બિહાર : જનસંઘની ત્રણ બેઠકથી કિંગમેકર બનવા સુધીની ભાજપની કહાણી

    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના મહામારીના મારનો સામનો કરી રહેલી જનતા, આર્થિક તંગી, બેરોજગારી, કામદારોની પરેશાની અને ગઠબંધનના 15 વર્ષની 'એન્ટિઇનકમ્બન્સી'ની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બિહારમાં જીત મેળવવામાં સફળ રહી છે.

જોકે રાજ્યમાં પોતાના બળ પર સરકાર બનાવવા અને સૌથી મોટી પાર્ટી બનવાનું સપનું પુરુ ન થયું.

વીસ વર્ષથી સરકાર બનાવવાના પ્રયત્નો અને ગઠબંધન સરકારમાં જુનિયર પાર્ટનર રહ્યા પછી, આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. હવે ભાજપ વાયદા પ્રમાણે ભલે નીતીશકુમારને મુખ્ય મંત્રી બનાવી લે પરંતુ દબદબો તો તેમનો જ રહેશે, સિનિયર પાર્ટનર તે જ રહેશે.

હિંદીભાષી રાજ્યોમાં ઉત્તર પ્રદેશ પછી રાજકીય રીતે બીજું પ્રમુખ રાજ્ય બિહાર, હંમેશાં ભાજપ માટે પડકારરૂપ રહ્યું છે.

વર્ષ 2014માં મોદી લહેર પછી 2015માં બિહારમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવવાની સ્થિતિમાં ન હતો, 1990ના દાયકામાં રામજન્મભૂમિ આંદોલન છતાં હિંદુત્વના મુદ્દાને લઈને પોતાની જગ્યા બનાવી શક્યો નથી.

જોકે 2020ની વિધાનસભાની ચૂંટણીમાં તેમનું પ્રદર્શન આશાઓ કરતાં સારું રહ્યું છે.

ભાજપ માટે આ જીતને મહત્ત્વની ગણાવતા વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી આ પરિણામને ચોંકાવનારા પણ માને છે. તે કહે છે, "એવું ઓછું થાય છે કે લોકોની સ્થિતિ ખરાબ હોય પરંતુ તે સત્તાધારી ગઠબંધનમાં એક પાર્ટીને તેના માટે જવાબદાર માને. બિહારમાં જનતાએ પોતાની હેરાનગતિ માટે મુખ્ય મંત્રી નીતીશથી નારાજગી દેખાય છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી આશા."

ભાજપના આ પ્રદર્શનને સમજવા માટે હાલની ચૂંટણીના ગણિત સિવાય ભાજપની બિહારમાં હાલ સુધીની સફર પર નજર નાખવી જરૂરી છે.

હિંદુત્વ અથવા જાતિ

બિહારમાં ભાજપે (ત્યારે જનસંઘ) સૌથી પહેલીવાર 1962ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ સીટ જીતી હતી. દેશના રાજકારણમાં એ કૉંગ્રેસનો સમય હતો.

1970-80ના દાયકામાં સૌથી મોટું પરિવર્તન આવ્યું. કૉંગ્રેસ વિનાની પાર્ટી સાથે આવી. જયપ્રકાશ નારાયણના આંદોલનથી બિહારમાં ત્રણ મોટાં સમાજવાદી નેતા આવ્યા - લાલુ યાદવ, નીતીશકુમાર અને રામવિલાસ પાસવાન.

1980માં જનસંઘમાંથી બનાવેલી પાર્ટી, ભાજપે પણ રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરી અને 21 સીટ જીતી. પરંતુ ભાજપના કોઈ નેતાનું બિહારમાં એવું કદ ન હતું. હિંદુત્વના રાજકારણ અને સવર્ણ મતદારો પરની નિર્ભરતાથી ભાજપનું કામ બની રહ્યું ન હતું.

દાયકાઓથી બિહારના રાજકારણ પર રિપોર્ટિંગ કરતા વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુર પ્રમાણે, રાજ્યનું રાજકારણમાં હંમેશા ઉત્તર પ્રદેશથી અલગ રહ્યું છે.

તેઓ કહે છે "આ લોકો લાખ પ્રયત્ન કરી લે, ઉત્તર પ્રદેશમાં માહોલ બની જાય, પણ બિહારમાં સ્પષ્ટ રીતે ધર્મ સામે આવતો નથી. જાતીય સમીકરણ જ કામ કરે છે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથે પોતાની સભામાં રામમંદિરનો ઉલ્લેખ કર્યો, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં લોકોને વહેંચવાના પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ આની અસર સીમિત હતી."

બિહારમાં લાંબા સમયથી કૉંગ્રેસના સત્તામાં રહ્યા પછી 1990માં લાલુ યાદવની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) જીતી અને સતત 15 વર્ષ સુધી સરકાર બનાવી.

તે સમયમાં રામમંદિરની માગ દ્વારા દેશમાં લોકપ્રિય થયેલો ભાજપ આ મુદ્દે બિહારમાં સફળ ન થયો પરંતુ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથ યાત્રા બિહારમાં લાલુ પ્રસાદ યાદવે રોકી.

ગઠબંધનનું રાજકારણ

વર્ષ 2000માં છેવટે ભાજપને એ વાત સમજમાં આવી કે ગઠબંધન વિના સત્તા પર આવવું મુશ્કેલ છે અને રાજ્યમાં એકલા ચૂંટણી લડવાની જગ્યાએ સમતા પાર્ટી સાથે હાથ મિલાવ્યો.

ભાજપે 168 સીટ પર ચૂંટણી લડી અને 67 સીટ જીતી.

આ પરિણામના કેટલાંક મહિના પછી બિહારનું બે રાજ્યમાં વિભાજન થઈ ગયું. આનાથી ભાજપના 32 ધારાસભ્ય ઝારખંડના થઈ ગયા અને બિહારમાં 35 જ રહી ગયા.

વર્ષ 2003માં જનતા દળ અને સમતા પાર્ટીનો વિલય થયો અને જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) બની.

છેવટે વર્ષ 2005માં આરજેડીના 'જંગલરાજ'ની સામે 'સુશાસન'નો વાયદો કરવાવાળા જેડીયુ-ભાજપના એનડીએ ગઠબંધને રાજ્યમાં સરકાર બનાવી.

ભાજપે 102 સીટ પર ચૂંટણી લડી, 55 સીટ જીતી અને કુલ મત અંદાજે 16 ટકા પોતાના નામે કર્યા. 88 સીટ પર જેડીયુ જ ગઠબંધનનું મોટું પાર્ટનર હતું અને નીતીશકુમાર બન્યા મુખ્ય મંત્રી.

વર્ષ 2010માં ગઠબંધન વધારે મજબૂત થયું, ભાજપે 91 અને જેડીયુએ 115 સીટ જીતી.

પરંતુ જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા તો નીતીશકુમારે ભાજપથી પોતાનો સંબંધ તોડી નાખ્યો.

વર્ષ 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના એકલા દમ પર ચૂંટણી લડી. આરજેડી, જેડીયુ, કૉંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ ભાજપને પડકાર ફેંકવા માટે 'ધર્મનિરપેક્ષ' મૂલ્યોના નામે મહાગઠબંધન બનાવ્યું અને સરકાર બનાવવામાં સફલ રહ્યા.

નીતીશકુમાર મુખ્ય મંત્રી બન્યા અને લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવને ઉપ-મુખ્ય મંત્રીનું પદ મળ્યું.

2014ની લોકસભા ચૂંટણી અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીતથી ઉત્સાહિત ભાજપે બિહારની 157 સીટ પર એકલા ચૂંટણી લડી. ત્યારે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે ભાજપ હાર્યું તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

વડા પ્રધાન મોદીએ બિહાર માટે એક મોટા આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી પરંતુ ભાજપની સીટ 91થી ઘટીને 53 પર આવી ગઈ.

એ ચૂંટણીમાં ભાજપ હાર્યું, પરંતુ બે વર્ષ પછી ફેરફારમાં તે ફરી નીતીશકુમારની સાથે ગઠબંધન બનાવીને સત્તા મેળવવામાં કામયાબ રહ્યું.

નીતીશકુમારે ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવ પર લાગેલ ભ્રષ્ટાચારનો હવાલો આપી રાજીનામું આપી દીધુ, આ પછી તે ભાજપની સાથે સમજૂતી કરીને ફરી મુખ્ય મંત્રી બની ગયા.

એક વખત ફરીથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપને બિહારમાં ગઠબંધનની જરૂરિયાત હતી.

2020માં શું બદલાયું?

2015 પછી ચૂંટણીમાં નીતીશ અને લાલુના ગઠબંધને તમામ પછાત જાતિઓ અને મુસ્લિમ મતને સાથે લાવનારા માનવામાં આવ્યા હતા જેનાથી જીત મેળવી શકાય.

વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુરના કહેવા પ્રમાણે જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને અપનાવેલી ભાજપની રણનીતિ તેમના માટે કામની છે, "ભાજપે અતિપછાત વર્ગમાં પોતાનો બૅઝ બનાવ્યો, યાદવોની જમીન નબળી કરવા માટે સતત પછાત વર્ગોને નેતૃત્વમાં સામેલ કર્યા અને મહાદલિત સમુદાયમાં ભાવના વધારી કે મોદી જ સૌને બચાવી શકે છે"

વડા પ્રધાન મોદી અનેક ચૂંટણીની રેલીમાં પોતાને પછાત જાતિના હોવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

ગત દાયકાઓમાં ભાજપે પોતાની વોટબૅન્કને ધીમે-ધીમે વધારી છે. વર્ષ 2015માં ઓછી સીટ જીતવા છતાં પાર્ટીને કુલ 24 ટકા વોટ મળ્યા, જ્યારે રાજ્યમાં મતોની સંખ્યાની બાબતમાં બીજી પાર્ટી બની હતી.

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ કામયાબી મળી હતી અને રાજ્યની 40માંથી 39 સીટ જીતી હતી.

ભાજપે 2020ની વિધાનસભાની ચૂંટણી જેડીયુની સાથે ગઠબંધનમાં લડી તો જરૂર પણ તેને સંબંધમાં તિરાડ દેખાવવા લાગી હતી.

મણિકાંત ઠાકુરના કહેવા પ્રમાણે આમ છતાં ગઠબંધન ન તોડવાની પાછળ ભાજપની રણનીતિ હતી, "લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાનને નીતીશકુમારની સામે ચળવળ ચલાવવા દીધી, ભ્રષ્ટાચારના આરોપ લગાવવા દીધા, આ બધુ ભાજપે જાણી જોઈને થવા દીધું. પોતાના કાર્યકર્તાઓથી જે ફિડબેક મળ્યો, તેમાં નીતીશથી અલગ થવાની વાત હતી, પણ પાર્ટીએ તેમને મોટા ભાઈની જેમ દરજ્જો આપીને ગઠબંધન બનાવી રાખ્યું."

'જંગલરાજના યુવરાજ'

આ ચૂંટણીમાં ભાજપની સામે ગઠબંધનને સંભાળવા સિવાય બીજો પડકાર વિપક્ષ હતો જેમાં નવા પ્રાણ આરજેડીના તેજસ્વી યાદવે ફૂંક્યાં હતા. તેમણે ધર્મ અને જાતિની જગ્યાએ લોકોનાં મુદ્દાને પ્રયારનો આધાર બનાવ્યો.

દસ લાખ નોકરીઓ તેમનો વાયદો એટલો લોકપ્રિય થયો કે ભાજપને તેને પોતાનો એજન્ડા બનાવવો પડ્યો. પરંતુ સાથે જ લાલુ પ્રસાદ યાદવના સમયના 'જંગલરાજ'નો ઉલ્લેખ ચાલુ રાખ્યો.

'એન્ટિઇન્કમબન્સી'થી લોકોનું ધ્યાન હઠાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં 'જંગલરાજના યુવરાજ' જુમલાનો ઉપયોગ કર્યો જેને મીડિયાએ ખૂબ જગ્યા આપી.

નીરજા ચૌધરીના કહેવા પ્રમાણે આ ચૂંટણીમાં કેટલીક હદ સુધી મોદીને નીતીશના વિકલ્પ તરીકે જોવામાં આવ્યા પરંતુ તેજસ્વીએ સ્પષ્ટ કરી દીધું કે લોકોનાં ગુસ્સાને ઓછો આંકવો ખોટું છે, "લોકોના બૅન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થવાં, છ મહિનાનું રૅશન મળવું, એવી યોજનાઓનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા લાગે છે અને ત્રીસ વર્ષના તેજસ્વી લોકોની પરેશાનીને સારી રીતે સમજી અને સ્પષ્ટ કરી દીધું કે માત્ર હિંદુત્વ અથવા જાતિય સમીકરણ હારજીત બદલી શકતા નથી."

ભાજપ માટે આ જીત ઘણી મહત્ત્વપૂર્ણ છે કારણ કે એમાં ત્રણ વખત મુખ્ય મંત્રી રહેલા નીતીશકુમારની હાર છે. તે હવે ગઠબંધનમાં નાના નેતા થઈ ગયા છે.

ચૂંટણી પહેલાં ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે પરિણામ કોઈ પણ આવે, મુખ્ય મંત્રી પદ નીતીશકુમારનું જ હશે. પરંતુ ભાજપની આવી જીત પછી ઇરાદો બદલીને ભાજપના મુખ્ય મંત્રી તો નહીં બનાવવામાં આવે?

મણિકાંત ઠાકુરના કહેવા પ્રમાણે ભાજપને હવે પોતાના મુખ્ય મંત્રી બનાવવા પહેલાંથી વધારે વિચારવું પડશે, "જો ભાજપ નીતીશકુમારને મુખ્ય મંત્રી ન બનાવે તો વિશ્વાસઘાત કહેવાશે. બાકી પછી બની શકે કે નીતીશને કેન્દ્રમાં મંત્રીનું પદ આપીને કંઈક કરી શકાય, પરંતુ તે પછીની વાત કોણ જાણે છે?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો