You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર ચૂંટણી : ઔવેસીએ RJDને કેટલું નુકસાન કર્યું અને ભાજપને કેટલો ફાયદો?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
બિહારના સીમાંચલ વિસ્તારમાં 24 બેઠકો છે. જેમાં અડધીથી વધુ બેઠકો પર મુસ્લિમોની વસતી અડધોઅડધ જેટલી છે. ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ આમાંથી પાંચ બેઠકો પર વિજયી રહી છે.
આમૌરની બેઠક પર પાર્ટીના અખ્તરૂલ ઈમાન, કોચાધામમાં ઇજહાર અસફી, બાયસીમાં રકુનુદ્દીન અહમદ, બહાદુરગંજમાં અંજાર નઈમી અને જૌકીહાટમાં શાહનવાઝ આલમ જીત્યા છે.
ચૂંટણી પરિણામો અગાઉ રાજનૈતિક વિશ્લેષકો માની રહ્યા હતા કે સીમાંચલમાં મુસ્લિમ મતદાતાઓ ઔવેસીની પાર્ટીને બદલે ધર્મનિરપેક્ષ છબિ ધરાવનાર મહાગઠબંધનનની પાર્ટીઓને મહત્ત્વ આપશે. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સીમાંચલના મતદારોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે.
ખબર સીમાંચલના સંસ્થાપક હસન જાવેદ કહે છે કે "સીમાંચલની જનતાએ બદલાવ માટે વોટ આવ્યો છે. સેક્યુલર દળોને લાગે છે કે મુસલમાન ફક્ત એમને જ મત આપશે ભલે ને તે કામ કરે કે ન કરે પણ આ વખતે લોકોએ નવા ચહેરાઓને પસંદ કર્યા છે."
36 અને 16 વર્ષથી જીતનારા ધારાસભ્યો હાર્યા
પૂર્ણિયાની અમૌર બેઠક પર કૉંગ્રેસના અબ્દુલ જલીલ મસ્તાન છેલ્લા 36 વર્ષથી ધારાસભ્ય હતા. આ વખતે તેમને ફક્ત 11 ટકા મત મળ્યા છે. આની સામે એઆઈએમઆઈએમના અખ્તર-ઉલ-ઈમાનને 55 ટકાથી વધારે મત સાથે બેઠક પોતાને નામ કરી છે.
બહાદુરગંજ બેઠક પર કૉંગ્રેસના તૌસીફ આલમ 16 વર્ષોથી ધારાસભ્ય છે. આ વખતે એમને ફક્ત 10 ટકા મત મળ્યા છે. જ્યારે એની સામે એઆઈએમઆઈએમના અંજાર નઈમીએ 47 ટકાથી વધારે મતો સાથે આ બેઠક જીતી છે.
હસન જાવેદ કહે છે કે "મહાગઠબંધનને લાગતું હતું કે સીમાંચલમાં સરળતાથી બેઠકો નીકળી જશે અને તે રાજ્યમાં સરકાર બનાવી લેશે પણ અહીં પરિણામો વિપરીત છે."
કિશનગંજ લોકસભા ક્ષેત્રમાં છમાંથી 4 બેઠકો પર ઔવેસીની પાર્ટી વિજયની તરફે રહી. ગત ચૂંટણીમાં આ બેઠકો મહાગઠબંધન પાસે હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'અલગ ઓળખ ઇચ્છે છે મુસલમાન'
ચૂંટણી પ્રચાર દરમિયાન સીમાંચલનો પ્રવાસ કરનાર સ્વતંત્ર પત્રકાર પુષ્ય મિત્ર કહે છે કે "મુસલમાન મતદાતાઓ પોતાની આગવી ઓળખ ઇચ્છે છે. તેઓ નથી ઇચ્છતા કે તેમની ઓળખ ફક્ત ભાજપને હરાવનાર વોટ બૅન્ક તરીકે જ જોવામાં આવે. તેઓ પોતાના વિસ્તારમાં બદલાવ ઇચ્છે છે અને વિકાસ ઇચ્છે છે."
પુષ્ય મિત્ર કહે છે કે "સીમાંચલ વિસ્તારમાં વિકાસ રુંધાયેલો છે. અહીં પુલ-રસ્તાઓ તૂટેલાં દેખાય છે. લોકો અત્યારે પણ કાચા પુલો પર પ્રવાસ કરે છે. અહીં ધર્મનિરપેક્ષતાને નામે જીતનાર ઉમેદવારોએ વિકાસકામોમાં રસ નથી લેતા."
હસન જાવેદ કહે છે કે આ વખતે વિસ્તારના મુસલમાનોની માગણી હતી કે કૉંગ્રેસ અને આરજેડી પોતાના જૂના ઉમેદવારોને બદલી દે પરંતુ એમ ન થયું જેના કારણે એઆઈએમઆઈએમને પોતાની જમીન ઊભી કરવાની તક મળી ગઈ.
હસન જાવેદ કહે છે કે "કૉંગ્રેસ અહીંના મતદારોને પોતાના વેઠિયા મતદારો જેમ સમજતી હતી જ્યારે લોકો બદલાવ ઇચ્છતા હતા. આ જ કારણ છે કે લાંબા સમયથી જીતી રહેલા ઉમેદવારોને જનતાએ પૂરી રીતે નકારી કાઢ્યા છે."
પુષ્ય મિત્ર કહે છે કે "સીમાંચલમાં રાજનીતિમાં નવી પેઢીને જગ્યા નહોતી મળી રહી. જૂના લોકોએ જ ત્યાં ખીલો ગાડીને બેઠા હતા અને યુવા મુસલમાન મતદાતા પોતાના માટે નવો ચહેરો ઇચ્છતા હતા."
એઆઈએમઆઈએમ અને મતમાં કાપ
એઆઈએમઆઈએમના મેદાનમાં આવવાથી આરજેડી અને કૉંગ્રેસ પાર્ટીને નુકસાન તો થયું પરંતુ એવું નથી કે એઆઈએમઆઈએમથી જ મત કપાયાં.
ઔવેસીની પાર્ટી આ વખતે વીસ બેઠકો પર ચૂંટણી લડી રહી હતી. જેમાંથી પાંચ પર એમની જીત થઈ છે. આ સિવાયની બેઠકો પર એમને વધારે મત નથી મળ્યા.
ઉદાહરણ તરીકે નરપતગંજ બેઠક પર ભાજપ આરજેડીથી અંદાજે 14 હજાર મતથી આગળ હતી અને અહીં એઆઈએમઆઈએમના ઉમેદવારને ફક્ત 4 હજારથી સહેજ વધારે મત મળ્યા.
આ જ રીતે પ્રાણપુર બેઠક પર કૉંગ્રેસના તૌકીર આલમ ભાજપનાં નિશા સિંહથી 5 હજાર મતે પાછળ હતા અને ત્યાં એઆઈએમઆઈએમના ઉમેદવારને ફક્ત 400 મત મળ્યા.
કટિહારની જ બરારી બેઠક પર આરજેડી અને જદયુ ઉમેદવાર વચ્ચે 15 હજાર મતોનો તફાવત હતો અને અહીં એઆઈએમઆઈએમના ઉમેદવારને ફક્ત 6 હજાર જેટલા મત મળ્યા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો