You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા ચૂંટણી પરિણામ: લોકોને જેનો ભય હતો તે પળ આખરે આવી ગઈ છે?
ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા અઠવાડિયાંથી એવા સંકેત આપી રહ્યા હતા કે જો રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રસાકસીનો મુકાબલો થશે તો તેઓ ડૅમોક્રેટિક પાર્ટીના પોતાના હરીફ સામે મતમાં છેતરપિંડી કરવાનો અને તેમની પાસેથી ચૂંટણીની જીત આંચકી લેવાનો આરોપ મૂકશે.
બુધવારે તેમણે બરાબર આવું જ કર્યું. જ્યારે કાયદેસરના લાખો મતની ગણતરી હજી બાકી હતી ત્યારે તેમણે પરિણામોની સત્તાવાર ઘોષણા અગાઉ જ પોતાના વિજયની જાહેરાત કરી દીધી.
ટ્રમ્પે દાવો કર્યો, "અમે આ ચૂંટણીને જીતવાની તૈયારી કરી રહ્યા હતા. ચોખ્ખી વાત કરીએ તો અમે આ ચૂંટણી જીતી લીધી હતી."
કોઈ પણ જાતના પૂરાવા આપ્યા વગર તેમણે એવા સંકેત આપ્યા કે આ ચૂંટણીમાં છેતરપિંડી થઈ છે.
તેમણે કહ્યું, "આ આપણા દેશની સાથે મોટો દગો છે. અમે ઇચ્છીએ છીએ કે કાયદાને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે. અમે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જઈશું. વોટિંગ સમાપ્ત થયા પછી વોટ આપવા દઈ શકાય નહીં."
'અપમાનજનક, અભૂતપૂર્વ, અયોગ્ય'
ટ્રમ્પના નિવેદન અંગે ડૅમોક્રેટ્સ ઉપરાંત રાષ્ટ્રપતિના કેટલાક ટેકેદારોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી.
ટ્રમ્પના હરીફ જો બાઇડને જણાવ્યું કે, "જ્યાં સુધી તમામ મતની ગણતરી પૂરી ન થાય ત્યાં સુધી ચૂંટણી પૂરી થઈ ન ગણાય."
જો બાઇડને ભારપૂર્વક જણાવ્યું કે, "અમે જીતના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બાઇડન ફૉર પ્રેસિડન્ટ" કેમ્પેઇનના મૅનેજર જેમ ઓમૈવી ડિલ્લન કહે છે કે ટ્રમ્પની ટિપ્પણી 'અપમાનજનક, અભૂતપૂર્વ અને અયોગ્ય' હતી.
એમણે કહ્યું, "આ અપમાનજનક એટલા માટે છે કારણ કે તે અમેરિકાના નાગરિકોનાં લોકતાંત્રિક અધિકારોને છીનવી લેવાનો ખુલ્લો પ્રયાસ છે."
એમણે કહ્યું, "આ અભૂતપૂર્વ એટલા માટે છે કારણ કે ઇતિહાસમાં અગાઉ ક્યારેય અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિએ એક રાષ્ટ્રીય ચૂંટણીમાં અમેરિકન લોકોના અવાજને છીનવી લેવાનો પ્રયાસ નથી કર્યો."
કૉંગ્રેસ માટે પોતાની સીટ પરથી પુનઃનિર્વાચિત થનારા ડૅમોક્રેટિક પાર્ટીના એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેજે ટ્રમ્પના દાવાની ટીકા કરીને તેને "ગેરકાયદે, ખતરનાક અને દાદાગીરીપૂર્ણ" ગણાવ્યો છે.
તેમણે ટ્વીટ કરી કે, "મતની ગણતરી કરો, પરિણામોનું સન્માન કરો."
ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના લોકોએ પણ તેમના દાવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમાં પેન્સિલ્વેનિયાના ભૂતપૂર્વ સેનેટર રિક સેન્ટોરમ પણ સામેલ છે.
રિક સેન્ટોરમે ટ્રમ્પની ટિપ્પણી વિશે કહ્યું કે, "તેઓ બહુ ચિંતિત" હતા. તેમણે ટેલિવિઝન ચેનલ સીએનએન પર જણાવ્યું, "છેતરપિંડી શબ્દનો ઉપયોગ.... મારા માનવા પ્રમાણે અયોગ્ય છે."
કન્ઝર્વેટિવ કોમેન્ટેટર અને રાષ્ટ્રપતિના ટીકાકાર માનવામાં આવતા બેન શેપિરોએ ટ્વીટ કરી કે ટ્રમ્પની ટિપ્પણી "અત્યંત બેજવાબદારીપૂર્ણ" હતી.
ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે ટ્રમ્પની ટિપ્પણીને થોડી હળવી કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે વિજયની ઘોષણા કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તમામ કાયદેસરના મતની ગણતરી કરવામાં આવશે.
- અમેરિકાની ચૂંટણીની આફ્રિકાના અંતરિયાળ ગામ સુધી કેવી અસર પડે છે?
- અમેરિકાની ચૂંટણીમાં પણ ભારત-પાકિસ્તાન એક મુદ્દો છે?
- ભારત-પાકિસ્તાન મૂળની એ મહિલાઓ જેમનો અમેરિકાની ચૂંટણીમાં ડંકો વાગશે
- ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શકશે?
- કમલા હૅરિસ : ભારતીય મૂળનાં ફાયરબ્રાન્ડ નેતાથી અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર સુધી
'નુકસાન થઈ ચૂક્યું છે'
પરંતુ બીબીસીના ઉત્તર અમેરિકાના સંવાદદાતા એન્થની જર્ચર કહે છે કે નુકસાન થઈ ચૂક્યું છે.
જર્ચરે જણાવ્યા પ્રમાણે "ટ્રમ્પ આખરે જીતે કે હારે, તેમણે આ ચૂંટણીનો મૂડ ખરાબ કરી નાખ્યો છે કારણ કે તેમણે અમેરિકન લોકતંત્રના તમામ હિસ્સા સામે સવાલ ઊભાં કરી દીધા છે."
કોરોના રોગચાળાને પગલે મોટી સંખ્યામાં અમેરિકન મતદારોએ પોસ્ટલ બૅલટથી અથવા શરૂઆતમાં જ મતદાન કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેથી આ મતોની ગણતરીમાં લાગતો સમય વધી ગયો.
કેટલાક રાજ્યોમાં તો અંતિમ મતગણતરી પૂરી થવામાં અનેક દિવસો લાગી શકે તેમ છે.
એન્થની જર્ચર જણાવે છે, "અમેરિકાની ચૂંટણી એ તબક્કામાં પ્રવેશી ગઈ છે જેની ઘણા અમેરિકનોને બીક હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાંથી જ બૅલેટ વોટની ગણતરીના મહત્ત્વને ઓછી આંકે."
ટ્રમ્પ એવું જણાવીને પહેલેથી વિવાદમાં આવી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી હારશે તો પરિણામોનો સ્વીકાર નહીં કરે.
તેમની આવી વાતના કારણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં એક અસામાન્ય પ્રકારની ચર્ચાને વેગ મળ્યો છે કે શું વ્હાઇટ હાઉસમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિને બહાર કાઢવા માટે સશસ્ત્ર દળો, સિક્રેટ સર્વિસ અથવા પોલીસને બોલાવી પડશે કે કેમ?
લાંબી કાનૂની લડાઈના માર્ગે...
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની રેસ કોણ જીતશે તેનો નિર્ણય નોર્થ કેરોલિના, નેવાડા, એરિઝોના, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલ્વેનિયા અને જ્યોર્જિયાના ચૂંટણી પરિણામો પર રહેલો છે.
કોઈ પણ પ્રકારના કાનૂની કેસ આ રાજ્યોની અદાલતોમાં દાખલ કરવામાં આવશે અને ત્યાર પછી જ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે.
આવું થશે તો વર્ષ 2020ની અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું સત્તાવાર પરિણામ આવવામાં ઘણા દિવસો લાગી શકે છે.
આ દરમિયાન એ વાતનો ભય છે કે આ અનિશ્ચિતતા ક્યાંક વિરોધપ્રદર્શનો અને અથડામણનું સ્વરૂપ ધારણ ન કરી લે.
દેશના ઘણા ભાગોમાં હિંસક અથડામણો, તણાવપૂર્ણ માહોલ, વિરોધપ્રદર્શનના સમાચાર પણ આવી રહ્યા છે. વ્હાઇટ હાઉસની સામે પણ આવા પ્રદર્શનો થયા છે.
એન્થની જર્ચર કહે છે કે, "એક તરફ બાઇડન દાવો કરે છે કે તેઓ જીતના માર્ગે આગળ વધી રહ્યા છે. બીજી તરફ ટ્રમ્પ વોટિંગમાં ગરબડના પાયાવિહોણા આરોપોનો સહારો લઈ રહ્યા છે. જે વાત એક તબક્કે દુઃસ્વપ્ન જેવી લાગતી હતી તે હવે જાણે હકીકતનું રૂપ ધારણ કરી રહી છે."
"આ રસ્તો કડવાશભર્યો છે અને લાંબી કાનૂની લડાઈ તરફ જઈ રહ્યો છે. તેનું પરિણામ એ આવશે કે હારનારા પક્ષના સમર્થકોને લાગશે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને તેમનામાં નારાજગીની ભાવના પેદા થશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો