રૉમેન્ટિક ફોટોશૂટ બદલ સોશિયલ મીડિયામાં કપલ ટ્રોલ કેમ થયું?

ઇમેજ સ્રોત, Ahkhil Karthikeyan
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
થોડા દિવસો પહેલાં ભારતીય દંપતી લક્ષ્મી અને ઋષિનું પૉસ્ટ-વેડિંગ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું અને લોકોએ તેમને ખરાબ રીતે ટ્રોલ કર્યાં હતાં.
બીબીસી સાથે વાત કરતાં દંપતી જણાવ્યું કે ફોટોશૂટને સોશિયલ મીડિયાથી નહીં હઠાવે, કારણ કે આમ કરવાનો એ અર્થ થશે કે તેઓ ધમકીઓથી ડરી ગયાં છે.
પૉસ્ટ-વેડિંગ ફોટોશૂટમાં દંપતી નયનરમ્ય ચાના બગીચાની અંદર સફેદ કમ્ફર્ટર પહેરીને હસતાં, આલિંગન કરતાં અને એકબીજાનો પીછો કરતા જોઈ શકાય છે.
સપ્ટેમ્બરમાં યોજાયેલા એક સાદા સમારંભમાં લગ્નગ્રંથિથી જોડાયલાં લક્ષ્મી અને ઋષિ કાર્તિક કહે છે કે ફોટોશૂટ કરાવવાનું એટલા માટે નક્કી કર્યું કે તેમને લાગ્યું કે આનાથી તેમનાં લગ્ન "યાદગાર" બની જશે.
કેરળના એર્નાકુલમમાં સ્થિત તેમના ઘરેથી લક્ષ્મીએ મને ફોન પર કહ્યું, "અમારાં અરેન્જ-કમ-લવ મૅરેજ હતાં."
"ગયા વર્ષે પરિવારજનો થકી અમારો પરિચય થયો, જે બાદ હું અને ઋષિ મળ્યાં અને પ્રેમમાં પડ્યાં."

લગ્નને યાદગાર બનાવવા ફોટોશૂટ કરાવ્યું

ઇમેજ સ્રોત, AKHIL KARTHIKEYAN
ઋષિ ટેલિકૉમ કંપનીમાં કામ કરે છે અને લક્ષ્મીએ હાલમાં જ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
આ દંપતીએ એપ્રિલમાં ભવ્ય લગ્નનું આયોજન કર્યું હતું, પરંતુ કોરોના વાઇરસ સંક્રમણના કારણે તે શક્ય ન બન્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માર્ચ મહિનામાં ભારત સરકારે સમગ્ર દેશમાં કડક લૉકડાઉનની જાહેરાત કરી અને સંક્રમણને અટકાવવા માટે દરેક પ્રકારનાં આયોજન પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ અને સરકારે નાના લગ્નસભારંભોને પણ મંજૂરી આપી. લક્ષ્મી અને ઋષિ કાર્તિક વધુ રાહ જોવા માગતાં નહોતાં અને 16 સપ્ટેમ્બરે પોતાના ગામ કોલ્લમના એક મંદિરમાં બંને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં.
લક્ષ્મી યાદ કરે છે, "આ બહુ આનંદદાયક અને સુખદ લગ્નપ્રસંગ હતો, પરંતુ તેમાં પરિવારજનો અને નજીકના મિત્રો જ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે ફક્ત 50 મહેમાનો માટેની પરવાનગી આપી હતી અને ઘણા બધા પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા."
લગ્ન સાદાઈથી થયાં હતાં અને એટલા માટે દંપતીએ એક "યાદગાર" ફોટોશૂટ કરવાનું નક્કી કર્યું.
કેરળ અને બીજાં રાજ્યોમાં ઘણાં યુગલો પરંપરાગત લગ્નની ફોટોગ્રાફી સિવાય મોટા પાયે ફોટોશૂટ પણ કરાવે છે.

લોકોએ કહ્યું, પૉર્ન ફિલ્મમાં કામ કરો

ઇમેજ સ્રોત, AKHIL KARTHIKEYAN
ઋષિની ઇચ્છા હતી કે લગ્ન બાદ જે ફોટોશૂટ થાય તે "રોમૅન્ટિક અને ઇન્ટિમેટ" હોય અને ઇન્ટરનેટ પર સર્ચ કર્યા બાદ તેમને એક "પરફેક્ટ આઇડિયા" મળ્યો.
ઋષિના ફોટોગ્રાફર મિત્ર અખિલ કાર્તિકેયને જણાવ્યું કે અમુક કલાકોની અંદર જ ફોટોશૂટ આટોપી લેવામાં આવ્યું હતું.
દંપતીએ હોટલના રૂમથી કમ્ફર્ટર્સ ઉધાર લીધાં અને ચા એસ્ટેટના મેદાનને ફોટોશૂટ માટે પસંદ કરવામાં આવ્યું.
લક્ષ્મી કહે છે, "ફોટોશૂટમાં અમને બહુ મજા આવી. સમગ્ર શૂટ દરમિયાન અમે હસી રહ્યાં હતાં."
"અમે ફોટોશૂટને લઈને બહુ ઉત્સાહિત હતાં. આ અમારા હનીમૂનનો એક ભાગ હતું, હાલમાં જ લગ્ન થયાં હતાં અને લાગતું હતું કે જાણે અમે આઝાદ થઈ ગયાં છીએ."
તેઓ વધુમાં જણાવે છે કે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ફોટોશૂટના કારણે આટલી બધી સમસ્યા ઊભી થશે.
સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે થોડા દિવસો બાદ અખિલે ફેસબુક પર ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા. ઘણા યૂઝર્સે ફોટોશૂટને ટ્રોલ કર્યું અને તસવીરો માટે અભદ્ર અને શરમજનક શબ્દોનો ઉપયોગ કર્યો.
કેટલાકે તો આને 'પૉર્નોગ્રાફી' સુધી કહી નાખ્યું અને તેને કૉન્ડોમની જાહેરાત માટે ફિટ ગણાવ્યું. કેટલાકે રૂમ ભાડે લેવાની સલાહ પણ આપી દીધી.

ઘણા લોકોએ સમર્થન પણ કર્યું

ઇમેજ સ્રોત, AKHIL KARTHIKEYAN
લક્ષ્મી કહે છે, "બે દિવસ સુધી અમને સતત ધિક્કાર મળ્યો. લોકોએ કહ્યું કે અમે નગ્નતા દેખાડી રહ્યાં છીએ અને પૂછ્યું કે ફોટોશૂટ વખતે અમે કપડાં પહેર્યાં હતાં કે નહીં. અમુક લોકોએ કહ્યું કે અમે ધ્યાન ખેંચવા માટે અને પ્રસિદ્ધિ મેળવવા માટે આવું કરી રહ્યાં છીએ."
લક્ષ્મી જણાવે છે કે મોટા ભાગના અપશબ્દો તેમને નિશાન બનાવીને કહેવામાં આવ્યા.
તેઓ કહે છે, "આ મારા માટે ખરેખર આઘાતજનક હતું. તેઓ ઋષિ કરતાં મને વધુ પરેશાન કરી રહ્યા હતા. તેઓ કહેતા કે મારે અશ્લીલ ફિલ્મોમાં અભિનય કરવો જોઈએ, મારા શરીરનું અપમાન કરવામાં આવ્યું હતું."
"ટ્રોલમાં ઘણી બધી મહિલાઓ પણ સામેલ હતી. વર્ષો પહેલાંના મારા મેકઅપ વગરના ફોટો મેળવીને તેઓ મારી સરખામણી કરતાં અને કહેતા કે જુઓ કે આ ફોટામાં તે કેટલી કદરૂપી લાગે છે."
પરંતુ થોડા દિવસો બાદ લોકોએ ટ્રોલ સામે બોલાવવાનું શરૂ કર્યું અને આ કપલને સમર્થન આપવાનું શરૂ કર્યું.
ફોટોને આકર્ષક અને સુંદર ગણાવીને લોકોએ દંપતીને ટીકાત્મક ટિપ્પણીઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી.
એક મહિલાએ કહ્યું કે તેમને એ સમય યાદ આવી ગયો જ્યારે એક પરિણીત દંપતી એકબીજાનો હાથ પકડવા માટે પણ ખચકાટ અનુભવતા હતાં. તેમણે ઋષિ કાર્તિકને સલાહ આપી કે ટ્રોલ્સને ભૂલીને ખુશ રહો.

'અમે ટ્રોલ સામે નહીં ઝૂકીએ'

ઇમેજ સ્રોત, AKHIL KARTHIKEYAN
લક્ષ્મી કહે છે, "જે ટ્રોલ્સ અમારો વિરોધ કરી રહ્યા હતા, તેમની વિશે અમને કોઈ માહિતી નહોતી. જે લોકો અમારું સમર્થન કરી રહ્યા હતા, અમે તે લોકો વિશે પણ અજાણ હતા, પરંતુ આનાથી અમને બહુ ખુશી થઈ."
પરંતુ અજાણ્યા સોશિયલ મીડિયા ટ્રોલની સાથેસાથે દંપતીને રૂઢિચુસ્ત સંબંધીઓનો પણ ગુસ્સો સહન કરવો પડ્યો, જેમને આ ફોટોશૂટ મંજૂર નહોતું.
લક્ષ્મી કહે છે, "શરૂમાં અમારાં માતાપિતાને પણ આઘાત લાગ્યો હતો, પરંતુ અમે તેમને સમજાવ્યું કે શા માટે અમે આવું કરવા માગતાં હતાં. છેવટે તેઓ સમજી ગયાં અને ત્યારબાદ અમારી પડખે છે. પરંતુ ઘણા સંબંધીઓએ અમારાં પર પશ્ચિમ સંસ્કૃતિની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો."
"અમને ફોન કરીને તેમણે પૂછ્યું કે આની શું જરૂર છે? તેઓએ કહ્યું, શું તમે અમારી સંસ્કૃતિને ભૂલી ગયા છો?"
ઘણાએ દંપતીને ફોટોગ્રાફ હઠાવી લેવા જણાવ્યું અને લક્ષ્મી અને ઋષિને કૌટુંબિક વૉટ્સઍપ ગ્રૂપથી બાકાત કરી દેવામાં આવ્યાં.
પરંતુ દંપતી કહે છે કે તેઓ પોતાની તસવીર નહીં હઠાવે.
લક્ષ્મી કહે છે, "જો અમે આમ કરીશું તો બધા તેને અમારા અપરાધની સ્વીકૃતિ તરીકે લેશે, જાણે કે અમે કંઈ ખોટું કર્યું છે. પરંતુ અમે કંઈ ખોટું કર્યું નથી. ફોટોશૂટ કરતી વખતે અમે કમ્ફર્ટર કપડાં પણ પહેર્યાં હતાં."
તેઓ વધુમાં જણાવે છે, "શરૂમાં અમારાં બંને માટે આ સહન કરવું બહુ અઘરું હતું, પરંતુ હવે અમે ટેવાઈ ગયાં છીએ. અમે જાણી ગયાં છીએ કે સમાજ કેવો હોય છે અને સમાજની સાથે જીવવા શીખી ગયાં છીએ."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












