You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર ચૂંટણી : તેજસ્વી યાદવ અચાનક નીતીશ કુમાર માટે મોટો પડકાર કઈ રીતે બન્યા?
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
રમેશ પ્રસાદ લૉકડાઉન પહેલાં દરરોજ સાત કિલો બટાટાના સમોસા વેચતા હતા અને સારી એવી કમાણી કરી લેતા હતા. લૉકડાઉન ખૂલ્યાના મહિનાઓ પછી પણ રમેશનો ધંધો પહેલાં જેવો રહ્યો નથી.
હવે તેઓ માત્ર બે કિલો બટાટાના સમોસા બનાવે છે અને તેમાંથી પણ કેટલાક સમોસા વેચાતા નથી. રમેશ કહે છે કે લોકો પાસે પૈસા જ નથી તો સમોસાનું વેચાણ કઈ રીતે થાય?
લાલુપ્રસાદ યાદવનો સિતારો રાજકારણમાં ચમકતો હતો ત્યારે બિહારમાં એવું કહેવાતું હતું કે 'જબ તક રહેગા સમોસે મેં આલૂ, તબ તક બિહાર મેં રહેંગે લાલૂ.' હાલ લાલુપ્રસાદ જેલમાં છે અને સમોસાના વેપારીઓ નિરાશ છે.
તેજસ્વી યાદવના વિધાનસભા મતવિસ્તાર રાધોપુરમાં રમેશની સમોસાની દુકાનનો બિઝનેસ ચૂંટણીના ધમધમાટ વચ્ચે પણ લૉકડાઉન પહેલાંની સ્થિતિમાં પહોંચ્યો નથી. સમોસાના વેપારમાં રમેશને 15 વર્ષનો પુત્ર પણ મદદ કરે છે.
રમેશ કહે છે કે લૉકડાઉનને કારણે તેમનો ધંધો ભાંગી પડ્યો છે અને નીતીશ કુમાર સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. રમેશ ઈચ્છે છે કે આ વખતે બિહારમાં સત્તાપરિવર્તન થાય અને કોઈ નવી સરકાર બને.
અલબત, અમારી વાતો ધ્યાનપૂર્વક સાંભળી રહેલો રમેશનો પુત્ર દીપક કહે છે કે નીતીશ કુમાર જ યોગ્ય છે. દીપકની આ વાત સાંભળીને રમેશ હસી પડે છે.
રમેશ કહે છે કે "લૉકડાઉનમાં નીતીશ કુમારે કશું કર્યું નથી. અમે અત્યારે અમારા પરિવારનું પાલનપોષણ કઈ રીતે કરીએ છીએ એ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. નીતીશ કુમાર 15 વર્ષથી મુખ્ય પ્રધાન છે. હવે બીજા કોઈને તક મળવી જોઈએ."
રાધોપુરમાં યાદવ મતદારો સૌથી વધુ છે. બીજેપીએ પણ તેજસ્વી સામે યાદવ ઉમેદવાર સતીશ રાયને મેદાનમાં ઉતાર્યા છે. સતીશ રાય 2010માં રાબડી દેવીને હરાવી ચૂક્યા છે, પણ 2015માં તેજસ્વી સામે હારી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાધોપુરમાં લગભગ સવા લાખ યાદવ મતદારો છે અને તેમના પછીના ક્રમે રાજપૂત મતદારો છે, જેમની સંખ્યા 40,000ની આસપાસ છે.
હાજીપુરમાં 'પ્રભાત ખબર' દૈનિક અખબારના બ્યૂરો ચીફ સુનીલકુમાર સિંહ કહે છે કે તેજસ્વીને આ વખતે સતીશ રાય સારી ટક્કર આપી શકે તેમ હતા, પરંતુ ચિરાગ પાસવાને રાકેશ રોશનને એલજેપીના ઉમેદવાર બનાવીને આરજેડીનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
રાકેશ રોશન રાજપૂત છે અને એવું કહેવાય છે કે તેમને જ્ઞાતિને નામે મત મળશે તો તેજસ્વીનો મોટી સરસાઈથી વિજય થશે.
સુનીલકુમાર સિંહ કહે છે કે "રાકેશ રોશન સંબંધે રાઘોપુરના રાજપૂતોને એવું સૂત્ર આપવામાં આવ્યું છે કે 'પહેલે કુલ તબ ફૂલ'. તેનો અર્થ એ કે પહેલાં આપણી જ્ઞાતિની આબરૂ બચાવો, બીજેપીનાં ફૂલ (કમળ)ની વાત એ પછી. ઘણી વાર તો એવું લાગે છે કે ચિરાગ પાસવાને તેજસ્વીની જીત પાક્કી કરવા માટે જાણી જોઈને રાકેશ રોશનને ઉમેદવાર બનાવ્યા છે."
જોકે, એલજેપીના પ્રવક્તા અશરફ અંસારી એ વાતનો ઇન્કાર કરતાં કહે છે કે રાકેશ રોશન એલજેપીની આઈટી ટીમના વડા તરીકે કામ કરી ચૂક્યા છે અને તેમની ઉમેદવારી પહેલાંથી જ નક્કી હતી.
જોકે, મોટા ભાગના લોકો અશરફ અંસારીના આ તર્ક સાથે સહમત નથી. લોકોનું કહેવું છે કે ચિરાગ પાસવાને બીજેપી વિરુદ્ધ જૂજ ઉમેદવારોને ઊભા રાખ્યા છે ત્યારે આટલી મહત્ત્વની બેઠક પર કોઈને ઉમેદવારી કરાવવાનો નિર્ણય શંકાસ્પદ લાગે છે.
તેજસ્વી અહીંથી ચૂંટણી જીતશે તો એ તેમની બીજી જીત હશે. તેમના પિતા લાલુપ્રસાદ યાદવ આ બેઠક પરથી 1995 અને 2000ની ચૂંટણીમાં જીત્યા હતા. તેજસ્વીનાં માતા રાબડી દેવી 2005માં અહીંથી વિધાનસભ્ય બન્યાં હતાં.
લાલુ વિરુદ્ધ તેજસ્વીનું રાજકારણ
લાલુ યાદવ 1977ની લોકસભા ચૂંટણીમાં 29 વર્ષની વયે છપરાથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા.
લાલુ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવ 26 વર્ષની વયે રાઘોપુરની બેઠક પરથી 2015માં વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.
તેજસ્વી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન બની ગયા હતા.
લાલુ યાદવ કૉલેજના દિવસોમાં જ રાજકારણમાં આવી ગયા હતા. તેઓ 1973માં પટના યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના વડા બન્યા હતા અને એ પછી બિહારના રાજકારણમાં તેમણે પાછું વાળીને જોયું નહોતું.
તેજસ્વી યાદવ ક્રિકેટ રમવાના મોહમાં નવમા ધોરણથી આગળ ભણ્યા નથી, પણ સ્ટુડન્ટ પોલિટિક્સની વયે તેઓ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ્યા હતા એટલું જ નહીં, ચૂંટણી જીતીને નાયબ મુખ્ય પ્રધાન પણ બન્યા હતા.
તેજસ્વી અત્યારે 31 વર્ષના છે અને મુખ્ય પ્રધાનપદના દાવેદાર છે. તેઓ નીતીશ કુમારને બરાબર ટક્કર આપશે તો તેઓ દેશમાં સૌથી નાની વયના મુખ્ય પ્રધાન બનશે.
ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત થયા બાદ લાલુપ્રસાદ યાદવનો ચૂંટણીના રાજકારણમાંથી એકડો નીકળી ગયો પછી તેમના પુત્ર તેજસ્વીની રાજકારણમાં ઍન્ટ્રી થઈ હતી.
લાલુપ્રસાદને ઑક્ટોબર-2013માં ઘાસચારા કૌભાંડમાં કારાવાસની સજા થઈ હતી અને તેમને ચૂંટણી લડતા પણ રોકી દેવાયા હતા.
લાલુપ્રસાદે 1997માં ઘાસચારા કૌભાંડને કારણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું ત્યારે તેમને તેમની ખુરશી તેમનાં પત્ની રાબડી દેવીને સોંપી હતી.
પત્રકાર તવલીન સિંહને આપેલી એક મુલાકાતમાં રાબડી દેવીએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન બન્યા પહેલાં તેઓ ઘર-પરિવાર સંભાળતાં હતાં, પણ લાલુપ્રસાદે તેમને અચાનક જ મુખ્ય પ્રધાન બનાવી દીધાં.
2013માં લાલુપ્રસાદ સામે ફરી એકવાર સંકટ આવ્યું હતું. એ વખતે તેમણે તેમના નાના પુત્ર તેજસ્વીને આગળ કર્યા હતા.
તેજસ્વી રાજકારણમાં શિખાઉ હતા, પણ લાલુપ્રસાદે વધુ એકવાર સત્તા તેમના પરિવારના સભ્ય પાસે જ રાખી હતી.
અબ્દુલ બારી સિદ્દીકી, રઘુવંશપ્રસાદ સિંહ અને રામચંદ્ર જેવા અનુભવી નેતાઓ હતા, પણ લાલુએ તેમને આગળ કર્યા નહોતા.
એ દરમિયાન 2014માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં આરજેડીને માત્ર ચાર બેઠક મળી હતી.
હાલત એટલી ખરાબ થયેલી કે રાબડી દેવી સારણ બેઠક પરથી અને લાલુનાં મોટા પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર બેઠક પરથી ચૂંટણી હારી ગયાં હતાં.
2014ની લોકસભા ચૂંટણી સુધી તેજસ્વી ખાસ સક્રીય નહોતા પણ 2015ની વિધાનસભા ચૂંટણીમાં લાલુ યાદવે તેમના બન્ને પુત્રોને ચૂંટણીના મેદાનમાં ઊતાર્યા હતા.
તેજસ્વીને લાલુએ તેમની પરંપરાગત બેઠક રાઘોપુર, જ્યારે મોટા પુત્ર તેજપ્રતાપને મહુઆ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.
બન્ને દીકરાઓ વિજેતા થયા હતા. 2015ની વિધાનસભા ચૂંટણીમાં નીતીશકુમાર અને લાલુ યાદવની જોડીએ લગભગ બે દાયકા પછી હાથ મિલાવ્યા હતા અને એ જોડીનો શાનદાર વિજય થયો હતો.
જોકે, 2015ની વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો હતો પણ મુખ્ય પ્રધાન નીતીશ કુમાર જ બન્યા હતા. તેજસ્વીએ 16 મહિના સુધી નાયબ મુખ્ય પ્રધાનપદ સંભાળ્યું હતું. 16 મહિના પછી નીતીશ કુમારે ફરી બીજેપી સાથે હાથ મિલાવ્યા હતા.
26 વર્ષની વયે નાયબ મુખ્ય પ્રધાન
તેજસ્વી યાદવનું અસલી રાજકારણ 2017થી શરૂ થયું હતું.
એ વખતે તેઓ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા બન્યા હતા. વિરોધપક્ષના નેતા તરીકે તેમણે નીતીશ કુમાર પર જનાદેશનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો તેના જવાબમાં નીતીશ કુમારે કહ્યું હતું કે આરજેડી સાથેની સરકારમાં કામ કરવાનું મુશ્કેલ હતું.
જોકે, તેજસ્વી યાદવ માટે એ ઘટના પોતાની રાજકીય ઓળખ પોતાના પિતાની રાજકીય ઓળખથી અલગ કરવાની તક હતી.
એ દરમિયાન 2019ની લોકસભા ચૂંટણી આવી ગઈ. તેમાં આખી પ્રચારઝૂંબેશ તેજસ્વી યાદવે સંભાળી હતી. પોતાના પક્ષના સ્ટાર પ્રચારક પણ તેઓ જ હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં તેજસ્વી યાદવે સંખ્યાબંધ જાહેરસભાઓને સંબોધી હતી. તેઓ એ જાહેરસભાઓમાં વડાપ્રધાન મોદી, રોજગાર અને નોટબંધીના મુદ્દે જોરદાર પ્રહાર કરતા હતા.
પોતાના પિતા લાલુપ્રસાદના કથિત સામાજિક ન્યાયના રાજકારણની વાતો કરતા હતા.
તેજસ્વી જણાવતા હતા કે તેમના પિતા બિહારમાં મનુવાદ અને સામંતવાદ સામેની લડાઈ લડ્યા હતા અને ગરીબોને ન્યાય અપાવ્યો હતો.
2019માં બેગુસરાયમાં યોજાયેલી તેજસ્વી યાદવની એક જાહેરસભા મને યાદ છે. બેગુસરાય લોકસભા બેઠકના પોતાના પક્ષના ઉમેદવાર તનવીર હસન માટે તેજસ્વી ભાષણ કરી રહ્યા હતા.
મેદાન બહુ મોટું ન હતું. મે મહિનાની જોરદાર ગરમી હતી. તેજસ્વીના ભાષણથી વધારે લોકો હેલિકૉપ્ટરને જોવા મશગૂલ હતા. હેલિકૉપ્ટરની ચારે તરફની ભીડ તેજસ્વીની જાહેરસભામાં આવેલા લોકો કરતાં વધારે હતી.
મોટા ભાગના લોકોને તેજસ્વીના ભાષણમાં કશું પોતાપણું લાગતું ન હતું. તેજસ્વી મનુવાદ તથા સામંતવાદ જેવા શબ્દોનો ઉપયોગ વારંવાર કરતા હતા પણ ભાષણ સાંભળવા આવેલા લોકોને પૂછ્યું તો ખબર પડી કે તેઓ મનુવાદ અને સામંતવાદનો અર્થ જાણતા જ નહોતા.
2019ની લોકસભા ચૂંટણીમાં આરજેડીને એકેય બેઠક નહોતી મળી હતી. મીસા ભારતી વધુ એકવાર હાર્યાં હતાં અને સારણ લોકસભા બેઠક પરથી તેજપ્રતાપના સાસરા ચંદ્રિકા રાય પણ હારી ગયા હતા. ચંદ્રિકા રાય હાલ જેડીયુમાં છે.
2019ની લોકસભા ચૂંટણીમાં નીતીશ કુમાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તેજસ્વી ઝાટકણી કાઢતા હતા, પણ 2020માં તેજસ્વીનું રાજકારણ 2019થી એકદમ અલગ થઈ ગયું છે.
હવે તેજસ્વીની લોકસભામાં લોકો મોટા પ્રમાણમાં આવે છે. તેમાં યુવાનોની સંખ્યા વધારે હોય છે અને લોકો તેજસ્વીનું ઉમળકાભેર સ્વાગત કરે છે. તેજસ્વીના ભાષણના મુદ્દા પણ બદલાઈ ગયા છે.
હવે તેઓ રોજગાર, શિક્ષણ, સડક અને આરોગ્યની વાતો કરે છે. તેજસ્વી લૉકડાઉનમાં બિહારી લોકોએ ભોગવવાં પડેલાં કષ્ટનો મુદ્દો ઉઠાવે છે.
તેઓ તેમની સરકારની રચના સાથે જ બિહારમાં 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાની વાત કરી રહ્યા છે.
એક વર્ષમાં તેજસ્વી આટલા મજબૂત કઈ રીતે થયા?
પટનાસ્થિત 'એ. એન. સિન્હા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્ટડીઝ'ના પૂર્વ ડિરેક્ટર પ્રોફેસર ડી. એમ. દિવાકર કહે છે, "કોરોના મહામારીને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે બિહારનું રાજકારણ બદલાઈ ગયું છે. "
"લૉકડાઉનમાં બિહારીઓએ સૌથી વધુ મુશ્કેલીનો સામનો કર્યો હતો અને તેમને મદદ કરવામાં બિહાર સરકાર તદ્દન નિષ્ફળ રહી હતી. વતન પાછા આવેલા લાખો બિહારી ભારે બદહાલીમાં જીવન જીવી રહ્યા છે. "
"આ વખતે જ્ઞાતિ અને ધર્મની સામે રોજીરોટીનો મુદ્દો ભારે પડી રહ્યો છે. તેજસ્વીની ટીમે આ બધી બાબતોને સમજી છે અને રોજીરોટીના મુદ્દાને જ ચૂંટણીનો ઍજન્ડા બનાવ્યો છે. "
"સરકારી નોકરીમાં ખાલી પડેલાં પદ માટે ભરતી કરવાનું વચન પણ હિટ સાબિત થયું છે. બિહારમાં યુવાનો ભણીને તૈયારી કરે છે, પણ ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવતી નથી."
ડી. એમ. દિવાકરના જણાવ્યા મુજબ, આ વખતે કોરોના નીતીશ કુમારને સત્તા પરથી ફેંકી શકે છે.
બિહારમાં ગત એક મહિનાથી ચૂંટણી કવર કરી રહેલા એબીપી ન્યૂઝ ચેનલના રિપોર્ટર જૈનેન્દ્ર કુમારે તેજસ્વીની અનેક સભાઓમાં હાજરી આપી છે.
જૈનેન્દ્રના જણાવ્યા મુજબ, તેજસ્વીની રેલીઓમાંની ભીડ અને તેમનાં ભાષણ લોકસભાની ગત ચૂંટણીની સરખામણીએ બિલકુલ અલગ છે.
જૈનેન્દ્ર કહે છે કે "લોકોની ભીડ અનિયંત્રિત છે. તેમાં યુવાવર્ગની સંખ્યા સૌથી વધારે છે. લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ દેખાય છે. લોકોનો પ્રતિસાદ જોઈને તેજસ્વી ઊર્જામય થઈ જાય છે. "
"તેજસ્વી તેમના ભાષણમાં એકદમ ફૉકસ્ડ હોય છે. તેઓ રોજગાર અને પાયાના મુદ્દાઓની વાત કરે છે. વિવાદ સર્જાય કે તેમને ઘેરવાની તક વિરોધપક્ષને મળે એવું કશું તેજસ્વી બોલતા નથી."
જૈનેન્દ્રના જણાવ્યા મુજબ, તેમને નીતીશ કુમારની રેલીઓમાં ખાસ ભીડ જોવા મળી નથી.
તેજસ્વીની રેલીઓમાં લોકોની ભીડ શા માટે ઉમટી રહી છે, એવા સવાલના જવાબમાં જેડીયુના પ્રવક્તા રાજીવરંજન પ્રસાદ કહે છે કે "તેજસ્વીની રેલીઓમાં લોકોની ભીડ તો છે, પણ તેમાં મહિલાઓ ગાયબ છે. એનડીએની રેલીઓમાં મહિલાઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત હોય છે."
તેજસ્વીની રેલીઓમાં મહિલાઓની સંખ્યા નગણ્ય હોવાની વાત જૈનેન્દ્ર પણ સ્વીકારે છે.
પાછલા કેટલાક મહિનાથી બિહારની ચૂંટણી પર નજર રાખી રહેલા યુવા પત્રકાર વિષ્ણુ નારાયણના જણાવ્યા મુજબ, તેજસ્વીની રેલીઓમાં મહિલાઓની સંખ્યા ભલે ઓછી હોય, પણ એનડીએની રેલીઓમાં મહિલાઓ જાતે ભાષણ સાંભળવા આવતી નથી. તેમને લાવવામાં આવે છે.
તેજસ્વીનું 10 લાખ સરકારી નોકરીનું વચન જ્ઞાતિની મર્યાદામાંથી બહાર નીકળી ગયું છે. આ વચન દરેક જ્ઞાતિના લોકોને સ્પર્શી ગયું છે.
તેજસ્વીના ચૂંટણીપ્રચારમાંથી લાલુપ્રસાદ બહાર?
આ વખતે તેજસ્વી યાદવના સમગ્ર ચૂંટણીપ્રચારમાં લાલુપ્રસાદની તસવીરનો ક્યાંય ઉપયોગ કરાયો નથી.
આ બાબતે તેજસ્વીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ગઠબંધનનો ચહેરો છે. તેથી તસવીર પણ તેમની જ છે.
તેજસ્વીના ચૂંટણીપ્રચારમાં લાલુ યાદવની તસવીરનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો નથી, એવો સવાલ આરજેડીના એક નેતાને કર્યો ત્યારે તેમણે તેમની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું કે "બિહારના મોટા ભાગના લોકોના મનમાં લાલુજીની છાપ બહુ સારી નથી. લાલુના શાસનકાળમાં કાયદો અને વ્યવસ્થા બાબતે ગંભીર સવાલ ઉઠાવવામાં આવતા હતા. "
"એ સમયનું નૅરેટિવ ફરી ચર્ચામાં આવશે એવું લોકોને લાગી શકે. તેજસ્વી ભલે લાલુપ્રસાદના પુત્ર હોય, પણ આ ચૂંટણીમાં તેમને બિહારના યુવાન તરીકે આગળ કરવામાં આવ્યા છે."
બિહારના દાઉદનગરના અનીશ ઉત્પલ ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચડી કરી રહ્યા છે.
તેઓ ચૂંટણીના આ સમયમાં બિહારના અનેક લોકોને મળીને મુદ્દાઓ તથા નેતાઓની અપીલને સંપૂર્ણપણે સમજવાનો પ્રયાસ આજકાલ કરી રહ્યા છે.
તેઓ કહે છે કે "યાદવ મતદારો તેજસ્વી બાબતે એક છે, પણ બિન-યાદવ ઓબીસી મતદારો નીતીશથી નારાજ હોવા છતાં તેજસ્વીનો સ્વીકાર કરવા બાબતે અસમંજસમાં છે. "
"કોઈરી અને કુર્મી યાદવોને પોતાના પ્રતિસ્પર્ધી ગણે છે. નોકરી અને રોજગારનો મુદ્દો હિટ જરૂર છે, પણ સવર્ણો અને બિન-યાદવ ઓબીસીના મનમાં લાલુ યાદવના શાસનકાળની સ્મૃતિ સંપૂર્ણપણે ભૂંસાઈ નથી."
અનીશ માને છે કે કોરોનાએ નીતીશ કુમાર માટે આ ચૂંટણી ઘણી મુશ્કેલ બનાવી દીધી છે, પણ આ ચૂંટણી તેજસ્વી માટે એકતરફી નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો