મોદી સરકારે બનાવેલા કાયદાનો વિરોધ કરવા હજારો ખેડૂતો દિલ્હી કેમ આવી રહ્યા છે?

કૃષિસુધારા કાયદા સામે વિરોધ કરવા માટે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના ખેડૂતો કૂચ કરી દિલ્હી આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિસુધારા કાયદાઓનો વિરોધ કરવા માટે દિલ્હી તરફ આગળ વધવાના પ્રયત્નો કરી રહેલા ખેડૂતોને રોકવા માટે દિલ્હી-હરિયાણાની સરહદે દરેક રસ્તા પર પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને તહેનાત કર્યા છે.

બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા જણાવે છે કે ખેડૂતોના એક સમૂહે સિંધુ બૉર્ડર પાર કરી લીધી છે. અહીં પણ ભારે બૅરિકેટિંગ કરવામાં આવ્યાં છે.

સવારથી જ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. પોલીસ ટિયરગૅસના સેલ છોડીને ખેડૂતોને રોકવાના પ્રયત્ન કરી રહી છે. જ્યારે ખેડૂતો આગળ વધવા મથી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો.

પોલીસે ખેડૂતોને રોકવા માટે દરેક સરહદ પર બૅરિકેટિંગ કરી રાખ્યાં છે પરંતુ ખેડૂતોએ જ્યાં-જ્યાં શક્ય છે ત્યાંથી બૅરિકેટિંગ હઠાવી દીધા છે.

ખેડૂતો સાથે જોડાયેલા સંગઠન સંયુક્ત કિસાન મોર્ચા અને કિસાન સંઘર્ષ કૉર્ડિનેશન કમિટીએ કહ્યું છે કે શુક્રવાર સાંજ સુધી દિલ્હીની સરહદ પર અંદાજે 50 હજાર ખેડૂત આવી જશે.

દિલ્હીમાં નોએડા અને ગુરુગ્રામ માટે મેટ્રો સેવાઓનું સંચાલન શુક્રવાર સુધી પ્રભાવિત રહેશે.

દિલ્હી આવતા ખેડૂતોને આગળ વધતા અટકાવવા માટે હરિયાણા પોલીસ, ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસે વિવિધ જગ્યાએ બૅરીયર મૂકી દીધાં છે.

પોલીસ દ્વારા અટકાવવા છતાં ખેડૂતો દિલ્હી જવા મક્કમ રહેતા ઘણી જગ્યાએ ઘર્ષણ પણ થયું છે.

ગુરુવારે અંબાલા નજીક આવેલી શંભુ બોર્ડર પાસે ખેડૂતોને આગળ વધતાં અટકાવવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ વિસ્તાર પંજાબ-હરિયાણાની સરહદે આવેલો છે.

કુરુક્ષેત્રમાં પોલીસે ખેડૂતોને આગળ અટકાવી દેતા પરિસ્થિતિ વણસી ગઈ હતી. ખેડૂતોને વિખેરવા માટે પોલીસે પાણીનો મારો કર્યો હતો. તેમ છતાં ઘણાં ખેડૂતો બૅરીકેડ તાડીને આગળ જવામાં સફળ રહ્યા હતા.

ખેડૂતોને દિલ્હી આવતા અટકાવવા માટે દિલ્હી પોલીસે ગુરુગ્રામ, નોઇડા અને ગાઝીયાબાદ સાથેની સરહદ પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દીધી છે.

દિલ્હી પોલીસના પીઆરઓ ડૉ. ઇશ સિંઘલે જણાવ્યું કે કોવિડ સંક્રમણના કારણે આ માર્ચને મંજૂરી આપી શકાય નહીં. માર્ચના કારણે ખેડૂતો અને પોલીસ બંનેને જોખમ છે. અમને અંદાજ છે કે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી આવશે અને એટલા માટે દિલ્હીની સરહદે અમે પોલીસ તૈનાત કરી દીધી છે અને દરેક વાહનની તપાસ કરી રહ્યા છીએ.

ખેડૂત આંદોલનને ઑલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કૉર્ડિનેશન કમિટી (એઆઈકેએસસીસી), રાષ્ટ્રીય કિસાન મહાસંઘ અને ભારતીય કિસાન યૂનિયનના વિવિધ સમૂહોએ પોતાનો ટેકો જાહેર કર્યો છે.

'દિલ્હી ચલો'નો કૉલ કેમ આપવામાં આવ્યો?

છેલ્લા બે મહિનાથી પંજાબ સહિત અલગ-અલગ રાજ્યના ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ સુધારા બિલો સામે વિરોધ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.

પંજાબના ખેડૂતોએ રેલ્વે ટ્રેક અને હાઈવે ઉપર બેસીને પણ વિરોધ કર્યો હતો. ઘણા દિવસો સુધી પંજાબમાં ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ખેડૂતો જણાવે છે કે કેન્દ્ર સરકારને પોતાની વેદના જણાવવા માટે તેઓ દિલ્હી જઈ રહ્યા છે.

26-27 નવેમ્બરે દિલ્હીમાં ખેડૂતો ધરણાં પ્રદર્શન કરશે અને કેન્દ્ર સરકાર પર સુધારેલ કૃષિ કાયદો પાછો લેવા માટે દબાણ કરશે.

ખેડૂતો ફરીયાદ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ સુધારા કાયદાને કારણે તેમની ખેતી પડી ભાંગશે અને તેઓ મોટી કંપનીઓને પોતાનો પાક વેચવા માટે મજબૂર થઈ જશે.

ખેડૂતો મુજબ સંશોધન થયેલા કાયદાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી જેવી હિતકારી સંસ્થા પણ ખતમ થઈ જશે.

કેન્દ્ર સરકારે ફાર્મ્સ (એમ્પાવરમૅન્ટ એન્ડ પ્રૉટેકશન) ઍગ્રીમેન્ટ ઑફ પ્રાઇસ ઍશોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસેસ ઍક્ટ 2020, ફાર્મ્સ પ્રૉડ્યુસ ટ્રેડ એન્ડ કૉમર્સ (પ્રૉમોશન એન્ડ ફૅલિસિટેશન) ઍક્ટ 2020 અને ઇસેન્શ્યિલ કોમોડિટિસ (ઍમેન્ડમેન્ટ) ઍક્ટ 2020 પસાર કર્યો છે. 27 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણેય બીલ પર સહી કરતા તે કાયદો બની ગયાં છે.

રાહુલ ગાંધી, કેજરીવાલ અને અમરિન્દર સિંહે ખેડૂતોનું સમર્થન કર્યું છે

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોને દિલ્હી આવતા અટકાવવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી છે. ટ્વિટરમાં શંભુ બૉર્ડરની તસ્વીર શૅર કરીને ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં એક નાનકડી કવિતા પણ લખી છે.

પંજાબના મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહે હરિયાણા સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું કે ખેડૂતો સામે બળ પ્રયોગ કરવો એ ગેરબંધારણીય અને લોકશાહીની વિરુદ્ધ છે.

શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલે જણાવ્યું કે આજે પંજાબમાં 26 /11 નો દિવસ છે. આજે આપણે લોકશાહી ઢબે થતા વિરોધ કરવાના હકનો અંત થતા જોઈ રહ્યા છીએ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખેડૂતોના સમર્થનમાં આવી ગયા છે. તેમણે જણાવ્યું કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો એ ખેડૂતોનો બંધારણિય અધિકાર છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણેય કાયદા ગેરબંધારણિય છે અને તરત પાછા લઈ લેવા જોઈએ.

તેમણે જણાવ્યું કે કાયદા પાછા લેવાની જગ્યાએ ખેડૂતો પર પાણી અને ટીયરગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે, જે દુઃખદ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો