કોરોના મહામારી : શું રાજ્યમાં દિવાળી પછી કેસો ફરી વધી જશે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

દિવાળીના દિવસો આંગણે આવીને ઊભા છે. આને લીધે શહેરની બજારોમાં લોકો સાગમટે ખરીદી કરવા નીકળી રહ્યાં છે. અમદાવાદ જેવા શહેરમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મૂકાઈ રહ્યાં છે. બજારોમાં લોકો મેળાની જેમ ઊભરાઈ રહ્યાં છે. કોરોનાની મહામારી ગઈ નથી ત્યારે નિષ્ણાતોના મતે બજારમાં ભીડનાં દ્રશ્યો ઘાતક પૂરવાર થઈ શકે એમ છે.

રાજ્ય સરકાર વારંવાર લોકોને કોરોના જાગૃતિ માટે ટહેલ તો નાખી રહી છે, પરંતુ લોકોમાં કોરોનાના ડરની ગંભીરતા ગાયબ થઈ ગઈ હોય તેવું જણાય છે.

અમદાવાદનાં જાણીતા પલ્મૉનોલૉજીસ્ટ ડો. તુષાર પટેલે બીબીસીને જણાવ્યું હતું કે, "તહેવારને લીધે લોકો જે રીતે બહાર નીકળી રહ્યાં છે એને લીધે કોરોનાના કેસ વધી શકે છે. એનું પરિણામ દિવાળી પછીનાં દિવસોમાં જોવા મળશે."

કોરોનાના કેસ 1000ની નીચે ગયા હતા હવે ફરી 1000થી વધી રહ્યા છે

દિલ્હીમાં ગત રવિવારે એક જ દિવસમાં 7745 કેસ આવ્યા હતા. એ પણ માત્ર 50754 ટેસ્ટમાં. અમેરિકામાં કોરોના નબળો પડવાનું નામ નથી લઈ રહ્યો. સમાચાર સંસ્થા રોઇટર્સ પ્રમાણે, અમેરિકામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.

અમેરિકા વિશ્વનો પહેલો દેશ છે જ્યાં કોરોનાના કેસ એક કરોડને આંબી ગયા છે.

ગુજરાતમાં છેલ્લા સપ્તાહમાં કોરોનાનું ચિત્ર જોઈએ તો, ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો એક હજારની નીચે ચાલ્યો ગયો હતો એ હવે ફરી એક હજારની ઉપર જવા માંડ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદી અનુસાર 3 અને 5 નવેમ્બરે રાજ્યમાં અનુક્રમે 975 અને 990 કેસ નોંધાયા હતા. 6 નવેમ્બરે એ આંકડો વધીને 1035થયો હતો. 7 અને 8 નવેમ્બરે અનુક્રમે 1046અને 1020 કેસ રાજ્યમાં નોંધાયા હતા. જ્યારે 10મી નવેમ્બરે 1049 સંક્રમિત કેસો નોંધાયા હતા.

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનનાં પ્રમુખ ડો. કિર્તીકુમાર ગઢવીએ બીબીસીને જણાવ્યું હતું કે અગાઉ દર 10 કેસમાંથી એક કેસ કોરોનાનો આવતો હતો.

હવે દર 10 કેસમાંથી ત્રણથી ચાર કેસ કોરોનાના આવે છે. અમદાવાદ જેવા શહેરોમાં કોરોના ટેસ્ટીંગ માટે જાહેર સ્થળો પર જે તંબુ લગાવ્યા છે એમાં હવે ટેસ્ટીંગ માટે લોકોની સંખ્યા વધી રહી છે. લોકો લાઈન લગાવી રહ્યા છે.

આના પરથી એટલું તો કહી જ શકાય કે સંક્રમણ વધી રહ્યું છે. ડિસેમ્બર - જાન્યુઆરીમાં ઠંડી જ્યારે વધશે ત્યારે કોરોના સંક્રમણ આનાથી પણ વધી જશે.

ડો. ગઢવી એક મહત્વની બાબત પર ધ્યાન દોરતાં કહે છે કે, "જેમને કોરોનાની શંકા હોય તેવા કેટલાંક લોકો સીધા જ એચઆરસીટી(high resolution non‐contrast computed tomography of the chest - HRCT chest) ટેસ્ટ કરાવે છે."

"આ ટેસ્ટ કેટલાંક લોકો પ્રાઈવેટઢબે કરાવતાં હોવાથી તેઓ એ ટેસ્ટમાં જો કોરોના પૉઝિટિવ જણાયા હોય તો સરકારી ચોપડે નોંધાતા નથી. આમ એવા કેસો પણ ઘણાં હોઈ શકે કે જે કદાચ પૉઝિટિવ હોય પણ એની સંખ્યા ન દેખાતી હોય."

"આ સિવાય તંબુમાં જે રેપિડ ટેસ્ટ થાય છે એ ટેસ્ટની દરદીની કોરોના પરીક્ષણ ક્ષમતા ચાલીસથી પચાસ ટકા છે. તેથી એમાં કદાચ પૉઝિટિવ ન આવ્યા હોય એનો મતલબ એ નથી કે એ વ્યક્તિ કોરોના પૉઝિટિવ ન હોઈ શકે."

દિવાળી પછી પરિણામ જોવા મળશે

અમદાવાદ સુધરાઈએ શહેરમાં દુકાનદારો અને કર્મચારીઓના ટેસ્ટીંગ કરી રહી છે. કોરોનાનાં એસિમ્પ્ટોમેટિક દરદી એટલે કે તાવ, શરદી, ઉધરસ વગેરે લક્ષણ ન ધરાવતાં હોય છતાં પૉઝિટિવ હોય એવા કેટલાંક દરદી ઘરે રહીને જ હોમ આઈસોલેશનમા સારવાર લેતા હોય છે.

આઈસોલેશનનાં નિયમોનો ભંગ કરતાં આઠ દરદીઓને અમદાવાદ સુધરાઈએ ગયા અઠવાડિયે એપેડેમિક ડિસીઝ ઍક્ટ 1997 મુજબ નોટીસ મોકલી હતી.

કોરોનાને છ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. જો કોરોનાનાં કેસ વધી રહ્યા હોય તો શું આ કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ કહેવાય? આ સવાલનાં જવાબમાં ડો. તુષાર પટેલ કહે છે કે, ના, આ સેકન્ડ વેવ નથી.

વચ્ચેના ગાળામાં કોરોનાના કેસ ઘટી ગયા હતા. કોરોનાની જે બીજી લહેર આવે એમાં કેસ ખૂબ વ્યાપકપણે વધવા માંડે છે. એટલા બધા કેસ વધ્યા નથી. જોકે, લોકો લાપરવાહ જરૂર થઈ ગયા છે એના લીધે કેસની સંખ્યા વધી રહી છે.

એકતરફ ઠંડી વધી રહી છે અને લોકો લાપરવાહ થઈ ગયા છે. આનાં પરિણામ દિવાળી પછી જોવા મળશે."

વાઈરસ નબળો પડ્યો છે?

આપણે ત્યાં લૉકડાઉનના વિવિધ તબક્કે જે છૂટછાટ આપવામાં આવી હતી એ પછી એની અસર દોઢેક મહિના બાદ જોવા મળી હતી. એ પછી મોટા શહેરોની સરકારી સહિતની કેટલીક ખાનગી હૉસ્પિટલો ઊભરાવા માંડી હતી.

લોકો હાલ ખરીદી માટે બહાર નીકળી રહ્યાં હોય તો શું દિવાળી પછી અમદાવાદ કે અન્ય શહેરોમાં હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ જશે? આ સવાલના જવાબમાં ડો. તુષાર પટેલ કહે છે કે "અત્યારે વાઈરસ થોડો નબળો પડ્યો છે."

"દરદી હોસ્પિટલોમાં દાખલ તો થશે પણ અગાઉ જેમ હૉસ્પિટલો ઊભરાઈ ગઈ હતી એમ નહીં ઊભરાય. જે લોકોની રોગ પ્રતિકારશક્તિ ઓછી હશે તેઓ સંક્રમિત થશે તો તેઓ દાખલ થશે. વાઈરસ નબળો પડ્યો છે એવું એટલા માટે કહી શકાય કે નેવું વર્ષનાં કોરોના સંક્રમિત દરદીઓ પણ એમાંથી બહાર આવી રહ્યા છે."

"ઘણાં લોકો સાજા થઈ રહ્યા છે. તેથી કહી શકાય કે વાઈરસ નબળો પડ્યો છે."

ડો. ગઢવી મામલે કહે છે કે, "વાઈરસ નબળો નથી પડ્યો પણ એની જે નવી સ્ટ્રેઈન છે એ થોડી નબળી છે. એનો મતલબ એવો નથી કે એ અસરકર્તા નથી. એનાથી સાવધ તો રહેવું જ પડે."

હર્ડ ઈમ્યુનીટી તૈયાર નથી થઈ

દેશમાં અને રાજ્યમાં કોરોનાનો સમયગાળો છ મહિના કરતાં વધારે થઈ ગયો છે. છથી આઠ મહિનામાં હર્ડ ઈમ્યુનીટી તૈયાર થઈ જતી હોય તો હવે રાજ્યમાં એ રાહતની વાત કહી શકાય કે નહીં?

આ વિશે જણાવતાં ડો. તુષાર પટેલ કહે છે કે, "ના. એના વિશે ન કહી શકાય. એના માટે શીરો સર્વે કરવો પડે. એના આધારે નક્કી થતું હોય છે કે હર્ડ ઈમ્યુનીટી તૈયાર થઈ કે નહીં. એ સર્વે થયો નથી. બીજી વાત એ કે જો હર્ડ ઈમ્યુનીટી તૈયાર થઈ હોય તો કોરોનાના કેસ ધીમ ધીમે ઓછા થવા જોઈએ. એ નથી થયા. તેથી હર્ડ ઈમ્યુનીટી તૈયાર થઈ ગઈ હોય એવું માનવાને કારણ નથી."

"કોવિડ-19 કોરોના વાઇરસે જો એના પરિવારના અન્ય વાઇરસની જેમ જ વ્યવહાર કર્યો તો શિયાળામાં તેનું સંક્રમણ વધી જશે. કોલંબિયા યુનિવર્સિટીના ઍન્વાયરમેન્ટલ હેલ્થ સાયન્સિસ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેલા માર્ટિનેઝનો આ દાવો છે. તેઓ બદલાતી ઋતુ સાથે કોઈ વાઇરસના સ્વરૂપમાં આવનારા ફેરફારોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે."

મિકેલા માર્ટિનેઝનું માનવું છે કે સંક્રામક રોગોના ગ્રાફમાં આખા વર્ષ દરમિયાન ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. તેઓ કહે છે, "મનુષ્યમાં થતા દરેક સંક્રામક રોગની એક ખાસ ઋતુ હોય છે. જેવી રીતે શિયાળામાં ફ્લૂ અને કૉમન કોલ્ડ થાય છે એ જ રીતે ગરમીઓમાં પોલિયો અને વસંત ઋતુમાં મીઝલ્સ અને ચિકનપૉક્સ ફેલાય છે. સંક્રામક રોગ ઋતુ પ્રમાણે વધે છે એટલા માટે એમ માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાઇરસ પણ શિયાળામાં વધશે."

વૈજ્ઞાનિકો આના બે મુખ્ય કારણ માને છે. કોરોના વાઇરસના વિષયમાં અત્યાર સુધી જે પ્રમાણ મળ્યા છે તે બતાવે છે કે ભેજ જ્યારે ઘણો વધારે હોય છે ત્યારે કોરોના વાઇરસ માટે ફેલાવું મુશ્કેલ હોય છે. મિકેલા માર્ટિનેઝ અનુસાર, "ફ્લૂમાં એવું થાય છે કે વાઇરસ તાપમાન અને હવામાં હાજર ભેજના હિસાબથી ફેલાય છે.

આ નિશ્ચિત રીતે એક સમસ્યા છે. વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી જશે કે નહીં, ભેજ એમાં મહત્વની ભૂમિકા ભજવે છે."

એનો અર્થ એ થયો કે શિયાળામાં તાપમાન ઘટવાથી જ્યારે ભેજમાં ઘટાડો થશે ત્યારે આ વાઇરસ હવામાં વધુમાં વધુ સમય સુધી હાજર રહી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો