IPL 2020 : વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ પાંચ કારણોને લીધે IPLમાંથી ફેંકાઈ ગઈ

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વિરાટ કોહલી દર વખતની જેમ આ વર્ષે પણ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઈપીએલની ટ્રૉફી જીતાડી ન શક્યા.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (આરસીબી) આઈપીએલની શરૂઆત કરી તે જોઈને લાગતું હતું કે આઈપીએલની જીત માટેની મજબૂત દાવેદાર છે.

આરસીબીએ પહેલી દસ મૅચમાંથી સાત મૅચ જીતીને ક્વૉલિફાયરમાં પહોંચવા માટે જગ્યા બનાવી હતી. પરંતુ પછીની ચારેય ગેમ આરસીબી હારી ગઈ. જેના કારણે ક્વૉલિફાયરમાં જગ્યા બનાવવા માટે અમુક વખતે તેને બીજી ટીમની હાર-જીત પર આધાર રાખવો પડ્યો હતો. જોકે નેટ રનરેટના કારણે છેવટે આરસીબી ક્વૉલિફાય કરી શકી.

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ક્વૉલિફાયર મૅચમાં આરસીબી છ વિકેટે હાર્યું અને તેની ફાઇનલમાં પહોંચવાની આશા ધૂંધળી બની ગઈ.

આરસીબી આઈપીએલની 13 સિઝનમાં ત્રણ વખત ફાઇનલ સુધી પહોંચી છે અને હારી છે.

ગત ત્રણ સિઝનની વાત કરીએ તો રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. 2018 અને 2019માં ટીમ પૉઇન્ટ ટેબલમાં સાવ છેલ્લા ક્રમે રહી હતી. જ્યારે 2018માં છઠ્ઠા ક્રમે રહી હતી.

આઠ વર્ષ સુધી આઈપીએલમાં એક પણ ટાઇટલ જીત્યું ન હોવાના કારણે ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને હારની જવાબદારી લેવા કહ્યું અને આરસીબીએ વિરાટ કોહલીથી આગળ નીકળીને નવા કૅપ્ટન વિશે વિચારવું જોઈએ એવી વાત કરી છે.

આઈપીએલમાં આરસીબીની હારનાં એ કારણો પર ચર્ચા કરીએ તો પહેલું કારણ આરસીબીમાં નિષ્ફળ ગયેલાં બૅટ્સમૅનો છે.

બૅટ્સમૅન નિષ્ફળ

હૈદરાબાદ સામેની ક્વૉલિફાયર મૅચમાં આરસીબીના મોટા ભાગના બેટ્સમૅન નિષ્ફળ ગયા હતા.

શરૂઆતમાં વિરાટ કોહલી અને દેવદત્ત પડ્ડિકલની વિકેટ જલદી જતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

ફિંચે ત્યારબાદ રમત આગળ વધારી હતી, પરંતુ ખરાબ શૉટ રમીને તેઓ આઉટ થયા હતા. તે પછી આવેલા એબી ડિવિલર્સે પણ સારી ગેમ રમી હતી. ત્યારબાદ કોઈ ખેલાડી રમી શક્યા ન હતા.

આખી આઈપીએલની વાત કરીએ તો આરસીબીની ટીમના એક પણ ખેલાડીએ સદી નોંધાવી નથી.

ઉપરાંત દેવદત્ત પડ્ડિકલ, વિરાટ કોહલી અને ડિવિલર્સ- આ ત્રણ ખેલાડીએ જ 400થી વધારે રન બનાવ્યા છે.

ઍરોન ફિંચે 268 રન બનાવ્યા છે. જ્યારે શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર સહિત કોઈ ખેલાડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું નથી.

મોટી ઇનિંગ્સની વાત કરીએ તો વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડિકલ અને એબી ડિવિલર્સમાંથી માત્ર દેવદત્ત પડ્ડિકલે પાંચ વખત અડધી સદી નોંધાવી છે.

જ્યારે વિરાટ કોહલીએ ત્રણ વખત અડધી સદી નોંધાવી છે. ઍરોન ફિંચે 12 મૅચમાં માત્ર એક જ અડધી સદી નોંધાવી છે. આ ઉપરાંત એક પણ ખેલાડીએ સારી બૅટિંગ કરી નથી.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે છેલ્લી પાંચ મૅચમાં સાવ સામાન્ય સ્કોર કર્યો છે. પહેલા ચારમાંથી માત્ર બે જ ખેલાડીએ સારી બૅટિંગ કરી છે.

વિરાટ કોહલીએ મૅચ પછી કહ્યું કે "આરસીબી માટે આ એક વિચિત્ર સમય ચાલી રહ્યો છે. અમારા ખેલાડીઓએ ખૂબ સારા શૉટ રમ્યા હતા પરંતુ તે પણ ફિલ્ડરના હાથમાં જતા હતા."

પાંચમા અને છઠ્ઠા ક્રમે હાર્ડ હિટરની જરૂર

મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પાંચમા અને છઠ્ઠા ક્રમે બૅટિંગ કરવા આવતા કૅરન પૉલાર્ડ અને હાર્દિક પંડયાએ અનેક મૅચની બાજી પલટી નાખી હતી. આ પ્રકારની મૅચ બદલનારા કોઈ ખેલાડી આરસીબીમાં નથી.

આરસીબીમાં જે ખેલાડીઓએ સૌથી વધારે રન બનાવ્યા છે, તે પહેલા ચાર ક્રમે આવતા જ ખેલાડી છે.

બાકીના પાંચમા અને છઠ્ઠા ક્રમે આવનારા કોઈ ખેલાડી 150થી વધારે રન કરી શક્યા નથી.

આખી ટીમના બૅટિંગ ડિપાર્ટમૅન્ટનો બોજ ડિવિલર્સ પર જોવા મળે છે. તેમણે તૈયારી કરેલી ગેમને કોઈ આગળ ધપાવી શક્યું નહીં. જેના કારણે ટીમ સારો ટોટલ બનાવી ન શકી.

ગૌતમ ગંભીરે કહ્યું હતું, "જો ડિવિલર્સની એકાદ સિઝન ખરાબ ગઈ હોત તો તમે શું કરત. તેના કારણે જ તમે પહેલા મૅચ જીત્યા છો. આખી ટીમે કાંઈ ખાસ કર્યું નથી. ટીમે કરવાની જરૂર છે."

ઈજાગ્રસ્ત પ્લેયર અને ઝડપી બૉલર નિષ્ફળ

આરસીબીની ટીમના મહત્ત્વના ખેલાડીઓની ઈજા ટીમને ભારે પડી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં ઑલરાઉન્ડર ક્રિસ મૉરિસ ઈજાના કારણે બહાર બેઠા હતા.

આ પહેલાં પહેલી ચાર મૅચમાં પર તેઓ ઈજાના કારણે બહાર બેઠા હતા.

આ ઉપરાંત આરસીબીને સુપર ઓવરમાં જીત અપાવનાર નવદીપ સૈની પણ ઈજાના કારણે બે મૅચમાં બહાર બેઠા હતા.

આરસીબીની ટીમમાં યુજવેન્દ્ર ચહલે આખી આઈપીએલમાં 15 મૅચમાં 21 વિકેટ લીધી છે.

ત્યારબાદ ટીમમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી ક્રિસ મૉરિસ અને મોહમ્મદ સિરાજ છે, જેમણે માત્ર આખી ટુર્નામૅન્ટમાં 11 વિકેટ લીધી છે.

વૉશિંગ્ટન સુંદરે ઓછા રન આપીને સારી ઓવર નાખી હતી. તેમણે આખી સિઝનમાં રમેલી 15 મૅચમાં માત્ર 5.96ની ઇકૉનૉમીથી રન આપ્યા હતા.

સિનિયર બૉલર ડેલ સ્ટેઇન અને ઉમેશ યાદવને શરૂઆતની મૅચમાં ખૂબ જ રન પડ્યા હતા. જેના કારણે આ બંનેને આગળની સિઝનમાં રમાડવામાં આવ્યા નહોતા.

ડેલ સ્ટેઇને ત્રણ મૅચમાં 11.40ની ઇકૉનૉમીથી અને ઉમેશ યાદવે 11.85ની ઇકૉનૉમીથી રન આપ્યા હતા.

નવદીપ સૈની તેર મૅચ રમ્યા હતા પરંતુ વધુ વિકેટ લઈ શક્યા ન હતા. તેઓ માત્ર છ વિકેટ લઈ શક્યા હતા.

આમ ટીમનો સ્પિન ઍટેક સારો હતો પરંતુ બૉલર્સ નબળા પુરવાર થયા હતા.

પ્લાનિંગ, પસંદગી અને કૅપ્ટનશિપ સામે સવાલ

સંજય માંજરેકરે ટીમની પસંદગી પર ટ્વીટ કરીને લખ્યું છે કે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે તેમના એક્ઝિક્યુશનને લઈને કોઈ વાત નથી. પરંતુ તેમની ટીમની પસંદગીને લઈને વાત છે. વર્ષો વર્ષ પછી પણ તે સામાન્ય ખાડાઓને પૂરવામાં નિષ્ફળ જાય છે. તેઓ પોતાની જાતને આઈપીએલમાં નબળા બનાવી રહ્યા છે.

ટીમમાં જોવા મળે છે કે મિડલ ઑર્ડર અને લોઅર મિડલ ઑર્ડરમાં કોઈ ખાસ ખેલાડી નથી. બધો આધાર ડિવિલર્સ પર રહેલો છે. ટીમને લૉઅર ઑર્ડરમાં એક હાર્ડ હિટરની પણ જરૂરિયાત છે.

ગૌતમ ગંભીરે વિરાટ કોહલીએ હૈદરાબાદ સામેની મૅચમાં કરેલી ઓપનિંગ પર પ્રશ્નો ઊભા કરીને કહ્યું :

"જો વિરાટ કોહલીએ ઓપનિંગ બૅટિંગ કરવી હતી તો ટુર્નામૅન્ટની શરૂઆતથી જ કરવાની જરૂર હતી અને જો તેઓ ઓપનિંગ કરવા ઇચ્છતા હતા તો તેમણે મિડલ ઑર્ડરમાં એક ખેલાડીને ઑક્શનમાં ખરીદવાની જરૂર હતી."

"ટીમ માત્ર વિરાટ કોહલી અને એબી ડિવિલર્સ સુધી ફરી સીમિત થઈ ગઈ."

વિરાટ કોહલીની કૅપ્ટનશિપ પર પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું :

"કોહલીએ જવાબદારી લેવાની જરૂર છે. તમે જુઓ આર. અશ્વિન બે વર્ષ સુધી કિંગ્સ ઇલેવન પંજાબના કૅપ્ટન રહ્યા પરિણામ ન આવ્યું તો તેમણે છોડી દીધી."

"ધોનીએ ત્રણ ટાઇટલ જીત્યાં છે, રોહિત શર્માએ ચાર ટાઇટલ જીત્યાં છે. તમે કૅપ્ટન છો તમારે ડિલિવર કરવું પડશે. જો રોહિત શર્મા આઠ વર્ષમાં ડિલિવર ન કરત તો તેણે કૅપ્ટનશિપ છોડવી પડત."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો