You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પ: ચૂંટણી હારવા છતાં ફરી અમેરિકાના પ્રમુખ બની શકે?
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
આજથી ગણીએ તો 20મી જાન્યુઆરી સુધી હવે ટ્રમ્પ શાસનને માત્ર ગણતરીના દિવસ રહ્યા છે. બાઇડનને વિજયની વધામણી અપાઈ ગઈ છે પરંતુ હજી સત્તાનો ખેલ પૂરો નથી થયો.
પોતે સ્વૈચ્છિક અને શાંતિપૂર્ણ રીતે "Change of Guards" એટલે કે સત્તાની ફેરબદલ નહીં થવા દે એવું ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરની ચૂંટણી પહેલાં કહ્યું હતું અને એવું જ થઈ શકે છે એમ અનેક લોકો માને છે.
અમેરિકામાં પ્રમુખ ચૂંટવાની પ્રક્રિયા જટિલ છે. આ પરિસ્થિતિ મુજબ બંધારણ પ્રમાણે અમેરિકાના દરેક રાજ્યે ઇલેક્ટોરલ કૉલેજમાં પ્રમુખને મત આપનાર મતદાતાઓ ચૂંટવાના હોય છે જે બધા ભેગા થઈને પ્રમુખની ચૂંટણી માટે મત આપે છે.
ઘણા બધા રાજ્યોએ એવો કાયદો કર્યો છે કે આ મતદાતા એમના રાજ્યમાં "પોપ્યુલર વોટર્સ" બહુમતીના જોરે ચૂંટાશે પણ એ જે તે રાજ્યનો કાયદો છે બંધારણીય રીતે એ બંધનકર્તા નથી.
મતગણતરીમાં આગલા દિવસે ટ્રમ્પ લીડ મેળવી રહ્યા હતા અને એ પછી જો બાઇડન આગળ નીકળવા માંડ્યા અને ત્યાંથી જ વિવાદની શરૂઆત થઈ.
કોઈને 270 મત ન મળે એમ પણ બને
રિપબ્લિકન પાર્ટીવાળાઓએ જે રીતે હજારો મેઇલ ઇન બૅલટ્સ સામે વાંધો લીધો. ડેમૉક્રેટ્સે સામે કાઉન્ટર સ્યૂ એટલે કે વિરોધી દાવો માંડ્યો.
આવાં નવ રાજ્યો જેને સ્વિંગ સ્ટેટ કહેવાય છે તેમાંથી અમેરિકન સૅનેટમાં 8 ચૂંટાયેલા સૅનેટર્સ છે.
હવે આમાંથી કોઈને પણ એમ લાગે કે બધું સમુંસુતરું નથી અને પોપ્યુલર વોટની સાથે મેઇલ ઇન વોટર્સ ભેગા કરીને 'ઇલેકટર્સ' એટલે કે પ્રમુખપદ માટે મત આપવા અધિકૃત વ્યક્તિ ચૂંટાયા છે તે પોતાના મત પ્રમાણે સાચા નથી, તો તેમને ખુદને જે યોગ્ય લાગે તે સુધારો ગોઠવી શકે અને સ્વાભાવિક રીતે એમાં રિપબ્લિકન્સનાં હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો આમ થાય તો સામે ડેમૉક્રેટ્સ વાંધો લે અને કોર્ટ મેટર બને. આ રાજ્યોમાંથી કેટલાક રાજ્યોમાં ડેમૉક્રેટિક ગવર્નન્સ અથવા સેક્રેટરી ઑફ સ્ટેટ તેમનું પોતાનું લિસ્ટ વોશિંગ્ટન મોકલી આપે. એમાં પણ ગૂંચનો છેડો મળતો નથી.
આના કારણે વધારે ગૂંચવાડો ઊભો થાય તેવું રિપબ્લિકનો ચોક્કસ ઇચ્છી શકે જેથી બાઇડનને કાયદેસર પ્રમુખ ચૂંટાવા સામે વિઘ્ન મૂકી શકાય.
6ઠ્ઠી જાન્યુઆરીએ જ્યારે કૉંગ્રેસ મળશે ત્યારે 'ઇલેકટર્સ'ના મતની સરખામણી થશે અને એમાંથી કેટલાકની કાયદેસરતાને પડકારાશે.
એવું પણ બની શકે કે કૉંગ્રેસમાં જે રિપબ્લિકન પ્રતિનિધિઓ છે તેઓ જે રાજ્યોમાં મતભેદ છે એટલે કે ગૂંચવાડો છે તેના વોટની ગણતરી ન કરવા પર સહમત થાય.
જો એમ થાય તો બેમાંથી એકેય મુરતિયાને પ્રમુખ તરીકે ચૂંટાવા માટે જરૂરી 270 મત મળે નહીં.
આ સ્થિતિમાં બંધારણ મુજબ 'હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ'ના ઉમેદવારોનું મતદાન પ્રમુખપદની ચૂંટણી માટે નિર્ણાયક બની જાય પણ એમ કરવાનું થાય તો દરેક રાજ્ય માત્ર એક જ મત આપી શકે.
જો આવું થાય તો 26 રાજ્યના પ્રતિનિધિ રિપબ્લિકન હોય, 23 ડેમૉક્રેટિક હોય અને એક વોટ માટે ટાઈ પડે અને એ સ્થિતિમાં ટ્રમ્પને ફરી ચૂંટાવા સિવાય રસ્તો રહે નહીં.
આ પ્રક્રિયાને અંતે જે નીપજે તેનો ટ્રમ્પ સહર્ષ સ્વીકાર કરે અને સંપૂર્ણપણે બંધારણીય પ્રક્રિયાને અનુસરીને એ પ્રમુખપદ માટે ચૂંટાઈ આવે.
ટ્રમ્પનો હુંકાર કદાચ ઉપર વર્ણવેલી ઘટનાઓની આખીયે શૃંખલાને આ માણસ બરાબર સમજે છે તેનો પુરાવો છે.
કદાચ એટલે જ મહિનાઓ પહેલાંથી એમણે મેઇલ ઇન બૅલેટ્સ એટલે કે અપ્રત્યક્ષ રીતે કરાયેલા મતદાન સામે કાગારોળ મચાવવાનું શરુ કર્યું હતું.
એમનું કહેવું એવું હતું કે ચૂંટણીની રાત્રે જે મત ગણાયા હોય તેના પરથી જ વિજય અથવા પરાજય નક્કી થવો જોઈએ.
એમણે ગત અઠવાડિયે કહ્યું હતું કે મેઇલ ઇન બૅલેટ્સ ન ગણીએ અને જે પરિણામ આવે તે મુજબ પોતે જો હારશે તો સત્તા હસ્તાંતરણમાં કોઈ જ પ્રશ્ન ઉભો નહીં થાય.
અનેક લોકોના મત કમી કરવામાં આવ્યા
ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદની ચુંટણીની આખી પ્રક્રિયાની ઊંડી સમજનું આ પરિણામ હોઈ શકે. કારણ કે ટ્રમ્પની થિયરી પ્રમાણે જો મતગણતરી થાય તો તેમને ખબર છે કે સત્તાનું હસ્તાંતરણ થવાનો પ્રશ્ન જ ઊભો થવાનો નથી.
વળી, ભૂતકાળમાં એમણે કહ્યું હતું કે "At aCertain Point it Goes to Congress." મતલબ એક તબક્કે વાત કૉંગ્રેસમાં જશે.
છેલ્લાં કેટલાક વર્ષોમાં અમેરિકામાં જુદા જુદા રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટીએ પોતાના મતોને માપવા માટે અનેક સુધારા કર્યા છે અને અમુક તો હાસ્યાસ્પદ લાગે એવી બાબતો પણ છે.
દાખલા તરીકે 2011માં ટેક્સાસ રાજ્યે વોટિંગ માટે જે સરકારી આઇડેન્ટિફિકેશન કાર્ડ જોઈએ તે માટે ગન લાઇસન્સને સ્વીકૃતિ આપી પણ કોઈ પણ સ્ટેટ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ આઈડીને મતદાન માટે અમાન્ય ગણાવી.
બહાનું એવું હતું કે આ રીતે તેઓ "Voter Fraud - ખોટું મતદાન" રોકવા માંગે છે, જેનું ઘણા બધા અભ્યાસનાં તારણો મુજબ અમેરિકામાં અસ્તિત્વ જ નથી.
જ્યોર્જિયા રાજ્યે નાના ટાઇપમાં લખાઈ હોય તેવી અરજીને વોટર રજિસ્ટ્રેશન માટે અમાન્ય ગણવાનો કાયદો કર્યો. જે મોટે ભાગે કાળા (Black) મતદારોને અસરકર્તા હતો.
ફ્લોરિડામાં રિપબ્લિકન ગવર્નર અને સેનેટર્સ ભેગા થઈને દસ લાખ જેટલા પૂર્વ ફેલોન્સ (ગુનાખોરો)ને મતાધિકાર આપવાનો કાયદો રદ કરી દીધો. જેને કારણે મોટા ભાગે કાળા મતદાતાઓ રહી જાય.
અમેરિકામાં લોકશાહી પ્રક્રિયા અત્યારે આ પ્રકારના ટ્વીસ્ટ અને ટર્નમાંથી પસાર થઈ રહી છે કારણ કે રિપબ્લિકન પાર્ટી માને છે કે સત્તા સુધી પહોંચવાનો રસ્તો બહુમતી મત સિવાયની કાયદાકીય-બંધારણીય આંટીઘૂંટીઓમાંથી પણ નીકળે છે.
2018માં વિસ્કોન્સિન રાજ્યની ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકનોએ જે ફેરફાર કર્યા હતા તેના પરિણામે 45 ટકા મત મેળવીને તેઓએ વિસ્કોન્સિન રાજ્યની ધારાસભામાં 65% સીટો પોતાના ગજવામાં ઘાલી હતી.
આમ ડિલિમિટેશન સામે કકળાટ માત્ર આપણે ત્યાં જ છે તેવું નથી, કાગડા બધે જ કાળા છે. અમેરિકામાં પણ આ થઈ શકે છે.
1992થી અત્યાર સુધીમાં રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદ માટેના ઉમેદવારે પોપ્યુલર વોટ એક જ વાર માત્ર 2004માં મેળવ્યો હતો જેનું મુખ્ય કારણ ટેરરિસ્ટ ઍટેક અને એ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય હિત ખાતર એક થવાની સમગ્ર અમેરિકામાં ફેલાયેલી ભાવના હતી.
આમ હોવા છતાંય છેલ્લા 30 વર્ષમાંથી 14 વરસ હાઉસનો કબજો રિપબ્લિકનો પાસે રહ્યો.
20 જાન્યુઆરી સુધી અનેક ચિંતાઓ
અમેરિકા પોતાને વિશ્વની અગ્રિમ લોકશાહી વ્યવસ્થા ગણાવે છે આમ છતાં અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તે પરથી ખ્યાલ આવશે કે પ્રમાણમાં નબળી અને અસ્પષ્ટ બંધારણીય જોગવાઈઓને કારણે પ્રમુખપદ માટેની સંપૂર્ણ ચૂંટણી વ્યવસ્થામાં અનેક ઠેકાણે છીંડાં છે.
આ કારણથી 20 જાન્યુઆરીએ જો બાઇડન પ્રમુખ તરીકેનો હવાલો સંભાળશે કે કેમ એ સામે એવી તો આડખીલીઓ ઊભી કરવામાં આવી રહી છે કે જે વિશ્વના કોઈપણ "Banana Republic"ને પણ સારું કહેવડાવે તેવી છે.
આવનાર 70 દિવસ આ કારણથી અમેરિકા માટે ચિંતાના દિવસો બની રહેવાના છે. ટ્રમ્પ આસાનીથી જશે નહીં અને જશે ત્યારે અમેરિકાની લોકશાહીનાં વિવિધ અંગો પર એવા ઊંડા ઘા કરતા જશે જેને રુઝાતાં વર્ષો લાગશે અથવા કદાચ રુઝ ન પણ આવે. ટ્રમ્પને લગભગ સાત કરોડ કરતાં વધારે મળ્યા છે એ ન ભૂલવું જોઈએ.
પ્રમુખપદે બાઇડન આવે તો એ અમેરિકન વ્યવસ્થા તંત્ર અને બંધારણીય સંસ્થાઓનો વિજય હશે.
આ પરિસ્થિતિ જો બાઇડન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બને એ પહેલાં જે જ્ઞાનતંતુઓની અથવા રસ્તાઓ ઉપરની લડાઈ ચાલવાની છે તે પરિણામ આવ્યા બાદ પણ ઘણો લાંબો સમય અમેરિકાને પીડતી રહેશે.
વિશ્વશાંતિના હિતમાં આપણે આશા રાખીએ કે અમેરિકામાં સત્તા પલટો પ્રમાણમાં સરળતાથી થાય અને બંને પક્ષ લોકશાહીનાં મૂલ્યોના જતન માટે પોતાની ટૂંકી દૃષ્ટિ અને સાંકડા વિચારોને જતા કરીને અમેરિકાના તેમજ વિશ્વના વિશાળ હિતમાં નિર્ણય લે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો