રાજકોટ : બે કરોડની મિલકતમાં ભાગ માટે બાળકની ઉઠાંતરી પણ આખરે ભાંડો ફૂટ્યો

    • લેેખક, ઝૈનુલ હકીમજી
    • પદ, બીબીસી ગુજરાતી

બાળકોની તસ્કરી એ ખૂબ જ ગંભીર બાબત અને ખૂબ જ ગંભીર અપરાધ છે પણ સાથે જ કેટલો જટિલ મામલો બની શકે છે એનું એક ઉદાહરણ રાજકોટમાં સામે આવ્યું છે.

રાજકોટ પોલીસે એક એવા મહિલાને પકડી પાડ્યાં જેમણે એક બાળકની ઉઠાંતરીનો ગંભીર ગુનો એટલા માટે આચર્યો જેથી તેઓ તેમનાં ભૂતપૂર્વ પતિને મળેલી મિલકતનાં નાણામાં પોતાનો હક માગી ભાગ પડાવી શકે.

ફાતેમા ઉર્ફે સલમા ઉર્ફે સીમા કાદરી નામનાં આ મહિલાને રાજકોટ પોલીસની ટીમે બાતમીના આધારે જામનગરના ખંભાળિયાથી ઝડપી પાડ્યાં અને તેમની પાસેથી તેમણે ઉઠાંતરીથી મેળવેલ બાળકને પણ હેમખેમ બચાવી લીધું.

આ બાળક રાજકોટમાંથી જ મે, 2019થી ગુમ હતું જેની ફરિયાદ બાળકના પરિવારે પોલીસમાં કરી હતી.

પોલીસની પૂછપરછમાં સલમાએ કબૂલ કર્યું કે આ બાળકની તેમણે દ્વારકાના દંપતી સલીમ સુભણિયા અને તેમના પત્ની ફરીદા સુભણીયા મારફતે ઉઠાંતરી કરાવી હતી.

પોલીસની પૂછપરછમાં સલમા ઉર્ફે ફાતિમાએ અલગ અલગ ચારથી પાંચ પ્રેમ લગ્નો કરી છૂટાછૂડા લીધા હોવાનું પણ સામે આવ્યું.

2012માં સલમાએ ખંભાળિયાના નાથાલાલ સોમૈયા સાથે પ્રેમ લગ્ન કર્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે મતભેદ થતાં 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

સંપત્તિમાં ભાગ મેળવવાની યોજના

પોલીસની વિગતો પ્રમાણે સલમાએ પહેલું લગ્ન જામનગરમાં, બીજું લગ્ન ખંભાળિયામાં નાથાલાલ સોમૈયા સાથે, ત્રીજું લગ્ન જૂનાગઢ અને ચોથું લગ્ન સુરતમાં કર્યું હતું.

2019માં સલમાએ સંપત્તિમાં ભાગ મેળવવાની યોજના સાથે ભૂતપૂર્વ પતિ નાથાલાલ સોમૈયા સાથે ફરીથી લગ્ન કર્યું, જે તેમનું પાંચમું લગ્ન હતું.

પોલીસ પ્રમાણે 2019માં સલમાનાં બીજા પતિ નાથાલાલ સોમૈયા પાસે તેમની મિલકતના વેચાણમાંથી બે કરોડ રૂપિયા આવ્યા હતા.

આ સંપત્તિમાં પોતાનો ભાગ લેવા માટે સલમાએ તરકીબ અજમાવી અને નાથાલાલ સાથેનાં લગ્નથી તેમને બાળક થયું હોવાની વાત ઘડી એ બાળકના માધ્યમથી નાથાલાલની સંપત્તિમાં ભાગ પડાવવાનો પ્લાન બનાવ્યો. અને આ માટે તેને એક બાળકની જરૂર હતી .

આથી તેમણે કોઈ બીજાંનાં બાળકની ઉઠાંતરી કરવાની યોજના બનાવી.

પોલીસ પ્રમાણે સલમાએ આ માટે દ્વારકાના સલીમ સુભણીયા અને તેમના પત્ની ફરીદા સુભણિયાનો સંપર્ક કર્યો અને એક વર્ષની આસપાસની ઉંમરનું રુપાળું દેખાતું બાળક ચોરવાનું કામ સોંપી એના બદલામાં બે લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું.

યોજના પ્રમાણે સલીમ અને ફરીદાએ એક વર્ષની આસપાસની ઉંમરના રૂપાળા બાળકને શોધવાનું શરૂ કર્યું.

પોલીસ પ્રમાણે આ માટે સલીમના મિત્રની ઇકો કારમાં જામનગરમાં દિગ્જામ સર્કલ, રાજકોટમાં સાંઢીયાપુલ, બસ સ્ટૅન્ડની આજુબાજુનો વિસ્તાર, શાસ્ત્રી મેદાન, ચોટીલાની તળેટી વગેરે જગ્યાઓએ રૅકી કરવાનું શરુ કર્યું.

બાળક પસંદ કરવા માટે ચૉકલેટ અને નાસ્તો વહેંચ્યો

પોલીસ પ્રમાણે 10થી 15 દિવસો સુધી અલગ અલગ સમયે આ રીતે રૅકી કર્યા બાદ અંતે એક દિવસ શાસ્ત્રી મેદાન પાસે ફૂટપાથ ઉપર રમતું એક બાળક તેમને પસંદ આવી ગયું.

બાળકને નજીકથી જોવા માટે આરોપીઓએ ત્યાં આસપાસ રહેતા બાળકોને ચૉકલેટ અને નાસ્તો વહેંચ્યો અને એ રીતે બાળકને નજીકથી જોઈ તેની જ ઉઠાંતરી કરવાનું નક્કી કર્યું.

પોલીસ પ્રમાણે ત્રણથી ચાર દિવસ સુધી આ બાળક ઉપર નજર રાખવામાં આવી અને છેવટે એક રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ પાસેની ફૂટપાથ ઉપરથી આ બાળકને ચોરીથી ઉઠાવી લઈ ઇકો કારમાં જામનગર લઈ ગયાં હતાં.

સલમાએ સલીમ અને ફરિદાને એક લાખ રૂપિયા પણ આ કામ માટે ચૂકવી દીધાં હતાં અને બાકીનાં એક લાખ રૂપિયા પછી આપવાનો વાયદો કર્યો હતો.

જામનગરમાં સલમાએ કોઈ ખાન નામના વકીલ નોટરી સામે આ બાળકનું નામ જયદીપ રાખી તેના પિતા નાથાલાલ સૌમૈયા અને પોતે તેના માતા હોવાની ખોટી ઍફિડેવિટ બનાવડાવી.

અને જુલાઈ 2019માં જામનગર મહાનગર પાલિકામાંથી આ ઍફિડૅવિટની મદદથી તેના જન્મનો દાખલો પણ કઢાવી લીધો.

ત્યાર બાદ સલમાએ પોતાની તરકીબ પ્રમાણે આ જન્મના દાખલાને આધારે નાથાલાલને આ બાળકના પિતા હોવાનું કહી 2019માં નાથાલાલ સાથે ફરીથી પ્રેમલગ્ન કરી લીધું અને એ રીતે આ ઉઠાંતરી કરેલાં બાળક સાથે સલમા ખંભાળિયામાં આવેલાં નાથાલાલના ઘરમાં તેમનાં પત્ની તરીકે રહી રહ્યાં હતાં.

આ તરફ રાજકોટ પોલીસે શહેરમાંથી ગુમ થયેલા સગીર બાળકોની શોધ ખોળની ઝુંબેશ શરૂ કરી હતી અને તે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો આ કેસોનો અભ્યાસ કરી તેની તપાસ શરૂ કરી હતી.

ટેક્નિકલ સર્વેલન્સની મદદ લેવાઈ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. રબારી અને તેમની ટીમે જેઓ મે 2019ની બાળક ગુમ થયાની ફરિયાદની તપાસ કરી રહ્યા હતા તેમને તેમના સોર્સ તરફથી જાણ થઈ કે આ બાળક ગુમ નથી થયું પણ એની ઉઠાંતરી કરવામાં આવી છે.

જાણકારીના આધારે હ્યુમન રિસોર્સિસની ચેઇન બનાવાઈ અને સાથે જ ટેક્નિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી.

તેના આધારે પોલીસને હાલ ખંભાળિયામાં નાથાલાલ સોમૈયા સાથે લગ્ન કરીને રહેતાં સલમા પાસે આ બાળક હોવાની માહિતી મળી.

જો મહિલાને જરા પણ અંદેશો આવે તો તે બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે તેવો અંદાજ પણ પોલીસને હતો.

આથી પુરી સાવચેતીથી પોલીસે ખંભાળિયામાં સલમાનાં રહેઠાણનાં સ્થળે છાપો મારી તેની અટકાયત કરી લીધી અને બાળકને પણ હેમખેમ રીતે પોતાની પાસે લઈ લીધું.

સલમાની પૂછપરછમાં બાળકની ઉઠાંતરી કરનાર વ્યક્તિઓ એટલેકે દ્વારકાના સલીમ સુભણિયા અને તેના પત્ની ફરિદાનાં નામ સામે આવતાં પોલીસે તેમને પણ દ્વારકાથી અટકાયતમાં લઈ લીધાં.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બાળકની ઉઠાંતરી કરનાર સલીમ સુભણિયાનો ગુનાહિત ઇતિહાસ છે અને જામનગર અને દ્વારકામાં તેમની વિરુદ્ધ દસ જેટલા કેસ પોલીસ ચોપડે નોંધાયેલા છે તો અગાઉ તેઓ અમરેલી અને તાલાળા ઉપરાંત રાજસ્થાનના બાડમેરમાં પણ ચીટિંગના ગુનાઓમાં પકડાયા છે.

જોકે તેમનાં પત્ની ફરીદા અને સલમા વિરુદ્ધ કોઈ કેસ પોલીસ ચોપડે નથી. અને આ રીતે મે 2019થી ગુમ થયેલાં બાળકનો લગભગ દોઢ વર્ષે પોલીસને પત્તો લાગ્યો.

આ એક વર્ષનું સગીર બાળક મધ્યપ્રદેશનાં જાંબુઆના શ્રમિક પરિવારનું હતું.

22 મે 2019ની રાત્રે આ પરિવાર રાજકોટમં શાસ્ત્રી મેદાનની સામે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ખૂણે આવેલી ફૂટપાથ ઉપર સૂતો હતો.

માતાપિતા એક વર્ષનાં આ બાળક સહિતના ચાર સંતાનો સાથેના આ શ્રમિક પરિવારને તે રાતે સપનેય ખ્યાલ નહીં આવ્યો હોય કે તેમના એક વર્ષના નાના બાળકને પછીનાં દોઢ વર્ષ સુધી તેઓ જોઈ નહીં શકે.

પોતાનું બાળક બાજુમાં સૂતેલું ન જણાતા શોધખોળ બાદ અંતે 25મે એ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ આ કેસ વિશે જણાવતા કહે છે,"પોલીસને આ કેસ ઉકેલવમાં પોલીસના હ્યુમન રિસોર્સની મોટી મદદ મળી. ટેક્નિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી પણ કેમ કે બાળકને રાજકોટમાંથી અન્ય જિલ્લામાં લઈ જવાયું હતું આથી કેસ ઉકેલવામાં હ્યુમન ઇન્ટેલિજન્સની મોટી મદદ રહી."

તેઓએ જણાવ્યું, "આરોપી મહિલા સલમાએ ખૂબ જ ચતુરાઇપૂર્વક આખી યોજના બનાવી, જ્યારે તેને એમ જાણ થઈ કે નાથાલાલને મિલકત વેચાણમાં બે કરોડ રુપિયા મળ્યા છે. સલમા બાળકની ઉઠાંતરીની તેની યોજનામાં તેને મદદ કરનાર દ્વારકાના શખ્સ સલીમના સંપર્કમાં કઈ રીતે આવી તેની પણ હાલ આ કેસમાં પોલીસ તપાસ ચલાવી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો