મોદી સરકાર કૃષિ સુધારા બિલ પર 'ડૅમેજ કંટ્રોલ' કરી રહી છે કે 'આક્રમક' બની રહી છે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

કૃષિ વિધેયકને લઈને દેશના તમામ મોટા અંગ્રેજી અને હિંદી અખબારોમાં એક મોટી જાહેરાત જોવા મળી. કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી એ જાહેરાતમાં કૃષિ બિલથી જોડાયેલા 'જૂઠાણા' અને 'સત્ય' વિશે વાત કરવામાં આવી છે.

જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે નવા કૃષિ બિલમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને યાર્ડની વ્યવસ્થાને ખતમ કરવામાં આવી નથી, પરંતુ સરકાર ખેડૂતોને વિકલ્પ આપીને, આઝાદ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

એક આવા જ પ્રકારનો પ્રયત્ન કેન્દ્ર સરકાર દ્વારા સોમવાર સાંજે કરવામાં આવ્યો. સરકારે છ પાકના એમએસપી વધારવાની જાહેરાત કરી.

ગત 12 વર્ષથી અત્યાર સુધી રવિ પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય(એમએસપી)ની જાહેરાત સપ્ટેમ્બર પછી થતી આવી છે. પરંતુ આ વખતે ખેડૂતોનાં વિરોધપ્રદર્શન અને વિપક્ષના આક્રમક વલણને જોઈને કેન્દ્ર સરકારે સંસદ સત્રની વચ્ચે તેની જાહેરાત કરી.

આ સિવાય કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયે યુપીએ અને એનડીએ બંનેના કાર્યકાળમાં એમએસપીવાળા પાકના ભાવમાં કેટલો વધારો કર્યો છે, તેની વિગતો ટ્વિટર દ્વારા જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.

એટલું જ નહીં, કેન્દ્રએ યાર્ડમાંથી કેટલો પાક ખરીદ્યો અને યુપીએના સમયગાળાથી એનડીએના કાર્યકાળમાં કેટલો વધારો થયો, આની પર તેમણે આક્રમક રીતે પોતાની વાત રજૂ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વિવિધ કાર્યક્રમમાં, સંસદ અને બીજી જગ્યાઓ પર પોતાનો મત મૂકી ચૂક્યા છે.

રવિવારે રાજ્યસભામાં જે કાંઈ થયું, એ પછી કેન્દ્ર સરકારે રાજનાથસિંહ સહિત છ વરિષ્ઠ મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા.

છેવટે વાત ત્યારે પૂર્ણ થઈ, જ્યારે રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરિવંશને બિહાર અને બિહારની અસ્મિતા જોડે જોડી દેવામાં આવ્યા.

પહેલાં મુખ્ય મંત્રી નીતિશ કુમારે તેમને બિહારના કહ્યાં, પછી કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ વાત ફરીથી કહી. ત્રીજી વખત હરિવંશે પોતે રાષ્ટ્રપતિને ચિઠ્ઠી લખીને પોતાના બિહાર સાથેના જોડાણની વાત યાદ કરાવી.

વડા પ્રધાને પણ આ પત્રને ટ્વીટ કરીને દેશવાસીઓને આને જરૂરથી વાંચવા સૂચન કર્યું છે.

એવામાં દરેક બાજુએ ચર્ચા છે કે આવનારા દિવસોમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દાને ઉઠાવવામાં આવશે.

આ બિલના વિરોધમાં વિપક્ષ ખૂબ સક્રિય છે. સંસદના ઇતિહાસમાં પહેલીવખત આખી રાત સંસદસભ્યો ધરણાં પર બેસી રહ્યા. કૉંગ્રેસે રસ્તા પર આ વિરોધને લઈ જવાની વાત કરી છે. અનેક પાર્ટીઓ પોતાની માગને લઈને રાષ્ટ્રપતિ પાસે પહોંચી છે.

પરંતુ સરકાર પણ નવા કૃષિ બિલ પર એટલી જ અડગ જોવા મળી રહી છે.

સત્તાધારી પાર્ટીએ કૃષિ બિલની બાબતમાં પોતાના 23 વર્ષ જૂના મિત્ર અકાલી દળના મંત્રીમંડળમાંથી જવાની કાંઈ ખાસ ચિંતા નથી કરી અને બિલ પર અડગ રહી છે.

બિલ પર કેન્દ્ર સરકારને 'ડૅમેજ' તો થયું છે, પરંતુ સરકાર તેને 'કંટ્રોલ' કરવામાં પણ સંપૂર્ણ જોર-શોરથી લાગી ગઈ છે.

વરિષ્ઠા પત્રકાર નિસ્તુલા હેબ્બાર કહે છે કે સરકારે જેટલા પગલાં ગણાવ્યા છે, આ ડૅમેજ કંટ્રોલ જૂની ભૂલોથી મળેલી શીખને દર્શાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "જે પ્રકારે કેન્દ્ર સરકારે જમીન સંપાદન બિલને પરત લેવું પડ્યું હતું, આ વખતે કેન્દ્ર સરકાર થોડી સજાગ જરૂર છે. ભૂમિ અધિગ્રહણ બિલ પર વિપક્ષ સત્તા પક્ષ પર ભારે પડ્યો હતો. તે સમયે કૉંગ્રેસે સૂટ-બૂટની સરકારનો નારો આપ્યો હતો, જો એક પ્રકારે ચોટી ગયો હતો. તો આ વખતે ભાજપ પોતાની 'કૉમ્યુનિકેશન ગેમ'ને મજબૂત કરી રહી છે."

'પરસેપ્શન'ની લડાઈ

સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી (CSDS)માં પ્રોફેસર સંજય કુમાર કહે છે, "રાજકારણમાં પરસેપ્શનની ઘણી મોટી ભૂમિકા હોય છે. ભાજપ ઇચ્છે છે કે 'ખેડૂત વિરોધી પરસેપ્શન' ઊભું થાય તે પહેલાં જ તેને ધ્વસ્ત કરવું જરૂરી છે. આ એજ કારણ છે કે યુદ્ધસ્તરે ભાજપ કામે લાગી ગયું છે. વડા પ્રધાન પોતે આના વિશે સાર્વજનિક સ્ટેજ પરથી બોલી રહ્યા છે. કૃષિ મંત્રીની જગ્યાએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને છ મોટાઓ નેતાને પણ આગળ કરી દેવામાં આવ્યા છે."

સંજય કુમારનું માનીએ, તો કૃષિ વિધેયકને લઈને હરસિમરત કૌર બાદલનું મંત્રી મંડળમાંથી રાજીનામુ આપવું આ પણ એક પરસેપ્શન બનાવે છે કે ભાજપ એક પાર્ટી તરીકે ખેડૂત વિરોધી છે.

આ અંગે જ્યારે રાજનાથસિંહને પ્રેસ કૉન્ફરન્સમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો રાજનાથ સિંહે જવાબને 'રાજકીય મજબૂરી' કહી દીધી. ભાજપ એ સંદેશ આપવા માગતી નથી કે તે પોતાના જ સાથીને મનાવી શકતી નથી. ભાજપ માટે આ પરસેપ્શન તોડવું મોટી જરૂરિયાત છે.

નિસ્તુલા કહે છે, "સરકાર માટે મુશ્કેલી એ પણ છે કે સંસદનું સત્ર ચાલી રહ્યું છે. જે કંઈ થઈ રહ્યું છે, તમામ નાગરિકો જોઈ રહ્યા છે. આ અધ્યાદેશ કોરોનાના સમયમાં લાવામાં આવ્યો હતો, તે સમયે આને વધારે મહત્ત્વ કોઈએ ન આપ્યું. વિપક્ષ પણ આ મુદ્દે હાલ આક્રમક છે. એટલા માટે સરકારે પણ પોતાનો પક્ષ મૂકવો જ પડશે."

"પંજાબ-હરિયાણાના ખેડૂતો કૃષિ સંબંધિત કાયદાઓમાં રસ લે છે. પરંતુ નવા કૃષિ વિધેયકને મહારાષ્ટ્રના ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે, ત્યાં રોકડવાળી ખેતી વધારે થાય છે. એટલે માટે આ યોગ્ય નથી કે આ બિલનો બધે વિરોધ થઈ રહ્યો છે, સરકાર એ જ દેખાડવા માગે છે, કેટલાક લોકોને પરેશાની છે અને ઘણા બધા લોકોને પરેશાની પણ નથી."

વોટ બૅન્કનું નુકસાન?

નિસ્તુલા કહે છે કે જ્યારે ડૅમેજ કંટ્રોલની વાત થઈ રહી છે, તો એ પણ જોવું જોઈશે કે 'ડૅમેજ' કેટલું થયું છે. હાં એનડીએનો એક જૂનો સાથી મંત્રીમંડળમાંથી જરૂર નીકળી ગયો હોય, પરંતુ એનો અર્થ એવો નથી કે તેમનો વોટ ખસી ગયો હોય.

તેમનું માનવું છે, "ભાજપ માત્ર ગ્રામીણ વોટ બૅન્કવાળી પાર્ટી નથી. ભાજપ, શહેરો અને સેમી-અર્બન વિસ્તારોમાં વધારે મજબૂત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કલ્યાણકારી સરકારી યોજનાઓનાં કારણે આમ પણ લોકો ભાજપ સાથે જોડાવા લાગ્યા છે, જે ક્યારેય તેમના પારંપરિક વોટર નથી રહ્યા. ભારતમાં જનતા જાતિ પર પણ વોટ કરે છે અને એ વાત પર પણ કે સરકારની નીતિઓથી તેમને શું મળ્યું. ભાજપ દેશમાં પારંપરિક રાજકારણની રીતમાં પરિવર્તન લાવવાનો પ્રયત્નો કરી રહ્યું છે."

નિસ્તુલા ભાજપના રાજકીય પ્રયોગોથી એ વાતને સમજાવે છે. તેનું ઉદ્દાહરણ જનતાએ મહારાષ્ટ્ર અને હરિયાણામાં જોયું. "મહારાષ્ટ્રમાં 'મરાઠા'ને મહત્ત્વ આપવામાં આવતું હતું, પરંતુ ભાજપે મુખ્ય મંત્રી બ્રાહ્મણ બનાવ્યો. એ પ્રકારે હરિયાણામાં 'જાટ'ની જગ્યાએ ખટ્ટરને મુખ્ય મંત્રી બનાવ્યા. પરંપરા તોડવાની શરૂઆત મોદીથી થાય છે, જે પોતે એ સમુદાયમાંથી આવે છે જેમની ગુજરાતના રાજકારણમાં મોટી દખલ તેમના પહેલાં ન હતી."

"નવા કૃષિ વિધેયકમાં આવી જ વર્ષોથી ચાલી આવી રહેલી 'દખલ'ને તોડવાની વાત છે. આ બિલમાં યાર્ડની સાથે સાથે ખેડૂતે અનાજ કોને વેચવું છે, એ અંગે એક વિકલ્પ આપવામાં આવ્યો છે, જે પહેલાં તેમની પાસે ઉપલબ્ધ ન હતો. એવામાં બની શકે કે પહેલાં 100 લોકો યાર્ડમાં પોતાનું અનાજ વેચતા હતા, તેમાંથી હવે 80 ખેડૂત યાર્ડમાં જશે. 20 ખેડૂત બીજો વિકલ્પ પસંદ કરશે."

એટલા માટે નિસ્તુલાને લાગે છે કે જરૂરી નથી કે ભાજપનો આ દાવ ઊલટો પડે. આ નવી વ્યવસ્થાનો જે લોકોને લાભ મળશે, તે તો ભાજપને વોટ કરશે.

ભાજપ અને ખેડૂત

સંજય કુમારના મતે આવનારી બિહાર અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં એ મોટો મુદ્દો નહીં હોય. પંજાબમાં ભાજપની પાસે મોટી વોટ બૅન્ક નથી, હરિયાણામાં ભાજપની વોટબૅન્ક છે, પરંતુ તે પહેલાંથી આમ પણ થોડી ઓછી છે.

જોકે સંજય કુમાર નથી માનતા કે ભાજપ આજે પણ શહેરી લોકોની પાર્ટી રહી ગઈ છે. તે પોતાની વાત કહેવા માટે આંકડા ગણાવે છે.

સીએસડીએસના સર્વે પ્રમાણે 2014માં ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં 30 ટકા, નાના શહેરોમાં 30 ટકા અને મોટાં શહેરોમાં 39 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં 38 ટકા, નાના શહેરોમાં 33 ટકા અને મોટાં શહેરોમાં 41 ટકા વોટ મળ્યા હતા.

સંજય કુમારે કહે છે આ આંકડાઓને બે પ્રકારે જોવાની જરૂરિયાત છે. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની વોટબૅન્ક 8 ટકા વધી છે. જ્યારે નાના અને મોટા શહેરોને ભેળવીએ તો 5 ટકા વધી છે.

બીજી તરફ જોઈએ, તો ગ્રામીણ અને શહેરી વિસ્તારોના વોટ શેરનું અંતર 2014માં આઠ ટકા હતું, તે ઘટીને 2019માં ત્રણ ટકા રહી ગયું છે.

સંજય કુમારનું કહેવું છે કે એટલા માટે ભાજપ યુદ્ધસ્તરે ડૅમેજ થાય તે પહેલાં સ્થિતિને કાબૂમાં લેવા માગે છે. આ વાત ભાજપ પોતે પણ સારી રીતે જાણે છે અને સમજે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો