કોરોના વાઇરસ : દુનિયામાં કેસનો આંકડો 5 કરોડને પાર, ભારત અને ગુજરાતમાં શું છે સ્થિતિ?

દુનિયાના અનેક દેશોમાં રેકૉર્ડ સંખ્યામાં કોરોના વાઇરસના કેસ નોંધાવાના કારણે દુનિયામાં કુલ કેસની સંખ્યા 5 કરોડને પાર પહોંચી છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર કોરોના વાઇરસના કારણે 12 લાખથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે.

દુનિયાના અનેક દેશમાં યોગ્ય સંખ્યામાં ટેસ્ટિંગ થતું ન હોવાથી કેસોની સંખ્યા વધારે હોવાનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

રૉયટર્સના અહેવાલમાં મુજબ વાઇરસની બીજી લહેરમાં તમામ કિસ્સાઓમાં એક ક્વાર્ટર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.

આ વર્ષના પ્રારંભમાં કોરોના વાઇરસનું કેન્દ્ર બનેલું યુરોપ હવે 12.5 લાખથી વધુ કેસ અને 305,700 મૃત્યુ સાથેનો ફરીથી હૉટસ્પૉટ બન્યું છે.

અમેરિકામાં છેલ્લાં ત્રણ દિવસથી સતત 1,25,000 કેસ નોંધાઈ રહ્યા છે. નોર્થ અને સાઉથ ડકોટામાં મૃત્યુદર સૌથી ઊંચો છે.

યુરોપમાં ફ્રાન્સમાં રવિવારે રેકોર્ડબ્રેક 38,619 નવા કેસ નોંધાયા છે. જ્યારે શનિવારે 86,852 કેસ નોંધાયા હતા. જોકે આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે આંકડા મેળવવામાં તકલીફ થઈ છે અને તેમાં સોમવારે સુધારો કરવામાં આવશે.

ફ્રાન્સમાં ફરી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે 1 ડિસેમ્બર સુધી લાગુ રહેવાની સંભાવના છે.

યુનાઇટેડ કિંગડમમાં પણ 20,572 નવા કેસ નોંધાયા છે અને 156 દરદી મૃત્યુ પામ્યા છે, કુલ મૃતકાંક 49,044એ પહોંચ્યો છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર દુનિયામાં 8 નવેમ્બર, રવિવારે 9 લાખ 69 હજાર કોરોના વાઇરસના કેસ નોંધાયા છે.

પોર્ટુગલના મોટા ભાગોમાં સોમવારથી કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. સ્વિત્ઝર્લૅન્ડમાં સૈન્યના જે 200 ડૉક્ટરને રિઝર્વ રાખવામાં આવ્યા હતા તેમને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

અલ્જિરિયાએ દેશના 48 ભાગમાંથી 20 ભાગમાં જે કર્ફ્યૂ લગાવ્યો હતો તેને બીજા નવ ભાગમાં વધારી દેવામાં આવ્યો છે.

દુનિયામાં કોરોના વાઇરસનો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં ડિસેમ્બર મહિનામાં નોંધાયો હતો.

ભારતમાં કેવી છે સ્થિતિ?

સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 45,903 કોરોના વાઇસના કેસ નોંધાયા છે. ભારતમાં કુલ કોરોના વાઇરસના કેસની સંખ્યા 85 લાખને પાર પહોંચી છે.

ભારતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 5 લાખ 9 હજાર છે. દેશમાં કોરોના વાઇરસના કારણે 1 લાખ 26 હજાર દરદી મૃત્યુ પામ્યા છે.

ભારતના છેલ્લાં પાચ દિવસનો ટ્રેન્ડ જોઈએ તો વિશ્વ આરોગ્ય સંગઠનની વેબસાઇટ પ્રમાણે 3 નવેમ્બરે 38 હજાર કેસ નોંધાયા હતા. ત્યારબાદ 4 નવેમ્બરે 46, 253 કેસ નોંધાયા હતા. જેમાં 5 નવેમ્બરે વધારો થતાં દેશમાં 50 હજાર કેસ નોંધાયા હતા.

6 નવેમ્બરે 47 હજાર કેસ અને 7 નવેમ્બરે 50 હજાર કેસ નોંધાયા હતા. જેમાં આઠ તારીખે ઘટાડો થઈને 45 હજાર કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં પોણા બે લાખથી વધારે કેસ

ગુજરાતમાં સોમવારે 971 નવા કેસ નોંધાયા હતા. કુલ દરદીઓની સંખ્યા 181670એ પહોંચી હતી. જ્યારે કુલ મૃતકાંક 3768એ પહોંચ્યો છે.

ગુજરાતમાં રવિવારે કોરોના વાઇરસના 1020 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1 લાખ 80 હજારને પાર પહોંચી છે.

ગુજરાતમાં હાલ સુધીમાં 3763 દરદીઓના મૃત્યુ થયા છે.

અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર હવે ગુજરાતમાં અમદાવાદમાં કોરોના વાઇરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.

છેલ્લાં ત્રણ મહિનાના કોરોના વાઇરસના કેસની ઍવરેજ કાઢવામાં આવે તો ઑક્ટોબર મહિનામાં ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં ઍવરેજ 182 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં સપ્ટેમ્બરમાં જે 282 હતા તે ઘટીને 249 એ આવ્યા છે. જ્યારે રાજકોટ, વડોદરા અને જામનગરમાં પણ ઘટ્યા છે.

રાજ્યમાં છેલ્લાં પાંચ દિવસમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો 7 નવેમ્બરે 1046 કેસ નોંધાયા, 6 નવેમ્બરે 1035 કેસ નોંધાયા, 5 નવેમ્બરે 990 કેસ નોંધાયા હતા, જ્યારે 4 નવેમ્બરે 975 કેસ નોંધાયા હતા. આમ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો