૂતોને કોઈ હાડમારી ભોગવવી પડે એવું ખેડૂતોના અનુભવમાં આવે તો સરકાર તેના અંગે જરૂર વિચારણ પણ કરશે."

તેઓએ એમ પણ કહ્યું કે અગાઉથી બિલનો વિરોધ કરવા આવે એ લોકતાંત્રિક દેશમાં યોગ્ય નથી.

"ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પહોંચી વળવા માટે ખેડૂતોને રોકડ રકમ આપવાનો નિર્ણય કર્યો અને 95 હજાર કરોડ રૂપિયા ખેડૂતોનાં ખાતામાં જમા કરી દીધાં છે."

તેમણે ફાર્મિંગ કૉન્ટ્રાક્ટ અંગે કહ્યું કે "કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં જમીન શબ્દનો કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી."

"જો ખેડૂત અને રોકાણકાર ઇચ્છે તો જ આ શક્ય બનશે. તેનાથી ખેડૂતોની જમીન જશે એવો ભય રાખવાની જરૂર નથી."

તેઓએ કહ્યું કે "સૌરાષ્ટ્રમાં હાલના સમયમાં 90 ટકા વધુ ખેતી કૉન્ટ્રેક્ટથી થાય છે."

ભારતમાં કોરોના વિરુદ્ધ રસીકરણની શરૂઆત ક્યારથી થશે?

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું કે ભારતમાં કોરોના સામેનું રસીકરણ જાન્યુઆરીમાં શરૂ થવાની શક્યતા છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર અદાર પૂનાવાલાનું કહેવું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસી બનાવી રહ્યાં છે અને તેનું પરીક્ષણ કરી રહ્યું છે, જેને આ મહિનાના અંત સુધીમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે.

'ઇકૉનૉમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટ'માં અદાર પૂનાવાલાએ આશા વ્યક્ત કરી હતી કે ભારતમાં દરેક વ્યક્તિને ઑક્ટોબર 2021માં આ રસી મળી જશે. એ સાથે જ સામાન્ય જીવન પાટા પર આવી જશે.

મેડિકલ જર્નલ લૈંસેન્ટમાં પ્રકાશિત ઑક્સફોર્ડ કોવિડ-19 વૅક્સિનની ટ્રાયલનાં અંતિમ પરિણામનો હવાલો આપીને કહેવાયું કે આ રસી 70 ટકા મામલામાં અસરકાર નીવડી છે.

IRCTCએ વડા પ્રધાનના શીખ સમુદાય અંગેના સંબંધો પર જાણકારી આપી

જનસત્તાના રિપોર્ટ અનુસાર, આઈઆરસીટીસીએ 8થી 12 ડિસેમ્બરે વચ્ચે અંદાજે બે કરોડ ઈમેઇલ મોકલીને તેના ગ્રાહકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શીખ સમુદાય માટે લીધેલા 13 નિર્ણયો અંગે જાણકારી આપવામાં આવી છે.

આ જાણકારી કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન સમયે કરાઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે રેલવે સાર્વજનિક ઉપક્રમ (પીએસયુ) ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઈઆરસીટીસી)એ પોતાના ગ્રાહકોને 47 પાનાંની પુસ્તિકા- 'વડા પ્રધાન મોદી અને તેમની સરકારના શીખો સાથે વિશેષ સંબંધે' મોકલી છે.

આ સરકારના 'જનહિત' સંપર્ક હેઠળ મોકલવામાં આવી છે. તેનો હેતુ વિધેયકથી લોકોને જાગરૂક કરવાનો છે અને તેના અંગેના ભ્રમ દૂર કરવાનો છે. પુસ્તિકા હિંદી, અંગ્રેજી અને પંજાબીમાં છે.

આઈઆરસીટીસીએ નિવેદનમાં કહ્યું કે ઈમેઇલ બધાને મોકલવામાં આવ્યા છે, ભલે એ ગમે તે સમુદાયના હોય. પહેલાં પણ સરકારી કલ્યાણકારી યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે આઈઆરસીટીસીએ આવી ગતિવિધિઓ કરી છે.

ગુજરાતમાં હવે ફાયર સેફ્ટી અંગે નવા નિયમો લાગુ થશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આગની બનાવો વધતા રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે ચર્ચા થઈ રહી હતી.

ત્યારે હવે રાજ્યમાં ફાયર સેફ્ટી માટે કેટલાક નવા નિયમો અમલમાં મુકાશે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા ફાયર સેફ્ટી અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડિંગ, વાણિજ્યીક સંકુલો, સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. ઑનલાઇન મળી રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઑફિસરની વ્યાવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કૅડર પણ ઊભી કરાશે.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે લોકોને પોતાનાં કામો માટે પરવાનગી-મંજૂરી માટે કચેરીઓમાં જવું જ ન પડે અને ઘરે બેઠા ઑનલાઇન કામ થાય સેવાઓ વિકસાવતા જઈએ છીએ.

આ નવી વ્યવસ્થાનો આગામી 26 જાન્યુઆરીથી રાજ્યમાં અમલ કરાશે.

સ્ટાફની સુરક્ષા માટે બજરંગદળ પ્રત્યે ફેસબુકનું નરમ વલણ- રિપોર્ટ

'એનડીટીવી ઇન્ડિયા'એ 'ધ વૉલ સ્ટ્રીટ જર્નલ'ના હવાલાથી બજરંગદળ અને ફેસબુક સંદર્ભે એક સમાચાર પ્રકાશિત કર્યા છે, જેમાં કહેવાયું કે ફેસબુકની નીતિઓમાં કથિત રીતે સત્તાધારી ભાજપનો પક્ષ લેવાની વાત કરાઈ હતી.

ધ વૉલ સ્ટ્રીટ જર્નલે રવિવારે આ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. અખબારે લખ્યું કે 'સત્તારૂઢ ભાજપના સંબંધોને કારણે ફેસબુક દક્ષિણપંથી સમૂહ સામે કાર્યવાહી કરતા ડરે છે. કેમ કે બજરંગદળ પર નિયંત્રણ રાખવામાં ભારતમાં કંપનીની વ્યાવસાયિક શક્યતાઓ અને તેના કર્મચારીઓને ખતરો થઈ શકે છે.'

'ધ વૉલ સ્ટ્રીટ જર્નલ'ના નવા રિપોર્ટમાં બજરંગદળના એક વીડિયો અને તેના પર ફેસબુકની કાર્યવાહીનો હવાલો આપવામાં આવ્યો છે.

ઑગસ્ટમાં વૉલ સ્ટ્રીટ જર્નલે ફેસબુકની નીતિઓમાં કથિત પૂર્વગ્રહો હોવાનો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો