ફૈસલ ખાન: એ 'ખુદાઈ ખિદમતગાર' જેના પર મંદિરમાં નમાઝ પઢવાનો આરોપ લાગ્યો

    • લેેખક, સમીરાત્મજ મિશ્રા
    • પદ, બીબીસી હિંદી માટે

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં મંદિરમાં નમાઝ પઢવાના આરોપમાં સામાજિક કાર્યકર ફૈસલ ખાનની ધરપકડ કરાઈ છે.

એક દિવસ પહેલાં ફૈસલ ખાન અને તેમના અન્ય ત્રણ સાથીઓ સામે આ મામલે એફઆઈઆર દાખલ કરાઈ છે.

યુપી પોલીસે તેમની સામે આઈપીસી ધારા 153A, 295 અને 505 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે.

આરોપ છે કે મથુરામાં નંદબાબા મંદિરમાં ફૈસલ ખાન અને ચાંદ મુહમ્મદે 29 ઑક્ટોબરે મંદિર પરિસરમાં નમાઝ પઢી હતી.

એ સમયે તેમના બે અન્ય સાથી નીલેશ ગુપ્તા અને આલોક રતન પણ ત્યાં હાજર હતા.

આ બધા લોકો વ્રજની ચોરાસી કોસી પરિક્રમા કરવા માટે દિલ્હીથી મથુરા ગયા હતા અને એ દરમિયાન નંદબાબા મંદિરમાં પણ પૂજારી સમેત અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી અને ધાર્મિક પરિચર્ચા પણ કરી હતી.

'ગોસ્વામી સમાજમાં નારાજગી'

ધરપકડ પહેલાં ફૈસલ ખાને બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "અમે ચોરાસી કોસની સદભાવના યાત્રા કરતા હતા. યાત્રાના સમાપન બાદ અમે નંદબાબા મંદિરમાં પહોંચ્યા. ત્યાં અમે પૂજારીઓની મંજૂરી બાદ નમાઝ પઢી હતી. હવે અમને ખબર પડી કે અમારી સામે કેસ દાખલ થયો છે."

"એ સમયે પૂજારી અમારાથી ખુશ હતા, તેઓ સીધાસાદા માણસ છે, જરૂર કોઈ દબાણમાં હશે."

નંદબાબા મંદિરના એક સેવાદાર સુશીલ ગોસ્વામીએ પણ બીબીસી સાથેની વાતચીતમાં આ લોકોની મંદિરમાં આવવાની અને દર્શનની મંજૂરી સંબંધિત વાતને સ્વીકારી છે, પણ તેમનું કહેવું છે કે બાદમાં નમાઝ પઢ્યાની તસવીરો વાઇરસ થયા બાદ ગોસ્વામી સમાજના લોકોમાં નારાજગી વધી ગઈ.

સુશીલ ગોસ્વામી કહે છે, "ફૈસલ ખાને પોતાને બંને ધર્મોમાં સમન્વય રાખનારા ગણાવ્યા હતા. દર્શન બાદ તેઓએ ગેટ નંબર બે પાસે ખુલ્લી જગ્યામાં નમાઝની મુદ્રામાં ફોટો ખેંચાવ્યો. અમે એ ન કહી શકીએ કે તેઓએ ત્યાં નમાઝ કેમ પઢી કે કોઈ કાવતરા માટે ફોટો ખેંચાવ્યો."

"સોશિયલ મીડિયામાં પર તસવીરો વાઇરલ થયા બાદ અમને ઘટના અંગે જાણ થઈ. તેને લઈને ગોસ્વામી સમાજમાં આક્રોશ છે. અમે આખી ઘટનાની તપાસની માગ કરી રહ્યા છીએ."

ફૈસલ ખાન અને તેમના સાથીઓ 'ખુદાઈ ખિદમતગાર' નામની સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે.

ખુદાઈ ખિદમતગાર દિલ્હીની એક બિનસરકારી સંસ્થા છે, જે શાંતિ, ભાઈચારો અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે કામ કરવાનો દાવો કરે છે.

સંસ્થાના પ્રવક્તા પવન યાદવ કહે છે કે સંસ્થા તરફથી બધા ધર્મો વચ્ચે સૌહાર્દ બનાવવા અને તેના પ્રચારપ્રસાર કરવા જેવા પ્રયત્નો થતા રહે છે.

ખુદાઈ ખિદતમગાર મૂળ રૂપે એ સંસ્થા છે જેની રચના સ્વાધીનતા આંદોલન દરમિયાન વર્ષ 1929માં ગાંધીવાદી નેતા ખાન અબ્દુલ ગફાર ખાને કરી હતી.

ફૈસલ ખાન અને તેમના સાથીઓએ વર્ષ 2011માં આ સંગઠનને પુનર્જીવિત કરી અને તેમનો દાવો છે કે સંસ્થાના મૂળ ઉદ્દેશો સાથે તેઓ સામાજિક અને સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશ ફેલાવે છે.

48 વર્ષીય ફૈસલ ખાન યુપીના ફર્રુખાબાદ જિલ્લાના કાયમગંજના વતની છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ બાદ તેઓએ સામાજિક કાર્યકર તરીકે કામ શરૂ કર્યું. અભ્યાસ દરમિયાન જ તેઓ મેધા પાટકર અને મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત ડૉક્ટર સંદીપ પાંડેય જેવા સામાજિક કાર્યકરો સાથે જોડાયા.

'નર્મદા બચાવો' આંદોલનમાં પણ સક્રિય રહ્યા

ફૈસલ ખાનના નજીકના અને ખુદાઈ ખિદમતગારના પ્રવક્તા પવન યાદવ કહે છે, "ફૈસલભાઈ 1990ના દશકમાં ડૉક્ટર સંદીપ પાંડેય સાથે એ સમૂહના સભ્ય પણ હતા જેમણે સામાજિક અને ધાર્મિક સૌહાર્દ દિલ્હીથી લાહોર સુધી પદયાત્રા યોજી હતી."

"આ સિવાય તેઓ નર્મદા બચાવો આંદોલન અને અન્ય આંદોલનોમાં પણ સક્રિય રહ્યા. બાદમાં વર્ષ 2011માં તેઓએ સાંપ્રદાયિક સદભાવ માટે ખુદાઈ ખિદમતદારને પુર્નગઠિત કરી અને સંસ્થા હેઠળ કોઈને કોઈ કાર્યક્રમ થતા રહે છે. હાલમાં આ સંસ્થાથી દેશભરના અંદાજે 70 લોકો સક્રિય સભ્ય તરીકે જોડાયેલા છે."

ફૈસલ ખાન આ સમયે દિલ્હીના જામિયાનગર વિસ્તારમાં રહે છે અને સોમવારે યુપી પોલીસે તેમની ધરપકડ કરી હતી.

વર્ષ 2015માં ગફ્ફાર મંજિલ વિસ્તારમાં ફૈસલ ખાને 'સબકા ઘર' નામે એક ઘર બનાવ્યું હતું, જેમાં તમામ ધર્મના લોકો ન માત્ર એકસાથે રહે છે, પણ પોતપોતાના ધર્મનું પાલન કરીને અન્ય ધર્મોના તહેવારો પણ હળીમળીને ઊજવે છે.

વર્ષ 2015માં જસ્ટિસ રાજેન્દ્રર સચ્ચરે તેનું ઉદઘાટન કર્યું હતું.

ડૉક્ટર કુશ કુમાર વ્યવસાયે ડૉક્ટર છે, ખુદાઈ ખિદમતગાર સંગઠન સાથે જોડાયેલા છે અને સબકા ઘરમાં ફૈસલ ખાન સાથે જ રહે છે.

બીબીસી સાથેની વાતચીતમાં ડૉક્ટર કુશ કહે છે, "ફૈસલભાઈ મને એક દર્દી તરીકે મળ્યા હતા. એ સમયે તેમની સાથે ઘણી વાર મુલાકાત થઈ. પછી મને ખબર પડી કે આ સામાજિક કાર્યકર છે. મેં તેમનાં કાર્યો જોયાં અને અનુભવ્યું કે તેઓ બહુ સારું કામ કરી રહ્યા છે."

"એવો કોઈ મુદ્દો નથી કે જેના પર તેઓ કામ કરતા નહોતા. ખાસ કરીને સાંપ્રદાયિક સૌહાર્દ માટે. જ્યારે તેઓએ ખુદાઈ ખિદતમગારને પુનર્જીવિત કરી તો હું પણ તેમની સાથે હતો."

ડૉક્ટર કુશ કહે છે કે મંદિરમાં નમાઝ પઢવાની ઘટનાને આટલું મહત્ત્વ કેમ આપવામાં આવે છે એ મને સમજાતું નથી. અમે લોકો તો આ સૌહાર્દ માટે જ કામ કરીએ છીએ.

ફૈસલ ખાનનો આવાસ 'સબકા ઘર'

ડૉક્ટર કુશ અનુસાર, "ગફ્ફાર મંજિલ વિસ્તારમાં જ્યાં તેમનું ઘર છે ત્યાં હું પણ રહું છું. મારે ત્યાં મૂર્તિપૂજા પણ થાય છે. તેમનું ઘર મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં છે, પરંતુ ત્યાં પણ અમે હોળી-દિવાળી અને અન્ય તહેવારો પણ ઊજવીએ છીએ."

"હોળીમિલન કરીએ છીએ. જન્માષ્ટમી ઊજવીએ છીએ. ફૈસલભાઈને પણ ગીતા-રામાયણ, કુરાન સહિત ઘણા ધાર્મિક ગ્રંથોની બધી વાતો કંઠસ્થ છે."

ડૉક્ટર કુશ કહે છે કે ફૈસલ ખાને સાંપ્રદાયિક સૌહાર્દ માટે ન માત્ર ભારતમાં પણ પાકિસ્તાનમાં પણ ઘણી યાત્રાઓ કરી છે.

તેઓ કહે છે કે ફૈસલ ખાન દ્વારા સ્થાપિત 'સબકા ઘર' સાંપ્રદાયિક સદભાવનાનું એક ઉદાહરણ છે, જ્યાં વિભિન્ન ધર્મો ઉજવતા લોકો એકસાથે રહે છે અને હોળી, દિવાળી, ઈદ, ક્રિસમસ બધા તહેવારો મળીને ઊજવીએ છીએ.

એ આશંકાઓને ડૉક્ટર કુશ સ્પષ્ટ રીતે ફગાવી દે છે કે ફૈસલ ખાન કે ખુદાઈ ખિદમતગારને કોઈ વિદેશી ફંડિંગ મળી રહ્યું છે.

તેમના જણાવ્યા અનુસાર, આ કાર્યો માટે આંતરિક રીતે ફંડ એકઠું કરવામાં આવે છે અને લોકો તેમની શક્તિ પ્રમાણે મદદ કરે છે.

સંસ્થાના પ્રવક્તા પવન યાદવ કહે છે કે સંસ્થાને અન્ય કોઈ જગ્યાએથી ફંડિંગ મળતું નથી.

'મોરારિબાપુએ પુરસ્કાર આપ્યો હતો'

ડૉક્ટર કુશ કહે છે, "ગત વર્ષે ફૈસલ ખાને અયોધ્યામાં સરયૂ આરતીમાં ભાગ લીધો હતો. વર્ષ 2018માં જાણીતા સંત મોરારિબાપુએ તેમને ત્યાં (ગુજરાત) બોલાવીને સદભાવના પર્વ પર પુરસ્કાર આપ્યો હતો અને પોતાની સભામાં બોલવાનો મોકો આપ્યો હતો."

"ફૈસલ ખાન પાસેથી રામચરિત માનસના દોહા અને ચોપાઈ સાંભળીને મોરારિબાપુ એટલા ગદગદિત થઈ ગયા કે જામિયાનગર વિસ્તારમાં તેમના આવાસ 'સબકા ઘર' આવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી."

ફૈસલ ખાન અયોધ્યામાં દોરાહી કુંઆસ્થિત સર્વ ધર્મ સદભાવના કેન્દ્રના ન્યાસી પણ છે.

સામાજિક કાર્યકર ડૉક્ટર સંદીપ પાંડેય કહે છે, "આચાર્ય યુગલ કિશોર શાસ્ત્રીના આ મંદિરને એક સર્વ ધર્મ સદભાવના કેન્દ્રના રૂપમાં વિકસિત કરવાની યોજના છે. આ મંદિરમાં ફૈસલ ખાને ઘણી વાર નમાઝ અદા કરી છે અને અહીં કોઈને કોઈ વાંધો નથી હોતો."

"આ મંદિરમાં લંગરનું આયોજન થાય છે, જેની સંચાલન સમિતિના અધ્યક્ષ ફૈઝાબાદના દાનીશ અહમદ છે."

ફૈસલ ખાન પર અગાઉ પણ ઘણી વાર ધારા 144ના ઉલ્લંઘન જેવા મામલામાં કેસ નોંધાઈ ચૂક્યા છે. ગત વર્ષે કાશ્મીર જતી વખતે તેમની અટકાયત કરીને તેમને ઍરપૉર્ટથી જ પરત મોકલી દીધા હતા.

આ યાત્રા તેઓ ડૉક્ટર સંદીપ પાંડેય સહિત કેટલાક અન્ય લોકો સાથે કરી રહ્યા હતા. બધાને કાશ્મીર જતા રોકી દીધા હતા અને ઍરપૉર્ટથી પણ પરત મોકલી દીધા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો