ભૂવા અને તૂટેલા રસ્તાના કારણે ગુજરાતમાં બિઝનેસને કેટલું નુકસાન?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"કોરોના અને લૉકડાઉનના કારણે અમારા ઉદ્યોગની હાલત પહેલેથી ખરાબ હતી, પરંતુ હવે ડીઝલના ભાવમાં તીવ્ર વધારો અને ચોમાસામાં રસ્તા ધોવાઈ જવાના કારણે અમારો ખર્ચ ઘણો વધી ગયો છે. ઊબડખાબડ રસ્તાના કારણે ટાયર ઝડપથી ઘસાઈ જાય છે અને મૅન્ટેનન્સના બીજા ખર્ચ કરવા પડે છે."

અંજારસ્થિત પૃથ્વીરાજ રોડલાઇન્સના જયદીપ ગઢવી ઉપરોક્ત શબ્દોમાં ટ્રાન્સપૉર્ટ ઉદ્યોગની સમસ્યા વર્ણવે છે.

ધોવાઈ ગયેલા રોડનો મુદ્દો સોમવારે વિધાનસભામાં પણ ઊછળ્યો હતો.

માર્ગ અને બાંધકામ મામલાના મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે અને રોડ પરથી 50-50 ટનથી વધારે વજન લઈ જતાં ટ્રક પસાર થતાં હોવાથી રોડને નુકસાન થયું છે.

તેમણે જણાવ્યું કે અનલૉક પછી ગુજરાતમાં બીજાં રાજ્યોમાંથી ટ્રક્સનું આગમન વધ્યું છે. રોડને રિપેર કરવા માટે ડામર, પ્લાન્ટ, રોલર તૈયાર છે, પરંતુ હાલમાં મજૂરોની અછત છે.

આ વખતે ગુજરાતમાં અનેક જગ્યાએ સરેરાશની તુલનામાં 150થી 200 ટકા જેટલો વધુ વરસાદ પડ્યો છે અને કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદ ચાલુ છે. તેમાં અનેક જગ્યાએ રોડ તૂટી ગયા છે.

ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં જ્યાં ભારે ટ્રકની અવરજવર વધારે હોય ત્યાં મુશ્કેલી સર્જાઈ છે.

ટ્રાન્સપૉર્ટર્સની ફરિયાદ છે કે ઊબડખાબડ રસ્તાના કારણે સૌથી મોટી અસર ઈંધણની ખપત પર થાય છે. આ ઉપરાંત સ્પ્રિંગ અને ઍક્સેલના રિપેરિંગ માટે વારંવાર ખર્ચ કરવો પડે છે.

જયદીપ કહે છે, "છેલ્લા છ મહિનામાં ડીઝલનો ભાવ લગભગ 10 રૂપિયા વધ્યો, અત્યારે 79થી 80 રૂપિયા પ્રતિ લિટર છે. બીજી તરફ માલપરિવહનના ભાડામાં કોઈ વધારો થયો નથી."

"આજે દરેક હાઈવે પર અસંખ્ય ટૉલ બૂથ આવે છે, જેનો હેતુ ટૉલની આવકથી રસ્તાની ક્વૉલિટી સુધારવાનો હતો. પરંતુ એવું થયું નથી. ટ્રાન્સપૉર્ટરોએ બધે ટૉલ ભરવો પડે છે, પરંતુ તેની સામે રસ્તાની હાલત સુધરી નથી."

અન્ય એક ટ્રાન્સપૉર્ટરે બીબીસીને જણાવ્યું, "અગાઉ જે રૂટ પર માલ પહોંચાડવામાં અમને 8થી 9 કલાક લાગતા હતા, તે રૂટ પર હવે 12થી 13 કલાક લાગે છે. વાહનોને થતા નુકસાનના કારણે વાહનની વેલ્યુ સતત ઘટતી જાય છે, જ્યારે વીમાનું પ્રીમિયમ વધતું જાય છે."

ઊબડખાબડ રોડથી પરેશાન ટ્રાન્સપૉર્ટર

ચોમાસા બાદ અનેક જગ્યાએ નેશનલ અને સ્ટેટ હાઈવે પર એવાં ગાબડાં પડ્યાં છે કે તેના આંચકા ઉદ્યોગજગતને અને ખાસ કરીને ટ્રાન્સપૉર્ટ ઉદ્યોગને લાગી રહ્યા છે.

ખરાબ રસ્તાથી પરેશાન મોરબી, વાંકાનેર, રાજકોટ અને ગાંધીધામ ટ્રક ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશને તાજેતરમાં હડતાળ પાડી હતી, જેમાં પાંચ દિવસ પછી સમાધાન થયું હતું.

આ દરમિયાન મોરબી, વાંકાનેર વિસ્તારમાં સિરામિક ટાઇલ્સનું પરિવહન કરતા 2,500થી વધારે ટ્રકનાં પૈડાં થંભી ગયાં હતાં. ખરાબ રસ્તાના કારણે પરિવહન દરમિયાન ઘણી વખત સિરામિક ટાઇલ્સ તૂટી જતી હતી અને આ નુકસાનીનો બોજ ટ્રાન્સપૉર્ટર્સ પર નાખવામાં આવ્યો, ત્યારે તેમણે હડતાળ પાડી હતી.

ટ્રાન્સપૉર્ટર્સે સિરામિક ઉત્પાદકોને જાણ કરી કે પરિવહન દરમિયાન સિરામિક ટાઇલ્સને નુકસાન થાય તો તેમાં ટ્રાન્સપૉર્ટર્સની જવાબદારી રહેતી નથી.

આ હડતાળમાં છેલ્લે સમાધાન થયું, જેમાં એવું નક્કી કરાયું કે સિરામિકના કારખાનેદારોએ તેમના માલનો વીમો ઉતરાવવો અને પછી જ તેનું ટ્રાન્સપૉર્ટેશન કરવું.

મોરબી ટ્રક ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશનના પ્રમુખ પ્રભાત આહીરે જણાવ્યું, "અમે મોરબીથી સિરામિક ટાઇલ્સ ભરીને મુંબઈ, દિલ્હી અથવા બેંગલુરુ પહોંચાડીએ છીએ ત્યારે રસ્તામાં ઘણી વખત સિરામિક ટાઇલ્સ તૂટી જાય છે."

"ટ્રાન્સપૉર્ટેશનમાં માલને નુકસાન થવાની સમસ્યા પહેલાંથી હતી, પરંતુ હવે ખરાબ રસ્તાના કારણે આ પ્રમાણ વધી ગયું છે અને વેપારીઓ આ નુકસાનીનો બોજ અમારા પર નાખે છે. તેઓ રસ્તામાં ડૅમેજ થયેલા માલના રૂપિયા કાપી લે છે જે અમને પોસાય તેમ નથી."

તેમણે ઉમેર્યું કે હવેથી માલના પરિવહન દરમિયાન ટાઇલ્સ તૂટી જાય કે બીજું નુકસાન થાય તો ટ્રકમાલિક જવાબદાર નહીં રહે. સિરામિક ઉત્પાદકોને અમારી વિનંતી છે કે તેમણે ટ્રક ભાડા સહિતનો ફૂલ વીમો લેવો. માલને નુકસાન થાય તો અમે ટ્રકના ભાડામાં કપાત પણ નહીં સ્વીકારીએ.

લૉકડાઉન બાદ બેવડો માર

આહીરે કહ્યું કે "લૉકડાઉનના કારણે ટ્રાન્સપૉર્ટ ઉદ્યોગ સાવ ઠપ થઈ ગયો હતો. ત્યાર પછી ડીઝલના ભાવમાં વધારો થયો અને હવે તૂટેલા રસ્તાનો બેવડો માર પડ્યો છે. આ દરમિયાન ભાડાની આવકમાં કોઈ વધારો નથી થયો."

"આજે મોરબીથી મોટા ટ્રકમાં દિલ્હી માલ પહોંચાડવામાં આવે તો તેના પર આવવા-જવામાં લગભગ 19,000 રૂપિયાનો ટૉલટૅક્સ ભરવો પડે છે. આટલો ઊંચો ટૅક્સ ભરવા છતાં તેની સામે રસ્તાની સુવિધા સુધરી નથી."

અન્ય એક ટ્રાન્સપૉર્ટ ઑપરેટરે નામ ન આપવાની શરતે જણાવ્યું, "અમારે મોરબી કે ગાંધીધામથી હૈદરાબાદ અથવા બેંગલુરુ માલ લઈ જવો હોય તો 14 વ્હીલના ટ્રક પર કુલ 10થી 12 હજાર રૂપિયાનો ટૉલટૅક્સ ભરવો પડે છે. રસ્તા ખરાબ હોય ત્યારે ટાયરનો ખર્ચ પણ વધી જાય છે."

"ટ્રકના સિંગલ ટાયરનો ભાવ 15,000થી 24,000 રૂપિયા સુધી હોય છે, જેમાં સસ્તા ટાયરની કોઈ ગૅરંટી પણ નથી હોતી. રસ્તા પર ખાડા હોય અને તેના પરથી કપચી ઊખડી ગઈ હોય ત્યારે તે ટાયરને સૌથી વધારે નુકસાન કરે છે. હેવી લૉડિંગ હોય તો ગમે ત્યારે ટાયર ફાટવાનો ભય રહે છે."

તેઓ કહે છે, "અગાઉ કચ્છ કે સૌરાષ્ટ્રથી માલ ભરીને અમને હૈદરાબાદ અથવા બેંગલુરુ પહોંચતા ચાર દિવસ લાગતા હતા, તેની જગ્યાએ ખરાબ રસ્તાના કારણે હવે પાંચ કે છ દિવસ લાગે છે."

"પહેલાં જેટલા સમયમાં અમે ત્રણ ટ્રિપ પૂરી કરતા હતા, તેટલા સમયમાં હવે માત્ર બે ટ્રિપ થઈ શકે છે. આ રીતે આવક ઘટે છે. તેની સામે ડીઝલનો ખર્ચ અને વાહનના મેન્ટનન્સનો ખર્ચ વધી જાય તે અલગ."

સિરામિક કારખાનેદારોએ સ્વખર્ચે રોડ બનાવ્યા

મોરબીસ્થિત એક સિરામિક કારખાનેદારે નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેઓ ભાગીદારીમાં મૂડી એકઠી કરીને સાહસ કરે છે, પરંતુ સરકાર તરફથી રસ્તા કે પાણીની યોગ્ય સુવિધાઓ મળતી નથી.

અત્યારે રોડ એટલી હદે બિસમાર છે કે મોટા ટ્રક માટે કારખાના સુધી પહોંચવું મુશ્કેલ હોય છે, તેથી કારખાનેદારોએ મેઇન રોડથી કારખાના સુધી સિમેન્ટના રસ્તા પણ પોતાના ખર્ચે બનાવ્યા છે.

ઘણી જગ્યાએ એકથી દોઢ કિલોમિટર સુધીના સિમેન્ટ રોડ પ્રાઇવેટ ખર્ચથી બનાવવા પડ્યા છે. આવી સ્થિતિમાં હરીફાઈ પણ વધી છે, જેના કારણે મોટા ઉત્પાદકો ફાવી જાય છે.

રૂપિયાની ખેંચ હોય ત્યારે કેટલાક નાના ઉત્પાદકોએ ઓછા ભાવે પણ માલ વેચવાની ફરજ પડે છે.

ઉદ્યોગજગતની પરેશાની

ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ અનિલકુમાર જૈને બીબીસીને જણાવ્યું કે "ખરાબ રોડના કારણે સૌથી વધારે અસર લૉજિસ્ટિક્સ પર પડે છે. ખાસ કરીને જલદી બગડી જાય તેવી પેરિશેબલ કૉમોડિટીના પરિવહનમાં તકલીફ પડે છે."

"ઈંધણનો વપરાશ અને મેન્ટનન્સ ખર્ચ તો વધી જ જાય છે, તેની સાથેસાથે ક્યારેક પ્રવાહી પદાર્થના ટ્રાન્સપૉર્ટેશન વખતે લિકેજની સમસ્યા પણ પેદા થાય છે."

"બિઝનેસમાં સમયસર માલ પહોંચે તે સૌથી વધારે આવશ્યક હોય છે અને રસ્તા ખરાબ હોય તો માલ પહોંચવામાં વિલંબ થાય જેથી કુલ કૉસ્ટ વધી જાય છે."

ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સની ટ્રાન્સપૉર્ટ કમિટીના ચૅરમૅન અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશનના પ્રમુખ મુકેશ દવે કહે છે કે "અત્યારની સ્થિતિમાં પરિવહનની ગતિ ઘટી જાય છે. ફ્રેજાઈલ ગૂડ્ઝ એટલે કે જેના પરિવહનમાં ખૂબ કાળજી રાખવી પડે તેવા માલને નુકસાન થવાની શક્યતા રહે છે."

"25થી 32 ટન માલ ભરીને જતાં ટ્રક અચાનક કોઈ ખાડા પરથી ચાલે ત્યારે તેના ટાયર અને ઍક્સલને કેટલું નુકસાન થતું હશે તે વિચારી જુઓ."

તેઓ કહે છે, નેશનલ હાઈવે-8 આપણા માટે સૌથી મહત્ત્વનો છે, જે નૉર્થ-સાઉથ કૉરિડૉરનો મુખ્ય રસ્તો છે.

તે દિલ્હીથી મુંબઈને જોડે છે અને વચ્ચે જયપુર, અમદાવાદ, વડોદરા, સુરત જેવાં શહેરો આવે છે. આ રસ્તા પર અનેક જગ્યાએ ઑવરબ્રિજના કામ ચાલી રહ્યાં છે.

તેના કારણે અનેક સ્થળે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને તેની હાલત ચોમાસામાં અત્યંત ખરાબ હોય છે. અત્યારે અમદાવાદથી રાજકોટ વચ્ચે સિક્સ લેનનું કામ ચાલે છે, જેમાં અનેક ડાયવર્ઝન છે.

હાલમાં પાલનપુરથી કચ્છનો રસ્તો અનેક જગ્યાએ તૂટી ગયો છે અને તેનું સમારકામ મંથરગતિએ ચાલે છે.

ગુજરાતમાં લગભગ 10 લાખ જેટલાં નાનાં-મોટાં કૉમર્શિયલ વાહનો છે. આ ઉપરાંત બીજાં રાજ્યોમાંથી દરરોજ હજારોની સંખ્યામાં ગુજરાતમાં વાહનો આવે છે.

ગુજરાતમાં ભરૂચ, કીમ-કામરેજ, ઉદવાડા-વલસાડ પાસે બોટલનેકની સ્થિતિ સર્જાય છે અને કલાકો સુધી વાહનો અટવાઈ જાય છે.

ઊબડખાબડ રસ્તાનું ઇકૉનૉમિક્સ

અર્થશાસ્ત્રના પ્રોફેસર હેમંતકુમાર શાહ આ વિશે જણાવે છે:

"રસ્તા દર વર્ષે તૂટી જાય અને તેને ફરીથી રિપેર કરવા પડે તેના કારણે અર્થતંત્ર પર એક પ્રકારની નૅગેટિવ અસર પડે છે. અર્થશાસ્ત્રની ભાષામાં તેને 'સ્પીલ ઓવર બૅનિફિટ' કહી શકાય, કારણ કે રસ્તા વારંવાર તૂટતા રહે અને સરકાર તેનું સમારકામ કરતી રહે તેનાથી ડામર, કપચી, રોડરોલરની માગ વધે અને તેમનો ધંધો ચાલતો રહે."

"તેની સાથે મજૂરોને પણ સતત કામ મળતું રહે, પરંતુ તેમાં કરદાતાએ નાણાં ગુમાવવાના આવે છે."

તેઓ કહે છે, "એકલા અમદાવાદમાં દર વર્ષે ચોમાસા પછી રસ્તા રિસરફેસ કરવાના કામમાં લગભગ રૂપિયા 250 કરોડનો ખર્ચ થાય છે. સમગ્ર ગુજરાતની વાત કરો તો લગભગ રૂપિયા 1000 કરોડથી વધારે ખર્ચ રોડ રિસરફેસિંગ પાછળ થતો હશે. તેનો અર્થ એ થયો કે કરદાતાએ દર વર્ષે રૂપિયા 1000 કરોડ વધારાના ચૂકવવા પડે છે."

ઇન્ડસ્ટ્રીયલ એરિયાની વાત કરીએ તો મુખ્ય રસ્તાનું સમારકામ થાય છે, પરંતુ ફૅક્ટરીઓ સુધી પહોંચતા આંતરિક રસ્તાની ઉપેક્ષા કરવામાં આવે છે. તેથી ચોમાસામાં ઔદ્યોગિક વિસ્તારોમાં ભયંકર ગંદકી પેદા થાય છે, હેવી ટ્રક ખાડામાં ફસાઈ જાય છે અને ભારે નુકસાન ભોગવે છે.

પ્રોફેસર શાહ જણાવે છે કે સુરત જેવા શહેરમાં હવે સિમેન્ટના રોડ બનાવવાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં પણ અમુક રોડ સિમેન્ટના બન્યા છે. આવું બીજાં શહેરોમાં પણ થવું જોઈએ. સિમેન્ટ કૉન્ક્રિટના રોડ હશે તો દાયકાઓ સુધી તે નહીં તૂટે અને વારંવાર થતા ખર્ચમાંથી બચી શકાશે.

"આ ઉપરાંત ઘણા હાઈવે પર પુલ એટલા નીચા છે કે થોડો વરસાદ પડતા જ તેના પરથી પાણી વહેવા લાગે છે. આ પુલના સ્તરને ઉપર લાવવાની જરૂર છે જેથી ભારે વરસાદમાં હાઈવે બંધ કરવા ન પડે. માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા નથી અપાતી તે બિઝનેસ માટે નુકસાનકારક છે."

જોકે, સાણંદ ઇન્ડસ્ટ્રી ઍસોસિયેશનના વાઇસ પ્રૅસિડન્ટ અશોકભાઈ પટેલના મતે ગુજરાતમાં રોડની સ્થિતિ બીજાં રાજ્યો કરતાં ઘણી સારી છે.

તેઓ કહે છે કે, "અત્યારે માંડ 15 ટકા રોડ ખરાબ હશે અને તેનું સમારકામ ઝડપથી થઈ રહ્યું છે. તાજેતરમાં મેં મધ્યપ્રદેશની મુલાકાત લીધી ત્યારે ત્યાં રોડની હાલત ગુજરાતની સરખામણીમાં ખરાબ હતી. રાજસ્થાનમાં પણ મુખ્ય રોડ સારા કહી શકાય પરંતુ અંતરિયાળ રસ્તાના તૂટેલા છે."

ખરાબ રસ્તાની અર્થતંત્ર પર અસર

કોઈ પણ અર્થતંત્રના ઝડપી વિકાસમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેની સ્થિતિ સારી ન હોય તો તેના કારણે અર્થતંત્રે ભોગવવું પડે છે.

ઊબડખાબડ રસ્તાના કારણે ઈંધણનો વપરાશ વધે છે, ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઈ જવું પડે છે, વાહનોનો ઘસારો વધી જાય છે, વારંવાર પંક્ચર થવાં, સસ્પેન્શનને નુકસાન, વ્હીલના ઍલાઇન્મેન્ટને અસર થવી, ટાયર બદલવા પડે વગેરે મુખ્ય સમસ્યા છે. આ ઉપરાંત તેના કારણે વીમા પ્રીમિયમનો ખર્ચ પણ વધી જાય છે.

લૉજિસ્ટિક્સ કંપની ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (ટીસીઆઈ) અને આઈઆઈએમ-કોલકાતાના 2016ના એક અભ્યાસ પ્રમાણે રોડની ખરાબ સ્થિતિના કારણે પરિવહનમાં વિલંબ થવાથી ભારતીય અર્થતંત્રને દર વર્ષે 21.3 અબજ ડોલરનું નુકસાન થાય છે. વાહનોની ધીમી ગતિના કારણે એકલા ઈંધણનો ખર્ચ વર્ષે 14.7 અબજ ડૉલર જેટલો વધી જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો