You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં શાળાઓ 23 નવેમ્બરથી શરૂ, વાલીઓ-વિદ્યાર્થીઓ માટે શું છે સૂચના?
મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં શાળાઓ ફરી ખૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ શરૂ કરવા અંગે જાહેરાત કરી છે.
શિક્ષણમંત્રીએ કહ્યું છે કે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને અગત્યની સૂચનાઓ અને ધ્યાને લેવાની બાબતો વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.
23મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કૉલેજ-યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય શરૂ થશે, ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવશે.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે "કોવિડ મહામારીને કારણે લૉકડાઉન લાગુ કરવું પડ્યું હતું અને માર્ચ મહિનાથી શાળા-કૉલેજો બંધ હતી, પંરતુ શિક્ષણવિભાગે શિક્ષણકાર્ય ન બગડે એ માટે ઑનલાઇન લર્નિંગની વ્યવ્થા કરી હતી."
"બધી જ સેવાઓ ધીમે-ધીમે અનલૉક થઈ રહી છે, એ જ રીતે શિક્ષણકાર્ય પણ તબક્કાવાર શરૂ થાય એનો નિર્ણય કરવામાં આવ્યો છે."
શિક્ષણમંત્રીનું કહેવું છે કે આ અંગે નિષ્ણાતો, શાળા-સંચાલકો, વાલીઓની સાથે બેઠકો કરીને સરકારે આખરી નિર્ણય કર્યો છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ઑનલાઇન શિક્ષણની વ્યવસ્થા પણ ચાલુ રહેશે, શાળા ખૂલશે તો ભારત સરકારની એસઓપી લાગુ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિક્ષણમંત્રીએ આ અંગે વધુ માહિતી આપતાં નીચેના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો:
- શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં ગણવામાં આવે, વાલીઓની લેખિત મંજૂરી પણ સંસ્થાઓએ લેવાની રહેશે.
- થર્મલ ગનથી વિદ્યાર્થીઓની તપાસ કરવાની રહેશે.
- સાબુ વડે હાથ ધોવાની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા શાળાના આચાર્યે કરવાની રહેશે.
- દરેક વાલીને એક ફૉર્મ આપવામાં આવશે, જેની સાથે વાલીઓને એસઓપી આધારે પાળવાની લેખિત સૂચનાઓ પણ આપવામાં આવશે.
- ઑડ-ઇવન પદ્ધતિ પ્રમાણે શાળાઓ ખોલવામાં આવશે.
- શાળા ખોલતી વખતે પૂરતું ધ્યાન લેવામાં આવશે, મધ્યાહન ભોજનને બદલે સબસિડીની રકમ ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓનાં ખાતાંમાં પહોંચે એવું આયોજન કરાશે.
- હાલ 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવામાં આવશે અને ધોરણ 1થી 8ની શરૂઆત કરવા અંગે આવનારા દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો