બંગાળમાં ભાજપને હરાવવા મમતા, ડાબેરી પક્ષો, કૉંગ્રેસ બધાં એક થશે?

    • લેેખક, પ્રભાકર મણિ તિવારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે, કોલકાતાથી

શું પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે તૃણમૂલ કૉંગ્રેસ, વામમોર્ચો અને કૉંગ્રેસ વચ્ચે તાલમેલ થશે. શું દરેક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે આ ત્રણેય પાર્ટીના સંયુક્ત ઉમેદવારો હશે?

જો ભાકપા (માલે)ના મહાસચિવ દીપંકર ભટ્ટાચાર્યની સલાહને ધ્યાનમાં લેવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તસવીર કંઈક આવી ઊભરે છે.

જોકે બંગાળ વામમોર્ચા નેતાઓના વલણે આ તસવીર બનતા પહેલાં કૅનવાસ પર પાણી ફેરવી દીધું છે.

બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર દીપંકર ભટ્ટાચાર્યની ટિપ્પણીએ અહીં રાજનીતિના પાણીમાં કાંકરો નાખ્યો છે.

દીપંકરે કહ્યું કે વામદળોએ પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપને એક નંબરના દુશ્મન માનીને ભાવી રણનીતિ બનાવવી જોઈએ. તેના માટે જરૂર પડે તો તૃણમૂલ કૉંગ્રેસની સાથે હાથ પણ મિલાવી શકે છે.

જોકે તેમની આ સલાહને વામમોર્ચાએ ફગાવી દીધી છે. બીજી તરફ તૃણમૂલ કૉંગ્રેસે તેનું સ્વાગત કર્યું છે.

દીપંકરને ટોણો

દીપંકર ભટ્ટાચાર્યના નેતૃત્વમાં બિહારમાં વામદળોએ 19માંથી 12 બેઠકો જીતી છે.

તેમ છતાં પશ્ચિમ બંગાળમાં વામનેતાઓ એ મૉડલને અપનાવવા માટે તૈયાર નથી. વામમોર્ચાના અધ્યક્ષ વિમાન બસુ કહે છે, "બંગાળનું પોતાનું એક મૉડલ છે. અહીં બિહાર મૉડલ અપનાવવાની જરૂર નથી."

દીપંકરનું કહેવું હતું કે પશ્ચિમ બંગાળમાં તમામ વામદળો ભાજપની જગ્યાએ તૃણમૂલ કૉંગ્રેસને પોતાનો મુખ્ય હરીફ માનીને આગળ વધી રહ્યા છે.

તેઓએ સંકેત આપ્યા કે મમતા બેનરજી સાથે હાથ મિલાવવામાં કોઈ સમસ્યા નથી.

દીપંકર અનુસાર, આપણે એ સમજવું પડશે કે દેશના લોકતંત્ર અને નાગરિકો માટે ભાજપ સૌથી મોટો દુશ્મન છે. તૃણમૂલ કૉંગ્રેસ અને કૉંગ્રેસ આ શ્રેણીમાં નથી આવતા.

દીપંકરની આ ટિપ્પણીથી અહીં માકપા મુખ્યાલય અલીમુદ્દીન સ્ટ્રીટમાં હલચલ તેજ થઈ ગઈ છે.

વિમાન બસુ સમેત તમામ નેતાઓએ દીપંકરની ટિપ્પણી માટે તેમની ખેંચાઈ કરી છે.

બંગાળ બિહારથી અલગ

તેમનું કહેવું છે કે દીપંકરને બંગાળની રાજનીતિ અંગે કોઈ જાણકારી નથી.

માકપાના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું, "હકીકતમાં ભટ્ટાચાર્ય અહીં વામનેતાઓ પર દબાણ કરવાની રણનીતિ હેઠળ આવું કરી રહ્યા છે, જેથી આગામી ચૂંટણીમાં તેમને વધુ બેઠકો મળી શકે."

"બિહારમાં ઉત્તમ પ્રદર્શનને આધારે આવું નિવેદન આપવું યોગ્ય નથી. બંગાળની રાજનીતિ બિહારથી ઘણી રીતે અલગ છે."

વિમાન બસુએ બુધવારે માલદામાં પત્રકારોને કહ્યું, "ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ બંને સાંપ્રદાયિક પાર્ટી છે. એવામાં બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ સાથે ચૂંટણી કે અન્ય કોઈ ગઠબંધનનો કોઈ સવાલ જ પેદા થતો નથી."

"વામમોર્ચો અહીં તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ બંને સામે લડશે. તૃણમૂલ કૉંગ્રેસ પાસે કોઈ આદર્શ કે નૈતિકતા નથી. ભાજપને બંગાળમાં એ જ લાવી છે."

માકપા પોલિત બ્યૂરોના સભ્ય મોહમ્મદ સલીમ કહે છે, "દૂરબીનથી બંગાળને જોનારા લોકો વાસ્તવિક સ્થિતિથી અવગત નથી. તૃણમૂલ કૉંગ્રેસનું ગઠન કરીને મમતાએ એનડીએ સાથે હાથ મિલાવ્યા હતા. બંગાળમાં ભાજપના પ્રવેશ અને વામમોર્ચાના સફાયા માટે મમતા જ કારણભૂત છે."

તો બીજી તરફ તૃણમૂલ કૉંગ્રેસે ભટ્ટાચાર્યની સલાહનું સ્વાગત કર્યું છે.

પાર્ટીના પ્રવક્તા સાંસદ સૌગત રાય કહે છે, "એકસાથે બે મોર્ચા પર લડવું રણનીતિક રીતે ગંભીર ભૂલ છે. નેપોલિયન અને હિટલરને ઘણું નુકસાન વેઠ્યા પછી તેની સમજણ આવી હતી. ખબર નહીં બંગાળમાં વામમોર્ચો ક્યારે આ વાત સમજશે? જ્યારે બહુ મોડું થઈ ગયું હશે ત્યારે સમજશે?"

સૌગાત રાયનું કહેવું હતું કે રાષ્ટ્રીય હિતમાં વામમોર્ચાએ બંગાળમાં ભાજપ સામે લડવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મમતાની મદદ કરવી જોઈએ.

ભાજપનું મૌન

બીજી તરફ ભાજપે દીપંકરના નિવેદન પર કોઈ ટિપ્પણી નથી કરી.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ કહે છે, "આગામી ચૂંટણીમાં અમારી જીત પાક્કી છે. બિહાર બાદ હવે અમારું લક્ષ્ય અહીં બે-તૃતીયાંશ બહુમતથી જીતીને સત્તા મેળવવાનું છે. બિહારનાં પરિણામનો ફાયદો પાર્ટીને અહીં પણ મળશે."

રાજનીતિક પર્યવેક્ષકોનું કહેવું છે કે દીપંકરની સલાહ એટલી ખરાબ નથી, જેટલી બંગાળના વામનેતાઓ માની કે કહી રહ્યા છે.

34 વર્ષ સુધી બંગાળમાં રાજ કરનારા વામમોર્ચાના પગ તળેથી સરકતી જમીનને જોતાં તેણે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે યોગ્ય રસ્તો પસંદ કરવો જોઈએ.

દીપંકરની સલાહ પાર્ટીઓ માનશે?

રાજનીતિક પર્યવેક્ષક વિશ્વનાથ પંડિત કહે છે, "2011 બાદ થનારી તમામ ચૂંટણીમાં વામમોર્ચાની જમીન ધીરેધીરે સરકતી રહી છે. જોકે તેની પાસે હાલમાં આઠથી દસ ટકા મત છે. પરંતુ તેણે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે, જેની પાસે ન તો કોઈ સારો નેતા છે કે ન કોઈ જનાધાર."

"ભાજપે તેને ઝડપથી રાજનીતિક હાંસિયામાં ધકેલી દીધી છે. એવામાં બંગાળમાં પણ બિહાર મૉડલ અપનાવવામાં કોઈ બૂરાઈ નજરે આવતી નથી. ચૂંટણીમાં હારજીત જ મહત્ત્વની છે. પરિણામ બાદ ચૂંટણીની રણનીતિ કે તાલમેલ જેવી વાતોનું કોઈ મહત્ત્વ રહેતું નથી.

બાંગ્લા અખબાર આનંદ બાઝાર પત્રિકા માટે દશકો સુધી વામ રાજનીતિને કવર કરનારા વરિષ્ઠ પત્રકાર તાપસ મુખરજી કહે છે, "હકીકતમાં વામમોર્ચાના નેતાઓ અહીં મમતાની તૃણમૂલ કૉંગ્રેસના હાથે મળેલી હારના જખમોને હજુ ભૂલ્યા નથી."

"મમતા બેનરજી પણ ગાઈ-વગાડીને વામપંથી દળો પર નિશાન સાધતાં રહે છે. જોકે રાજકારણમાં મિત્રતા કે દુશ્મની કાયમી હોતી નથી. પણ વર્તમાન સંદર્ભમાં દીપંકરની સલાહ પરનો અમલ એક દૂરની વાત છે."

ગત લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસની સાથે હાથ મિલાવ્યા પછી વામદળોનું ખાતું ખૂલી શક્યું નહોતું.

મુખરજી કહે છે, "વામમોર્ચો ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ બંનેથી સમાન અંતર જાળવીને ચાલવાની રણનીતિ પર આગળ વધી રહ્યો છે."

"રસપ્રદ વાત એ છે કે તૃણમૂલ કૉંગ્રેસ પ્રમુખ મમતા બેનરજી વારંવાર ભાજપ અને વામદળોથી સમાન અંતર જાળવીને આગળ વધવાની વાત કરી રહ્યાં છે. તેમ છતાં તેમની પાર્ટીને વામદળોના સમર્થન પર કોઈ વિરોધ નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો